૧ રાજા 3 - પવિત્ર બાઇબલ C.L.શલોમોનની જ્ઞાન માટે પ્રાર્થના ( ૨ કાળ. 1:3-12 ) 1 ઇજિપ્તના રાજાની પુત્રી સાથે લગ્ન કરીને શલોમોને તેની સાથે સંબંધ બાંધ્યો. તે પોતાનો મહેલ, પ્રભુનું મંદિર અને યરુશાલેમની ચોતરફ કોટ બાંધી રહ્યો ત્યાં સુધી તેણે તેને દાવિદનગરમાં લાવીને રાખી. 2 પ્રભુને માટે હજી મંદિર બાંધવામાં આવ્યું નહોતું, અને લોકો ભક્તિનાં જુદાં જુદાં ઉચ્ચસ્થાનો પર બલિદાન ચડાવતા હતા. 3 શલોમોન પ્રભુ પર પ્રેમ રાખતો હતો અને તેના પિતા દાવિદની સૂચનાઓને અનુસરતો હતો, પણ તે ભક્તિનાં વિવિધ ઉચ્ચસ્થાનો પર બલિદાન અને ધૂપ ચડાવતો હતો. 4 એકવાર તે ગિબ્યોનમાં અર્પણ ચડાવવા ગયો, કારણ, ત્યાં ભક્તિનું સૌથી મોટું ઉચ્ચસ્થાન હતું. તે ત્યાં પ્રત્યેક વખતે હજાર સંપૂર્ણ દહનબલિ ચડાવતો. 5 તે રાત્રે પ્રભુએ તેને સ્વપ્નમાં દર્શન દઈને કહ્યું, “માગ, હું તને શું આપું? તારી શી ઇચ્છા છે?” 6 શલોમોને જવાબ આપ્યો, “તમે તમારા સેવક, મારા પિતા દાવિદ પ્રત્યે હમેશાં પ્રેમ રાખ્યો હતો, અને તે તમારી સાથેના સંબંધોમાં સદાચારી, વફાદાર અને પ્રામાણિક હતા. તેમની જગ્યાએ આજે રાજ કરવા માટે પુત્ર આપીને તમે તેમના પ્રત્યે અવિરત અને પુષ્કળ પ્રેમ રાખ્યો છે. 7 હે મારા ઈશ્વર પ્રભુ, હું ઘણો જુવાન છું અને સૈન્યને આગેવાની આપવાનો મને અનુભવ નથી. છતાં તમે મને મારા પિતા પછી રાજા બનાવ્યો છે. 8 તમે પસંદ કરેલા તમારા અગણિત લોક મધ્યે હું છું. 9 તેથી તમારા લોક પર ન્યાયપૂર્વક રાજ કરવાને અને ભલુંભૂંડું પારખવાને મને જ્ઞાની હૃદય આપો. નહિ તો, હું કેવી રીતે તમારી આ મહાન પ્રજા પર ન્યાયપૂર્વક રાજ કરી શકું?” 10 શલોમોનની એ માગણી પર પ્રભુ પ્રસન્ન થઈ ગયા. 11-12 તેથી તેમણે તેને કહ્યું, “પોતાને માટે દીર્ઘાયુષ્ય, સમૃદ્ધિ અથવા તારા શત્રુઓના જાન નહિ માગતાં તેં ન્યાયપૂર્વક રાજ કરવા જ્ઞાન માગ્યું હોઈ તારી માગણી હું પૂરી કરીશ. અગાઉ થઈ ગયેલા અથવા હવે પછી થનાર કોઈ માણસ પાસે ન હોય એવાં જ્ઞાન અને સમજણ હું તને આપીશ. 13 વળી, તેં જેની માગણી નથી કરી તે પણ હું તને આપીશ. તારા સમયમાં બીજા કોઈ રાજાને ન મળ્યાં હોય એટલાં ધન અને પ્રતિષ્ઠા આપીશ. 14 અને તારા પિતા દાવિદની માફક તું મને આધીન થઈશ અને મારા નિયમો તથા આજ્ઞાઓ પાળીશ તો હું તને દીર્ઘાયુષ્ય આપીશ.” 15 શલોમોન જાગી ઊઠયો, અને તેને ખબર પડી કે સ્વપ્નમાં ઈશ્વરે તેની સાથે વાત કરી હતી. પછી તે યરુશાલેમ ગયો અને પ્રભુની કરારપેટી સમક્ષ ઊભા રહીને પ્રભુને દહનબલિ અને સંગતબલિ ચડાવ્યા. પછી તેણે પોતાના સર્વ અધિકારીઓને મિજબાની આપી. શલોમોનનો ન્યાય 16 એક દિવસે રાજા શલોમોન સમક્ષ બે વેશ્યાઓ હાજર થઈ. 17 એકે કહ્યું, “હે રાજા, મારા માલિક, હું અને આ સ્ત્રી એક જ ઘરમાં રહીએ છીએ. એ જ ઘરમાં મને છોકરો જન્મ્યો. 18 મારા બાળકના જન્મના બે દિવસ પછી તેને પણ છોકરો જન્મ્યો. ઘરમાં અમે બે જ હતાં; બીજું કોઈ હાજર નહોતું. 19 પછી એક રાત્રે તેણે ઊંઘમાં અજાણે પોતાની નીચે પોતાના છોકરાને કચડીને મારી નાખ્યો. 20 હું રાત્રે ઊંઘતી હતી ત્યારે તેણે ઊઠીને મારી પડખેથી મારો દીકરો લઈને પોતાની પથારીમાં સુવાડયો અને મરેલો છોકરો મારી પથારીમાં મૂકી દીધો. 21 બીજી સવારે હું જાગી ઊઠી અને મારા દીકરાને દૂધપાન કરાવવા જતી હતી ત્યારે ખબર પડી કે તે મરેલો છે. મેં તેના તરફ ધારીને જોયું તો તે મારો પુત્ર નહોતો.” 22 પણ બીજી સ્ત્રીએ કહ્યું, “ના, ના, મરેલું બાળક તારું છે, અને જીવતું મારું છે.” એમ તેમણે રાજા સમક્ષ વાદવિવાદ કર્યો. 23 પછી શલોમોન રાજાએ કહ્યું, “તમે બન્ને એમ જ કહો છો કે ‘જીવતું બાળક મારું છે અને મરેલું તારું છે.” 24 પછી તેણે તલવાર મંગાવી. તે લાવવામાં આવી. 25 પછી તેણે કહ્યું, “જીવતા બાળકના બે ભાગ કરો અને બન્નેને અડધો ભાગ આપો.” 26 જે ખરી મા હતી તેના હૃદયમાં પોતાના બાળક પ્રત્યે પ્રેમ હોવાથી તેણે રાજાને કહ્યું, “હે રાજા, મારા માલિક, કૃપા કરીને બાળકને મારી નાખશો નહિ. એને આપી દો.” પણ બીજી સ્ત્રીએ કહ્યું, “અમને બેમાંથી કોઈને બાળક ન આપશો; તેને કાપી નાખો.” 27 પછી શલોમોને કહ્યું, “બાળક મારી નાખશો નહિ. પ્રથમ સ્ત્રીને તે આપી દો. એ જ તેની ખરી માતા છે.” 28 શલોમોનના ચુકાદાની જાણ થતાં ઇઝરાયલીઓના મનમાં તેના પ્રત્યે ઊંડું સન્માન પેદા થયું. કારણ, તેમને ખબર પડી કે તકરારોનો યથાર્થ નિકાલ કરવા ઈશ્વરે તેને જ્ઞાન આપ્યું છે. |
Gujarati Common Language Bible - પવિત્ર બાઇબલ C.L.
Copyright © 2016 by The Bible Society of India
Used by permission. All rights reserved worldwide