૧ રાજા 19 - પવિત્ર બાઇબલ C.L.એલિયા સિનાઈ પર્વત પર 1 એલિયાએ જે કર્યું તે બધું અને તેણે કેવી રીતે બઆલના બધા સંદેશવાહકોને મારી નાખ્યા હતા તે આહાબ રાજાએ પોતાની પત્ની ઇઝબેલને કહ્યું. 2 ઇઝબલે એલિયાને સંદેશો મોકલ્યો: “એ સંદેશવાહકોને તેં જે કર્યું તે આવતી કાલે આ સમય સુધીમાં હું તને ન કરું તો દેવો મારું મરણ નિપજાવો.” 3 એલિયા ગભરાયો, અને જીવ લઈ નાઠો; પોતાના સેવકને લઈને તે યહૂદિયાના બેરશેબામાં ગયો. પોતાના સેવકને ત્યાં રહેવા દઈ, 4 એલિયા ચાલતાં જતાં એક આખો દિવસ લાગે તેટલે અંતરે રણપ્રદેશમાં ગયો. તે થોભ્યો અને એક ઘટાદાર રોતેમ નામના વૃક્ષ નીચે બેઠો અને મોત માગ્યું. તેણે પ્રાર્થના કરી, “પ્રભુ, બસ, હવે બહુ થયું. મારો જીવ લઈ લો. હું ય હવે મરી જઈને મારા પૂર્વજો સાથે ભળી જઉં તો સારું.” 5 તે વૃક્ષ નીચે આરામ લેવા પડયો અને ઊંઘી ગયો. એકાએક દૂતે તેને અડકીને કહ્યું, “ઊઠ અને ખા.” 6 તેણે આસપાસ જોયું તો તેના માથા પાસે રોટલી અને પાણીની મશક જોયાં. ખાઈપીને તે પાછો આરામ લેવા પડ્યો. 7 પ્રભુના દૂતે પાછા આવીને તેને બીજી વાર જગાડયો અને કહ્યું, “ઊઠીને ખા, કારણ, તારે ઘણી લાંબી મુસાફરી કરવાની છે.” 8 એલિયાએ ઊઠીને ખાધું અને પીધું અને પવિત્ર પર્વત હોરેબ સુધી ચાલીસ દિવસ ચાલતાં જવા તેનામાં ખોરાકથી જરૂરી શક્તિ આવી. 9 રાત ગાળવા તે એક ગુફામાં ગયો. એકાએક પ્રભુએ તેની સાથે વાત કરી, “એલિયા, તું અહીં શું કરે છે?” 10 તેણે જવાબ આપ્યો, “સેનાધિપતિ પ્રભુ પરમેશ્વર, માત્ર મેં જ તમારા પ્રત્યે અનન્ય નિષ્ઠા દાખવી છે; પણ ઇઝરાયલના લોકોએ તમારી સાથેનો કરાર તોડ્યો છે, તમારી વેદીઓ તોડી નાખી છે અને તમારા સંદેશવાહકોને મારી નાખ્યા છે. માત્ર હું એકલો જ બાકી રહ્યો છું અને તેઓ મને પણ મારી નાખવા માગે છે!” 11 પ્રભુએ તેને કહ્યું, “જા, પર્વતની ટોચે જઈને મારી આગળ ઊભો રહે.” પછી પ્રભુ પસાર થયા અને પર્વતોને તોડી નાખતો ભારે પવન વાયો; પણ પ્રભુ તે પવનમાં નહોતા. પવન વાયા પછી ધરતીકંપ થયો; પણ પ્રભુ તે ધરતીકંપમાં નહોતા. 12 ધરતીકંપ પછી અગ્નિ આવ્યો; પણ પ્રભુ અગ્નિમાં પણ નહોતા. અગ્નિ પછી એક ધીમો કોમળ અવાજ હતો. 13 એ સાંભળીને એલિયા પોતાના ઝભ્ભાથી પોતાનું મોં ઢાંકીને બહાર નીકળ્યો અને ગુફાના પ્રવેશદ્વારે ઊભો રહ્યો. તેની પાસે અવાજ આવ્યો, “એલિયા, તું અહીં શું કરે છે?” 14 તેણે જવાબ આપ્યો, “સેનાધિપતિ પ્રભુ પરમેશ્વર, માત્ર મેં જ તમારા પ્રત્યે અનન્ય નિષ્ઠા દાખવી છે. પણ ઇઝરાયલના લોકોએ તમારી સાથેનો કરાર તોડ્યો છે, તમારી વેદીઓ તોડી નાખી છે અને તમારા સંદેશવાહકોને મારી નાખ્યા છે. માત્ર હું એકલો જ બાકી રહ્યો છું અને તેઓ મને પણ મારી નાખવા માગે છે!” 15 પ્રભુએ કહ્યું, “પાછો ફર અને દમાસ્ક્સના રણપ્રદેશમાં જા. ત્યાં નગરમાં જઈને હઝાએલનો અરામના રાજા તરીકે અભિષેક કરજે; 16 ઇઝરાયલના રાજા તરીકે નિમ્શીના પુત્ર યેહૂનો અભિષેક કર અને તારા પર સંદેશવાહક થવા આબેલ-મહોલાના શાફાટના પુત્ર એલિશાનો અભિષેક કરજે. 17 હઝાએલની તલવારથી મોત પામતાં જે બચી જશે તે યેહૂની તલવારથી માર્યો જશે અને યેહૂની તલવારથી મોત પામતાં જે બચી જશે તેનો સંહાર એલિશા કરી નાખશે. 18 તેમ છતાં ઇઝરાયલમાં જેઓ મને વફાદાર રહ્યા છે અને બઆલ અગાળ નમ્યા નથી કે તેની મૂર્તિને ચુમ્યા નથી તેવા સાત હજાર માણસોને હું બચાવી રાખીશ.” એલિશાને આમંત્રણ 19 એલિયા ઉપડયો અને તેને શાફાટનો પુત્ર એલિશા બળદોની બાર જોડથી ખેડતો મળ્યો. તેની આગળ અગિયાર જોડ હતી અને તે છેલ્લી જોડની સાથે હતો. એલિયાએ પોતાનો ઝભ્ભો કાઢીને એલિશા પર નાખ્યો; 20 ત્યારે એલિશા પોતાના બળદો મૂકી દઈને એલિયા પાછળ દોડયો અને તેને કહ્યું, “મને મારા માતાપિતાને ચુંબન કરી તેમની વિદાય લઈ આવવા દો, પછી હું તમારી સાથે આવીશ.” એલિયાએ કહ્યું, “ભલે જા, જઈને પાછો આવ; પણ મેં તને શું કર્યું છે?” 21 પછી એલિશા તેના બળદની જોડ પાસે ગયો અને તેમને કાપ્યા પછી બળતણ માટે ઝૂંસરી વાપરીને તેણે ખોરાક રાંયો. તેણે લોકોને માંસ આપ્યું એટલે તેમણે તે ખાધું. પછી એ એલિયાની પાછળ ગયો અને તેનો સહાયક બન્યો. |
Gujarati Common Language Bible - પવિત્ર બાઇબલ C.L.
Copyright © 2016 by The Bible Society of India
Used by permission. All rights reserved worldwide