Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -

૧ રાજા 21 - પવિત્ર બાઇબલ C.L.


નાબોથની દ્રાક્ષાવાડી

1 યિઝ્રએલમાં આહાબ રાજાના મહેલ પાસે નાબાથ નામે એક માણસની દ્રાક્ષવાડી હતી.

2 એક દિવસે આહાબે તેને કહ્યું, “ મને તારી દ્રાક્ષવાડી આપ; તે મારા મહેલની પાસે છે અને મારે એ જમીન શાકભાજીની વાડી બનાવવા જોઈએ છે. હું તને તેના કરતાં વધુ સારી દ્રાક્ષવાડી આપીશ, અથવા તારી ઇચ્છા હોય તો હું તને સારી એવી કિંમત ચૂકવી આપીશ.

3 નાબોથે જવાબ આપ્યો, “પ્રભુ સમક્ષ હું એવું અઘોર કામ શી રીતે કરું? એ વાડી તો મારા પૂર્વજો પાસેથી મને વારસામાં મળેલી છે!”

4 યિઝ્રએલી નાબોથે આહાબને એવું કહ્યું તેથી તે નિરાશ અને ક્રોધિત થઈ ઘેર ગયો. દીવાલ તરફ મોં રાખી તે પોતાના પલંગ પર પડયો અને ખોરાક લેવાની પણ ના પાડી.

5 તેની પત્ની ઇઝબેલે તેની પાસે જઈને તેને પૂછયું, “તમે કેમ નિરાશ થઈ ગયા છો? કેમ ખાતા નથી?”

6 તેણે જવાબ આપ્યો, “નાબાથે મને જે કહ્યું તેને લીધે; મેં તેને તેની દ્રાક્ષવાડી વેચાતી આપવા કહ્યું અને તેની ઇચ્છા હોય તો તેને બદલે બીજી દ્રાક્ષવાડી આપવા જણાવ્યું. પણ તેણે કહ્યું કે તે તે દ્રાક્ષાવાડી વેચી શકે તેમ નથી.”

7 ઇઝબેલે કહ્યું, એમ? તો તમે રાજા છો કે નહિ? પથારીમાંથી ઊભા થાઓ અને ખુશ થઈ ખાઓ. હું તમને નાબોથની દ્રાક્ષવાડી અપાવીશ!”

8 પછી તેણે પત્ર લખી આહાબના સહી-સિક્કા કરાવી તેમને અધિકારીઓ અને યિઝ્રએલના અગ્રણી નાગરિકો પર મોકલી આપ્યા.

9 પત્રોમાં આવું કહેલું હતું: “ઉપવાસનો દિવસ ઠરાવો, લોકોને એકઠા કરો અને નાબોથને સન્માનનીય સ્થાને બેસાડો.

10 થોડાક હરામખોરોને તેની રૂબરૂમાં જ તેણે ઈશ્વર અને રાજાને શાપ દીધો હોવાનો આક્ષેપ મૂકવા લઈ આવો. પછી નાબોથને શહેર બહાર લઈ જઈ પથ્થરો મારી મારી નાખો.”

11 ઇઝબેલની આજ્ઞા પ્રમાણે અધિકારીઓ અને નગરના અગ્રણી નાગરિકોએ કર્યું.

12 તેમણે ઉપવાસનો દિવસ જાહેર કર્યો, લોકોને એકઠા કર્યા અને નાબોથને સન્માનનીય સ્થાને બેસાડયો.

13 બે હરામખોરોએ તેના પર ઈશ્વર અને રાજાને શાપ દીધો હોવાનો આક્ષેપ મૂક્યો અને તેથી તેમણે તેને નગર બહાર લઈ જઈ પથ્થરો મારીને મારી નાખ્યો.

14 પછી ઈઝબેલને સંદેશો મોકલાવ્યો: “નાબોથને પથ્થરો મારીને મારી નાખ્યો છે.”

15 નાબોથના મૃત્યુનો સંદેશો મળતાંની સાથે જ ઇઝબેલે આહાબને કહ્યું, “નાબોથ હવે જીવતો નથી; તે માર્યો ગયો છે. તો હવે જાઓ, તમને જે દ્રાક્ષવાડી વેચવાની તે ના પાડતો હતો તેનો કબજો લઈ લો.”

16 આહાબ યિઝ્રએલી નાબોથની દ્રાક્ષવાડીનો કબજો લેવા તરત ઉપડયો.

17 પછી તિશ્બેના સંદેશવાહક એલિયાને પ્રભુએ કહ્યું, “સમરૂનના રાજા આહાબ પાસે જા.

18 આહાબ તને નાબોથની દ્રાક્ષવાડીમાં એ વાડીનો કબજો લેતો મળશે.

19 તેને કહેજે કે હું પ્રભુ તેને કહું છું, ‘માણસને મારી નાખીને તું તેની મિલક્ત પણ પચાવી પાડે છે?’ તેને કહેજે હું તેને આમ કહું છું: ‘જે જગાએ કૂતરાંએ નાબોથનું રક્ત ચાટયું છે તે જ જગાએ તેઓ તારું રક્ત પણ ચાટશે!”

20 એલિયાને જોઈને આહાબે કહ્યું, “હે મારા શત્રુ, શું તેં મને પકડી પાડયો છે?” એલિયાએ જવાબ આપ્યો, “હા, મેં તમને પકડી પાડ્યા છે. પ્રભુની દૃષ્ટિએ ઘૃણાસ્પદ છે તે જ કરવા તમે તમારી જાતને વેચી દીધી છે.

21 તેથી પ્રભુ તમને કહે છે, ‘હું તારા પર આપત્તિ લાવીશ. હું તારું નિકંદન કાઢી નાખીશ અને તારા કુટુંબના નાના કે મોટા પ્રત્યેક પુરુષનો મારી આગળથી નાશ કરીશ.

22 તારું કુટુંબ નબાટના પુત્ર યરોબામના કુટુંબ જેવું અને અહિયાના પુત્ર બાશા રાજાના કુટુંબ જેવું બની જશે; કારણ, તેં ઇઝરાયલને પાપમાં પાડી મારો કોપ સળગાવ્યો છે.’

23 વળી, ઇઝબેલ વિષે પ્રભુ કહે છે કે યિઝ્રએલ નગરમાં જ કૂતરાં તેનું શરીર ફાડી ખાશે.

24 તારો જે સંબંધી નગરમાં મરી જાય તેને કૂતરાં ફાડી ખાશે અને જે વગડામાં મરી જાય તેને ગીધો ચૂંથી ખાશે.”

25 (ઇઝબેલની ઉશ્કેરણીથી પોતાની જાતને સંપૂર્ણપણે પ્રભુની દૃષ્ટિએ ઘૃણાસ્પદ એવાં આચરણ કરવા સોંપી હોય એવું આહાબ સિવાય બીજું કોઈ નહોતું.

26 ઇઝરાયલીઓ દેશનો કબજો મેળવતાં મેળવતાં આગળ વધી રહ્યા હતા ત્યારે પ્રભુએ તેમની આગળથી હાંકી કાઢેલી અમોરી પ્રજાની જેમ તેણે મૂર્તિપૂજા કરીને અત્યંત શરમજનક પાપો આચર્યાં છે.)

27 એલિયા બોલી રહ્યો એટલે આહાબે પોતાનાં વ ફાડયાં, અને તેમને બદલી નાખીને અળસી રેસાનાં શ્વેત વ પહેર્યાં. તેણે ખોરાક લેવાની ના પાડી અને શણિયામાં સૂઈ રહ્યો. તે ઉદાસ થઈને શોક કરવા લાગ્યો.

28 પ્રભુએ સંદેશવાહક એલિયાને કહ્યું,

29 “આહાબ મારી આગળ કેવો દીન બની ગયો છે તે તેં નિહાળ્યું? તે દીન બની ગયો હોઈ હું તેની હયાતીમાં આપત્તિ નહિ લાવું; પણ તેના પુત્રની હયાતીમાં આહાબના કુટુંબ પર આપત્તિ લાવીશ.”

Gujarati Common Language Bible - પવિત્ર બાઇબલ C.L.

Copyright © 2016 by The Bible Society of India
Used by permission. All rights reserved worldwide

Bible Society of India
Lean sinn:



Sanasan