Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -

૧ શમુએલ 10 - પવિત્ર બાઇબલ C.L.

1 પછી શમુએલે તેની શીશી લઈને શાઉલના માથા પર તેલ રેડયું અને તેને ચુંબન કરતાં કહ્યું, “પ્રભુએ પોતાના ઇઝરાયલી લોકો પર રાજા તરીકે તારો અભિષેક કર્યો છે. તું પ્રભુના લોક પર રાજ કરીશ અને તેમને તેમના સર્વ શત્રુઓથી બચાવીશ. ઈશ્વરે પોતાના લોકો પર તને રાજા તરીકે પસંદ કર્યો છે તેનો આ પુરાવો છે.

2 આજે તું મારી પાસેથી જઈશ એટલે બિન્યામીનના પ્રદેશમાં સેલ્સામાં આવેલી રાહેલની કબર નજીક તને બે માણસો મળશે. તેઓ તને કહેશે કે તમે જે ગધેડાં શોધો છો તે મળી ગયાં છે અને તેથી તમારા પિતા હવે તેમની નહિ, પણ તમારી ચિંતા કરે છે અને કહ્યા કરે છે, “મારા દીકરા માટે શું કરું?”

3 ત્યાંથી તું આગળ તાબોરના પવિત્ર એલોનવૃક્ષ સુધી જઈશ અને ત્યાં તને બેથેલમાં ઈશ્વરને અર્પણ ચઢાવવા જતા ત્રણ માણસો મળશે. એમાંના એકની પાસે બકરીના ત્રણ બચ્ચાં, બીજાની પાસે ત્રણ રોટલી અને ત્રીજાની પાસે દ્રાક્ષાસવ ભરેલી ચામડાની મશક હશે.

4 તેઓ તને અભિવંદન કરશે અને બે રોટલી આપશે; તું તે સ્વીકારજે.

5 પછી તું ગિબ્યામાં ઈશ્વરના પર્વતે જઈશ. જ્યાં પલિસ્તીઓની છાવણી હશે. નગરના પ્રવેશદ્વારે તને સિતાર, ડફ, વાંસળી અને વીણા વગાડતા અને પર્વત પરની વેદી પરથી ઊતરી આવતા સંદેશવાહકોની એક ટોળી મળશે. તેઓ ગાનતાનમાં તલ્લીન હશે.

6 એ જ સમયે પ્રભુનો આત્મા તારો કબજો લેશે. તું તેમની સાથે નાચવામાં જોડાઈને ગાનતાનમાં તલ્લીન થઈ જઈશ અને બદલાઇ જઇને જુદી જ વ્યક્તિની જેમ વર્તીશ.

7 આ ચિહ્નો પ્રમાણે બધું બને ત્યારે તને સૂઝે એ રીતે વર્તન કરજે, કારણ, ઈશ્વર તારી સાથે છે.

8 તું મારી અગાઉ ગિલ્ગાલ જજે. ત્યાં હું તને મળીશ અને દહનબલિ અને સંગતબલિ ચઢાવીશ. હું આવું ત્યાં સુધી ત્યાં સાત દિવસ થોભજે અને પછી શું કરવું તે હું કહીશ.”

9 શાઉલ શમુએલ પાસેથી નીકળ્યો કે ઈશ્વરે તેને નવો સ્વભાવ આપ્યો. તે જ દિવસે શમુએલે કહેલાં ચિહ્નો પ્રમાણે બધું બન્યું.

10 શાઉલ અને તેનો નોકર ગિબ્યામાં આવ્યા એટલે સંદેશવાહકોની ટોળી તેમને મળી. ઈશ્વરના આત્માએ શાઉલનો એકાએક કબજો લીધો એટલે તે પણ તલ્લીન થઇને સંદેશા ઉચ્ચારવા લાગ્યો.

11 તેના ઓળખીતા લોકોએ તેને તેમ કરતાં જોયો અને એકબીજાને કહેવા લાગ્યા, “કીશના પુત્રને શું થયું છે? શું શાઉલ પણ સંદેશવાહકનો પુત્ર છે?”

12 ત્યાંના એક રહેવાસીએ પૂછયું, “બીજાઓ વિષે શું? શું તેમના પૂર્વજો સંદેશવાહકો છે?” એ ઉપરથી એવી કહેવત પડી કે, “શું શાઉલ પણ સંદેશવાહક બની ગયો છે?”

13 શાઉલ તલ્લીન થઈને જે સંદેશ ઉચ્ચારતો હતો તે પૂરો થયા પછી તે પર્વત પર વેદી પાસે ગયો.

14 શાઉલના ક્કાએ તેને અને તેના નોકરને પૂછયું, “તમે ક્યાં હતા?” શાઉલે જવાબ આપ્યો, “અમે ગધેડાં શોધતા હતા. તે ન મળ્યાં એટલે એ અંગે પૂછવા અમે શમુએલની પાસે ગયા હતા.”

15 શાઉલના ક્કાએ પૂછયું, “તેણે તમને શું કહ્યું?”

16 શાઉલે જવાબ આપ્યો, “ગધેડાં મળ્યાં છે.” પણ પોતે રાજા બનવાનો છે એ અંગે શમુએલે તેને જે કહ્યું હતું તે તેણે તેના ક્કાને કહ્યું નહિ.


શાઉલની રાજા તરીકેની જાહેરાત

17 શમુએલે લોકોને પ્રભુની સમક્ષ મિસ્પામાં એકઠા કર્યા.

18 તેણે ઇઝરાયલીઓને કહ્યું, “ઇઝરાયલના ઈશ્વર પ્રભુ કહે છે, ‘મેં તમને ઇજિપ્તમાંથી મુક્ત કર્યા અને ઇજિપ્તીઓ તેમ જ તમને દુ:ખ દેનાર સર્વ પ્રજાઓથી તમને બચાવ્યા.

19 તમારાં સર્વ દુ:ખો અને મુશ્કેલીઓમાંથી તમને બચાવનાર હું તમારો ઈશ્વર છું. પણ આજે તમે મારો નકાર કર્યો છે અને તમારા પર રાજા નીમવાની માગણી કરી છે. તો ભલે, હવે કુળ અને કુટુંબ પ્રમાણે મારી સમક્ષ રજૂ થાઓ.”

20 પછી શમુએલ પ્રત્યેક કુળને આગળ લાવ્યો અને ઈશ્વરે બિન્યામીનના કુળને પસંદ કર્યું.

21 પછી શમુએલ બિન્યામીનના કુળના કુટુંબોને આગળ લાવ્યો. તો માત્રીનું કુટુંબ પસંદ કરાયું. પછી માત્રીના કુટુંબના માણસો આગળ આવ્યા, તો કીશનો પુત્ર શાઉલ પસંદ કરાયો.

22 તેમણે તેને શોયો, પણ તે તેમને મળ્યો નહિ, ત્યારે તેમણે ફરીને પ્રભુને પૂછયું, “તે માણસ આવ્યો છે કે નહિ?” પ્રભુએ જવાબ આપ્યો, “શાઉલ સરસામાન પાછળ સંતાયેલો છે?”

23 તેથી તેઓ દોડીને શાઉલને લોકો સમક્ષ લઇ આવ્યા. તે તેમની મધ્યે ઊભો રહ્યો ત્યારે બીજા બધા કરતાં વેંતભર ઊંચો દેખાતો હતો.

24 શમુએલે લોકોને કહ્યું, “પ્રભુએ પસંદ કરેલો માણસ આ છે. આપણામાં તેના જેવો બીજો એકેય નથી.” સર્વ લોકોએ પોકાર કર્યો, “રાજા અમર રહો.”

25 શમુએલે લોકને રાજાના હક્ક અને ફરજોની સમજ આપી. પછી તે પુસ્તકમાં લખીને પવિત્રસ્થાનમાં મૂકયું. પછી તેણે સૌને પોતપોતાને ઘેર વિદાય કર્યા.

26 શાઉલ પણ ગિબ્યામાં પોતાને ઘેર ગયો. ઈશ્વરે જેમનાં દયને સ્પર્શ કર્યો હતો એવા કેટલાક શૂરવીર માણસો તેની સાથે ગયા.

27 પણ કેટલાક દુરાચારી લોકોએ કહ્યું, “આ માણસ આપણને કેવી રીતે બચાવી શકશે?” તેમણે શાઉલનો તિરસ્કાર કર્યો અને તેને કંઇ ભેટ આપી નહિ. પણ શાઉલ મૌન રહ્યો.

Gujarati Common Language Bible - પવિત્ર બાઇબલ C.L.

Copyright © 2016 by The Bible Society of India
Used by permission. All rights reserved worldwide

Bible Society of India
Lean sinn:



Sanasan