Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -

1 પિતર 4 - પવિત્ર બાઇબલ C.L.


પરિવર્તન પામેલાં જીવનો

1 ખ્રિસ્તે શારીરિક દુ:ખ સહન કર્યું હોવાથી તમારે પણ તેવી જ મનોવૃત્તિથી સજ્જ થવું જોઈએ. કારણ, શારીરિક રીતે સહન કરનાર પાપથી મુક્ત થયો છે.

2 હવેથી પૃથ્વી પરનું તમારું બાકી રહેલું જીવન દૈહિક ઇચ્છાઓ પ્રમાણે નહિ, પણ ઈશ્વરની ઇચ્છાના નિયંત્રણ નીચે ગાળવું જોઈએ.

3 વિધર્મીઓ જેમાં આનંદ માને છે તેવાં કાર્યો કરવામાં તમે ભૂતકાળમાં ગુમાવેલો સમય પૂરતો છે. તે વખતે તમે તમારાં જીવનો વ્યભિચારમાં, વિષય વાસનામાં, મદ્યપાનમાં, ભોગવિલાસમાં અને ઘૃણાપાત્ર મૂર્તિપૂજામાં વિતાવ્યાં હતાં.

4 પણ હવે તમે વિધર્મીઓની સાથે ભોગવિલાસી જીવનમાં સામેલ થતા નથી ત્યારે તેઓ આશ્ર્વર્ય પામીને તમારી ટીકા કરે છે.

5 પણ તેમણે જીવતાં તથા મરેલાંઓનો ન્યાય કરનાર ઈશ્વરને જવાબ આપવો પડશે.

6 સૌની જેમ મરેલાંઓ પણ શારીરિક મૃત્યુની સજા તો પામ્યા; પણ તેઓ ઈશ્વરની જેમ આત્મામાં જીવે એ જ હેતુસર મરેલાંઓને પણ શુભસંદેશ પ્રગટ કરાયો હતો.

7 સર્વનો અંત પાસે આવી પહોંચ્યો છે. તેથી તમે પ્રાર્થના કરી શકો તે માટે તમારે સંયમી અને જાગૃત બનવું જોઈએ.

8 એ સર્વ ઉપરાંત એકબીજા પર આગ્રહથી પ્રેમ રાખો. કારણ, પ્રેમ ઘણાં પાપને ઢાંકે છે.

9 બડબડાટ કર્યા વગર એકબીજાને માટે તમારાં ઘરો ખુલ્લાં મૂકો.

10 સારા વહીવટ કરનાર તરીકે દરેકે પોતાને ઈશ્વર પાસેથી મળેલી ખાસ બક્ષિસનો ઉપયોગ બીજાઓના ભલાને માટે કરવો જોઈએ.

11 સંદેશો આપનારે ઈશ્વરનો સંદેશ પ્રગટ કરવો અને સેવા કરનારે ઈશ્વરે આપેલી શક્તિ પ્રમાણે સેવા કરવી; જેથી બધી બાબતોમાં ઈસુ ખ્રિસ્તની મારફતે ઈશ્વરની સ્તુતિ થાય. સદાસર્વકાળ મહિમા અને પરાક્રમ તેમનાં હો. આમીન


ખ્રિસ્તને માટે દુ:ખ સહન કરો

12 પ્રિયજનો, તમારા પર દુ:ખદાયક ક્સોટીઓ આવી પડે ત્યારે કંઈક અસામાન્ય બની રહ્યું હોય તેમ આશ્ર્વર્ય પામશો નહિ.

13 તેને બદલે, તમે ખ્રિસ્તનાં દુ:ખોના ભાગીદાર બન્યા છો તેથી આનંદ કરો; જેથી તેમનો મહિમા પ્રગટ થાય ત્યારે તમને પુષ્કળ આનંદ મળે.

14 ખ્રિસ્તના અનુયાયી હોવાને લીધે તમારું અપમાન થાય તો તમને ધન્ય છે. એનો અર્થ એ છે કે, ઈશ્વરનો મહિમાવંત પવિત્ર આત્મા તમારા પર છે.

15 ખૂની, ચોર, ગુનેગાર અથવા બીજાઓના ધંધામાં દખલગીરી કરનાર તરીકે તમારામાંના કોઈને સજા થવી જોઈએ નહિ.

16 પણ ખ્રિસ્તી હોવાને લીધે તમે સહન કરતા હો તો શરમાશો નહિ, પણ તમે ખ્રિસ્તનું નામ ધારણ કર્યું છે માટે ઈશ્વરનો આભાર માનો.

17 ન્યાયશાસનનો સમય આવી પહોંચ્યો છે અને ઈશ્વર પ્રથમ પોતાના લોકોનો જ ન્યાય કરશે. જો તેની શરૂઆત આપણાથી થાય તો પછી જેઓ ઈશ્વરના શુભસંદેશ પર વિશ્વાસ કરતા નથી તેમની અંતે કેવી દુર્દશા થશે?

18 શાસ્ત્રમાં લખેલું છે: “જો સારા માણસનો ઉદ્ધાર મુશ્કેલીથી થાય છે તો પછી નાસ્તિકો અને પાપીઓનું શું થશે?”

19 તેથી, ઈશ્વરની ઇચ્છા પ્રમાણે સહન કરનારાઓએ તેમનાં સારાં કાર્યોથી પોતાનું વચન હંમેશાં પાળનાર તેમના ઉત્પન્‍નર્ક્તા પર પૂરેપૂરો ભરોસો રાખવો જોઈએ.

Gujarati Common Language Bible - પવિત્ર બાઇબલ C.L.

Copyright © 2016 by The Bible Society of India
Used by permission. All rights reserved worldwide

Bible Society of India
Lean sinn:



Sanasan