૧ રાજા 18 - પવિત્ર બાઇબલ C.L.એલિયા અને બઆલના સંદેશવાહકો 1 કેટલાક વખત પછી, દુકાળના ત્રીજે વર્ષે પ્રભુએ એલિયાને કહ્યું, “જા, આહાબ સમક્ષ હાજર થા અને હું વરસાદ મોકલીશ.” 2 તેથી એલિયા આહાબને મળવા ઉપડયો. સમરૂનમાં ભયંકર દુકાળ હતો, 3 તેથી આહાબે રાજમહેલના કારભારી ઓબાદ્યાને બોલાવ્યો. (ઓબાદ્યા પ્રભુનો નિષ્ઠાવાન ભક્ત હતો, 4 અને ઇઝબેલ પ્રભુના સંદેશવાકોને મારી નાખતી હતી ત્યારે ઓબાદ્યાએ સો સંદેશવાહકોને પચાસ પચાસના બે જૂથમાં વહેંચી દઈને ગુફામાં સંતાડયા હતા અને તેમને ખોરાકપાણી પૂરાં પાડયાં હતાં.) 5 આહાબે ઓબાદ્યાને કહ્યું, “ચાલ, આપણે પ્રત્યેક ઝરણે અને દેશમાં નદીઓનાં મેદાનોમાં ફરી વળીએ અને જોઈએ કે ઘોડા અને ગધેડાંને જીવતા રાખવા પૂરતું ઘાસ મળે તેમ છે કે નહિ, તેથી કદાચ આપણાં કોઈ પ્રાણીઓને મારી નાખવાનો વારો આવે નહિ.” 6 દેશના કયા ભાગમાં કોણે શોધ કરવા જવું તે બન્નેએ નક્કી કરી લીધું અને પછી અલગ અલગ દિશામાં ઉપડયા. 7 ઓબાદ્યા માર્ગે જતો હતો ત્યારે તેને એકાએક એલિયા મળ્યો. તેણે તેને ઓળખ્યો અને તેને નમન કરીને પૂછયું, “મારા માલિક, એ તમે છો?” 8 તેણે જવાબ આપ્યો, “હા, હું એલિયા છું. જા, તારા માલિક રાજાને કહે કે હું અહીં છું.” 9 ઓબાદ્યાએ કહ્યું, “મેં આપનો શો અપરાધ કર્યો છે કે આહાઝ રાજા મને મારી નાખે એવા જોખમમાં નાખો છો? 10 તમારા ઈશ્વર પ્રભુના જીવના સમ ખાઈને કહું છું કે દુનિયાના દેશેદેશમાં રાજાએ તમારી શોધ કરાવી છે. જ્યારે કોઈ દેશનો શાસનર્ક્તા એવોે અહેવાલ આપે કે તમે તેના દેશમાં નથી ત્યારે તમે ત્યાં નથી એવા શપથ આહાબે તે દેશના શાસનર્ક્તા પાસે લેવડાવ્યા છે, 11 અને હવે તમે અહીં છો એવું તેને કહેવા મને કહો છો? 12 હું અહીંથી જઉં અને પ્રભુનો આત્મા તમને કોઈ અજાણે સ્થળે ઉપાડી જાય તો શું? પછી હું જઈને આહાબને કહું કે તમે અહીં છો અને પછી તમે તેને મળો નહિ તો તે મને મારી નાખશે. હું નાનો હતો ત્યારથી હું પ્રભુનો નિષ્ઠાવાન ભક્ત રહ્યો છું એ યાદ રાખશો. 13 ઇઝબેલ પ્રભુના સંદેશવાહકોને મારી નાખતી હતી ત્યારે મેં પચાસ પચાસના બે જૂથમાં સો સંદેશવાહકોને ગુફામાં સંતાડી રાખી તેમને ખોરાકપાણી પૂરાં પાડયાં હતાં તે શું તમારા જાણવામાં નથી આવ્યું? 14 તેથી તમે અહીં છો એવું રાજાને કહેવા તમે મને કેમ આજ્ઞા આપો છો? તે મને મારી નાખશે.” 15 *એલિયાએ જવાબ આપ્યો, “સર્વસમર્થ પ્રભુ જેમની સેવા હું કરું છું તેમના જીવના સમ દઈને કહું છું કે હું આજે રાજા સમક્ષ રજૂ થઈશ.” 16 તેથી ઓબાદ્યાએ રાજા પાસે જઈને તેને તે કહ્યું, અને આહાબ એલિયાને મળવા ઉપડયો. 17 આહાબે તેને જોયો એટલે તેને કહ્યું, “ઇઝરાયલ પર ભયાનક આફત ઉતારનાર તમે અહીં છો!” 18 એલિયાએ જવાબ આપ્યો, “આફત ઉતારનાર હું નહિ, પણ તમે અને તમારા પિતા છો. તમે પ્રભુની આજ્ઞાઓનું ઉલ્લંઘન કરો છો અને બઆલની મૂર્તિઓની પૂજા કરો છો. 19 હવે સર્વ લોકો મને ર્કામેલ પર્વત પર મળે એવો હુકમ કરો. ઇઝબેલ રાણી જેમનું પાલનપોષણ કરે છે તે બઆલના ચારસો પચાસ સંદેશવાહકો અને અશેરા દેવીના ચારસો સંદેશવાહકોને પણ બોલાવી લાવજો.” 20 તેથી આહાબે સર્વ ઇઝરાયલીઓને અને બઆલના સંદેશવાહકોને ર્કામેલ પર્વત પર એકઠા કર્યા. 21 એલિયાએ લોકો પાસે જઈને તેમને કહ્યું, “તમે ક્યાં સુધી બે મન વચ્ચે ડગમગ થયા કરશો? યાહવે ઈશ્વર હોય તો તેમની ઉપાસના કરો; પણ બઆલ ઈશ્વર હોય તો તેની ઉપાસના કરો.” પણ લોકો એક શબ્દ પણ બોલ્યા નહિ. 22 પછી એલિયાએ કહ્યું, “હું એકલો જ પ્રભુનો સંદેશવાહક રહ્યો છું, પણ બઆલના તો ચારસો પચાસ સંદેશવાહકો છે. 23 તો હવે બે આખલા લાવો. બઆલના સંદેશવાહકો એક આખલો લઈ તેના કાપીને ટુકડા કરે અને લાકડાં પર મૂકે, પણ તળે અગ્નિ ચાંપે નહિ. બીજો આખલો લઈને હું પણ એ જ પ્રમાણે કરીશ. 24 પછી બઆલના સંદેશવાહકો તેમના દેવની પ્રાર્થના કરે અને હું યાહવેને નામે પ્રાર્થના કરીશ, અને જે અગ્નિ મોકલીને જવાબ આપે એ જ સાચા ઈશ્વર.” ત્યારે લોકોએ બુલંદ અવાજે પોતાની સંમતિ દર્શાવી. 25 પછી એલિયાએ બઆલના સંદેશવાહકોને કહ્યું, “તમે ઘણા છો, તેથી તમે પ્રથમ આખલો લઈ તેને તૈયાર કરો. તમારા દેવને પ્રાર્થના કરો, પણ લાકડાંમાં અગ્નિ મૂકશો નહિ.” 26 તેમણે તેમને આપવામાં આવેલો આખલો લઈને તેને તૈયાર કર્યો અને બપોર સુધી બઆલની પ્રાર્થના કરી. તેમણે સવારથી પોકાર કર્યા કર્યો, “બઆલ, અમને જવાબ આપો.” વળી, પોતે બાંધેલી વેદીની આસપાસ તેઓ નાચતા-કૂદતા રહ્યા. પણ અવાજ સંભળાયો નહિ કે કોઈ જવાબ મળ્યો નહિ. 27 બપોરે એલિયા તેમની મશ્કરી કરવા લાગ્યો; “હજુ વધુ જોરથી પ્રાર્થના કરો! તે દેવ છે! કદાચ તે વિચારમાં ડૂબી ગયો હશે અથવા કંઈક કામમાં રોકાઈ ગયો હશે અથવા કદાચ મુસાફરીએ પણ ઉપડયો હશે! કદાચ તે ઊંઘતો હશે અને તમારે તેને જગાડવો પડશે.” 28 તેથી એ સંદેશવાહકોએ વધુ મોટા પોકાર કર્યા અને તેમની વિધિ પ્રમાણે લોહી વહી નીકળે ત્યાં સુધી પોતાને છરી ખંજરોથી ઘાયલ કર્યા. 29 બપોર વીતી ગયા અને છેક સંયાબલિનો સમય થવા આવ્યો ત્યાં સુધી તેમણે બૂમબરાડા પાડી લવારો કર્યા કર્યો; પણ કંઈ અવાજ સંભળાયો નહિ કે કોઈ જવાબ મળ્યો નહિ, એક શબ્દ પણ સંભળાયો નહિ. 30 પછી એલિયાએ લોકોને કહ્યું, “મારી નજીક આવો.” તેઓ તેની આસપાસ એકઠા થયા. પ્રભુની જે વેદી તોડી પાડવામાં આવી હતી તે તેણે સમારી. 31 પ્રભુએ જેનું નામ ઇઝરાયલ પાડયું હતુ ં તે યાકોબના પુત્રોનાં નામ પરથી થયેલાં બાર કુળો માટે તેણે પ્રત્યેક કુળદીઠ એક એમ બાર પથ્થર લીધા. 32 પ્રભુની આરાધના કરવા માટે તેણે એ પથ્થરોની વેદી બનાવી. તેણે વેદીની આસપાસ લગભગ ચૌદ લિટર પાણી સમાય એવી ખાઈ ખોદી. 33 પછી તેણે વેદી પર લાકડાં મૂક્યાં, આખલો કાપીને તેના ટુકડા કર્યા અને તેણે લાકડા પર મૂક્યા. તેણે કહ્યું, “પાણીનાં ચાર કુંડા ભરીને તેને અર્પણ તથા લાકડાં પર રેડો.” તેમણે તેમ કર્યું. 34 વળી, તેણે કહ્યું, “ફરી એમ કરો,” એટલે તેમણે તેમ કર્યું, તેણે કહ્યું, “હજુ વધુ એકવાર એમ કરો,” એટલે તેમણે તેમ કર્યું. 35 આખી વેદી પર પાણી વહેવા લાગ્યું અને ખાઈ પણ પાણીથી ભરાઈ ગઈ. 36 સંયાબલિના સમયે એલિયા સંદેશવાહકે વેદી નજીક જઈને પ્રાર્થના કરી, “હે અબ્રાહામ, ઇસ્હાક અને યાકોબના ઈશ્વર યાહવે, તમે ઇઝરાયલના ઈશ્વર છો અને હું તમારો સેવક છું અને તમારી આજ્ઞા પ્રમાણે મેં આ બધું કર્યું છે એની પ્રતીતિ કરાવો. 37 પ્રભુ, મને જવાબ આપો, જવાબ આપો; જેથી લોકો જાણે કે તમે યાહવે જ ઈશ્વર છો, અને તેમને તમારા તરફ વાળનાર પણ તમે જ છો.” 38 પ્રભુએ અગ્નિ મોકલીને બલિદાન, લાકડાં અને પથ્થર તથા માટીને બાળીને ભસ્મ કરી નાખ્યાં અને ખાઈમાંનું પાણી સૂકાઈ ગયું. 39 એ જોઈને લોકો જમીન પર ઊંધા પડી ગયા અને બોલી ઊઠયા, “યાહવે જ ઈશ્વર છે, એકલા પ્રભુ જ ઈશ્વર છે.” 40 એલિયાએ હુકમ કર્યો, “બઆલના સંદેશવાહકોને પકડો; તેમને છટકી જવા દેશો નહિ.” લોકોએ એ સૌને પકડયા. એલિયાએ તેમને કિશોન ઝરણાએ લઈ જઇને મારી નાખ્યા. દુકાળનો અંત 41 પછી એલિયાએ આહાબ રાજાને કહ્યું, “જાઓ, હવે જઈને ખાઓ. મને આવનાર વરસાદની ગર્જના સંભળાય છે.” 42 આહાબ જમવા ગયો ત્યારે એલિયા ર્કામેલ પર્વતના શિખર પર ચઢી ગયો અને પોતાના ઘૂંટણો વચ્ચે માથું રાખી જમીન પર નમી પડયો. 43 તેણે પોતાના નોકરને કહ્યું, “જા, જઈને સમુદ્ર તરફ જો.” નોકર જોઈને પાછો ફર્યો અને કહ્યું, “મને તો કંઈ દેખાતું નથી.” એલિયાએ તેને સાત વાર જઈને જોવા કહ્યું. 44 તે સાતમી વખત પાછો ફર્યો ત્યારે તેણે કહ્યું, “મેં સમુદ્રમાંથી માણસની હથેલી જેટલું નાનું વાદળ ચડતું જોયું.” એલિયાએ તેના નોકરને કહ્યું, “આહાબ રાજા પાસે જઈને તેને કહે કે વરસાદ તેને રોકે તે પહેલાં તેના રથમાં બેસી ઘેર ચાલ્યો જાય.” 45 થોડી વારમાં તો આકાશ ગાઢ વાદળાંથી ઘેરાયું, પવન સુસવાટા મારવા લાગ્યો અને ભારે વરસાદ વરસવા લાગ્યો. આહાબ રથમાં બેસીને યિઝ્રએલ જવા ઉપડયો. 46 એલિયા પર પ્રભુનું પરાક્રમ આવ્યું, પોતાની કમર કાસીને તે છેક યિઝ્રએલ સુધી આહાબના રથની આગળ આગળ દોડયો. |
Gujarati Common Language Bible - પવિત્ર બાઇબલ C.L.
Copyright © 2016 by The Bible Society of India
Used by permission. All rights reserved worldwide