Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -

૧ રાજા 8 - પવિત્ર બાઇબલ C.L.


કરારપેટી મંદિરમાં લાવવામાં આવી
( ૨ કાળ. 5:2—6:2 )

1 પછી શલોમોન રાજાએ દાવિદના નગર સિયોનમાંથી પ્રભુની કરારપેટી મંદિરમાં લાવવા માટે ઇઝરાયલનાં બધાં કુળો અને ગોત્રોના આગેવાનોને યરુશાલેમમાં બોલાવ્યા.

2 તેઓ સૌ એનાથીમ એટલે સાતમા માસમાં માંડવાપર્વ વખતે એકઠા થયા.

3 બધા આગેવાનો એકત્ર થયા એટલે યજ્ઞકારોએ કરારપેટી ઉપાડી,

4 અને તેને મંદિરમાં લાવ્યા. લેવીઓ અને યજ્ઞકારો મુલાકાતમંડપ અને તેની સર્વ સાધનસામગ્રી મંદિરમાં લઈ આવ્યા.

5 શલોમોન રાજા અને ઇઝરાયલના બધા લોકો કરારપેટી આગળ એકઠા થયા અને અગણિત એટલાં ઘેટાં અને પશુઓનાં બલિદાન આપ્યાં.

6 પછી યજ્ઞકારોએ કરારપેટી ઉપાડીને મંદિરમાં પરમ પવિત્રસ્થાનમાં કરુબોની વચમાં તેમની પાંખો નીચે મૂકી.

7 કરુબોની પ્રસારેલી પાંખો હેઠળ કરારપેટી અને તેને ઊંચકવાના દાંડા આવરી લેવાતા હતા.

8 દાંડા લાંબા હોવાથી તેના છેડા બીજા કોઈ સ્થળેથી નહિ, પણ માત્ર પરમપવિત્રસ્થાનની બરાબર સામેથી જ દેખી શક્તા હતા. (આજે પણ એ દાંડા ત્યાં છે.)

9 ઇઝરાયલી લોકો ઇજિપ્તમાંથી આવી રહ્યા હતા ત્યારે પ્રભુએ તેમની સાથે કરેલા કરારની જે બે શિલાપાટીઓ મોશેએ સિનાઈ પર્વત પાસે કરારપેટીમાં મૂકી હતી તે સિવાય કરારપેટીમાં બીજું કંઈ નહોતું.

10 યજ્ઞકારો મંદિરમાંથી બહાર આવ્યા કે મંદિર એકાએક મેઘથી ભરાઈ ગયું.

11 મેઘને લીધે યજ્ઞકારો ત્યાં અંદર જઈને પોતાનું સેવાકાર્ય ચાલુ રાખી શક્યા નહિ; કારણ, પ્રભુનો મહિમા મંદિરમાં વ્યાપી ગયો હતો.

12 શલોમોને પ્રાર્થના કરી: “હે પ્રભુ, તમે આકાશમાં સૂર્ય મૂક્યો છે, છતાં તમે વાદળામાં અને અંધકારમાં રહેવાનું પસંદ કર્યું છે.

13 મેં તમારા સદાના નિવાસસ્થાન માટે હવે આ ભવ્ય મંદિર બાંધ્યું છે.”


શલોમોનનું લોકોને સંબોધન
( ૨ કાળ. 6:3-11 )

14 ઇઝરાયલી લોકો ઊભા હતા અને શલોમોન રાજાએ તેમના તરફ ફરીને તેમના પર ઈશ્વરની આશિષ માગી.

15 તેણે કહ્યું, “ઇઝરાયલના ઈશ્વર પ્રભુની સ્તુતિ થાઓ. તેમણે મારા પિતા દાવિદને આપેલું વચન પાળ્યું, છે. તેમણે એમ કહ્યું હતું કે,

16 ‘મારા લોક ઇઝરાયલને હું ઇજિપ્તમાંથી લઈ આવ્યો તે સમયથી માંડીને મારે નામે મારી ભક્તિ માટે મંદિર બાંધવા માટે સમગ્ર ઇઝરાયલ દેશમાંથી મેં કોઈ શહેર પસંદ કર્યું નથી. પણ હે દાવિદ, મેં તને મારા લોક પર રાજ કરવા પસંદ કર્યો છે.”

17 શલોમોને આગળ કહ્યું, “ઇઝરાયલના ઈશ્વર પ્રભુને નામે તેમની ભક્તિ માટે મંદિર બાંધવાની મારા પિતા દાવિદના અંતરની ઝંખના હતી.

18 પણ પ્રભુએ તેમને કહ્યું હતું, ‘મારે નામે મારી ભક્તિ કરવા માટે મંદિર બાંધવાની તારી ઇચ્છા તો સારી છે,

19 પણ તું તે બાંધી શકશે નહિ, એ તો તારો પુત્ર, તારો પોતાનો પુત્ર જ મારું મંદિર બાંધશે.”

20 હવે પ્રભુએ પોતાનું વચન પાળ્યું છે. મારા પિતા પછી હું ઇઝરાયલનો રાજા બન્યો છું અને મેં ઇઝરાયલના ઈશ્વર યાહવેને નામે તેમની ભક્તિ અર્થે મંદિર બાંધ્યું છે.

21 આપણા પૂર્વજોને પ્રભુએ ઇજિપ્તમાંથી મુક્ત કર્યા ત્યારે તેમણે તેમની સાથે જે કરાર કર્યો હતો તેની શિલાપાટીઓ કરારપેટીમાં છે અને કરારપેટી માટે મેં મંદિરમાં સ્થાન તૈયાર કર્યું છે.


શલોમોનની પ્રાર્થના
( ૨ કાળ. 6:12-42 )

22 પછી ઇઝરાયલના સર્વ લોકો સમક્ષ શલોમોન વેદી પાસે ઊભો રહ્યો અને આકાશ તરફ હાથ પ્રસારી પ્રાર્થના કરી:

23 “ઇઝરાયલના ઈશ્વર પ્રભુ, ઉપર આકાશમાં કે નીચે પૃથ્વી પર તમારા જેવો કોઈ દેવ જ નથી. તમે તમારા લોકો સાથે કરેલો કરાર પાળો છો અને તેઓ તમારા પ્રત્યે દયની પૂરી નિષ્ઠા ધરાવે છે ત્યારે તેમના પ્રત્યે તમારો પ્રેમ દર્શાવો છો.

24 તમે તમારા સેવક મારા પિતા દાવિદને આપેલું તમારા મુખનું વચન પાળ્યું છે; આજે તમારા હાથે એ અક્ષરસ: પૂર્ણ થયું છે.

25 હવે હે ઇઝરાયલના ઈશ્વર પ્રભુ, તમે તમારા સેવક મારા પિતાને આપેલું બીજું વચન પણ પૂર્ણ કરો એવી મારી પ્રાર્થના છે. તમે તેમને કહ્યું હતું કે તેમની જેમ તેમના વંશજ તમને ખંતથી આધીન રહેશે તો તેમના વંશમાંથી તમારી સમક્ષ ઇઝરાયલના રાજ્યાસન પર રાજા તરીકે બેસનારની ખોટ વર્તાશે નહિ.

26 તો ઓ ઇઝરાયલના ઈશ્વર, તમે તમારા સેવક મારા પિતા દાવિદને આપેલું એ વચન પૂરું થાય તેમ કરો.”

27 “પણ હે ઈશ્વર, શું તમે પૃથ્વી પર સાચેસાચ નિવાસ કરી શકો? બધાં આકાશો પણ તમારો સમાવેશ કરી શકે તેમ નથી, તો પછી મેં બાંધેલા આ મંદિરમાં તમારો કેવી રીતે સમાવેશ થાય?

28 હે પ્રભુ, મારા ઈશ્વર, હું તમારો સેવક છું. મારી પ્રાર્થના સાંભળો અને મારી આજની અરજો પૂરી કરો.

29 આ મંદિરનું, એટલે તમારે નામે તમારી ભક્તિને અર્થે તમે પસંદ કરેલા આ સ્થળનું રાતદિવસ લક્ષ રાખો. આ મંદિર તરફ મુખ રાખી પ્રાર્થના કરું છું ત્યારે મારું સાંભળો.

30 મારી પ્રાર્થનાઓ અને તમારા લોક આ સ્થળ તરફ મુખ રાખી પ્રાર્થના કરે ત્યારે તેમની પ્રાર્થનાઓ સાંભળો. તમારા નિવાસસ્થાન આકાશમાંથી અમારું સાંભળો અને અમને ક્ષમા કરો.

31 “જ્યારે કોઈ વ્યક્તિ પર બીજા કોઈનું નુક્સાન કર્યાનો આરોપ હોય અને પોતે નિર્દોષ છે એવા શપથ લેવા તેને આ મંદિરમાં તમારી વેદી આગળ લાવવામાં આવે,

32 ત્યારે, ઓ પ્રભુ, આકાશમાંથી તે સાંભળીને તમારા સેવકોનો ન્યાય કરજો; દોષિતને ઘટિત શિક્ષા કરજો અને નિરપરાધીને નિર્દોષ જાહેર કરજો.

33 “તમારી વિરુદ્ધ પાપ કર્યાને લીધે તમારા ઇઝરાયલી લોક તેમના શત્રુઓ આગળ હારી જાય અને ત્યારે તમારા તરફ ફરીને તેઓ આ મંદિરમાં આવે અને તમારે નામે નમ્રતાપૂર્વક ક્ષમાયાચના કરે

34 તો આકાશમાંથી તમે તેમનું સાંભળજો. તમારા લોકનાં પાપ ક્ષમા કરજો અને તમે તેમના પૂર્વજોને આપેલા આ દેશમાં તેમને પાછા લાવજો.

35 “તમારા લોકોએ તમારી વિરુદ્ધ પાપ કર્યું હોવાથી તમે આકાશમાંથી વરસાદ વરસવા ન દો અને ત્યારે જો તેઓ પસ્તાવો કરીને તમારે નામે નમ્રતાપૂર્વક પ્રાર્થના કરતાં આ મંદિર તરફ ફરે,

36 તો આકાશમાંથી તમે તેમનું સાંભળજો. રાજાનાં તેમ જ ઇઝરાયલ લોકનાં પાપ ક્ષમા કરજો. તેમને સદાચરણ શીખવજો. પછી, ઓ પ્રભુ, કાયમી વતન તરીકે તમે તમારા લોકને આપેલા તમારા આ દેશ પર વરસાદ વરસાવજો.

37 “દેશમાં દુકાળ પડે, રોગચાળો ફાટી નીકળે અથવા લૂ કે તીડોનાં ટોળાંથી પાક નાશ પામે અથવા તમારા લોક પર તેમના શત્રુઓ આક્રમણ કરીને ઘેરો ઘાલે અથવા તેમનામાં કોઈ રોગ કે માંદગી આવે તો તેમની પ્રાર્થનાઓ સાંભળજો.

38 “તમારા ઇઝરાયલ લોકમાંથી કોઈ પણ દિલમાં દુ:ખી થવાથી આ મંદિર તરફ હાથ પ્રસારી પ્રાર્થના કરે,

39 ત્યારે તમે તેમની પ્રાર્થના સાંભળજો. તમારા નિવાસસ્થાન આકાશમાંથી તમે તેમનું સાંભળજો, તેમને ક્ષમા કરજો અને સહાય કરજો. છેવટે માનવના મનનું દુ:ખ તો માત્ર તમે જ જાણો છો. દરેક વ્યક્તિ પ્રત્યે તેની યોગ્યતા પ્રમાણે તમે વર્તજો;

40 જેથી તમારા લોક તમે તેમના પૂર્વજોને આપેલા દેશમાં રહે તે બધો સમય તમને આધીન રહે.

41-42 “દૂર દેશમાં વસતો કોઈ વિદેશી તમારી કીર્તિ અને તમારા લોક માટેનાં તમારાં મહાન કાર્યો વિષે સાંભળીને તમારે નામે તમારું ભજન કરવા અને આ મંદિરમાં પ્રાર્થના કરવા આવે,

43 તો તમે તેની પ્રાર્થના સાંભળજો. તમારા નિવાસસ્થાન આકાશમાંથી તેનું સાંભળીને તેની માગણી પૂરી કરજો, જેથી દુનિયાના બધા લોકો તમારો પરિચય પામે અને તમારા લોક ઇઝરાયલની જેમ તેઓ પણ તમને આધીન થાય. ત્યારે તેઓ જાણશે કે મેં બાંધેલું આ મંદિર જ તમારે નામે તમારી ભક્તિ કરવાનું સ્થાન છે.

44 “તમે તમારા લોકને તેમના શત્રુઓ સામે યુદ્ધમાં જવાનો આદેશ આપો ત્યારે તેઓ જ્યાં હોય ત્યાંથી તમે પસંદ કરેલા આ નગર તરફ અને તમારે માટે મેં બાંધેલા આ મંદિર તરફ મુખ રાખી તમને પ્રાર્થના કરે,

45 તો હે પ્રભુ, તેમની પ્રાર્થના સાંભળજો. આકાશમાંથી તેમનું સાંભળીને તેમને વિજય અપાવજો.

46 “તમારા લોક તમારી વિરુદ્ધ પાપ કરે, અને પાપ કરે જ નહિ એવું કોઈ નથી; અને તમે તમારા કોપમાં તેમને તેમના શત્રુઓ સામે હાર પમાડો અને તેઓ તેમને કેદી બનાવી બીજા દેશમાં લઈ જાય, અને આ દેશ નજીક હોય કે ઘણો દૂર હોય.

47 તો પણ તમે તમારા લોકની પ્રાર્થનાઓ સાંભળજો. એ દેશમાં તેઓ પોતે કેવા પાપી અને દુષ્ટ બન્યા એવી કબૂલાત કરતાં પસ્તાવો કરે અને તમને પ્રાર્થના કરે, તો હે પ્રભુ, તમે તેમની પ્રાર્થનાઓ સાંભળજો.

48 તેઓ એ દેશમાં રહેતાં સાચો અને નિખાલસ પસ્તાવો કરે અને અમારા પૂર્વજોને તમે આપેલ આ દેશ તરફ, તમે પસંદ કરેલા આ શહેર તરફ અને તમારે માટે મેં બાંધેલા આ મંદિર તરફ ફરી પ્રાર્થના કરે,

49 તો તમે તેમની પ્રાર્થનાઓ સાંભળજો. તમારા નિવાસસ્થાન આકાશમાંથી તેમનું સાંભળજો અને તેમના પક્ષની હિમાયત કરજો.

50 તેમનાં પાપ અને તમારી વિરુદ્ધના તેમના બંડની ક્ષમા બક્ષજો, અને તેમને કેદી બનાવી જનાર શત્રુઓ તેમના પ્રત્યે સહાનુભૂતિપૂર્વક વર્તે એવું થવા દેજો.

51 કારણ, આ તો તમે જેમને લોખંડ તપાવવાની ભઠ્ઠીમાંથી એટલે ઇજિપ્તમાંથી બહાર કાઢી લાવ્યા તે તમારા વારસાસમ લોક છે.

52 “હે પ્રભુ પરમેશ્વર, તમારા લોક ઇઝરાયલ અને તેમના રાજા પ્રત્યે હરહંમેશ સહાનુભૂતિ રાખજો અને તમને મદદ માટે પોકાર કરે ત્યારે તેમની પ્રાર્થના સાંભળજો.

53 તમારા પૂર્વજોને તમે ઇજિપ્તમાંથી મુક્ત કર્યા ત્યારે તમારા સેવક મોશે દ્વારા તમે તેમને કહ્યું હતું તેમ બીજી બધી પ્રજાઓમાંથી તમે તેમને તમારા વારસાસમ લોક થવા પસંદ કર્યા છે.”


સમાપ્તિની પ્રાર્થના

54 પ્રભુને પ્રાર્થના અને યાચના કરી રહ્યા પછી શલોમોન વેદી આગળ જ્યાં તે હાથ ઊંચા પ્રસારી ઘૂંટણિયે પડ્યો હતો ત્યાંથી ઊભો થયો.

55 તેણે બુલંદ અવાજે ત્યાં એકત્ર થયેલા ઇઝરાયલના સર્વ લોકો પર ઈશ્વરની આશિષ માગી. તેણે કહ્યું:

56 “પોતાના વચન પ્રમાણે પોતાના લોકને શાંતિ બક્ષનાર પ્રભુની સ્તુતિ થાઓ. પોતાના સેવક મોશે દ્વારા આપેલાં સર્વ ઉદાર વચનો તેમણે અક્ષરસ:પૂરાં કર્યાં છે.

57 ઈશ્વર આપણા પ્રભુ જેમ તે આપણા પૂર્વજોની સાથે રહ્યા તેમ આપણી સાથે પણ રહો. તે આપણો ત્યાગ ન કરો ને આપણને તજી ન દો;

58 તે આપણને તેમના પ્રત્યેની હાર્દિક નિષ્ઠામાં દોરી જાઓ; જેથી આપણે તેમને માર્ગે અનુસરીએ અને આપણા પૂર્વજોને આપેલા સર્વ નિયમો અને આજ્ઞાઓનું પાલન કરીએ.

59 મારી આ પ્રાર્થના અને મેં ગુજારેલી આ વિનંતીઓ આપણા ઈશ્વર પ્રભુ સદા સ્મરણમાં રાખો અને રોજબરોજની જરૂરિયાત પ્રમાણે પોતાના લોક ઇઝરાયલનું અને તેમના રાજાનું હિત જાળવી રાખો.

60 ત્યારે દુનિયાની બધી પ્રજાઓ જાણશે કે માત્ર યાહવે જ ઈશ્વર છે અને બીજો કોઈ નથી.

61 તમે તેમના લોક તેમના સર્વ નિયમો અને આજ્ઞાઓને જેમ આજે આધીન છો તેમ આધીન રહીને આપણા ઈશ્વર પ્રભુ પ્રત્યે દયની પૂરી નિષ્ઠા દાખવો.”


મંદિરનું સમર્પણ
( ૨ કાળ. 7:4-10 )

62 પછી શલોમોન રાજા અને સર્વ લોકોએ પ્રભુને બલિદાનો ચઢાવ્યાં.

63 તેણે સંગતબલિ તરીકે બાવીસ હજાર આખલા અને એક લાખ વીસ હજાર ઘેટાંનું બલિદાન આપ્યું અને એમ રાજા અને સર્વ લોકોએ મંદિરનું સમર્પણ કર્યું.

64 તેણે તે જ દિવસે મંદિરના પ્રાંગણમાંના ચોકનો મધ્યભાગ પવિત્ર કર્યો; અને પછી ત્યાં પૂર્ણ દહનબલિ ધાન્યઅર્પણ અને સંગતબલિ માટે પ્રાણીઓની ચરબીનું અર્પણ ચઢાવ્યું. આ બધાં બલિદાનો માટે તામ્રવેદી નાની હોવાથી તેણે તેમ કર્યું.

65 પ્રભુના મંદિરમાં શલોમોન અને ઇઝરાયલના બધા લોકોએ સાત દિવસ સુધી માંડવાપર્વ ઊજવ્યું. ઉત્તરમાં હમાથના ઘાટથી માંડીને દક્ષિણે ઇજિપ્તની સરહદ સુધીના પ્રદેશમાંથી મોટો જનસમુદાય આવેલો હતો.

66 આઠમે દિવસે શલોમોને લોકોને ઘેર વિદાય કર્યાં. સૌએ તેની પ્રશંસા કરી અને પોતાના સેવક દાવિદને અને તેના ઇઝરાયલી લોકને પ્રભુએ આપેલા સઘળા આશીર્વાદોને લીધે તેઓ ખુશખુશાલ થઈને પોતપોતાને ઘેર ગયા.

Gujarati Common Language Bible - પવિત્ર બાઇબલ C.L.

Copyright © 2016 by The Bible Society of India
Used by permission. All rights reserved worldwide

Bible Society of India
Lean sinn:



Sanasan