Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -

૧ રાજા 16 - પવિત્ર બાઇબલ C.L.

1 પ્રભુએ હનાનીના પુત્ર સંદેશવાહક યેહૂ સાથે વાત કરીને તેને બાશા માટે આ સંદેશો આપ્યો:

2 “હે બાશા, તારી કંઈ વિસાત નહોતી, પણ મેં તને મારા લોક ઇઝરાયલનો શાસક બનાવ્યો. પણ હવે તેં યરોબામની માફક પાપ કર્યું છે અને મારા લોક પાસે પાપ કરાવ્યું છે. તમારાં પાપથી હું રોષે ભરાયો છું,

3 અને મેં યરોબામના સંબંધમાં કર્યું તેમ હું તારું અને તારા કુટુંબનું નિકંદન કાઢી નાખીશ.

4 તારા કુટુંબનું જે કોઈ નગરમાં મરશે તેને કૂતરાં ફાડી ખાશે, અને જે કોઈ વગડામાં મરશે તેને ગીધો ચૂંથી ખાશે.”

5 બાશાનાં બાકીનાં કાર્યો અને તેનાં પરાક્રમો ઇઝરાયલના રાજાઓના ઇતિહાસમાં નોંધેલાં છે.

6 બાશા મરણ પામ્યો અને તેને તિર્સામાં દફનાવવામાં આવ્યો, તેના પછી તેનો પુત્ર એલા રાજા બન્યો.

7 બાશાએ પ્રભુની વિરુદ્ધ કરેલાં પાપોને લીધે સંદેશવાહક યેહૂ દ્વારા બાશા અને તેના કુટુંબ વિરુદ્ધ પ્રભુનો એ સંદેશો આવ્યો હતો. તેણે યરોબામની જેમ મૂર્તિઓની પૂજા કરીને પ્રભુની દૃષ્ટિએ ઘૃણાસ્પદ એવું આચરણ કર્યું. વળી, તેણે યરોબામ રાજાના આખા કુટુંબનો સંહાર કર્યો તેથી તેના પર પ્રભુનો કોપ ભભૂકી ઊઠયો.


ઇઝરાયલનો રાજા એલા

8 યહૂદિયાના રાજા આસાના અમલના છવ્વીસમા વર્ષમાં બાશાનો પુત્ર એલા ઇઝરાયલનો રાજા બન્યો, અને તેણે તિર્સામાં બે વર્ષ રાજ કર્યું.

9 ઝિમ્રી નામનો તેનો એક અધિકારી જે તેના અડધા રથોનો ઉપરી હતો તેણે તેની સામે વિદ્રોહ કર્યો. એ દિવસે તિર્સામાં રાજમહેલના ઉપરી આઝાના ઘરમાં એલા પીને ચકચૂર થયેલો હતો.

10 ઝિમ્રીએ ઘરમાં પેસીને તેની ક્તલ કરી નાખી અને તેના પછી રાજા બની બેઠો. યહૂદિયાના રાજા આસાના અમલના સત્તાવીસમા વર્ષમાં એ બન્યું.

11 ઝિમ્રી રાજા બન્યો કે તેણે બાશાનો કોઈ રાજવારસ રહે નહિ એ રીતે તેના કુટુંબના સર્વ માણસોને મારી નાખ્યા. તેણે તેના સંબંધીઓ અને મિત્રો માંથી એકેએક પુરુષને મારી નાખ્યો.

12 અને એમ સંદેશવાહક યેહૂ મારફતે પ્રભુએ બાશા વિરુદ્ધ જે ભવિષ્ય ભાખ્યું હતું તે મુજબ ઝિમ્રીએ બાશાના આખા કુટુંબનો સંહાર કર્યો.

13 બાશા અને તેના પુત્ર એલાએ મૂર્તિપૂજા કરીને ઇઝરાયલને પણ એ પાપમાં પાડીને ઇઝરાયલના ઈશ્વર પ્રભુને કોપાયમાન કર્યા.

14 એલાનાં બાકીનાં કાર્યો ઇઝરાયલના રાજાઓના ઇતિહાસમાં લખેલાં છે.


ઇઝરાયલનો રાજા ઝિમ્રી

15 યહૂદિયાના રાજા આસાના અમલના સત્તાવીસમા વર્ષમાં ઝિમ્રીએ તિર્સામાં ઇઝરાયલ પર સાત દિવસ રાજ કર્યું. ઇઝરાયલી દળોએ પલિસ્તિયામાં ગિબ્બેથોન નગરને ઘેરો ઘાલ્યો હતો.

16 તેમણે જ્યારે સાંભળ્યું કે ઝિમ્રીએ રાજા સામે વિદ્રોહ કરીને તેને મારી નાખ્યો છે ત્યારે તેમણે ત્યાં લશ્કરી છાવણીમાં જ સેનાપતિ ઓમ્રીને ઇઝરાયલના રાજા તરીકે જાહેર કરી દીધો.

17 ઓમ્રી અને તેનાં દળોએ ગિબ્બેથોનને પડતું મૂકી તિર્સા જઈને તેને ઘેરો ઘાલ્યો.

18 જ્યારે ઝિમ્રીએ જોયું કે નગરનું પતન થયું છે ત્યારે તે રાજમહેલના અંદરના કિલ્લામાં પેસી ગયો અને રાજમહેલને આગ લગાડીને તેમાં બળી મૂઓ.

19 પ્રભુની દૃષ્ટિએ ઘૃણાસ્પદ એવાં તેનાં આચરણને લીધે એ બન્યું. તેના પુરોગામી યરોબામની માફક તેણે પણ પોતાનાં પાપથી અને ઇઝરાયલને પાપમાં પાડીને પ્રભુને નારાજ કર્યા.

20 ઝિમ્રીનો રાજદ્રોહ અને તેનાં બાકીનાં કાર્યો ઇઝરાયલના રાજાઓનાં ઇતિહાસમાં નોંધેલાં છે.


ઇઝરાયલનો રાજા ઓમ્રી

21 દરમ્યાનમાં ઇઝરાયલના લોકોમાં ભાગલા પડી ગયા. કેટલાક તિબ્નીના પુત્ર ગિનાથને રાજા બનાવવા માગતા હતા, તો કેટલાક ઓમ્રીના પક્ષના હતા.

22 છેવટે ઓમ્રીના પક્ષનો વિજય થયો; તિબ્ની મરણ પામ્યો અને ઓમ્રી રાજા બન્યો.

23 એમ યહૂદિયાના રાજા આસાના અમલના એકત્રીસમા વર્ષમાં ઓમ્રી ઇઝરાયલનો રાજા બન્યો અને તેણે બાર વર્ષ રાજ કર્યું. પ્રથમ છ વર્ષ તેણે તિર્સામાં રાજ કર્યું.

24 તે પછી શેમેર નામના એક માણસ પાસેથી ચાંદીના છ હજાર સિક્કા આપીને તેણે સમરૂનનો પર્વત ખરીદ્યો. ઓમ્રીએ પર્વતની ચોગરદમ કિલ્લો બાંધ્યો, તે પર નગર વસાવ્યું અને પર્વતના આદ્ય માલિક શેમેરના નામ પરથી તેનું નામ સમરૂન પાડયું.

25 ઓમ્રીએ તેના સર્વ પુરોગામીઓ કરતાં પ્રભુ વિરુદ્ધ વિશેષ પાપ કર્યું.

26 તેની અગાઉના યરોબામની માફક પોતાના પાપથી અને લોકોને પાપ અને મૂર્તિપૂજા તરફ દોરી જઈને તેણે પ્રભુને કોપાયમાન કર્યા.

27 ઓમ્રીનાં બાકીનાં કાર્યો અને તેની સિદ્ધિઓ ઇઝરાયલના રાજાઓના ઇતિહાસમાં નોંધેલાં છે.

28 ઓમ્રી મરણ પામ્યો અને તેને સમરૂનમાં દફનાવ્યો. તેના પછી તેનો પુત્ર આહાબ રાજા બન્યો. ઇઝરાયલનો રાજા આહાબ

29 યહૂદિયાના રાજા આસાના અમલના આડત્રીસમા વર્ષમાં ઓમ્રીનો પુત્ર આહાબ ઇઝરાયલનો રાજા બન્યો. તેણે સમરૂનમાં બાવીસ વર્ષ રાજ કર્યું.

30 તેના સર્વ પુરોગામીઓ કરતાં તેણે પ્રભુની દૃષ્ટિએ ઘૃણાસ્પદ એવાં આચરણ કર્યાં.

31 યરોબામ રાજાની જેમ પાપ કરવું તેના માટે પૂરતું ન હોય તેમ તેણે સિદોનના રાજા એથબાલની પુત્રી ઇઝબેલ સાથે લગ્ન કર્યાં અને બઆલની ભક્તિ કરી.

32 તેણે સમરૂનમાં બઆલનું મંદિર બાંધ્યું અને તેની વેદી બનાવીને તેમાં મૂકી.

33 તેણે અશેરા દેવીની પ્રતિમા પણ બનાવી પોતાની અગાઉ થઈ ગયેલા ઇઝરાયલના સર્વ રાજાઓ કરતાં તેણે ઇઝરાયલના ઈશ્વર પ્રભુને રોષ ચઢે તેવાં વધારે કામ કર્યાં.

34 તેના અમલ દરમ્યાન બેથેલના હિએલે યરીખો બાંધ્યું. નૂનના પુત્ર યહોશુઆ મારફતે પ્રભુએ ભવિષ્ય ભાખ્યું હતું તેમ હિએલે યરીખોનો પાયો નાખ્યો ત્યારે તેનો જ્યેષ્ઠપુત્ર અબિરામ મરણ પામ્યો અને તેના દરવાજા બાંયા ત્યારે તેનો સૌથી નાનો પુત્ર સગૂબ મરણ પામ્યો.

Gujarati Common Language Bible - પવિત્ર બાઇબલ C.L.

Copyright © 2016 by The Bible Society of India
Used by permission. All rights reserved worldwide

Bible Society of India
Lean sinn:



Sanasan