Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -

૧ રાજા 7 - પવિત્ર બાઇબલ C.L.


શલોમોનનો રાજમહેલ

1 શલોમોને પોતાને માટે એક મહેલ પણ બાંધ્યો, અને એ બાંધતાં તેને તેર વર્ષ લાગ્યાં.

2-3 તેમાં લબાનોનનો વનખંડ ચુમ્માલીસ મીટર લાંબો, બાવીસ મીટર પહોળો અને સાડાતેર મીટર ઊંચો હતો. પ્રત્યેક હારમાં પંદર થાંભલા હોય એવી ગંધતરુના થાંભલાની ચાર હારો હતી અને તેમના પર ગંધતરુનાં ભારટિયાં હતાં થાંભલા પર ગંધતરુના લાકડાની છત હતી અને એ છત ભંડારો સુધી પ્રસરેલી હતી.

4 બન્‍ને બાજુની ભીંતોમાં સામસામી બારીઓની ત્રણ ત્રણ હાર હતી.

5 બધાં બારણાં અને બારીઓનાં ચોકઠા લંબચોરસ હતાં અને બન્‍ને ભીંતની બારીઓની ત્રણ ત્રણ હારો એકબીજાની બરાબર સામસામી હતી.

6 વળી, તેણે થાંભલાઓ પર ઓસરી બનાવી; એની લંબાઈ બાવીસ મીટર અને પહોળાઈ સાડા તેર મીટર તી. એ ઓસરીના આગળના થાંભલાઓ પર છજું ઉતારેલું હતું.

7 રાજ્યાસન ખંડ, જેને ન્યાયખંડ પણ કહેતા અને જ્યાં શલોમોન કેસના ચુકાદા આપતો, તે આખો ખંડ ભોંયતળિયાથી છત સુધી ગંધતરુના પાટિયાંથી મઢેલો હતો.

8 ન્યાયખંડની પાછળના ચોકમાં શલોમોનને પોતાને રહેવાના ઓરડા અન્ય ખંડો જેવા જ હતા. પોતાની પત્ની, ઇજિપ્તના રાજાની પુત્રી માટે પણ તેણે એવું જ નિવાસસ્થાન બનાવ્યું.

9 મોટા ચોક સહિતનાં આ બધાં મકાનો પાયાથી છેક છત સુધી મૂલ્યવાન પથ્થરોથી બનાવેલાં હતાં. પથ્થરો માપ પ્રમાણે કાપીને ખાણમાં તૈયાર કરવામાં આવ્યા હતા અને તેમની બહારની અને અંદરની બાજુઓ કરવતથી સપાટ બનાવેલી હતી.

10 ખાણમાં તૈયાર કરેલા મોટા પથ્થરોથી પાયા બનાવ્યા હતા; એમાંના કેટલાક પથ્થર સાડા ત્રણ મીટર તો કેટલાક ચાર મીટર લાંબા હતા.

11 એમના પર માપસર કાપેલા બીજા કીમતી પથ્થરો અને ગંધતરુના ભારટિયા હતા.

12 મહેલનો ચોક, પ્રભુના મંદિરનો અંદરનો ચોક અને મંદિરના પ્રવેશખંડની ભીંતોમાં કાપેલા પથ્થરોના પ્રત્યેક ત્રણ થર પછી એક થર ગંધતરુના ભારોટિયાનો હતો.


હુરામ કારીગર

13 શલોમોન રાજાએ તૂરમાં રહેતા હુરામ નામના કારીગરને બોલાવડાવ્યો. તે તાંબાના કામમાં કુશળ હતો.

14 તેનો પિતા પણ તૂરનો હતો ને તાંબાના કામનો કુશળ કારીગર હતો. તે ત્યારે હયાત નહોતો. તેની માતા નાફતાલીના કુળની હતી. હુરામ બુદ્ધિશાળી અને અનુભવી કારીગર હતી. તાંબાના સર્વ કામની જવાબદારી ઉપાડવા તે શલોમોન રાજા પાસે આવ્યો.


તાંબાના બે સ્તંભ
( ૨ કાળ. 3:15-17 )

15 હુરામે 8 મીટર ઊંચા અને 5.3 મીટર પરિઘવાળા તાંબાના બે સ્તંભ ઢાળ્યા અને તેમને મંદિરના પ્રવેશદ્વારે ઊભા કર્યા.

16 તેણે સ્તંભની ટોચે મૂકવા માટે 2.2 મીટર ઊંચા એવા તાંબાના બે કળશ પણ બનાવ્યા.

17 પ્રત્યેક સ્તંભની ટોચ પર સાંકળીની સળંગ ભાત કોતરેલી હતી.

18 અને સાથે તાંબાનાં દાડમની બે હારો પણ હતી.

19 કળશનો આકાર પોયણા જેવો હતો અને તેમની ઊંચાઈ 1.8 મીટર હતી.

20 સાંકળીની ભાત ઉપરના ગોળાકારી ભાગ પર તે ગોઠવેલા હતા. પ્રત્યેક કળશની ફરતે બે હારમાં બસો દાડમ હતાં.

21 હુરામે મંદિરના પ્રવેશદ્વારે એ બન્‍ને તામ્રસ્તંભ ઊભા કર્યા. દક્ષિણ તરફના સ્તંભનું નામ યાખીન અને ઉત્તર તરફના સ્તંભનું નામ બોઆઝ પાડયું.

22 પોયણા આકારના તાંબાના બે કળશો સ્તંભની ટોચ પર હતા. એમ સ્તંભોનું કામ પૂરું થયું.


તાંબાનો જળકુંડ
( ૨ કાળ. 4:2-5 )

23 હુરામે 2.2 મીટર ઊંડો, 4.4 મીટરના વ્યાસવાળો અને 13.2 મીટર પરિધનો તાંબાનો ગોળ જળકુંડ બનાવ્યો.

24 જળકુંડની ધારની બહારની ગોળાકાર કિનારીએ ચારે તરફ તાંબાનાં તૂમડાંની બે હાર હતી; જે સમગ્ર જળકુંડની સાથોસાથ જ ઢાળેલાં હતાં.

25 બહિર્મુખી એવા બાર તાંબાના બળદોની પીઠ પર જળકુંડ રાખેલો હતો; પ્રત્યેક દિશામાં ત્રણ ત્રણ બળદના મુખ હતાં.

26 જળકુંડની બાજુઓ 75 મીલિમીટર જાડી હતી. પોયણાંની પાંખડી જેમ બહારની તરફ વળેલી પ્યાલાની ધાર જેવી જળકુંડ ધાર હતી. જળકુંડમાં લગભગ ચાલીસ હજાર લીટર પાણી સમાતું.


જળગાડીઓ અને જળકુંડીઓ

27 હુરામે તાંબાની દસ જળગાડીઓ બનાવી. દરેક જળગાડી 1.8 મીટર લાંબી, 1.8 મીટર પહોળી અને 1.3 મીટર ઊંચી હતી.

28 તે ચોકઠાંમાં ચોરસ તક્તીઓ જડીને બનાવી હતી.

29 તક્તીઓ પર સિંહ, આખલા અને કરુબોની આકૃતિઓ હતી. વળી, સિંહો અને આખલા ઉપર તથા નીચે ચોકઠા પર તોરણની ભાત કોતરેલી હતી.

30 દરેક જળગાડીને તાંબાની ધરીઓ પર તાંબાનાં ચાર ચાર પૈડાં હતાં. જળકુંડી માટે ચાર ખૂણે ટેકા ગોઠવ્યા હતા. એ ટેકા પર તોરણની ભાત કોતરેલી હતી.

31 જળકુંડી ગોઠવવા મથાળે વર્તુળાકાર આસન હતું. જળકુંડી જળગાડીની ટોચથી પિસ્તાળીસ સેન્ટીમીટર ઉપર અને અઢાર સેન્ટીમીટર તેની અંદર ગોઠવાયેલી હતી. તેને ફરતે કોતરણી હતી.

32 પૈડાં છાસઠ સેન્ટીમીટર ઊંચાં હતાં. તે તક્તીઓની નીચે હતાં. ધરીઓ જળગાડી સાથે અખંડ જોડેલી હતી.

33 તેનાં પૈડાં રથનાં પૈડાં જેવા હતાં. તેમની ધરીઓ, વાટો, આરાઓ અને નાભિ ચક્કરો તાંબાના હતાં.

34 પ્રત્યેક જળગાડીના તળિયાના ખૂણાઓએ ચાર હાથ હતા અને તે જળગાડીની સાથે અખંડ જોડેલા હતા.

35 પ્રત્યેક જળગાડીની ટોચે બાવીસ સેન્ટીમીટરનો ગોળ પટો હતો. તેના હાથા અને તક્તીઓ જોડેલાં હતાં.

36 હાથા અને તક્તીઓ પર જ્યાં જ્યાં જગ્યા હોય ત્યાં ત્યાં ચારે બાજુ કરુબો, સિંહો અને ખજૂરીઓ તથા સાંકળીની ભાત કોતરેલાં હતાં.

37 એ રીતે જળગાડીઓ બનાવેલી હતી; એ બધી એક્સરખા કદ અને આકારની હતી.

38 હુરામે દરેક જળગાડી માટે એક એમ તાંબાની દસ જળકુંડીઓ પણ બનાવી. પ્રત્યેક જળકુંડી 1.8 મીટર વ્યાસની હતી અને આઠસો લિટરની ક્ષમતા ધરાવતી હતી.

39 તેણે પાંચ જળગાડીઓ મંદિરની દક્ષિણ તરફ અને બીજી પાંચ ઉત્તર તરફ મૂકી, જ્યારે જળકુંડ અગ્નિખૂણામાં મૂક્યો.


મંદિરની સાધનસામગ્રીની યાદી
( ૨ કાળ. 4:11—5:1 )

40-45 હુરામે ભસ્મપાત્રો, પાવડા અને પ્યાલા બનાવ્યાં. પ્રભુના મંદિરને માટે શલોમોન રાજાને સોંપેલું પોતાનું બધું કામ તેણે પૂરું કર્યું. તેણે બનાવેલ સામગ્રી આ પ્રમાણે છે: બે સ્તંભ સ્તંભની ટોચ ઉપર પ્યાલા આકારના બે કળશ પ્રત્યેક કળશ પર એકબીજીને વીંટળાયેલ સાંકળીની ભાતની કોતરણી પ્રત્યેક કળશની ફરતે ભાતની કોતરણીમાં દરેક હારમાં સો એમ બે હારમાં ગોઠવેલાં તાંબાનાં ચારસો દાડમ. દસ જળકુંડીઓ જળકુંડ, જળકુંડ મૂકવા માટે બાર આખલા ભસ્મપાત્રો, પાવડા, પ્યાલા. શલોમોન રાજા માટે હુરામે બનાવેલ મંદિરની એ બધી સામગ્રી ચકચકિત કરેલ તાંબામાંથી બનાવી હતી.

46 યર્દનની ખીણમાં સુક્કોથ અને સારથાન વચ્ચે આવેલ ધાતુ ગાળવાની ભઠ્ઠીમાં એ બધી સામગ્રી રાજાએ બનાવડાવી.

47 તાંબાની એ સાધનસામગ્રી એટલી બધી હતી કે તેમનું વજન કરવામાં આવ્યું નહોતું. તેથી તેમનું કેટલું વજન છે એ નક્કી થયેલું નહોતું.

48 શલોમોને પ્રભુના મંદિર માટે સોનાની સાધનસામગ્રી પણ બનાવી હતી: વેદી, ઈશ્વરને અર્પિત રોટલી માટેની મેજ,

49 પરમપવિત્રસ્થાનમાં પાંચ દક્ષિણ તરફ અને પાંચ ઉત્તર તરફ રાખેલી દસ દીવીઓ, ફૂલો, દીવાઓ અને ચીપિયા,

50 પ્યાલા, જ્યોત બૂઝાવવાનાં સાધનો, કટોરા, ધૂપદાનીઓ, અંગારા ઊંટકવાના પાવડા અને પરમપવિત્રસ્થાનનાં દ્વાર તથા મંદિરનાં બહારનાં દ્વારનાં મિજાગરા એ બધી વસ્તુઓ સોનાની બનાવેલી હતી.

51 શલોમોન રાજાએ પ્રભુના મંદિરનું સઘળું કામ સમાપ્ત કર્યું. એટલે તેના પિતા દાવિદે પ્રભુને અર્પેલાં ચાંદી, સોનું અને અન્ય ચીજવસ્તુઓ લાવીને મંદિરના ભંડારોમાં મૂકી.

Gujarati Common Language Bible - પવિત્ર બાઇબલ C.L.

Copyright © 2016 by The Bible Society of India
Used by permission. All rights reserved worldwide

Bible Society of India
Lean sinn:



Sanasan