૧ રાજા 9 - પવિત્ર બાઇબલ C.L.ઈશ્વર શલોમોનને બીજીવાર દર્શન આપે છે. ( ૨ કાળ. 7:11-12 ) 1 શલોમોન રાજાએ પ્રભુનું મંદિર, તેનો રાજમહેલ અને તેને જે કંઈ બાંધવાની ઇચ્છા હતી તે બધાંનું બાંધકામ પૂરું કર્યું તે પછી, 2 પ્રભુએ તેને અગાઉ ગિબ્યોનમાં આપ્યું હતું તેમ ફરીથી દર્શન આપ્યું. 3 પ્રભુએ તેને કહ્યું, “મેં તારી પ્રાર્થના અને તારા કાલાવાલા સાંભળ્યા છે. મારે નામે મારી ભક્તિ કરવા સદાના સ્થાન તરીકે તેં બાંધેલા આ મંદિરને મેં પવિત્ર કર્યું છે. હું તેનું હરહંમેશ લક્ષ રાખીશ અને તેનું રક્ષણ કરીશ. 4 જો તું તારા પિતા દાવિદની જેમ દયની પ્રામાણિક્તાથી અને નેકીથી મારા નિયમો પાળીશ અને મારાં ફરમાનો પ્રમાણે વર્તીશ, 5 તો હું ઇઝરાયલનું રાજ્ય સ્થિર કરીશ અને મેં તારા પિતા દાવિદને જે વચન આપ્યું હતું કે ઇઝરાયલ પર હંમેશા તેના વંશજો જ રાજ કરશે તે વચન હું પૂર્ણ કરીશ. 6 પણ તું કે તારા વંશજો મને અનુસરવાનું પડતું મૂકશો, અને તમને ફરમાવેલા મારા નિયમો અને ધારાઓનો ભંગ કરશો, અને અન્ય દેવોની ભક્તિ કરશો, 7 તો હું મારા ઇઝરાયલ લોકને મેં તેમને આપેલા દેશમાંથી હાંકી કાઢીશ. મારે નામે મારી ભક્તિ કરવા સદાના સ્થાન તરીકે પવિત્ર કરેલા આ મંદિર પરથી મારી દૃષ્ટિ ફેરવી લઈશ. ઇઝરાયલી લોકો અન્ય સર્વ લોકોમાં ઠઠ્ઠામશ્કરી અને તિરસ્કારને પાત્ર બની જશે. 8 આ બુલંદ મંદિર ખંડિયેર બની જશે અને તેની પાસે થઈને જનારા આશ્ર્વર્ય અને આઘાત અનુભવશે. તેઓ પૂછશે, ‘પ્રભુએ આ દેશની અને આ મંદિરની આવી દશા કેમ કરી?’ 9 લોકો જવાબ આપશે, ‘એનું કારણ એ છે કે તેમણે તેમના પૂર્વજોને ઇજિપ્તમાં મુક્ત કરનાર પ્રભુ તેમના ઈશ્વરનો ત્યાગ કર્યો છે. તેમણે અન્ય દેવો પ્રત્યે વફાદારી દાખવી તેમની પૂજા કરી છે. તેથી પ્રભુએ તેમના પર આ આફત ઉતારી છે.” હિરામ અને શલોમોન વચ્ચે આપ-લે ( ૨ કાળ. 8:1-2 ) 10 પ્રભુનું મંદિર અને રાજમહેલ બાંધતાં શલોમોનને વીસ વર્ષ લાગ્યાં. 11 તૂરના રાજા હિરામે તેને ગંધતરું અને દેવદારનાં લાકડાં તેમ જ આ કાર્ય માટે જરૂરી સોનું પૂરાં પાડ્યાં હતાં. એ બધું બાંધકામ પૂરું થયા પછી શલોમોન રાજાએ હિરામને ગાલીલ પ્રદેશમાં વીસ નગરો આપ્યાં. 12 હિરામ તે જોવા ગયો, પણ તેને તે ગમ્યાં નહિ. 13 તેથી તેણે શલોમોનને કહ્યું, “મારા ભાઈ, તમે મને આવાં નગરો આપ્યાં!” એને લીધે એ વિસ્તાર આજે પણ કાબુલ કહેવાય છે. 14 હિરામે શલોમોનને ચાર હજાર કિલો કરતાં વધુ સોનું આપ્યું હતું. શલોમોનની અન્ય સિદ્ધિઓ ( ૨ કાળ. 8:3-18 ) 15 શલોમોન રાજાએ પ્રભુનું મંદિર અને રાજમહેલ બાંધવા, યરુશાલેમની પૂર્વગમની જમીનમાં પુરાણ કરવા અને નગરનો કોટ બાંધવા વેઠિયાઓનો ઉપયોગ કર્યો. તેણે તેમનો ઉપયોગ હાસોર, મગિદ્દો અને ગેઝેર નગરો બાંધવામાં પણ કર્યો. 16 (ઇજિપ્તના રાજાએ ગેઝેર પર હુમલો કરી તેને જીતી લીધું હતું અને તેના રહેવાસીઓને મારી નાખી નગરને આગ લગાડી હતી. પછી તેની પુત્રીએ જ્યારે શલોમોન સાથે લગ્ન કર્યાં ત્યારે તેણે તે નગર તેને લગ્નમાં ભેટ તરીકે આપ્યું હતું. 17 વળી, શલોમોને તેને ફરીથી બંધાવ્યું.) શલોમોને વેઠિયાઓ પાસે નીચાણનું બેથહોરોન, 18 બાલાથ, યહૂદિયાના વેરાનપ્રદેશમાં આવેલ તામાર, 19 તેમ જ પોતાનાં સર્વ પૂરવઠા નગરો, ઘોડાઓ અને રથો રાખવાનાં નગરો, યરુશાલેમ, લબાનોન, તથા પોતાના રાજ્યમાં તેણે બાંધવા ધારેલાં બધાં બાંધકામ કરાવ્યાં. 20-21 ઇઝરાયલીઓએ કનાનના લોકોનો દેશ લઇ લીધો, ત્યારે જેમને મારી નાખ્યા નહોતા એવા કનાનના લોકો, એટલે અમોરીઓ, હિત્તીઓ, પરિઝ્ઝીઓ, હિવ્વીઓ અને યબૂસીઓ એ સર્વના વંશજોને શલોમોને વેઠિયા બનાવ્યા; કારણ, તેઓ ઇઝરાયલી નહોતા અને આજદિન લગી તેમના વંશજો ગુલામો તરીકે રહ્યાં છે. 22 શલોમોને ઇઝરાયલીઓમાંથી ગુલામો બનાવ્યા નહિ. તેઓ તો સૈનિકો, અમલદારો, સેનાપતિઓ, રથસવારો અને ઘોડેસ્વારો તરીકે કામ કરતા. 23 શલોમોનનાં જુદાં જુદાં બાંધકામો પર કામ કરતાં વેઠિયાઓ પર પાંચસો પચાસ અમલદારો હતા. 24 ઇજિપ્તના રાજાની દીકરી શલોમોનની પત્ની દાવિદનગરમાંથી શલોમોને તેને માટે બાંધેલા મહેલમાં રહેવા ગઈ તે પછી શલોમોને શહેરની પૂર્વગમની જમીનમાં પુરાણ કર્યું. 25 શલોમોન વર્ષમાં ત્રણવાર પ્રભુને માટે તેણે બનાવેલી વેદી પર દહનબલિ અને સંગતબલિ ચઢાવતો. તે પ્રભુની વેદી આગળ ધૂપ પણ બાળતો. અને એમ તેણે મંદિરનું બાંધકામ પૂર્ણ કર્યું. 26 શલોમોન રાજાએ અદોમના દેશમાં સૂફ સમુદ્રને કિનારે આવેલ એલાથ નજીકના એસ્યોનગેબેરમાં નૌકા કાફલો પણ તૈયાર કર્યો. 27 શલોમોનના માણસો સાથે કામ કરવા હિરામના રાજાએ કેટલાક અનુભવી દરિયા ખેડૂઓને મોકલ્યા. 28 દરિયાઈ માર્ગે ઓફિરના દેશમાં જઈ તેઓ શલોમોન રાજા માટે ચૌદ હજાર કિલો કરતાં વધારે સોનું લાવ્યા. |
Gujarati Common Language Bible - પવિત્ર બાઇબલ C.L.
Copyright © 2016 by The Bible Society of India
Used by permission. All rights reserved worldwide