Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -

૧ રાજા 14 - પવિત્ર બાઇબલ C.L.


યરોબામના પુત્રનું મરણ

1 એ વખતે યરોબામનો પુત્ર અબિયા બીમાર પડયો.

2 યરોબામે પોતાની પત્નીને કહ્યું. “તને કોઈ મારી પત્ની તરીકે ઓળખી જાય નહિ તે માટે વેશપલટો કરીને શીલો જા. ત્યાં, હું ઇઝરાયલનો રાજા બનીશ એવું ભવિષ્ય ભાખનાર સંદેશવાહક અહિયા રહે છે.

3 તેને માટે દસ રોટલી, થોડી પોળીઓ અને મધની બરણી લઈ જા, આપણા પુત્રનું શું થશે તે તેને પૂછજે, એટલે તે તને કહેશે.”

4 તેથી તે સ્ત્રી વેશપલટો કરીને શીલોમાં અહિયાને ઘેર ગઈ. વૃદ્ધાવસ્થાને લીધે અહિયાની આંખે ઝાંખપ આવી હોવાથી તે જોઈ શક્તો નહોતો.

5 પ્રભુએ અહિયાને કહ્યું કે યરોબામની પત્ની તેમના બીમાર પુત્ર વિશે પૂછવા આવે છે. તેને શું કહેવું તે પણ પ્રભુએ અહિયાને કહ્યું. યરોબામની પત્નીએ આવીને પોતે બીજી કોઈ વ્યક્તિ હોવાનો ઢોંગ કર્યો.

6 પણ અહિયાએ બારણે તેનાં પગલાંનો અવાજ સાંભળતાં જ તેને કહ્યું, “અંદર આવ. હું જાણું છું કે તું યરોબામની પત્ની છે. તું બીજી વ્યક્તિ હોવાનો ઢોંગ કેમ કરે છે? પ્રભુ તરફથી તારે માટે મારી પાસે માઠા સમાચાર છે.

7 જા, જઈને યરોબામને જણાવ કે ઇઝરાયલના ઈશ્વર પ્રભુ તેને આમ કહે છે: ‘મેં તને લોકોમાંથી પસંદ કરી મારા ઇઝરાયલી લોકનો શાસક બનાવ્યો.

8 દાવિદના વંશજો પાસેથી રાજ્યના ભાગલા પાડીને તેમાંથી કેટલુંક મેં તને આપ્યું. પણ મારો સેવક દાવિદ જે મને પૂરી નિષ્ઠાથી અનુસરતો હતો અને મારી દૃષ્ટિએ યથાયોગ્ય આચરણ કરતો હતો, તેના જેવો તું બન્યો નથી.

9 તારી અગાઉના શાસકો કરતાં યે તેં ઘણાં મોટાં પાપકર્મો આચર્યાં છે. તેેં મારો ત્યાગ કર્યો છે અને ઉપાસના માટે મૂર્તિઓ અને ધાતુની પ્રતિમાઓ બનાવી તેં મને કોપાયમાન કર્યો છે.

10 એને લીધે હે યરોબામ, હું તારા રાજવંશ પર આફત ઉતારીશ અને ઇઝરાયલમાંથી તારા વંશના નાનામોટા સર્વ પુરુષોનો હું સંહાર કરીશ જેમ વાસીદું કાઢી નાખવામાં આવે છે તેમ હું તારા રાજકુળને સફાચટ કરી નાખીશ.

11 હે યરોબામ, તારા કુટુંબમાંથી જે કોઈ નગરમાં મરી જશે તેને કૂતરાં ખાઈ જશે, અને જે કોઈ વગડામાં મરી જશે તેને ગીધ ચૂંથી ખાશે. હું પ્રભુ એ બોલ્યો છું.”

12 વળી, અહિયાએ યરોબામની પત્નીને કહ્યું, “હવે ધેર જા. તું જેવી નગરમાં પ્રવેશશે કે તારો પુત્ર મરણ પામશે.

13 ઇઝરાયલના સર્વ લોક તેને માટે શોક કરશે અને તેને દાટશે. યરોબામના કુટુંબમાંથી માત્ર તેનું જ વિધિસર દફન થશે. કારણ, એ જ એક માણસમાં ઇઝરાયલના ઈશ્વર પ્રભુને સદાચાર જણાયો છે.

14 પ્રભુ ઇઝરાયલ પર જે રાજા બનાવશે તે યરોબામના રાજવંશનો સત્વરે ઉચ્છેદ કરશે.

15 પ્રભુ ઈઝરાયલને પણ સજા કરશે અને તે પ્રવાહમાં ડોલતા બરુની જેમ હચમચી જશે. પ્રભુ ઇઝરાયલના લોકોને તેમના પૂર્વજોને તેમણે આપેલા આ સારા દેશમાંથી ઉખેડી નાખશે અને તેમને યુફ્રેટિસ નદીને પેલે પાર વિખેરી નાખશે, કારણ, તેમણે અશેરા દેવીની પ્રતિમાઓ બનાવી પ્રભુને કોપાયમાન કર્યા છે.

16 યરોબામે પાપ કર્યું છે અને ઇઝરાયલના લોકો પાસે પાપ કરાવ્યું છે; તેથી પ્રભુ ઇઝરાયલનો ત્યાગ કરશે.”

17 યરોબામની પત્ની તિર્સા પાછી ગઈ તેણે તેના ધરના ઉંબરે પગ મૂક્યો કે છોકરો મરી ગયો.

18 પ્રભુએ પોતાના સેવક સંદેશવાહક અહિયા મારફતે સંદેશ આપ્યો હતો તેમ ઇઝરાયલના લોકોએ તેને દફનાવ્યો અને તેને માટે શોક કર્યો.


યરોબામનું મરણ
( ૨ કાળ. 11:5—12:15 )

19 યરોબામ રાજાના બાકીનાં કાર્યો, તેણે ખેલેલાં યુદ્ધો, તેની રાજ કરવાની પદ્ધતિ એ બધું ઇઝરાયલના રાજાઓના ઇતિહાસમાં લખેલું છે.

20 યરોબામે બાવીસ વર્ષ રાજ કર્યું. તે મરણ પામ્યો. તેના પછી તેનો પુત્ર નાદાબ રાજા બન્યો.


યહૂદિયાનો રાજા રહાબામ

21 શલોમોનનો પુત્ર રહાબામ યહૂદિયાનો રાજા બન્યો ત્યારે તે એક્તાલીસ વર્ષનો હતો. ઇઝરાયલના સર્વ કુળપ્રદેશોમાંથી પોતાના નામની ભક્તિ કરવાના સ્થાન તરીકે પ્રભુએ પસંદ કરેલ નગર યરુશાલેમમાં રહી તેણે સત્તર વર્ષ રાજ કર્યું. રહાબામની માતા નામા આમ્મોની હતી.

22 યહૂદિયાના લોકોએ પ્રભુની દૃષ્ટિએ ધૃણાસ્પદ એવું આચરણ કર્યું અને તેમના બધા પૂર્વજો કરતાં પ્રભુને કોપ ચઢાવે એવાં વધારે ભૂંડા કૃત્યો આચર્યાં.

23 તેમણે જુઠ્ઠા દેવોની ભક્તિ માટે ઉચ્ચસ્થાન બાંધ્યાં અને ડુંગરો પર તેમ જ હરિયાળાં વૃક્ષો નીચે પથ્થરના સ્તંભો ઊભા કર્યા અને અશેરા દેવીની પ્રતિમાઓ મૂકી

24 એથીય ભૂંડી વાત તો એ કે તેમનાં સ્ત્રીપુરુષ એ વિધર્મી પ્રજાઓનાં પૂજાસ્થાનોમાં દેવદાસીઓ અને દેવદાસો તરીકે કામ કરતાં હતાં. ઇઝરાયલીઓ દેશનો કબજો લેતા ગયા તેમ તેમ પ્રભુએ દેશમાંથી જે પ્રજાઓને હાંકી કાઢી હતી એ પ્રજાઓનાં જેવાં શરમજનક કૃત્યો યહૂદિયાનાં લોકોએ પણ આચર્યાં.

25 રહાબામના અમલના પાંચમે વર્ષે ઇજિપ્તના રાજા શીંશાકે યરુશાલેમ પર આક્રમણ કર્યું.

26 પ્રભુના મંદિરમાંથી અને રાજમહેલમાંથી શલોમોને બનાવેલી સોનાની ઢાલો સહિત તે સર્વ ભંડારો લૂંટી ગયો.

27 રહાબામ રાજાએ સોનાની ઢાલોની જગ્યાએ તાંબાની ઢાલો મૂકી અને રાજમહેલના સંરક્ષક અધિકારીઓને સોંપી.

28 રાજા જ્યારે જ્યારે પ્રભુના મંદિરમાં જતો ત્યારે ત્યારે સંરક્ષકો ઢાલો ધારણ કરતા અને પછી સંરક્ષક ટુકડીની ઓરડીઓમાં મૂકી દેતા.

29 રહાબામનાં બાકીનાં કાર્યો યહૂદિયાના રાજાના ઇતિહાસમાં નોંધેલાં છે.

30 એ બધા સમય દરમ્યાન રહાબામ અને યરોબામ વચ્ચે સતત સંધર્ષ જારી રહ્યો.

31 રહાબામ મરણ પામ્યો અને તેને દાવિદનગરમાં તેના પૂર્વજો સાથે રાજવી કબરોમાં દફનાવવામાં આવ્યો. તેના પછી તેનો પુત્ર અબિયામ રાજા બન્યો.

Gujarati Common Language Bible - પવિત્ર બાઇબલ C.L.

Copyright © 2016 by The Bible Society of India
Used by permission. All rights reserved worldwide

Bible Society of India
Lean sinn:



Sanasan