૧ રાજા 15 - પવિત્ર બાઇબલ C.L.યહૂદિયાનો રાજા અબિયામ ( ૨ કાળ. 13:1—14:1 ) 1 ઇઝરાયલના રાજા યરોબામના શાસનના અઢારમા વર્ષમાં અબિયામ યહૂદિયાનો રાજા બન્યો. 2 તેણે યરુશાલેમમાં ત્રણ વર્ષ રાજ કર્યું. તેની માતા માખા આબ્શાલોમની પુત્રી હતી. 3 તેણે પણ તેના પિતાના જેવાં જ પાપકર્મો કર્યાં અને તેના પિતામહ દાવિદની જેમ તેના ઈશ્વર પ્રભુ પ્રત્યે સંપૂર્ણ રીતે નિષ્ઠાવાન નહોતો. 4 પણ દાવિદને લીધે યરુશાલેમમાં રાજ કરવા માટે અને યરુશાલેમની સલામતી માટે અબિયામને તેના ઈશ્વર પ્રભુએ પુત્ર આપ્યો. 5 એવું કરવાનું કારણ એ છે કે દાવિદે પ્રભુને પસંદ પડતાં કામો જ કર્યાં હતાં અને ઉરિયા હિત્તીના કિસ્સા સિવાય પોતાના જીવનમાં બીજી કોઈ બાબતમાં તેણે ક્યારેય તેમની કોઈ આજ્ઞા ઉથાપી નહોતી. 6 અબિયામના સમગ્ર શાસનકાળ દરમ્યાન અબિયામ અને યરોબામ વચ્ચે સતત સંઘર્ષ જારી રહ્યો. 7 અબિયામનાં અન્ય કાર્યો યહૂદિયાના રાજાઓના ઇતિહાસમાં નોંધેલાં છે. 8 અબિયાબ મરણ પામ્યો અને તેને દાવિદનગરમાં દફનાવવામાં આવ્યો. તેના પછી તેનો પુત્ર આસા રાજા બન્યો. યહૂદિયાનો રાજા આસા ( ૨ કાળ. 15:16—16:6 ) 9 ઇઝરાયલના રાજા યરોબામના અમલના વીસમા વર્ષમાં આસા યહૂદિયાનો રાજા બન્યો. 10 તેણે યરુશાલેમમાં એક્તાલીસ વર્ષ રાજ કર્યું. તેની દાદી માખા આબ્શાલોમની પુત્રી હતી. 11 આસાએ તેના પૂર્વજ દાવિદની જેમ પ્રભુને પસંદ પડે તેવાં કામો જ કર્યાં. 12 તેણે વિધર્મી પૂજાસ્થાનોમાં દેવદાસીઓ અને દેવદાસો તરીકે કામ આપતાં સર્વ સ્ત્રી પુરુષોની દેશમાંથી હકાલપટ્ટી કરી અને તેના પુરોગામીઓએ બનાવેલી બધી મૂર્તિઓ કાઢી નાખી. 13 પોતાની દાદી માખાને તેણે રાજમાતાના પદ પરથી ઉતારી મૂકી, કારણ, તેણે પ્રજોત્પતિની દેવી અશેરાની ઘૃણાસ્પદ પ્રતિમા બનાવી હતી. આસાએ એ પ્રતિમા કાપી નાખીને તેને કિદ્રોનની ખીણમાં બાળી નાખી. 14 જો કે આસાએ ભક્તિનાં બધાં જ વિધર્મી ઉચ્ચસ્થાનોનો નાશ કર્યો નહોતો, પણ તે પોતાના જીવનભર પ્રભુ પ્રત્યે પૂરો નિષ્ઠાવાન રહ્યો. 15 તેના પિતાએ ઈશ્વરને અર્પેલી બધી સાધનસામગ્રી તેમ જ તેણે પોતે અર્પેલી સોનાચાંદીની બધી સાધનસામગ્રી તેણે પ્રભુના મંદિરમાં મૂકી. 16 યહૂદિયાના રાજા આસા અને ઇઝરાયલના રાજા બાશા વચ્ચે તેમની સત્તાના સમયમાં સતત સંઘર્ષ જારી રહ્યો. 17 ઇઝરાયલના રાજા બાશાએ યહૂદિયાની અવરજવર બંધ કરી દેવા રામા નગરને કિલ્લેબંધીવાળું કરવા માંડયું. 18 તેથી આસા રાજાએ પ્રભુના મંદિરમાં અને રાજમહેલમાં બાકી રહેલું સઘળું સોનુંચાંદી લઈ પોતાના કેટલાક અમલદારો મારફતે હેઝિયોનના પૌત્ર અને તાબ્રીમ્મોનના પુત્ર દમાસ્ક્સમાં રહેતા અરામના રાજા બેનહદાદ પર આવા સંદેશા સાથે મોકલ્યું: 19 “તમારા અને મારા પિતા વચ્ચે રાજમૈત્રી હતી; આપણે એ મૈત્રી જાળવીએ. મેં તમને આ સોનારૂપાની ભેટ મોકલી છે. હવે ઇઝરાયલના રાજા બાશા સાથેનો તમારો રાજસંબંધ કાપી નાખો; જેથી તે મારી સરહદમાંથી પોતાનું દળ ખેંચી લે.” 20 બેનહદાદ રાજાએ આસાની દરખાસ્ત માન્ય રાખી અને પોતાના સેનાપતિઓ અને તેમનાં લશ્કરોને ઇઝરાયલનાં નગરો પર ત્રાટકવા મોકલ્યાં. તેમણે આયોન, દાન, આબેલબેથમાકા, ગાલીલ સરોવર નજીકનો પ્રદેશ અને આખો નાફતાલીનો પ્રદેશ કબજે કર્યાં. 21 બાશા રાજાને એની ખબર પડતાં તેણે રામાને કિલ્લેબંધી કરવાનું પડતું મૂકી તિર્સા ગયો. 22 પછી આસા રાજાએ સમસ્ત યહૂદિયામાં હુકમ ફરમાવ્યો કે રામાને કિલ્લેબંધી કરવા બાશા જે પથ્થરો અને લાકડાં વાપરતો હતો તે ઊંચકી લાવવામાં એકેએક જણ મદદ કરે; એ સામગ્રી વડે આસાએ બિન્યામીનના પ્રદેશનાં મિસ્પા અને ગેબા નગરોને કિલ્લેબંધીવાળાં બનાવ્યાં. 23 આસાનાં બાકીના કાર્યો, તેનાં પરાક્રમી કામો અને તેણે જે જે નગરોને કિલ્લેબંધીવાળાં બનાવ્યાં એ બધાની વિગતો યહૂદિયાના રાજાઓના ઇતિહાસમાં નોંધેલી છે. પણ તેની વૃદ્ધાવસ્થામાં તેને પગે દરદ થયું. 24 આસા મરણ પામ્યો અને તેને દાવિદનગરમાં તેના પૂર્વજો સાથે રાજવી કબરોમાં દફનાવવામાં આવ્યો. તેના પછી તેનો પુત્ર યહોશાફાટ રાજા બન્યો. ઇઝરાયલનો રાજા નાબાદ 25 યહૂદિયાના રાજા આસાના અમલના બીજા વર્ષમાં યરોબામનો પુત્ર નાદાબ ઇઝરાયલનો રાજા બન્યો અને તેણે બે વર્ષ રાજ કર્યું. 26 તેના પિતાની જેમ તેણે પ્રભુની દૃષ્ટિએ ઘૃણાસ્પદ એવું આચરણ કર્યું અને ઇઝરાયલ પાસે પાપ કરાવ્યું. 27 ઈસ્સાખારના કુળના અહિયાના પુત્ર બાશાએ નાદાબ વિરુદ્ધ કાવતરું ઘડયું અને નાદાબ તથા તેના સૈન્યે પલિસ્તીયામાં ગિબ્બેથોન નગરને ઘેરો ઘાલ્યો હતો ત્યારે તેણે તેને મારી નાખ્યો. 28 યહૂદિયાના રાજા આસાના અમલના ત્રીજા વર્ષમાં એ બન્યું. અને એમ નાદાબ પછી બાશા રાજા બન્યો. 29 તેણે તરત જ યરોબામના કુટુંબનો સંહાર શરૂ કરી દીધો. પ્રભુએ પોતાના સેવક શીલોમાંના સંદેશવાહક અહિયા મારફતે જે કહ્યું હતું તે પ્રમાણે યરોબામનું આખુંય કુટુંબ માર્યું ગયું, એકપણ સભ્ય બચ્યો નહિ. 30 યરોબામે પોતે પાપ કરીને અને ઇઝરાયલ પાસે પાપ કરાવીને પ્રભુને કોપાયમાન કર્યા હતા તેને લીધે એ બધું બન્યું. 31 નાદાબનાં બાકીનાં કૃત્યો ઇઝરાયલના રાજાના ઇતિહાસમાં નોંધેલાં છે. 32 યહૂદિયાનો રાજા આસા અને ઇઝરાયલનો રાજા બાશા તેમના શાસનકાળ દરમ્યાન એકબીજા સાથે સતત સંઘર્ષમાં રહ્યા. ઇઝરાયલનો રાજા બાશા 33 યહૂદિયાના રાજા આસાના ત્રીજા વર્ષમાં અહિયાનો પુત્ર બાશા ઇઝરાયલનો રાજા બન્યો, અને તેણે તિર્સામાં ચોવીસ વર્ષ રાજ કર્યું. 34 પોતાની અગાઉના રાજા યરોબામની જેમ તેણે પ્રભુની દૃષ્ટિએ ઘૃણાસ્પદ એવું આચરણ કર્યું અને ઇઝરાયલ પાસે પાપ કરાવ્યું. |
Gujarati Common Language Bible - પવિત્ર બાઇબલ C.L.
Copyright © 2016 by The Bible Society of India
Used by permission. All rights reserved worldwide