1 પિતર 3 - પવિત્ર બાઇબલ C.L.પતિ-પત્નીના સંબંધો 1 એ જ પ્રમાણે પત્નીઓ, તમારે તમારા પતિઓને આધીન રહેવું જોઈએ. 2 તેથી જો કોઈ પતિ ઈશ્વરનો સંદેશ માનનાર ન હોય તોપણ એકપણ શબ્દ કહ્યા વગર તમારા શુદ્ધ અને આદરયુક્ત વર્તનથી તેમને વિશ્વાસને માટે જીતી શકાશે. 3 પોતાને સુંદર દેખાડવા બાહ્ય અલંકારોનો ઉપયોગ ન કરો, એટલે કે ગૂંથેલી વેણી, સોનાનાં ઘરેણાં કે જાતજાતનાં વસ્ત્રોથી પોતાને ન શણગારો. 4 એને બદલે, તમારું સૌંદર્ય આંતરિક વ્યક્તિત્વનું હોવું જોઈએ. 5 સૌમ્ય અને શાંત સ્વભાવનું સૌંદર્ય જ ઈશ્વરની દૃષ્ટિમાં મૂલ્યવાન છે અને સદા ટકી રહે છે. કારણ, ઈશ્વરમાં આશા ધરાવનાર ભૂતકાળની ભક્તિભાવી સ્ત્રીઓ પોતાના પતિને આધીન રહીને એ જ પ્રમાણે પોતાને શણગારતી હતી. 6 સારા એવી સ્ત્રી હતી; તે અબ્રાહામને આધીન રહેતી અને તેને સ્વામી તરીકે સંબોધતી. જો તમે સારું જ કરો અને કશાની બીક ન રાખો તો તમે સારાની પુત્રીઓ છો. 7 એ જ પ્રમાણે પતિઓ, પત્ની નિર્બળ પાત્ર છે, તેથી તેમની સાથે સમજદારીપૂર્વક રહો. તમારે તેમના પ્રત્યે માનભર્યો વર્તાવ રાખવો જોઈએ. કારણ, તમે અને તેઓ ઈશ્વર પાસેથી બક્ષિસમાં મળતા જીવનના સહભાગી છો. તમારી પ્રાર્થનાઓમાં કંઈ અવરોધ આવે નહિ માટે તે પ્રમાણે કરો. દુ:ખ સહન કરો 8 છેવટે, તમે સૌ ઐક્ય અને સહાનુભૂતિ કેળવો. એકબીજા પર ભાઈઓના જેવો પ્રેમ કરો અને એકબીજા પ્રત્યે મયાળુ અને નમ્ર થાઓ. 9 ભૂંડાને બદલે પાછું ભૂંડું ન વાળો અથવા શાપને બદલે શાપ ન આપો. એને બદલે આશિષ આપો. કારણ, ઈશ્વરે તમને આમંત્રણ આપ્યું ત્યારે તમને આશિષ આપવાનું વચન આપ્યું હતું. 10 શાસ્ત્રમાં લખેલું છે, “જો કોઈએ જીવનમાં સુખી થવું હોય અને સારા દિવસો જોવા હોય, તો તેણે ભૂંડું બોલવાથી દૂર રહેવું અને જૂઠું બોલવું નહિ; 11 તેણે ભૂંડાઈથી વિમુખ થવું અને ભલું કરવું, તેણે શાંતિ શોધવી અને ખંતથી તેનો પીછો કરવો. 12 કારણ, ઈશ્વરની નજર તેમની સાથે સુમેળમાં આવેલી વ્યક્તિઓ પર છે અને તેમના કાન તેમની પ્રાર્થનાઓ સાંભળે છે; પણ તે દુષ્ટોની વિરુદ્ધ છે. 13 જો તમે સારું કરવાની ઇચ્છા રાખો તો તમને કોણ નુક્સાન પહોંચાડી શકે? 14 અલબત્ત, સારું કરવાને લીધે તમારે દુ:ખ સહન કરવું પડે તો તમને ધન્ય છે. માણસોની બીક રાખશો નહિ કે ચિંતા કરશો નહિ. 15 પણ તમારાં હૃદયોમાં ખ્રિસ્તને માન આપો. અને તેમને પ્રભુ તરીકે સ્વીકારો. તમારી પાસે જે આશા છે તે વિષે તમને કોઈ પ્રશ્ર્ન પૂછે તો નમ્રતાથી અને આદરભાવથી તેનો જવાબ આપવાને હંમેશાં તૈયાર રહો. 16 તમારી પ્રેરકબુદ્ધિ શુદ્ધ રાખો, જેથી તમારી નિંદા થાય અને ખ્રિસ્તના અનુયાયીઓ તરીકે તમારી સારી વર્તણૂક વિષે ભૂંડું બોલાય ત્યારે તેવું બોલનારા શરમાઈ જાય. 17 કારણ, ઈશ્વરની ઇચ્છા હોય તો ભૂંડુ કરવાને લીધે નહિ પણ ભલું કરવાને લીધે દુ:ખ સહન કરવું તે વધારે સારું છે. 18 તમને ઈશ્વરની પાસે લઈ જવાને માટે ખરાબ માણસોને બદલે સારા માણસે એટલે ખ્રિસ્તે પોતે તમારાં પાપોને માટે એકવાર મરણ સહન કર્યું. જો કે તેમને શારીરિક રીતે મારી નાખવામાં આવ્યા, પણ આત્મિક રીતે તેમને સજીવન કરવામાં આવ્યા. 19 તેમણે તેમના આત્મિક અસ્તિત્વમાં કેદખાનામાં પુરાયેલા આત્માઓ પાસે જઈને તેમને ઉપદેશ કર્યો. 20 નૂહ વહાણ બનાવતો હતો ત્યારે જેમને માટે ઈશ્વરે ધીરજથી રાહ જોઈ અને જેઓ તેમને આધીન થયા નહોતા એવા લોકોના એ આત્માઓ હતા. વહાણમાંથી બહુ ઓછા, એટલે બધા મળીને આઠ માણસો પાણીથી બચી ગયાં. 21 તે તો બાપ્તિસ્માના પ્રતીકરૂપ હતું, જે હાલ તમને બચાવે છે. એમાં શારીરિક મલિનતાથી સ્વચ્છ થવાની વાત નથી, પણ શુદ્ધ પ્રેરકબુદ્ધિની મારફતે ઈશ્વરને આપવામાં આવેલા વચનની વાત છે. 22 તે ઈસુ ખ્રિસ્તના સજીવન થવાની મારફતે તમને બચાવે છે. તે સ્વર્ગમાં જઈને ઈશ્વરની જમણી તરફ બેઠેલા છે અને સર્વ દૂતો, સ્વર્ગીય સત્તાઓ અને અધિકારો ઉપર રાજ ચલાવે છે. |
Gujarati Common Language Bible - પવિત્ર બાઇબલ C.L.
Copyright © 2016 by The Bible Society of India
Used by permission. All rights reserved worldwide