Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -

૧ રાજા 20 - પવિત્ર બાઇબલ C.L.


અરામ સાથે લડાઈ

1 અરામના રાજા બેનહદાદે તેનાં બધાં લશ્કરી દળો એકત્ર કર્યાં અને બીજા બત્રીસ રાજાઓનો તેમના ઘોડા અને રથો સહિત ટેકો મેળવી સમરૂન પર કૂચ કરી તેને ઘેરો ઘાલ્યો અને તેના પર હુમલા કર્યા.

2 તેણે નગરમાં સંદેશકો મોકલીને ઇઝરાયલના રાજા આહાબને કહેવડાવ્યું,

3 “રાજા બેનહદાદની એવી માગણી છે કે તું તારું સોનુંરૂપું, તારી સ્ત્રીઓ અને તારા સૌથી સશક્ત સંતાનો એમને સ્વાધીન કરી દે.”

4 આહાબે જવાબ આપ્યો, “રાજાને એટલે મારા માલિકને કહેજો કે હું તેમ કરવા સંમત છું; હું તથા મારું સર્વસ્વ તેમના જ છીએ.”

5 તે પછી સંદેશકો આહાબ પાસે બેનહદાદની બીજી માગણી લઈને આવ્યા: “મેં તને સંદેશો મોકલ્યો હતો કે તારે તારું સોનું રૂપું, તારી સ્ત્રીઓ અને તારા સૌથી સશક્ત સંતાનો મારે હવાલે કરી દેવાં.

6 હવે મારા અમલદારો તારા રાજમહેલમાં અને તારા અમલદારોનાં ઘરમાં શોધ ચલાવશે અને તેમને મૂલ્યવાન લાગતી બધી વસ્તુઓ લઈ લેશે. આવતી કાલે આ સમયે તેઓ ત્યાં આવશે.”

7 આહાબ રાજાએ દેશના બધા આગેવાનોને બોલાવડાવ્યા અને તેમને કહ્યું, “તમે જુઓ છો ને કે આ માણસ આપણને ખેદાનમેદાન કરી નાખવા માગે છે. તેણે મારી પત્નીઓ, મારાં સંતાનો અને મારું સોનુંચાંદી માગતો સંદેશો મારા પર મોકલ્યો અને હું કબૂલ થયો.”

8 આગેવાનોએ અને લોકોએ કહ્યું, “તેનું કંઈ સાંભળશો નહિ કે તેને તાબે થશો નહિ.”

9 તેથી આહાબે બેનહદાદના સંદેશકોને જવાબ આપ્યો, “રાજાને એટલે મારા માલિકને કહેજો કે તેમની પ્રથમ માગણી મને માન્ય છે, પણ હું બીજી માગણી સ્વીકારી શકું તેમ નથી.” સંદેશકો ગયા અને બીજો એક સંદેશો લઈને પાછા આવ્યા.

10 બેનહદાદ કહે છે: “સમરૂનનો નાશ કરવા હું એવી મોટી સંખ્યામાં સેના લઈ આવીશ કે લૂંટમાં પ્રત્યેક સૈનિકના ફાળે મૂઠીભર ધૂળ પણ ન આવે! હું એમ ન કરું તો દેવો મારું મોત નિપજાવો.”

11 આહાબ રાજાએ ઉત્તર આપ્યો, “બેનહદાદ રાજાને કહેજો કે સાચો યોદ્ધો યુદ્ધ પછી બડાશ મારે છે, તે પહેલાં નહિ.”

12 બેનહદાદ અને તેના મિત્ર રાજાઓ તંબૂમાં શરાબ પી રહ્યા હતા ત્યારે તેને આહાબનો ઉત્તર મળ્યો. તેણે તેના સૈનિકોને નગર પર હુમલો કરવા સાબદા થવા હુકમ કર્યો, એટલે તેમણે નગર સામે મોરચો ગોઠવ્યો.

13 દરમ્યાનમાં, આહાબ રાજા પાસે ઈશ્વરના એક સંદેશવાહકે જઈને તેને કહ્યું, “પ્રભુ કહે છે, ‘તું એ મોટા સૈન્યથી ગભરાઈશ નહિ. હું તને આજે તેના પર વિજય અપાવીશ, અને તને ખબર પડશે કે હું પ્રભુ છું.”

14 આહાબે પૂછયું, “કોની મારફતે વિજય પમાડશે?” સંદેશવાહકે જવાબ આપ્યો, “પ્રભુ કહે છે કે પ્રાંતના સૂબાઓના જુવાન સૈનિકો મારફતે વિજય પમાડીશ.” રાજાએ પૂછયું, “આક્રમકદળની આગેવાની કોણે લેવાની છે?” સંદેશવાહકે જવાબ આપ્યો, “તમારે.”

15 તેથી રાજાએ પ્રાંતના સેનાપતિઓ હસ્તકના જુવાન સૈનિકોને બોલાવ્યા. તેઓ બધા મળીને બસો બત્રીસ હતા. પછી તેણે ઇઝરાયલી સૈન્યને બોલાવ્યું. તેમાં એકંદરે સાત હજાર માણસો હતા.

16 બેનહદાદ અને તેના બત્રીસ મિત્ર રાજાઓ તંબૂમાં પીને ચકચૂર થયા હતા. ત્યારે બપોરે હુમલોે શરૂ કર્યો.

17 જુવાન સૈનિકોએ પ્રથમ કૂચ કરી. બેનહદાદે મોકલેલા બાતમીદારોએ તેને જણાવ્યું કે સમરૂનમાંથી સૈનિકોની એક ટુકડી બહાર આવી રહી છે.

18 તેણે હુકમ કર્યો, “તેઓ લડવા આવતા હોય કે સંધિ કરવા પણ તેમને જીવતા જ પકડી લો.”

19 જુવાન સૈનિકો હુમલામાં પહેલી હરોળમાં હતા અને ઇઝરાયલનું સૈન્ય તેમની પાછળ હતું.

20 પ્રત્યેક સૈનિકે તેની સાથે લડનારને મારી નાખ્યો. અરામના માણસો ભાગ્યા, અને ઇઝરાયલીઓએ તેમનો જબરો પીછો કર્યો, પણ બેનહદાદ ઘોડા ઉપર બેસીને કેટલાક ઘોડેસ્વારોની સાથે નાસી છૂટયો.

21 આહાબ રાજાએ રણક્ષેત્ર પર કબજો મેળવી ઘોડાઓ અને રથો લઈ લીધા અને અરામીઓનો કચ્ચરઘાણ વાળી દીધો.

22 પછી સંદેશવાહકે આહાબ રાજાને કહ્યું, “જાઓ, હવે જઈને તમારા લશ્કરી દળોને સંગીન બનાવો અને ચોક્સાઈપૂર્વક વ્યૂહ ગોઠવો, કારણ, અરામનો રાજા આવતી વસંતસંપાતે ફરીથી હુમલો કરશે.”


અરામનો બીજો હુમલો

23 અરામના રાજા બેનહદાદના અમલદારોએ તેને કહ્યું, “ઇઝરાયલનો દેવ તો પર્વતોનો દેવ છે, અને એટલે ઇઝરાયલીઓ આપણા પર પ્રબળ થયા. પણ જો આપણે તેમની સાથે મેદાનમાં લડીએ તો આપણે તેમને જરૂર હરાવી શકીશું.

24 હવે બત્રીસ રાજાઓને તેમનાં સૈન્ય પરથી હટાવી દઈ તે સૈન્ય ક્ષેત્રાધિપતિઓના હસ્તક મૂકો.

25 પછી તેમને તરછોડીને ભાગી ગયું હતું એટલું જ મોટું સૈન્ય, એટલી જ સંખ્યામાં ઘોડા અને રથો સહિત ઊભું કરો. આપણે ઇઝરાયલીઓ સાથે મેદાનમાં લડાઈ ખેલીશું અને આ વખતે આપણે તેમને હરાવીશું.” બેનહદાદ રાજાએ એ વાત મંજૂર રાખી અને તેમની સલાહ પ્રમાણે કર્યું.

26 પછીની વસંતસંપાતે તેણે પોતાના માણસોને બોલાવ્યા અને ઇઝરાયલીઓ પર હુમલો કરવા એફેક નગર તરફ કૂચ કરી.

27 ઇઝરાયલીઓ પણ એકઠા થયા અને શસજ્જ બન્યા; તેઓ પણ કૂચ કરી નીકળ્યા અને અરામીઓ સામે બે જૂથમાં છાવણીઓ નાખી. સમગ્ર સીમાડાને છાઈને પડેલા અરામીઓ આગળ ઇઝરાયલીઓ બકરાંનાં બે નાનાં ટોળાં જેવા લાગતા હતા.

28 એક ઈશ્વરભક્તે આહાબ રાજા પાસે જઈને કહ્યું, “પ્રભુ આમ કહે છે: ‘હું મેદાનોનો નહિ, પણ પર્વતોનો દેવ છું.’ એવું અરામીઓ કહે છે; તેથી તેમના મોટા સૈન્ય પર હું તમને વિજય અપાવીશ, અને તું તથા તારા લોક જાણશો કે હું પ્રભુ છું.”

29 સાત દિવસ સુધી અરામીઓ અને ઇઝરાયલીઓ એકબીજાની સામે પોતપોતાના પડાવમાં રહ્યા. સાતમે દિવસે તેમણે લડાઈ શરૂ કરી અને ઇઝરાયલીઓએ એક લાખ અરામીઓને મારી નાખ્યા.

30 જેઓ બચી ગયા તેઓ એફેક નગરમાં નાસી ગયા તો ત્યાં તેમના સત્તાવીશ હજાર માણસો પર નગરનો કોટ તૂટી પડયો. બેનહદાદ પણ નગરમાં નાસી છૂટયો અને તેણે એક ઘરની પાછલી ઓરડીમાં આશ્રય લીધો.

31 તેના અમલદારોએ તેને કહ્યું, “અમે સાંભળ્યું છે કે ઇઝરાયલી રાજાઓ દયાળુ હોય છે. તેથી અમને તમે પરવાનગી આપો કે અમે અમારી કમરે ટાટ વીંટાળી અને ગળે દોરડાં વીંટાળી ઇઝરાયલના રાજા પાસે જઈએ; કદાચ તે તમને જીવતા રહેવા દે.”

32 તેથી તેઓ પોતાની કમરે ટાટ અને ગળે દોરડાં વીંટાળી આહાબ રાજા પાસે ગયા અને તેને કહ્યું, “અમારા સેવક બેનહદાદ પોતાના જીવ માટે તમારી દાદ માગે છે.” આહાબે જવાબ આપ્યો, “હજુ તે જીવે છે? ભલે, તે તો મારા ભાઈ જેવો છે.”

33 બેનહદાદના અમલદારો સારા સંકેતની રાહ જ જોતા હતા. તેમણે આહાબને ‘ભાઈ’ કહેતા સાંભળ્યો કે તરત જ તે શબ્દ પકડી લીધો અને કહ્યું, “તમે જ કહો છો કે તે તમારો ભાઈ છે!” આહાબે હુકમ કર્યો, “તેને મારી પાસે લાવો.” બેનહદાદ આવ્યો, એટલે આહાબે તેને પોતાના રથમાં સાથે બેસવા આમંત્રણ આપ્યું.

34 બેનહદાદે તેને કહ્યું, “તમારા પિતા પાસેથી મારા પિતાએ જે નગરો જીતી લીધાં હતાં તે હું તમને પાછાં આપીશ અને મારા પિતાએ જેમ સમરૂનને વ્યાપાર કેન્દ્ર બનાવી દીધું હતું તેમ તમે દમાસ્ક્સનું પણ કરો.” આહાબે જવાબ આપ્યો, “તો તે શરતે હું તમને મુક્ત કરીશ.” તેણે તેની સાથે કરાર કરી તેને જવા દીધો.

35 પ્રભુની આજ્ઞાથી સંદેશવાહકોના જૂથના એક સભ્યે તેના સાથી સંદેશવાહકને તેને મારવા આજ્ઞા કરી, પણ તેણે ના પાડી.

36 તેથી તેણે તેને કહ્યું, “તેં પ્રભુની આજ્ઞા માની નથી તેથી તું મારી પાસેથી જશે કે સિંહ તને ફાડી ખાશે.” જેવો તે ગયો કે એક સિંહે આવી તેને મારી નાખ્યો.

37 પછી પેલા જ સંદેશવાહકે બીજા એક માણસ પાસે જઈને કહ્યું, “મને માર!” એ માણસે તેને ફટકો મારી ઘાયલ કર્યો.

38 સંદેશવાહકે મોં પર પાટો બાંધ્યો અને છુપાવેશે રસ્તે જઈ ઊભો રહ્યો અને ઇઝરાયલના રાજાના પસાર થવાની રાહ જોવા લાગ્યો.

39 રાજા તેની પાસેથી પસાર થઈ રહ્યો હતો ત્યારે સંદેશવાહકે તેને બૂમ પાડીને કહ્યું, “નામદાર, હું લડાઈમાં હતો ત્યારે એક સૈનિક કેદ પકડાયેલ શત્રુને લઈને મારી પાસે આવ્યો અને મને કહ્યું, ‘આ માણસની ચોકી કર; જો તે નાસી છૂટશે તો તેને બદલે તારે તારા જીવની અથવા ચાંદીના ત્રણ હજાર સિક્કાની કિંમત ચૂકવવી પડશે.’

40 પણ હું બીજા કામમાં રોક્યેલો હતો, અને પેલો માણસ નાસી છૂટયો.” રાજાએ જવાબ આપ્યો, “તેં પોતે જ તારી સજા જાહેર કરી છે અને તારે દંડ ચૂકવવો પડશે.”

41 સંદેશવાહકે પોતાના મોં પરથી વ કાઢી નાખ્યું એટલે રાજાએ તરત જ તેને ઓળખ્યો કે તે એક સંદેશવાહક છે.

42 પછી સંદેશવાહકે રાજાને કહ્યું, “પ્રભુ તરફથી આ સંદેશ છે: ‘મેં જેને મૃત્યુદંડને પાત્ર ઠરાવ્યો તેને તેં જવા દીધો છે, તેથી તારે તારા જીવને સાટે તેની કિંમત ચૂકવવી પડશે. તેં તેના સૈન્યને જતું રહેવા દીધું છે તેથી તારું સૈન્ય નાશ પામશે.”

43 તેથી રાજા હતાશ અને ચિંતાતુર થઈ સમરૂન પાછો ફર્યો.

Gujarati Common Language Bible - પવિત્ર બાઇબલ C.L.

Copyright © 2016 by The Bible Society of India
Used by permission. All rights reserved worldwide

Bible Society of India
Lean sinn:



Sanasan