Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -

૧ શમુએલ 1 - પવિત્ર બાઇબલ C.L.


શીલોમાં એલ્કાના અને તેનું કુટુંબ

1 એલ્કાના નામે એક માણસ હતો. તે એફ્રાઈમના પહાડી પ્રદેશના રામા નગરમાં રહેતો હતો. તે એફ્રાઈમના કુળનો હતો. તે સૂફના પુત્ર તોહુના પુત્ર એલીહૂના પુત્ર યરોહામનો પુત્ર હતો.

2 એલ્કાનાને બે પત્નીઓ હતી: હાન્‍ના અને પનિન્‍ના. પનિન્‍નાને બાળકો હતાં, પણ હાન્‍નાને કોઈ સંતાન નહોતું.

3 એલ્કાના દર વર્ષે પોતાના નગરથી ‘યાહવે-સબાયોથ’ એટલે સેનાધિપતિ પ્રભુની ભક્તિ કરવા અને બલિ ચઢાવવા શીલો જતો. ત્યાં એલીના બે પુત્રો હોફની અને ફિનહાસ પ્રભુના યજ્ઞકારો હતા.

4 જ્યારે જ્યારે એલ્કાના અર્પણ ચઢાવતો ત્યારે ત્યારે તે પનિન્‍ના અને તેના પુત્રો અને પુત્રીઓને હિસ્સો આપતો.

5 પણ હાન્‍ના પર તે પ્રેમ કરતો હોવા છતાં તે તેને હિસ્સાનો માત્ર એક જ ભાગ આપી શક્તો. કારણ, પ્રભુએ તેને નિ:સંતાન રાખી હતી.

6 હાન્‍નાની શોક પનિન્‍ના તેને દુ:ખ આપતી અને તેને ઉતારી પાડતી. કારણ, પ્રભુએ હાન્‍નાને બાળક વગરની રાખી હતી.

7 દર વર્ષે તેઓ પ્રભુના ભક્તિસ્થાનમાં જતાં ત્યારે પનિન્‍ના હાન્‍નાને એવી સતાવતી કે હાન્‍ના રડતી અને કંઈ ખાતી નહિ.

8 આવું વર્ષો સુધી ચાલ્યું. તેનો પતિ એલ્કાના તેને પૂછતો: “હાન્‍ના, તું શા માટે રડે છે? તું કેમ ખાતી નથી? તારું દિલ શા માટે ઉદાસ રહે છે? શું હું તારે માટે દસ પુત્રો કરતાં વિશેષ નથી?”


હાન્‍ના અને એલી

9 એક વાર શીલોમાં તેઓ ભોજન કરી રહ્યા પછી હાન્‍ના ઊભી થઈ. પ્રભુના ભક્તિસ્થાનના પ્રવેશ દ્વાર પાસે યજ્ઞકાર એલી પોતાના આસન પર બેઠો હતો.

10 હાન્‍નાનું દિલ બહુ દુ:ખી થઈ ગયું હતું, અને તે પ્રભુને રડી રડીને પ્રાર્થના કરતી હતી.

11 તેણે માનતા માની, “હે સેનાધિપતિ પ્રભુ, આ તમારી સેવિકાના દુ:ખ સામે જુઓ અને મને યાદ કરો. મને ના ભૂલશો. જો તમે મને પુત્ર આપશો તો હું તમને તેની આખી જિંદગી સુધી તેનું અર્પણ કરીશ અને તેના માથા પર અસ્ત્રો કદી ફરશે નહિ.”

12 હાન્‍નાએ લાંબો સમય પ્રભુને પ્રાર્થના કર્યા કરી અને એલી તેના હોઠ સામે જોઈ રહ્યો હતો.

13 હાન્‍ના મનમાં પ્રાર્થના કરતી હતી; ફક્ત તેના હોઠ હાલતા હતા, પણ કંઈ અવાજ સંભળાતો નહોતો. તેથી એલીએ ધાર્યું કે તે પીધેલી છે.

14 એલીએ તેને કહ્યું, “તું ક્યાં સુધી પીવાની લતમાં રહીશ? દ્રાક્ષાસવ પીવાનું છોડી દે.”

15 તેણે કહ્યું, “ગુરુજી, મને દુરાચારી ન માની લેશો. હું કંઈ પીધેલી નથી. હું દ્રાક્ષાસવ પીતી નથી. હું હતાશ થયેલી છું અને પ્રાર્થનામાં મારું અંતર પ્રભુ આગળ ઠાલવતી હતી.

16 મારા અતિશય દુ:ખ અને શોકને લીધે હું એવી રીતે પ્રાર્થના કરતી હતી.”

17 એલીએ તેને આશિષ આપતાં કહ્યું, “તારું કલ્યાણ થાઓ, ઇઝરાયલના ઈશ્વર તારી માગણી પૂરી કરો.”

18 “આ તમારી સેવિકા પર કૃપા રાખજો.” એમ કહી તે ત્યાંથી ગઈ. પછી તે થોડું જમી અને ત્યાર પછી દુ:ખી રહી નહિ.


શમુએલનો જન્મ અને અર્પણ

19 બીજે દિવસે સવારે એલ્કાના અને તેના કુટુંબે વહેલા ઊઠીને પ્રભુની ભક્તિ કરી. પછી તેઓ પોતાને ઘેર રામા ગયાં. એલ્કાનાએ પોતાની પત્ની હાન્‍નાનો સમાગમ કર્યો અને પ્રભુએ હાન્‍નાને યાદ કરી.

20 એમ સમય વીતતાં તે ગર્ભવતી થઈ અને તેને પુત્ર જન્મ્યો. તેણે તેનું નામ શમુએલ [અર્થાત્ પ્રભુએ સાંભળ્યું છે] પાડયું અને કહ્યું, “મેં પ્રભુ પાસે તેની માગણી કરી હતી.”

21 નિયત કરેલા વાર્ષિક બલિ તેમ જ પોતે માનેલાં ખાસ બલિ અર્પણ કરવા માટે એલ્કાના અને તેનું કુટુંબ શીલો ગયાં.

22 પણ હાન્‍ના ગઈ નહિ. તેણે તેના પતિને કહ્યું, “છોકરાને દૂધ મૂકાવ્યા પછી હું તેને તરત જ પ્રભુના ઘરમાં તેમની સમક્ષ લઈ જઈશ, અને તે જીવનભર ત્યાં જ રહેશે.”

23 એલ્કાનાએ જવાબ આપ્યો, “તને યોગ્ય લાગે તેમ કર અને દૂધ છોડાવ્યા સુધી તું ઘેર રહે. પ્રભુ તારી માનતા પૂરી કરો.” તેથી હાન્‍ના ઘેર રહી અને છોકરાને દૂધપાન કરાવતી રહી.

24 તેને દૂધ છોડાવ્યા પછી તે તેને શીલો લઈ ગઈ. તે પોતાની સાથે ત્રણ વર્ષનો વાછરડો, દસ કિલોગ્રામ લોટ અને ચામડાની મશક ભરીને દ્રાક્ષાસવ લઈ ગઈ. તે તેને શીલોમાં પ્રભુના ભક્તિસ્થાનમાં લઈ ગઈ ત્યારે તે બાળક જ હતો.

25 તેમણે વાછરડો કાપ્યો અને છોકરાને એલી પાસે લઈ ગયા.

26 હાન્‍નાએ એલીને પૂછયું, “ગુરુજી, તમે મને ઓળખો છો? તમે જે સ્ત્રીને અહીં ઊભી રહીને પ્રાર્થના કરતી જોઈ હતી તે જ હું છું.

27 મેં પ્રભુ પાસે આ છોકરાની માગણી કરી હતી, અને મેં માગ્યું હતું તે તેમણે મને આપ્યું છે.

28 તેથી હું પણ પ્રભુને તેનું સમર્પણ કરું છું. તે જિંદગીપર્યંત પ્રભુનો જ રહેશે.” પછી ત્યાં તેમણે પ્રભુ સમક્ષ ભૂમિ પર શિર ટેકવીને તેમનું ભજન કર્યું.

Gujarati Common Language Bible - પવિત્ર બાઇબલ C.L.

Copyright © 2016 by The Bible Society of India
Used by permission. All rights reserved worldwide

Bible Society of India
Lean sinn:



Sanasan