૧ રાજા 6 - પવિત્ર બાઇબલ C.L.મંદિરનું બાંધકામ 1 ઇઝરાયલી લોકો ઇજિપ્તમાંથી નીકળી આવ્યા પછી ચારસો એંસી વરસે, શલોમોનના ઇઝરાયલ ઉપરના અમલના ચોથા વરસે, વર્ષના બીજા એટલે ઝીવ માસમાં શલોમોને મંદિર બાંધવાનું શરૂ કર્યું. 2 શલોમોને પ્રભુ માટે બાંધેલું મંદિર અંદરથી સત્તાવીશ મીટર લાંબુ, નવ મીટર પહોળું અને સાડા તેર મીટર ઊંચું હતું. 3 મંદિરની પરસાળ સાડાચાર મીટર લાંબી અને પવિત્રસ્થાનની પહોળાઈ જેટલી એટલે કે નવ મીટર પહોળી હતી. 4 મંદિરની દીવાલોમાં અંદરની બાજુએ પહોળી પણ બહારની બાજુએ સાંકડી એવી બારીઓ હતી. 5 મંદિરની ભીંતને અડીને, મંદિરની બે બાજુએ અને તેની પાછળની બાજુએ 2.2 મીટર ઊંચી એવી ત્રણ માળવાળી ઓરડીઓ હતી. 6 ઓરડીઓ સૌથી નીચેના માળે 2.2 મીટર પહોળી, વચલા માળે 2.7 મીટર પહોળી અને સૌથી ઉપલા માળે 3.1 મીટર પહોળી હતી. પ્રત્યેક માળે મંદિરની દીવાલ તેના નીચેના માળ કરતાં સાંકડી હતી; જેથી ઓરડીના ભારટિયાઓ મંદિરની દીવાલોમાં બાકોરાં પાડીને દાખલ ન કરતાં દીવાલના ખાંચામાં ટેકવી શક્યા હતા. 7 ખાણમાં જ ઘડેલા પથ્થરો મંદિરના બાંધકામમાં વપરાતા હતા, તેથી મંદિર બંધાતું હતું ત્યારે તેમાં હથોડીઓ, કુહાડીઓ કે અન્ય કોઈ લોખંડી ઓજારનો અવાજ થતો નહોતો. 8 ત્રિમાળી ઓરડીઓના સૌથી નીચેના માળનું પ્રવેશદ્વાર મંદિરની દક્ષિણે હતું અને ત્યાંથી વચલા તેમ જ સૌથી ઉપલે માળે જવા માટે સીડી હતી. 9 એમ શલોમોન રાજાએ મંદિરનું બાંધકામ પૂર્ણ કર્યું. તેણે ગંધતરુના પાટડા અને પાટિયાંની છત બનાવી. 10 ત્રિમાળી ઓરડીઓનો પ્રત્યેક માળ 22 મીટર ઊંચો હતો. મંદિરની ત્રણ બાજુએ બાંધેલી આ ઓરડીઓ ગંધતરુના ભારટિયાથી મંદિરની દીવાલ સાથે ટેકવેલી હતી. 11 પ્રભુએ શલોમોનને કહ્યું, 12 “તું મારા નિયમો અને મારી આજ્ઞાઓ પાળીશ તો તારા પિતા દાવિદને આપેલા વચન પ્રમાણે હું તારા હક્કમાં કરીશ. 13 તું જે મંદિર બાંધી રહ્યો છે તેમાં હું મારા ઇઝરાયલી લોકો મધ્યે વસીશ, અને હું તેમને કદી તજી દઈશ નહિ.” 14 એમ શલોમોને મંદિરનું બાંધકામ પૂરું કર્યું. મંદિરનો અંદરનો ભાગ ( ૨ કાળ. 3:8-14 ) 15 મંદિરની અંદરની દીવાલો પર ભોંયતળિયાથી છત સુધી ગંધતરુનાં પાટિયાં લગાવ્યાં હતાં અને ભોંયતળિયું દેવદારનાં પાટિયાંથી જડેલું હતું. 16 મંદિરના પાછલા ભાગમાં પરમપવિત્રસ્થાન તરીકે ઓળખાતો ખંડ બાંધવામાં આવ્યો હતો. તે નવ મીટર લાંબો હતો અને ભોંયતળિયાથી છત સુધી ગંધતરુનાં પાટિયાં લગાવી અલગ પાડેલો હતો. 17 પરમપવિત્રસ્થાનની આગળનો ખંડ અઢાર મીટર લાંબો હતો. 18 ગંધતરુનાં પાટિયાં વેલ અને ફૂલોની કોતરણીથી શણગારેલાં હતાં. દીવાલના પથ્થરો દેખાય નહિ તે માટે અંદરનો આખોય ભાગ ગંધતરુનાં પાટિયાંથી મઢેલો હતો. 19 પ્રભુની કરારપેટી મૂકવા માટે તેણે મંદિરની છેક અંદરની ગમ પરમ પવિત્રસ્થાનનો ખંડ બાંધ્યો. 20 આ ખંડ નવ મીટર લાંબો, અને નવ મીટર પહોળો અને નવ મીટર ઊંચો હતો, અને આખોય ખંડ સોનાથી મઢેલો હતો. વેદી ગંધતરુનાં પાટિયાંથી મઢેલી હતી. 21 મંદિરને તેની અંદરની બાજુએ સોનાથી મઢયું હતું. આ અંદરના ખંડનું પ્રવેશદ્વાર સોનાથી મઢયું હતું અને તેની આગળ સોનાની સાંકળો લટકાવેલી હતી. 22 આખું મંદિર અંદરથી સોને મઢયું હતું ને પરમ પવિત્રસ્થાનની વેદી પણ સોને મઢેલી હતી. 23 ઓલિવવૃક્ષના લાકડામાંથી પાંખોવાળા બે પ્રાણી એટલે કરુબો બનાવીને પરમપવિત્રસ્થાનમાં મૂક્યા. 24-26 પ્રત્યેક કરુબની ઊંચાઈ 4.4. મીટર હતી. બન્ને કરુબો એક જ આકાર અને કદના હતા. દરેકને બે પાંખો હતી; પ્રત્યેક પાંખ 2.2 મીટર લાંબી હતી. જેથી એક પાંખના છેડાથી બીજી પાંખના છેડા વચ્ચેનું અંતર 4.4 મીટર હતું. 27 તેમને પરમ-પવિત્રસ્થાનમાં પાસપાસે એ રીતે મૂક્યાં હતા કે જેથી તેમની પ્રસરેલી પાંખો ખંડની મધ્યમાં એકબીજીને સ્પર્શે અને બીજી બે પાંખો બન્ને તરફ દીવાલોને સ્પર્શે. 28 એ બે પાંખવાળા કરુબો સોને મઢયા હતા. 29 મુખ્યખંડની તેમ જ અંદરના ખંડની બધી દીવાલો પાંખોવાળા કરુબો, ખજૂરીઓ અને ફૂલોની કોતરણીથી શણગારેલી હતી. 30 ભોંયતળિયું પણ સોને મઢયું હતું. 31 પરમપવિત્રસ્થાનમાં પ્રવેશદ્વારનાં બે કમાડો ઓલિવવૃક્ષના લાકડામાંથી બનાવેલા હતાં. પ્રવેશદ્વાર પંચકોણ આકારનું હતું; એટલે કે તેની ઉપરના ભાગમાં અણીદાર કમાન હતી. 32 કમાડો, પાંખોવાળા પ્રાણી, કરુબો, ખજૂરીઓ અને ફૂલો સોને મઢયાં હતાં. 33 મુખ્યખંડના પ્રવેશદ્વાર માટે ઓલિવવૃક્ષના લાકડામાંથી બારણાનું લંબચોરસ ચોકઠું બનાવેલું હતું. 34 દેવદારના લાકડામાંથી બનાવેલા બન્ને કમાડમાં બબ્બે મિજાગરે જોડેલા બે ભાગ હતા. 35 એના પર પાંખોવાળાં પ્રાણી કરુબો, ખજૂરીઓ અને ફૂલો કોતરેલા હતાં અને એ નકશીકામ સોનાથી બંધબેસતું મઢેલું હતું. 36 મંદિરની આગળ પરસાળ બનાવી હતી. પરસાળની ચારેબાજુની દીવાલમાં પથ્થરના ત્રણ થર અને એક થર ગંધતરુના લાકડાનો હતો. 37 શલોમોનના અમલના ચોથા વર્ષે વર્ષના બીજા માસમાં એટલે ઝીવ માસમાં મંદિરનો પાયો નાખવામાં આવ્યો હતો. 38 શલોમોન રાજાના અમલના અગિયારમે વર્ષે, આઠમા એટલે બુલ માસમાં, અગાઉ કરેલા આયોજિત નમૂના પ્રમાણે જ મંદિર પૂરું થયું. શલોમોનને એ બાંધતાં સાત વર્ષ લાગ્યાં. |
Gujarati Common Language Bible - પવિત્ર બાઇબલ C.L.
Copyright © 2016 by The Bible Society of India
Used by permission. All rights reserved worldwide