૧ રાજા 17 - પવિત્ર બાઇબલ C.L.એલિયા અને દુકાળ 1 ગિલ્યાદમાં આવેલા તિશ્બેના સંદેશવાહક એલિયાએ આહાબ રાજાને કહ્યું, “ઇઝરાયલના જીવંત ઈશ્વર પ્રભુ જેમની સેવા હું કરું છું તેમને નામે હું તમને કહું છું કે આવતાં બે કે ત્રણ વર્ષ દરમ્યાન મારા કહ્યા સિવાય ઝાકળ કે વરસાદ પડશે નહિ.” 2 પછી પ્રભુએ એલિયાને કહ્યું, 3 “અહીંથી તું પૂર્વ તરફ જા અને યર્દનની પૂર્વે કરીથ વહેળા પાસે સંતાઈ રહે. 4 વહેળામાંથી તને પીવાનું પાણી મળી રહેશે અને ત્યાં તારે માટે ખોરાક લાવવાની મેં કાગડાઓને આજ્ઞા કરી છે.” 5 એલિયા પ્રભુની આજ્ઞા માનીને કરીથ વહેળા પાસે જઈ ત્યાં રહ્યો. 6 તે વહેળામાંથી પાણી પીતો અને કાગડાઓ તેને માટે રોજ સવારે અને સાંજે રોટલી અને માંસ લાવતા. 7 વરસાદને અભાવે વહેળો થોડા વખત પછી સુકાઈ ગયો. એલિયા અને સારફાથની વિધવા 8 પછી પ્રભુએ એલિયાને કહ્યું, 9 “હવે, સિદોન પાસે સારફાથ નગરમાં જા અને ત્યાં રહે. ત્યાં રહેતી એક વિધવાને મેં તને ખવડાવવાની આજ્ઞા કરી છે.” 10 તેથી એલિયા સારફાથ ગયો અને તે નગરને દરવાજે પહોંચ્યો ત્યારે તેણે એક વિધવાને બળતણ માટે લાકડાં વીણતી જોઈ. તેણે તેને કહ્યું, “કૃપયા માટે માટે થોડું પાણી લાવજે.” 11 તે પાણી લેવા જતી હતી એવામાં તેણે બૂમ પાડી. “વળી, મારે માટે થોડી રોટલી પણ લેતી આવજે.” 12 તેણે જવાબ આપ્યો, “તમારા ઈશ્વર પ્રભુના જીવના સોગંદ ખાઈને કહું છું કે મારી પાસે એકેય રોટલી નથી. મારી પાસે માત્ર માટલીમાં મુઠ્ઠીભર લોટ અને બરણીમાં થોડુંક ઓલિવ તેલ છે. હું અહીં થોડા લાકડાં વીણવા આવી છું, જે લઈને હું મારા પુત્ર અને મારે માટે થોડુંક તૈયાર કરીશ. એ અમારું છેલ્લું ભોજન હશે, પછી અમે ભૂખે મરી જઈશું.” 13 એલિયાએ તેને કહ્યું, “ચિંતા ન કરીશ. જા, જઈને તારો ખોરાક તૈયાર કર. પણ તેમાંથી પ્રથમ મારે માટે એક ટુકડો રોટલી બનાવી લાવ અને પછી તારે માટે અને તારા પુત્ર માટે બાકીના લોટમાંથી રોટલી બનાવજે. 14 કારણ, ઇઝરાયલના ઈશ્વર પ્રભુ આમ કહે છે: ‘હું પ્રભુ વરસાદ મોકલું તે પહેલાં માટલીનો લોટ અને બરણીમાંનું તેલ ખૂટી જશે નહિ.” 15 વિધવાએ જઈને એલિયાના કહેવા પ્રમાણે કર્યું અને તેમને ઘણા દિવસ સુધી પૂરતો ખોરાક મળ્યો. 16 એલિયા દ્વારા પ્રભુએ આપેલા સંદેશ પ્રમાણે માટલીમાંનો લોટ કે બરણીમાંનું તેલ ખૂટી ગયાં નહિ. 17 કેટલાક દિવસ પછી એ વિધવાનો પુત્ર બીમાર પડયો. તેની માંદગી વધતી ગઈ અને છેવટે તે મરણ પામ્યો. 18 વિધવાએ એલિયાને કહ્યું, “ઓ ઈશ્વરભક્ત, તમે મને આમ કેમ કર્યું? તમે અહીં ઈશ્વરને મારાં પાપની યાદ દેવડાવવા અને મારા પુત્રનું મરણ નિપજાવવા આવ્યા હતા?” 19 એલિયાએ કહ્યું, “તારો પુત્ર મને આપ.” પછી તેણે છોકરાને તેના હાથમાંથી લઈ લીધો અને તે રહેતો હતો ત્યાં તેને ઉપલે માળે ઊંચકી ગયો અને તેને પોતાની પથારીમાં સુવાડયો. 20 પછી તેણે મોટેથી પ્રાર્થના કરી, “ઓ પ્રભુ, મારા ઈશ્વર, તમે આ વિધવા પર આવી આફત કેમ આણી છે? તેણે મારી સારસંભાળ લીધી છે અને તમે હવે તેના પુત્રને મારી નાખ્યો છે!” 21 પછી એલિયા એ છોકરા પર ત્રણ વખત લાંબો થઈ સૂઈ ગયો અને પ્રાર્થના કરી. “ઓ પ્રભુ, મારા ઈશ્વર, આ છોકરાને સજીવન કરો!” 22 પ્રભુએ એલિયાની પ્રાર્થના સાંભવી; છોકરો શ્વાસોચ્છવાસ લેવા લાગ્યો અને સજીવન થયો. 23 એલિયા છોકરાને તેની મા પાસે નીચે લઈ ગયો અને તેને કહ્યું, “જો, તારો પુત્ર જીવે છે.!” 24 તેણે કહ્યું, “હવે હું જાણું છું કે તમે ઈશ્વરભક્ત છો અને પ્રભુ સાચે જ તમારી મારફતે બોલે છે.” |
Gujarati Common Language Bible - પવિત્ર બાઇબલ C.L.
Copyright © 2016 by The Bible Society of India
Used by permission. All rights reserved worldwide