૧ રાજા 2 - પવિત્ર બાઇબલ C.L.શલોમોનને દાવિદની છેલ્લી સૂચનાઓ 1 દાવિદનો અંત નજીક આવ્યો હતો અને તેથી તેણે શલોમોનને બોલાવીને આ પ્રમાણે છેલ્લી સૂચનાઓ આપી: 2 “મારા મૃત્યુનો સમય હવેનજીક છે. હિમ્મતવાન અને મક્કમ થા, 3 અને તારા ઈશ્વર પ્રભુ તને જે આજ્ઞા આપે તે પ્રમાણે કર. મોશેના નિયમશામાં લખેલા પ્રભુના સર્વ નિયમો અને આજ્ઞાઓ પાળ; જેથી તું જ્યાં જાય ત્યાં સર્વ બાબતોમાં સફળ થાય. 4 જ્યાં સુધી મારા વંશજો પોતાના પૂરા દયથી અને જીવથી વિશ્વાસુપણે પ્રભુની આજ્ઞાઓ પાળવામાં કાળજી રાખશે ત્યાં સુધી તેઓ ઇઝરાયલ પર રાજ કરશે એવું પ્રભુનું વરદાન છે. જો તું પ્રભુને આધીન થઈશ, તો તે એ વરદાન પાળશે. 5 “વળી, તું જાણે છે કે સરુયાના પુત્ર યોઆબે ઇઝરાયલી સૈન્યના બે સેનાપતિઓ એટલે, નેરના પુત્ર આબ્નેરને અને યેથેરના પુત્ર અમાસાને મારી નાખીને મારા પ્રત્યે કેવું વર્તન દાખવ્યું છે. તેણે તેમને શાંતિના સમયમાં મારી નાખીને યુદ્ધમાં માર્યા ગયેલા માણસોનું વેર લીધું. તેણે નિર્દોષ જનનાં ખૂન કર્યાં એની જવાબદારી હવે મારે શિર છે અને મારે તેનાં પરિણામો ભોગવવાં પડે છે. 6 તારે તેની સાથે કેવી રીતે કામ પાર પાડવું તે તો તું સમજે છે. તું તેને કુદરતી મોતે મરવા દઈશ નહિ. 7 “પણ ગિલ્યાદના બાર્ઝિલ્લાયના પુત્રો પ્રત્યે ભલાઈ દાખવજે અને તેમનું ભરણપોષણ કરજે; કારણ, તારા ભાઈ આબ્શાલોમથી હું નાસી છૂટયો ત્યારે તેઓ મારું ભરણપોષણ કરી મારે પડખે ઊભા રહ્યા હતા. 8 “બિન્યામીનના કુળપ્રદેશના બાહુરીમ નગરના ગેરાનો પુત્ર શિમઈ છે. હું માહનાઇમ જતો હતો તે દિવસે તેણે મને ભારે શાપ આપ્યો હતો. પણ તે મને યર્દન નદીએ મળ્યો ત્યારે મેં તેને પ્રભુને નામે સમ ખાઈને વરદાન આપ્યું હતું કે હું તેને મારી નાખીશ નહિ. 9 તું તેને નિર્દોષ ઠરાવીશ નહિ; પણ તેને સજા કરજે. તારે શું કરવું તેની સમજ તારામાં છે. તે માર્યો જાય તે જોજે.” દાવિદનું મૃત્યુ 10 દાવિદ મૃત્યુ પામ્યો, અને તેને દાવિદનગરમાં દફનાવવામાં આવ્યો. 11 ઇઝરાયલ પર તેણે એકંદરે ચાલીસ વર્ષ રાજ કર્યું. તેણે સાત વર્ષ હેબ્રોનમાં રહીને અને તેત્રીસ વર્ષ યરુશાલેમમાં રહીને રાજ કર્યું. 12 દાવિદ પછી તેનો પુત્ર શલોમોન રાજા બન્યો, અને તેનું રાજ્ય ઘણું સ્થિર થયું. અદોનિયાનો સંહાર 13 પછી અદોનિયા, જેની માતાનું નામ હાગ્ગીશ હતું, તે શલોમોનની માતા બાથશેબા પાસે ગયો. બાથશેબાએ પૂછયું. “શું તું સદ્ભાવપૂર્વક મળવા આવ્યો છે?” 14 તેણે કહ્યું, “હા, સદ્ભાવપૂર્વક.” વળી, તેણે કહ્યું, “તમારી આગળ હું એક માગણી રજૂ કરવા આવ્યો છું.” તેણે પૂછયું, “શી માગણી?” 15 તેણે જવાબ આપ્યો, “તમે જાણો છો કે મારે રાજા બનવાનું હતું; ઇઝરાયલમાં સૌ કોઈની એ અપેક્ષા હતી. પણ એથી ઊલટું જ થયું. મારો ભાઈ રાજા બની ગયો, કારણ, એ પ્રભુની ઇચ્છા હતી. 16 હવે મારી એક વિનંતી છે. મને તેની ના પાડશો નહિ.” 17 બાથશેબાએ પૂછયું, “શી વિનંતી છે?” તેણે જવાબ આપ્યો, “તમે શલોમોન રાજાને વાત કરો કે તે મને શૂનેમની યુવતી અબિશાગ સાથે લગ્ન કરવા દે. હું જાણું છું કે શલોમોન તમને ના નહિ પાડે.” 18 તેણે જવાબ આપ્યો, “ભલે, હું તારે માટે રાજાને વાત કરીશ.” 19 તેથી બાથશેબા અદોનિયા માટે વાત કરવા રાજા પાસે ગઈ. રાજા ઊભો થયો અને પોતાની માને નમીને પ્રણામ કર્યા. પછી તે પોતાના રાજ્યાસન પર બેઠો, અને તેણે એક બીજું આસન મંગાવ્યું જેના પર બાથશેબા રાજાની જમણી તરફ બેઠી. 20 તેણે કહ્યું, “મારે તને એક નજીવી વિનંતી કરવાની છે. મને તેની ના પાડીશ નહિ.” તેણે કહ્યું, “મા તમારી શી વિનંતી છે? હું તમને તેની ના નહિ પાડું.” 21 તેણે કહ્યું, “તારા ભાઈ અદોનિયાને શૂનેમની અબિશાગ સાથે લગ્ન કરવા દે.” 22 રાજાએ કહ્યું, “તમે તેને શૂનેમની અબિશાગ સોંપવાની માગણી મૂકો છો! તો પછી તેને રાજ્ય સોંપી દેવાનું ય કહોને! ગમે તેમ તોય તે મારો મોટો ભાઈ છે અને અબ્યાથાર યજ્ઞકાર અને યોઆબ તેના પક્ષમાં છે!” 23 પછી શલોમોને પ્રભુને નામે સમ ખાધા: “આવી માગણી કર્યા બદલ અદોનિયાને પોતાના જીવની કિંમત ન ચૂકવાવું તો ઈશ્વર મને મારી નાખો. 24 પ્રભુએ મને મારા પિતાના રાજ્યાસન પર સ્થિર કર્યો છે; તેમણે પોતાનું વચન પાળ્યું છે અને મને અને મારા વંશજોને રાજ્ય આપ્યું છે. હું જીવતા પ્રભુના સોગંદ ખાઉં છું કે અદોનિયા આજે જ માર્યો જશે.” 25 પછી શલોમોન રાજાએ બનાયાને આજ્ઞા કરી એટલે તેણે જઈને અદોનિયાને મારી નાખ્યો. અબ્યાથારની હકાલપટ્ટી અને યોઆબનું મરણ 26 પછી શલોમોન રાજાએ અબ્યાથાર યજ્ઞકારને કહ્યું, “તારા વતન અનાથોથમાં ચાલ્યો જા. તું મરણપાત્ર છે; પણ હું તને હાલ મારી નાખીશ નહિ. કારણ, તું મારા પિતા દાવિદની સાથે હતો એ બધા સમય દરમ્યાન કરારપેટી તારા હસ્તક હતી અને તું તેમનાં સર્વ સંકટોમાં ભાગીદાર થયો હતો.” 27 પછી શલોમોને અબ્યાથારને પ્રભુની સમક્ષ યજ્ઞકાર તરીકેની તેની સેવામાંથી તેને કાઢી મૂક્યો. એમ યજ્ઞકાર એલી તથા તેના વંશજો વિષે પ્રભુએ શીલોમાં જે કહ્યું હતું તે પૂરું થયું. 28 યોઆબને તેની જાણ થઈ, (તેણે અદોનિયાનો પક્ષ લીધો હતો, જો કે તેણે આબ્શાલોમનો પક્ષ કર્યો નહોતો.) તેથી તે પ્રભુના મુલાકાતમંડપમાં નાસી ગયો અને ત્યાં તેણે વેદીના શિંગ પકડયાં. 29 યોઆબ ત્યાં નાસી ગયો છે અને વેદી પાસે છે એવી ખબર મળતાં શલોમોન રાજાએ યોઆબ શા માટે વેદી પાસે જતો રહ્યો છે તે પૂછવા સંદેશક મોકલ્યા. યોઆબે જવાબ આપ્યો કે તે શલોમોનથી ગભરાઈને પ્રભુ પાસે નાસી ગયો છે. તેથી શલોમોન રાજાએ યોઆબને મારી નાખવા બનાયાને મોકલ્યો. 30 તેણે પ્રભુના મુલાકાતમંડપમાં જઈને યોઆબને કહ્યું, “તું બહાર આવ એવો રાજાનો હુકમ છે.” યોઆબે કહ્યું, “ના, હું તો અહીં જ મરીશ.” બનાયાએ રાજા પાસે જઈને યોઆબે જે કહ્યું તે કહી જણાવ્યું. 31 શલોમોને કહ્યું, “તો ભલે યોઆબના કહેવા પ્રમાણે કર. તેને મારીને દાટી દે. પછી યોઆબે નિર્દોષ માણસોનો સંહાર કર્યો તેની જવાબદારી મારા પર કે દાવિદના બીજા કોઈ વંશજ પર રહેશે નહિ. 32 મારા પિતા દાવિદની જાણ બહાર યોઆબે કરેલાં ખૂનને લીધે પ્રભુ તેને શિક્ષા કરો. યોઆબે પોતાના કરતાં બે ન્યાયી અને સારા માણસોને, એટલે, ઇઝરાયલના સેનાપતિ, એટલે નેરના પુત્ર આબ્નેરને અને યહૂદિયાના સેનાપતિ એટલે યેથેરના પુત્ર અમાસાને મારી નાખ્યા હતા. 33 એમના ખૂનની શિક્ષા યોઆબ અને તેના વંશજો પર સદા રહેશે; પણ દાવિદના રાજ્યાસન પર બિરાજમાન તેના સર્વ વંશજોને પ્રભુ આબાદી બક્ષશે.” 34 તેથી બનાયાએ મુલાકાતમંડપમાં જઈને યોઆબને મારી નાખ્યો, અને તેને તેના વતનમાં વેરાન જગામાં દફનાવવામાં આવ્યો. 35 રાજાએ યોઆબની જગ્યાએ યહોયાદાના પુત્ર બનાયાને સેનાપતિ બનાવ્યો અને અબ્યાથારની જગ્યાએ સાદોકને યજ્ઞકારપદે નીમ્યો. શિમઈનું મૃત્યુ 36 પછી રાજાએ શિમઈને બોલાવીને કહ્યું, “યરુશાલેમમાં તારે માટે ઘર બાંધીને રહે અને નગર છોડીશ નહિ. 37 જો તું કિદ્રોનના વહેળાને પેલે પાર ગયો તો ચોક્કસ માર્યો જશે, અને તેનો દોષ તારે શિર રહેશે.” 38 શિમઈએ જવાબ આપ્યો, “ભલે નામદાર, હું તમારા કહ્યા પ્રમાણે કરીશ.” તેથી તે યરુશાલેમમાં લાંબો સમય રહ્યો. 39 પણ ત્રણ વર્ષ પછી શિમઈના બે ગુલામો ગાથના રાજા માખાના પુત્ર આખીશ પાસે નાસી ગયા. તેઓ ગાથમાં છે એવી ખબર મળી. 40 તેથી શિમઈ તેમને શોધવા માટે ગધેડા પર બેસીને આખીશ રાજા પાસે ગાથમાં ગયો. તે તેમને શોધીને ઘેર પાછા લાવ્યો. 41 શલોમોનને તેની ખબર પડી; 42 તેથી તેણે શિમઈને બોલાવીને કહ્યું, “મેં તને પ્રભુને નામે સોગંદ લેવડાવીને યરુશાલેમ છોડવા ના પાડી હતી. મેં તને ચેતવણી આપી હતી કે જો તું તેમ કરીશ તો જરૂર માર્યો જઈશ. 43 તો પછી તેં પ્રભુના સમ ખાઈને લીધેલી પ્રતિજ્ઞાનો ભંગ કરીને મારી આજ્ઞા કેમ ઉથાપી છે? 44 મારા પિતા દાવિદ પ્રત્યે તેં કેવી દુષ્ટતા કરી હતી તે સર્વ તું જાણે છે. પ્રભુ તને તેની શિક્ષા કરશે, 45 પણ મને તો તે આશિષ આપશે અને દાવિદના રાજ્યને પ્રભુની સમક્ષ સદાને માટે સલામત કરશે.” 46 પછી રાજાએ બનાયાને હુકમ કર્યો એટલે તેણે જઈને શિમઈને મારી નાખ્યો. હવે શલોમોનની રાજસત્તા દ્રઢ બની. |
Gujarati Common Language Bible - પવિત્ર બાઇબલ C.L.
Copyright © 2016 by The Bible Society of India
Used by permission. All rights reserved worldwide