Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -

૧ શમુએલ 11 - પવિત્ર બાઇબલ C.L.


આમ્મોનીઓનો પરાજય

1 ત્યાર પછી ગિલઆદના પ્રદેશના યાબેશ નગર પર આમ્મોનના નાહાશે ચઢાઈ કરી. તેના લશ્કરે નગરને ઘેરો ઘાલ્યો અને યાબેશના માણસોએ નાહાશને કહ્યું, “અમારી સાથે કરાર કર એટલે અમે તારે શરણે આવીશું.”

2 પણ નાહાશે તેમને કહ્યું, “તમારા બધાની જમણી આંખ ફોડી નાખવામાં આવે અને એમ સમસ્ત ઇઝરાયલ પર કલંક લાગે, એ શરતે હું તમારી સાથે કરાર કરીશ.”

3 યાબેશના આગેવાનોએ કહ્યું, “અમને સાત દિવસની મુદત આપ; જેથી અમે સમગ્ર ઇઝરાયલમાં સંદેશકો મોકલીએ. પછી અમને બચાવનાર કોઈ નહિ હોય તો અમે તારે શરણે આવીશું.”

4 શાઉલ રહેતો હતો ત્યાં ગિબ્યામાં સંદેશકો આવી પહોંચ્યા અને જ્યારે તેમણે સમાચાર આપ્યા ત્યારે લોકો પોક મૂકીને રડવા લાગ્યા.

5 એ જ વખતે શાઉલ ખેતરમાંથી પોતાના બળદને લઈને આવતો હતો. તેણે પૂછયું, “શું થયું છે? બધા કેમ રડે છે?” તેમણે તેને યાબેશથી આવેલા સંદેશકોએ આપેલા સમાચાર જણાવ્યા.

6 એ સાંભળતાં ઈશ્વરના આત્માએ શાઉલનો એકાએક કબજો લીધો અને તેને ખૂબ ઝનૂન ચઢી આવ્યું.

7 તેણે બે બળદો લઇને તેમના ટુકડા કર્યા અને આવો સંદેશો લઈને ટુકડાઓ સાથે સંદેશકો મોકલ્યા, “જે કોઈ શાઉલ અને શમુએલની સાથે લડાઈમાં નહિ જાય તેમના બળદોની આવી દશા થશે.” ઇઝરાયલના લોકોને પ્રભુનો ભય લાગ્યો અને તેઓ સૌ એક મનના થઈને આવ્યા.

8 શાઉલે બેઝેકમાં તેમની ગણતરી કરી: ઇઝરાયલમાંથી ત્રણ લાખ અને યહૂદિયામાંથી ત્રીસ હજાર હતા.

9 તેમણે ગિલ્યાદ પ્રદેશના સંદેશકોને કહ્યું, “તમારા લઠોકને કહેજો કે આવતી કાલે બપોર પહેલાં તમારો બચાવ થશે.” સંદેશો સાંભળીને યાબેશના લોકો ખૂબ આનંદમાં આવી ગયા.

10 તેમણે નાહાશને કહ્યું, “અમે આવતી કાલે તમારે શરણે આવી જઇશું. પછી તમને યોગ્ય લાગે તેમ કરજો.”

11 બીજે દિવસે સવારે શાઉલે લોકોની ત્રણ ટુકડીઓ પાડી અને વહેલી સવારે શત્રુની છાવણીમાં ધૂસી જઈ આમ્મોનીઓ પર હુમલો કર્યો. બપોર સુધી તેમણે તેમની ક્તલ કરી. બાકી રહી ગયેલા આમતેમ એકલાઅટૂલા ભાગી છૂટયા.

12 પછી ઇઝરાયલના લોકોએ શમુએલને કહ્યું, “શાઉલ અમારો રાજા ન થાય એવું કહેનાર લોકો ક્યાં છે? અમારા હાથમાં તેમને સોંપી દો એટલે અમે તેમને મારી નાખીશું.”

13 પણ શાઉલે કહ્યું, “આજે કોઈને મારી નાખવાનો નથી. કારણ, આજે પ્રભુએ ઈઝરાયલનો ઉદ્ધાર કર્યો છે.”

14 શમુએલે તેમને કહ્યું, “ચાલો, ગિલ્ગાલ જઇને ત્યાં શાઉલને આપણા રાજા તરીકે નવાજીએ.”

15 તેથી તેઓ સૌ ગિલ્ગાલ ગયા અને ત્યાં તેમણે પ્રભુની સમક્ષ શાઉલને રાજા તરીકે જાહેર કર્યો. તેમણે સંગતબલિ અપ્યાર્ં અને શાઉલે તથા ઇઝરાયલના સર્વ લોકોએ ખૂબ આનંદ કર્યો.

Gujarati Common Language Bible - પવિત્ર બાઇબલ C.L.

Copyright © 2016 by The Bible Society of India
Used by permission. All rights reserved worldwide

Bible Society of India
Lean sinn:



Sanasan