1 પિતર 5 - પવિત્ર બાઇબલ C.L.આગેવાનોને સૂચનાઓ 1 મંડળીના આગેવાનોને સાથી આગેવાન તરીકે હું વિનંતી કરું છું. હું ખ્રિસ્તના દુ:ખોને નજરોનજર જોનાર સાક્ષી છું અને પ્રગટ થનાર મહિમામાં મને ભાગ મળનાર છે. 2 મારી વિનંતી છે કે ઈશ્વરે તમને સોંપેલા ટોળાના ઘેટાંપાળક બનો અને ફરજ પડયાથી નહિ, પણ રાજીખુશીથી ઈશ્વરની ઇચ્છા મુજબ તેની સંભાળ રાખો. માત્ર સ્વાર્થ માટે નહિ, પણ સેવા કરવાની સાચી ભાવનાથી તમારું કાર્ય કરો. 3 તમારા હાથ નીચે જેમને મૂકવામાં આવ્યા હોય તેમની ઉપર સત્તા ન જમાવો, પણ ટોળાને નમૂનારૂપ બનો. 4 મુખ્ય ઘેટાંપાળક પ્રગટ થશે ત્યારે કદી કરમાઈ ન જાય તેવો મહિમાનો મુગટ તે તમને આપશે. 5 તે જ પ્રમાણે, તમારા યુવાનોએ આગેવાનોને આધીન રહેવું. તમે એકબીજાની સેવા કરી શકો માટે તમારે બધાએ નમ્રતા ધારણ કરવી. કારણ, શાસ્ત્રમાં લખેલું છે: “ઈશ્વર અભિમાનીનો તિરસ્કાર કરે છે પણ નમ્રને કૃપા આપે છે.” 6 તમે પોતાને ઈશ્વરના બળવાન હાથ નીચે નમ્ર કરો જેથી યોગ્ય સમયે તે તમને ઉચ્ચ પદવીએ મૂકે. 7 તે તમારી સંભાળ રાખે છે માટે તમારી બધી ચિંતા તેમને સોંપી દો. 8 જાગૃત થાઓ, સાવધ રહો, તમારો દુશ્મન શેતાન, ગર્જના કરતા સિંહની માફક જે કોઈ મળે તેને ફાડી ખાવાને શોધતો ફરે છે. 9 તમારા વિશ્વાસમાં અડગ રહો અને શેતાનનો સામનો કરો, કારણ, સમગ્ર દુનિયામાં તમારા સાથી વિશ્વાસીઓ પણ એવા જ પ્રકારનાં દુ:ખોમાંથી પસાર થઈ રહ્યા છે તેની તમને ખબર છે. 10 ખ્રિસ્ત ઈસુમાં મેળવાયા હોવાથી થોડીવાર સુધી સહન કર્યા પછી તમને પોતાના સાર્વકાલિક મહિમાના ભાગીદાર થવાને બોલાવનાર સર્વ કૃપાના દાતા ઈશ્વર પોતે તમને સંપૂર્ણ કરશે અને તમને સ્થિર, બળવાન અને મજબૂત કરશે. 11 તેમને સર્વકાળ સત્તા હોજો. આમીન. અંતિમ શુભેચ્છા 12 સિલ્વાનસ, જેને હું વિશ્વાસુ ભાઈ ગણું છું તેની મદદથી આ ટૂંકો પત્ર હું તમને પાઠવું છું. હું તમને પ્રોત્સાહન આપવા માગું છું અને આ જ ઈશ્વરની સાચી કૃપા છે એવી મારી સાક્ષી આપવા માગું છું. તેમાં તમે અડગ રહો. 13 બેબિલોનમાંની ઈશ્વરથી પસંદ કરાયેલી તમારી સાથી મંડળી, તમને શુભેચ્છા પાઠવે છે. મારો પુત્ર માર્ક પણ તમને શુભેચ્છા પાઠવે છે. 14 ખ્રિસ્તી પ્રતીકરૂપ ચુંબનથી એકબીજાને શુભેચ્છા પાઠવશો. તમે જેઓ ખ્રિસ્ત ઈસુના છો તેઓ સર્વને શાંતિ હો. |
Gujarati Common Language Bible - પવિત્ર બાઇબલ C.L.
Copyright © 2016 by The Bible Society of India
Used by permission. All rights reserved worldwide