૧ રાજા 4 - પવિત્ર બાઇબલ C.L.શલોમોનના અધિકારીઓ 1 શલોમોન સમગ્ર ઇઝરાયલ પર રાજા હતો, 2 અને તેના મુખ્ય અધિકારીઓ આ હતા: મુખ્ય યજ્ઞકાર: સાદોકનો પુત્ર અઝાર્યા. 3 સચિવો: શીશાના પુત્રો અલીહોરેફ અને અહિયાલ. ઇતિહાસકાર: અહિલૂદનો પુત્ર યહોશાફાટ 4 સેનાપતિ: યહોયાદાનો પુત્ર બનાયા. યજ્ઞકારો: સાદોક અને અબ્યાથાર. 5 પ્રાદેશિક અધિકારીઓનો ઉપરી: નાથાનનો પુત્ર અમાર્યા. રાજાનો સલાહકાર અને મિત્ર: નાથાનનો પુત્ર ઝાબૂદ. 6 રાજમહેલના સેવકોનો ઉપરી: અહિસાર. વેઠિયાઓનો ઉપરી: આબ્દાનો પુત્ર અદોનીરામ. 7 શલોમોને ઇઝરાયલમાં બાર માણસોને જિલ્લા અધિકારીઓ તરીકે નીમ્યા. તેમણે તેમના જિલ્લાઓમાંથી રાજા અને તેના કુટુંબ માટે ખોરાક પૂરો પાડવાનો હતો. તેમાંના પ્રત્યેકને શિર વર્ષમાં એકએક માસની જવાબદારી હતી. 8 બાર જિલ્લા અધિકારીઓનાં નામ અને તેમની હસ્તકના જિલ્લાઓની વિગત નીચે પ્રમાણે છે: બેન-હૂર: એફ્રાઈમનો પહાડી પ્રદેશ. 9 બેન-દેકેર: માકાશ, શાઆલ્બીમ, બેથ-શેમેશ તથા એલોન બેથ-હાનાન નગરો. 10 બેન-હેશેદ: અરૂબ્બોથ અને સોખો નગરો તથા હેફેરનો સમગ્ર વિસ્તાર. 11 બેન-અબિનાદાબ: દોરનો સમગ્ર પ્રદેશ. તેણે શલોમોનની પુત્રી તાફાથ સાથે લગ્ન કર્યું હતું. 12 અહિલૂદનો પુત્ર બાના: તાનાખ તથા મગિદ્દો નગરો, યિઝ્રએલની દક્ષિણે સારેથાન નગર નજીક બેથશાન પાસેના સમગ્ર પ્રદેશથી છેક આબેદ મહોલા અને યોકમીમ નગર સુધી. 13 બેન-ગેબેર: રામોથ - ગિલ્યાદ નગર, મનાશ્શાના વંશજ યાઈરના કુટુંબનાં ગિલ્યાદમાં આવેલાં નગરો અને બાશાનમાં આવેલ આર્ગોબનો પ્રદેશ, જેમાં કિલ્લેબંદીવાળાં અને તાંબાના ચાપડાજડિત દરવાજાવાળા કુલ સાઠ મોટાં નગરો. 14 ઇદ્દોનો પુત્ર અહિનાદાબ: માહનાઇમ પ્રાંત. 15 અહિમાસ: નાફતાલીનો કુળપ્રદેશ તેણે શલોમોનની પુત્રી બાસમાથ સાથે લગ્ન કર્યું હતું. 16 હૂશાયનો બાના: આશેરનો પ્રદેશ અને બેઆલોથ નગર. 17 પારૂઆનો પુત્ર યહોશાફાટ: ઇસ્સાખારનો કુળપ્રદેશ. 18 એલાનો પુત્ર શિમઈ: બિન્યામીનનો કુળપ્રદેશ. 19 ઉરીનો પુત્ર ગેબેર: ગિલ્યાદનો પ્રદેશ. આ પ્રદેશ પર અગાઉ અમોરીઓના રાજા સિહોને અને બાશાનના રાજા ઓગે રાજ કર્યું હતું. આ બાર ઉપરાંત સમગ્ર દેશ પર એક રાજ્યપાલ હતો. શલોમોનના રાજ્યની આબાદી 20 યહૂદિયા અને ઇઝરાયલના લોકો સમુદ્રકિનારાની રેતી જેટલા અગણિત હતા; તેઓ ખાઈપીને આનંદ કરતા. 21 શલોમોનના રાજ્યમાં યુફ્રેટિસ નદીથી પલિસ્તીયા અને ઇજિપ્તની સરહદ સુધીમાં આવેલાં બધાં રાજ્યોનો સમાવેશ થતો હતો. તેઓ તેને ખંડણી ભરતા અને તેના આખા જીવન દરમ્યાન તેઓ તેને આધીન રહ્યા. 22 શલોમોનની રોજની ખોરાકી આ પ્રમાણે હતી: પાંચ હજાર લિટર મેંદો અને દસ હજાર લિટર લોટ: 23 કોઢમાં ઉછરેલા દસ પુષ્ટ વાછરડા; બીડમાં ઉછરેલા વીસ આખલા, સો ઘેટાં; વળી, સાબર, હરણ કલિયાર અને મરઘાં. 24 શલોમોને યુફ્રેટિસ પર આવેલા તિફસાથી છેક ગાઝા નગર સુધી એટલે યુફ્રેટિસ નદીની પશ્ર્વિમના સમગ્ર પ્રદેશ પર રાજ્ય કર્યું. યુફ્રેટિસની પશ્ર્વિમે આવેલા સર્વ રાજાઓ તેને તાબે હતા અને સર્વ પડોશી દેશો સાથે તેને શાંતિ હતી. 25 તે જીવ્યો ત્યાં સુધી દાનથી બેરશેબા સુધી સમગ્ર યહૂદિયા અને ઇઝરાયલમાં લોકો સલામતીમાં જીવતા. પ્રત્યેક કુટુંબને પોતાની દ્રાક્ષવાડી અને અંજીરીઓ હતી. 26 શલોમોન પાસે રથોના ઘોડાઓ માટે અને સવારી માટેના બાર હજાર ઘોડાઓ માટે ચાલીસ હજાર તબેલા હતા. 27 રાજા શલોમોનનો અને તેના રાજમહેલમાં જમનારાઓનો ખોરાક તેના બાર અધિકારીઓ તેમને માટે નિયત કરેલ માસ પ્રમાણે પૂરો પાડતા; તેઓ જરૂરી એવી બધી વસ્તુઓ પૂરી પાડતા. 28 રથના ઘોડાઓ અને ભારવાહક પ્રાણીઓ માટે પ્રત્યેક જિલ્લા અધિકારી પોતાને આપવાં પડતાં જવ અને ઘાસ સ્થળ પર જ પૂરું પાડતા. 29 ઈશ્વરે શલોમોનને અતિ ગૂઢ જ્ઞાન, સૂક્ષ્મ આંતરદૃષ્ટિ અને સાગરતટના જેવી વિશાળ સમજ આપ્યાં. 30 પૂર્વના જ્ઞાનીઓ અથવા ઇજિપ્તના જ્ઞાનીઓ કરતાં શલોમોન વિશેષ જ્ઞાની હતો. 31 તે સર્વ માણસો કરતાં જ્ઞાની હતો: એથાન એઝ્રાહી અને માહોલના પુત્રો હેમાન, કાલ્કોલ તથા દાર્દા કરતાં પણ વિશેષ જ્ઞાની હતો. તેની કીર્તિ પડોશના સર્વ દેશોમાં ફેલાઈ ગઈ હતી. 32 તેણે ત્રણ હજાર કહેવતો અને એક હજાર ને પાંચ ગીતોની રચના કરી હતી. 33 લબાનોનનાં ગંધતરુથી માંડીને ભીંત પર ઊગી નીકળતા ઝુફા સુધીની સર્વ વનસ્પતિ વિષે તેણે વિવેચન કર્યું; તેણે પ્રાણીઓ, પંખીઓ, પેટે ચાલનારાં પ્રાણીઓ અને માછલીઓ વિષે પણ વિવેચન કર્યું. 34 સમસ્ત દુનિયાના રાજાઓએ તેના જ્ઞાન વિષે સાંભળ્યું અને તેમણે તેનું સાંભળવા પોતાના માણસોને મોકલ્યા. |
Gujarati Common Language Bible - પવિત્ર બાઇબલ C.L.
Copyright © 2016 by The Bible Society of India
Used by permission. All rights reserved worldwide