Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -

૧ રાજા 22 - પવિત્ર બાઇબલ C.L.


સંદેશવાહક મિખાયા આહાબને ચેતવે છે
( ૨ કાળ. 18:2-27 )

1 પછીનાં ત્રણ વર્ષ ઇઝરાયલ અને અરામ વચ્ચે શાંતિ રહી,

2 પણ ત્રીજે વર્ષે યહૂદિયાનો રાજા યહોશાફાટ ઈઝરાયલના રાજા આહાબને મળવા ગયો.

3 આહાબે પોતાના અધિકારીઓને પૂછયું, “અરામના રાજા પાસેથી ગિલ્યાદમાંનું રામોથ જીતી લેવા આપણે કંઈ જ કર્યું નથી? એ તો આપણું છે!”

4 એટલે આહાબે યહોશાફાટને પૂછયું, “રામોથ પર ચડાઈ કરવા તમે મારી સાથે આવશો?” યહોશાફાટે જવાબ આપ્યો, “તમે જતા હોય તો હું તૈયાર છું, અને એ જ રીતે મારા સૈનિકો અને અશ્વદળ પણ તૈયાર છે.

5 પણ પ્રથમ આપણે પ્રભુની સલાહ પૂછવી જોઈએ.”

6 તેથી આહાબે લગભગ ચારસો સંદેશવાહકોને બોલાવ્યા અને તેમને પૂછયું, “હું ગિલ્યાદના રામોથ પર ચડાઈ કરું કે નહિ?” તેમણે જવાબ આપ્યો, “ચડાઈ કરો, પ્રભુ તમને વિજય પમાડશે.”

7 પણ યહોશાફાટે પૂછયું, “જેની મારફતે આપણે પ્રભુને પૂછી શકીએ એવો બીજો કોઈ સંદેશવાહક નથી?”

8 આહાબે જવાબ આપ્યો, “બીજો એક સંદેશવાહક યિમ્લાનો પુત્ર મિખાયા છે. પણ હું તેને ધિક્કારું છું. કારણ, તે મારા સંબંધમાં સારું ભવિષ્ય ભાખતો જ નથી. તેનું ભાખેલું ભવિષ્ય હમેશાં માઠું જ હોય છે.” યહોશાફાટે કહ્યું, “રાજા તરીકે તમારે એવું ન બોલવું જોઈએ.”

9 પછી આહાબે દરબારના એક અધિકારીને મિખાયાને તાત્કાલિક બોલાવી લાવવા આદેશ આપ્યો.

10 બન્‍ને રાજાઓ તેમના રાજવી પોષાકમાં સજ્જ થઈ સમરૂનના દરવાજાની બહાર ખળાના ખુલ્લા મેદાન પર તેમનાં રાજ્યાસન પર બેઠા હતા, અને તેમની આગળ સર્વ સંદેશવાહકો ભવિષ્ય ભાખતા હતા.

11 તેઓમાંથી કનાનાના પુત્ર સિંદકિયાએ લોઢાના શિંગ બનાવી આહાબને કહ્યું, “પ્રભુ આમ કહે છે: ‘આના વડે તમે અરામીઓ સાથે લડીને તેમને ખતમ કરી નાખશો.”

12 બધા સંદેશવાહકોએ પણ એમ જ કહ્યું, “રામોથ પર ચડાઈ કરો, અને તમે જીતશો. પ્રભુ તમને વિજય આપશે.”

13 દરમ્યાનમાં મિખાયાને બોલાવવા ગયેલા અધિકારીએ તેને કહ્યું, “બીજા બધા સંદેશવાહકોએ રાજા માટે સફળતાનું ભવિષ્ય કહ્યું છે; તમે પણ તેવો જ સંદેશ આપો તો સારું.”

14 પણ મિખાયાએ જવાબ આપ્યો, “જીવતા પ્રભુના સોગંદ ખાઉં છું કે તે મને જે કહેજે તે જ હું કહીશ.”

15 તે આહાબ રાજા આગળ હાજર થયો એટલે રાજાએ તેને પૂછયું, “મિખાયા, રાજા યહોશાફાટ અને હું ગિલ્યાદમાંના રામોથ પર ચડાઈ કરીએ કે નહિ?” મિખાયાએ જવાબ આપ્યો, “ભલે, ચડાઈ કરો, તમે જીતશો. પ્રભુ તમને વિજય આપશે.”

16 પણ આહાબે ઉત્તર આપ્યો, “મારી સાથે યાહવેના નામે બોલતો હોય ત્યારે તારે સાચું જ કહેવું. એ મારે તને કેટલીવાર સમ દઈને કહેવાનું હોય?”

17 મિખાયાએ જવાબ આપ્યો, “હું ઇઝરાયલને ઘેટાંપાળક વિનાના ઘેટાંની જેમ પર્વતો પર વિખેરાઈ ગયેલા જોઉં છું અને પ્રભુએ કહ્યું, ‘આ માણસોનો કોઈ આગેવાન નથી, તેઓ શાંતિપૂર્વક પોતાને ઘેર જાય.”

18 આહાબે યહોશાફાટને કહ્યું, ‘મેં તમને નહોતું કહ્યું કે તે મારે માટે સારું ભવિષ્ય કહેતો જ નથી? એનું ભવિષ્ય હમેશાં માઠું જ હોય છે!”

19 વળી, મિખાયાએ કહ્યું, “હવે પ્રભુનો સંદેશ સાંભળો. મેં પ્રભુને આકાશમાં તેમના રાજ્યાસન પર બિરાજેલા જોયા; તેમની બન્‍ને તરફ તેમના સર્વ દૂતો ઊભા હતા.

20 પ્રભુએ પૂછયું, ‘આહાબને કોણ છેતરશે કે તે રામોથમાં જઈને માર્યો જાય?’ કેટલાક દૂતે એક વાત કહી તો બીજા કેટલાકે બીજી વાત કરી.

21 છેવટે એક આત્મા પ્રભુની પાસે આગળ આવ્યો અને બોલ્યો, ‘હું તેને છેતરીશ.’

22 પ્રભુએ પૂછયું, ‘કેવી રીતે?’ આત્માએ જવાબ આપ્યો, ‘હું જઈને આહાબના બધા સંદેશવાહકોને જૂઠું બોલતા કરી દઈશ.’ પ્રભુએ કહ્યું, ‘જા, તેને જઈને છેતર. તું સફળ થઈશ.”

23 અંતમાં મિખાયાએ કહ્યું, “તેથી આમ બન્યું છે. તમારા બધા સંદેશવાહકો તમને જૂઠું કહે તેવું પ્રભુએ કર્યું છે. પ્રભુએ તો તમારા પર આપત્તિ લાવવાનો નિર્ધાર કર્યો છે.”

24 પછી સંદેશવાહક સિદકિયાએ મિખાયા પાસે જઈને તેના મોં પર લપડાક મારીને પૂછયું, “પ્રભુના આત્માએ મારી પાસેથી નીકળીને તારી સાથે ક્યારે વાત કરી?”

25 મિખાયાએ જવાબ આપ્યો, “તારે ભીતરની ઓરડીમાં સંતાઈ જવું પડે ત્યારે તને તેની ખબર પડશે.”

26 પછી આહાબ રાજાએ તેના એક અધિકારીને હુકમ કર્યો, “મિખાયાને પકડીને તેને નગરના સૂબા આમ્મોન અને રાજકુંવર યોઆશ પાસે લઈ જાઓ.

27 તેમને કહેજો કે તેઓ તેને કેદમાં નાખે અને હું સહીસલામત પાછો ફરું ત્યાં સુધી તેને માત્ર રોટલી અને પાણી પર રાખજો.”

28 મિખાયા બોલી ઊઠયો, “તમે સહીસલામત પાછા ફરો તો જાણજો કે પ્રભુ મારા દ્વારા બોલ્યા નથી.” વળી, તેણે કહ્યું, “સૌ લોકો, મારું કહેવું સાંભળો!”


આહાબનું મૃત્યુ
( ૨ કાળ. 18:28-34 )

29 પછી ઇઝરાયલનો રાજા આહાબ અને યહૂદિયાનો રાજા યહોશાફાટ ગિલ્યાદમાંના રામોથ નગર પર ચડાઈ કરવા ગયા.

30 આહાબે યહોશાફાટને કહ્યું, “આપણે યુદ્ધમાં જઈએ ત્યારે હું તો વેશપલટો કરીને છુપાવેશે રહીશ, પણ તમે તમારો રાજપોશાક પહેરજો.” એમ ઇઝરાયલનો રાજા લડાઈમાં છુપાવેશે ગયો.

31 અરામના રાજાએ પોતાના બત્રીસ રથાધિપતિઓને ઇઝરાયલના રાજા સિવાય બીજા કોઈના પર હુમલો નહિ કરવા જણાવ્યું હતું.

32 તેથી તેમણે યહોશાફાટ રાજાને જોયો ત્યારે તેઓ બધાએ માની લીધું કે એ ઇઝરાયલનો રાજા છે, અને તેઓ સૌ તેમને ભીંસમાં લેવાને તેમના તરફ ત્રાટક્યા. પણ તેણે બૂમ પાડી.

33 એટલે તેમને ખબર પડી કે તે ઇઝરાયલનો રાજા નથી, અને તેથી તેમણે તેનો પીછો કરવો છોડી દીધો.

34 પણ એક અરામી સૈનિકે અનાયાસે એક બાણ છોડ્યું જે આહાબ રાજાને તેના બખ્તરના સાંધામાં થઈને વાગ્યું. તેણે સારથિને હાંક મારી, “હું ઘવાયો છું! રથ પાછો ફેરવીને લડાઈ બહાર નીકળી જા!”

35 યુદ્ધ ખેલાતું હતું ત્યાં સુધી આહાબ રાજાને અરામીઓ સામે મુખ રાખી રથમાં બેસાડેલો રાખ્યો તેના ઘામાંથી રક્ત વહી ને રથના તળિયાને છાઈ દીધું, અને સંયાએ તે મૃત્યુ પામ્યો.

36 સૂર્યાસ્ત થતાં ઇઝરાયલી સૈન્યમાં હુકમ કરાયો: “પ્રત્યેક માણસ પોતાના પ્રદેશમાં અને નગરમાં પાછો જાય!”

37 એમ આહાબ રાજા મરણ પામ્યો. તેને સમરૂનમાં લઈ જઈને દાટવામાં આવ્યો.

38 સમરૂનના જળાશયમાં તેનો રથ ધોવામાં આવ્યો. પ્રભુના સંદેશ મુજબ ત્યાં કૂતરાંએ તેનું રક્ત ચાટયું અને વેશ્યાઓએ તેમાં સ્નાન કર્યું.

39 આહાબનાં બાકીનાં કાર્યો તેણે પોતાનો મહેલ હાથીદાંતથી સજાવ્યો તે તથા તેણે બાંધેલાં નગરો એ બધું ઇઝરાયલના રાજાઓના ઇતિહાસમાં નોંધેલું છે.

40 આહાબ મૃત્યુ પામ્યો અને તેના પછી તેનો પુત્ર અહાઝયા રાજા બન્યો.


યહૂદિયાનો રાજા યહોશાફાટ
( ૨ કાળ. 20:31—21:1 )

41 ઇઝરાયલના રાજા આહાબના અમલના ચોથા વર્ષમાં આસાનો પુત્ર યહોશાફાટ રાજા બન્યો;

42 તે વખતે તે પાંત્રીસ વર્ષનો હતો, અને તેણે યરુશાલેમમાં પચીસ વર્ષ રાજ કર્યું. તેની માતાનું નામ અઝુબા હતું; તે શિલ્હીની પુત્રી હતી.

43 પોતાના પિતા આસાની જેમ તેણે પ્રભુની દૃષ્ટિમાં જે યોગ્ય હતું તે કર્યું; પણ ભક્તિનાં વિધર્મી ઉચ્ચસ્થાનોનો નાશ કરવામાં આવ્યો નહોતો અને લોકોએ ત્યાં બલિદાનો ચઢાવવાનું અને ધૂપ બાળવાનું ચાલું રાખ્યું હતું.

44 યહોશાફાટે ઇઝરાયલના રાજા સાથે સુલેહશાંતિ સ્થાપી.

45 યહોશાફાટનાં બાકીનાં કાર્યો, તેનું શૌર્ય, તેની લડાઈઓ એ બધું યહૂદિયાના રાજાઓના ઇતિહાસમાં આપેલું છે.

46 વિધર્મી પૂજાસ્થાનોમાં દેવદાસો અને દેવદાસીઓ તરીકે કામ કરતાં સ્ત્રી-પુરુષો,જેઓ તેના પિતા આસાના વખતથી બાકી રહી ગયાં હતાં તે બધાંને તેણે દેશમાંથી હાંકી કાઢયાં.

47 અદોમ દેશનો કોઈ રાજા નહોતો; યહૂદિયાના રાજાએ નીમેલો સૂબો તેના પર શાસન ચલાવતો હતો.

48 યહોશાફાટ રાજાએ સોનું મેળવવા ઓફિરના દેશમાં જળમાર્ગે જવા નૌકા કાફલો બનાવ્યો; પણ તે એસ્યોન ગેબેર આગળ ભાંગી પડયો અને તેથી તે ત્યાં જઈ શક્યો નહિ.

49 પછી ઇઝરાયલના રાજા અહાઝયાએ પોતાના માણસોને યહોશાફાટના માણસો સાથે દરિયાઈ મુસાફરી ખેડવા મોકલવા રજૂઆત કરી, પણ યહોશાફાટે એ રજૂઆત માન્ય રાખી નહિ.

50 યહોશાફાટ મરણ પામ્યો અને તેને દાવિદનગરમાં રાજવી કબરોમાં દાટવામાં આવ્યો, અને તેના પછી તેનો પુત્ર યહોરામ રાજા બન્યો.


ઇઝરાયલનો રાજા અહાઝયા

51 યહૂદિયાના રાજા યહોશાફાટના અમલના સત્તરમાં વર્ષમાં આહાબનો પુત્ર અહાઝયા ઇઝરાયલનો રાજા બન્યો, અને તેણે સમરૂનમાં બે વર્ષ રાજ કર્યું.

52 ઇઝરાયલને પાપમાં પાડનાર તેના પિતા આહાબ, માતા ઇઝબેલ અને નબાટના પુત્ર યરોબામનો નમૂનો અનુસરી તેણે પ્રભુની દૃષ્ટિએ ઘૃણાસ્પદ એવું આચરણ કર્યું.

53 તેણે બઆલની સેવાભક્તિ કરી અને તેના પિતાની જેમ તેણે પણ ઇઝરાયલના ઈશ્વર પ્રભુને ક્રોધ ચઢાવ્યો.

Gujarati Common Language Bible - પવિત્ર બાઇબલ C.L.

Copyright © 2016 by The Bible Society of India
Used by permission. All rights reserved worldwide

Bible Society of India
Lean sinn:



Sanasan