૧ રાજા 5 - પવિત્ર બાઇબલ C.L.મંદિર બાંધવાની તૈયારીઓ ( ૨ કાળ. 2:1-18 ) 1 તૂરનો રાજા હીરામ દાવિદનો હંમેશનો મિત્ર હતો અને શલોમોન તેના પિતા દાવિદની જગ્યાએ રાજા બન્યો છે એવું સાંળીને હીરામે તેની પાસે પોતાના એલચીઓ મોકલ્યા. 2 શલોમોને તેની પર આવો સંદેશો પાઠવ્યો: 3 “તમે જાણો છો કે મારા પિતા દાવિદ પોતાના ઈશ્વર પ્રભુના નામ અર્થે મંદિર બંધાવી શક્યા નહિ; કારણ, પ્રભુ તેમના સર્વ શત્રુઓને તેમના તાબામાં લાવ્યા ત્યાં સુધી પોતાની આસપાસના શત્રુ દેશો સાથે તે યુદ્ધમાં સતત રોક્યેલા હતા. 4 પણ મારા ઈશ્વર પ્રભુએ મારી સર્વ સરહદો પર શાંતિ આપી છે, હવે કોઈ શત્રુ નથી કે હુમલાનો કોઈ ભય નથી. 5 પ્રભુએ મારા પિતા દાવિદને આવું વચન આપ્યું હતું: ‘તારા પછી તારા જે પુત્રને હું રાજા બનાવીશ તે મારે માટે મંદિર બાંધશે.’ મેં હવે મારા ઈશ્વર પ્રભુ માટે એ મંદિર બાંધવાનો નિર્ણય કર્યો છે. 6 તેથી મારે માટે લબાનોનમાંથી ગંધતરુ કાપવાને માણસો મોકલો. મારા માણસો તેમની સાથે કામ કરશે અને તમે નક્કી કરો તે પ્રમાણે હું તમારા માણસોનું વેતન ચૂકવીશ. તમે જાણો છો કે મારા માણસોને તમારા સિદોની માણસોના જેવી વૃક્ષ કાપવાની આવડત નથી.” 7 શલોમોનનો સંદેશો મળતા હીરામ ખૂબ ખુશ થઈને બોલ્યો, “આ મહાન પ્રજા પર રાજ્ય કરવાને પ્રભુએ દાવિદને આવો જ્ઞાની પુત્ર આપ્યો છે તે માટે તેમની સ્તુતિ થાઓ!” 8 પછી હીરામે શલોમોન પર આવો સંદેશો મોકલ્યો: “મને તમારો સંદેશો મળ્યો છે અને તમારી માગણી મુજબ હું ગંધતરુ અને દેવદારનાં લાકડાં પૂરાં પાડીશ. 9 મારા માણસો લબાનોનથી સમુદ્રકિનારા સુધી લાકડાં લઈ આવશે અને ત્યાંથી તેમને તરાપા પર બાંધીને તમે નક્કી કરો તે સ્થળે સમુદ્રમાર્ગે લઈ આવશે. ત્યાં મારા માણસો તેમને છોડી દેશે અને તમારા માણસો તેમનો કબજો સંભાળી લેશે. તમે મારા માણસોને ખાદ્ય સામગ્રી પૂરી પાડો એટલી મારી માગણી છે.” 10 આમ હીરામે શલોમોનને ગંધતરું અને દેવદારનાં જોઈતાં બધાં લાકડાં પૂરાં પાડ્યાં. 11 અને શલોમોન હીરામને તેના માણસોના દૈનિક ખોરાક પેટે દર વર્ષે બે હજાર ટન ઘઉં અને ચાર લાખ લિટર શુદ્ધ ઓલિવ તેલ આપતો રહ્યો. 12 પ્રભુએ પોતાનું વચન પાળ્યું અને શલોમોનને જ્ઞાન આપ્યું. હીરામ અને શલોમોન વચ્ચે સલાહસંપ હતો અને તેમણે પરસ્પર મૈત્રીનો કરાર કર્યો. 13 શલોમોન રાજાએ સમસ્ત ઇઝરાયલમાંથી ત્રીસ હજાર વેઠિયા ઊભા કર્યા. 14 અને અદોનીરામને તેમના પર અધિકારી ઠરાવ્યો. તેણે તેમને દસ દસ હજારના ત્રણ જૂથમાં વહેંચી નાખ્યા. તેમાંના પ્રત્યેક જૂથના માણસો એક માસ લબાનોનમાં ગાળતા અને પછીના બે માસ પાછા ઘેર રહેતા. 15 આ ઉપરાંત શલોમોન પાસે પર્વતીય પ્રદેશની પથ્થરની ખાણોમાં કામ કરનારા એંસી હજાર હતા; તેમાંના સિત્તેર હજાર તો પથ્થરવાહકો હતા. 16 તેમના કામની દેખરેખ માટે તેણે ત્રણ હજાર ત્રણસો મુકાદમો મૂક્યા. 17 શલોમોન રાજાની આજ્ઞાનુસાર તેમણે મંદિર માટે ખાસ પ્રકારના મોટા પથ્થરો ખોદી કાઢયા. 18 શલોમોન અને હીરામના કારીગરો અને બીલ્લોસ નગરના સલાટોએ મંદિરને માટે પથ્થર અને લાકડાં ઘડીને તૈયાર રાખ્યાં. |
Gujarati Common Language Bible - પવિત્ર બાઇબલ C.L.
Copyright © 2016 by The Bible Society of India
Used by permission. All rights reserved worldwide