૧ રાજા 13 - પવિત્ર બાઇબલ C.L.1 પ્રભુ તરફથી સંદેશ મળતાં યહૂદિયામાંથી એક ઈશ્વરભક્ત બેથેલ ગયો ને યરોબામ બલિનું દહન કરવા વેદી આગળ ઊભો હતો ત્યાં પહોંચી ગયો. 2 પ્રભુના સંદેશ અનુસાર ઈશ્વરભક્તે વેદીનો તિરસ્કાર કરતાં કહ્યું; “ઓ વેદી, વેદી, પ્રભુ આમ કહે છે: દાવિદના કુટુંબમાં યોશિયા નામે બાળકનો જન્મ થશે. તે તારા પર વિધર્મી વેદીઓના ‘યજ્ઞકારોની ક્તલ કરશે અને તારા પર માણસોનાં હાડકાં બાળશે.” 3 ઈશ્વરભક્તે ચિહ્ન આપતાં કહ્યું, “પ્રભુએ તે માટે આ આશ્ર્વર્યચિહ્ન દર્શાવ્યું છે: આ વેદી ભાંગી જશે અને તેના પરની રાખ વેરાઈ જશે.” 4 એ ઈશ્વરભક્તને બેથેલની વેદીને શાપ દેતો સાંભળીને યરોબામ રાજાએ વેદી ઉપરથી હાથ લંબાવીને હુકમ કર્યો, “એને પકડો!” તરત જ રાજાના હાથને લકવો થઈ ગયો; જેથી તે તેને પાછો ખેંચી શક્યો નહિ. 5 પ્રભુની આજ્ઞા અનુસાર ઈશ્વરભક્તે આપેલા આશ્ર્વર્યચિહ્ન પ્રમાણે વેદી એકાએક તૂટી પડી અને તે પરની રાખ જમીન પર વેરાઈ ગઈ. 6 યરોબામ રાજાએ ઈશ્વરભક્તને કહ્યું, “કૃપા કરી પ્રભુ, તમારા ઈશ્વરને મારે માટે પ્રાર્થના કરો અને તેમને મારો હાથ સાજો કરવા કહો.” ઈશ્વરભક્તે પ્રભુને પ્રાર્થના કરી એટલે રાજાનો હાથ સાજો થઈ ગયો. 7 પછી રાજાએ ઈશ્વરભક્તને કહ્યું, “મારે ઘેર જમવા પધારો. તમે જે કર્યું છે તેનો બદલો હું આપીશ.” 8 ઈશ્વરભક્તે કહ્યું, “તમે મને તમારી અડધી સંપત્તિ આપી દો, તો પણ તમારી સાથે આવીને હું કંઈપણ ખાવાપીવાનો નથી. 9 પ્રભુએ મને કંઈપણ ખાવાપીવાની અને જે રસ્તે હું આવ્યો છે તે જ રસ્તે પાછા ફરવાની મના કરી છે.” 10 તેથી તે તે જ રસ્તે પાછો નહિ ફરતાં બીજે રસ્તે ગયો. બેથેલેનો વૃદ્ધ સંદેશવાહક 11 એ વખતે બેથેલમાં એક વૃદ્ધ સંદેશવાહક રહેતો હતો. તેના પુત્રોએ આવીને યહૂદિયાના ઈશ્વરભક્તે બેથેલમાં તે દિવસે જે કર્યું અને તેણે યરોબામને જે કહ્યું હતું તે તેને જણાવ્યું. 12 વૃદ્ધ સંદેશવાહકે તેમને પૂછયું, “તે ત્યાંથી નીકળીને કયે રસ્તે ગયો?” તેમણે યહૂદિયાનોે સંદેશવાહક જે રસ્તે ગયો હતો તે રસ્તો બતાવ્યો. 13 એટલે તેણે પોતાના પુત્રોને ગધેડા પર જીન બાંધી તેને તૈયાર કરવા જણાવ્યું. તેમણે તેમ કર્યું, એટલે તે ઉપડયો, 14 અને યહૂદિયાનો ઈશ્વરભક્ત જે માર્ગે ગયો હતો તે માર્ગે તેની પાછળ ગયો. તે તેને મસ્તગીવૃક્ષ નીચે બેઠેલો મળ્યો. તેણે પૂછયું, “યહૂદિયામાંથી આવેલા ઈશ્વરભક્ત તમે છો કે?” પેલા માણસે જવાબ આપ્યો, “હા, હું જ તે છું.” 15 તેણે કહ્યું, “મારે ઘેર જમવા પધારો.” 16 પણ યહૂદિયાના ઈશ્વરભક્તે જવાબ આપ્યો, “હું તમારે ઘેર આવીને તમારી મહેમાનગીરી સ્વીકારી શક્તો નથી. હું અહીં પણ તમારી સાથે કંઈ ખાઈપીશ નહિ. 17 કારણ, પ્રભુએ મને અહીં કંઈપણ ખાવાપીવાની અને જે રસ્તે હું આવ્યો તે જ રસ્તે પાછા ફરવાની મના કરી છે.” 18 પછી બેથેલના વૃદ્ધ સંદેશવાહકે તેને કહ્યું, “હું પણ તમારા જેવો સંદેશવાહક છું, અને પ્રભુની આજ્ઞાથી તમને મારે ઘેર લઈ આવવા અને તમારું સ્વાગત કરવા દૂતે મને જણાવ્યું છે.” પણ વૃદ્ધ સંદેશવાહક જૂઠું બોલતો હતો. 19 તેથી યહૂદિયાનો ઈશ્વરભક્ત વૃદ્ધ સંદેશવાહક સાથે તેને ઘેર ગયો અને તેની સાથે ત્યાં જમ્યો. 20 તેઓ ભોજન કરવા બેઠા હતા ત્યારે વૃદ્ધ સંદેશવાહક પાસે પ્રભુનો સંદેશ આવ્યો. 21 તેણે યહૂદિયાના ઈશ્વરભક્તને પોકારીને કહ્યું, “પ્રભુ કહે છે કે તેં તેમની આજ્ઞા ઉથાપી છે અને તેમની આજ્ઞા પ્રમાણે કર્યું નથી. 22 એને બદલે, તેમણે તને મના કરી હતી તે સ્થળે પાછા ફરીને તેં ભોજન લીધું છે. એને લીધે તું માર્યો જશે અને તારું દફન તારા કુટુંબની કબરમાં થશે નહિ.” 23 તેઓ ખાઈપી રહ્યા એટલે વૃદ્ધ સંદેશવાહકે યહૂદિયાના ઈશ્વરભક્ત માટે ગધેડા પર જીન બાંધી તેને તૈયાર કર્યું. 24 પછી તે ચાલી નીકળ્યો. રસ્તે જતાં તેને એક સિંહનો ભેટો થઈ ગયો, અને તેણે તેને મારી નાખ્યો. તેનું શબ રસ્તા પર પડયું હતું અને ગધેડું તથા સિંહ તેની પાસે ઊભાં હતાં. 25 ત્યાંથી પસાર થનાર કેટલાક માણસોએ રસ્તા પર શબ અને નજીકમાં ઊભો રહેલો સિંહ જોયાં. તેમણે જે જોયું હતું તેની બેથેલમાં જઈને વૃદ્ધ સંદેશવાહકને ત્યાં ખબર આપી. 26 વૃદ્ધ સંદેશવાહકે એ સાંભળતાં કહ્યું, “એ તો પ્રભુની આજ્ઞા ઉથાપનાર ઈશ્વરભક્ત છે! પ્રભુએ કહ્યું હતું તેમ તેમણે જ સિંહને તેના પર હુમલો કરી તેને મારી નાખવા મોકલ્યો. 27 પછી તેણે પોતાના પુત્રોને કહ્યું, “મારે માટે જીન બાંધી ગધેડું તૈયાર કરો.” એટલે તેમણે તેમ કર્યું. 28 તે ચાલી નીકળ્યો અને ઈશ્વરભક્તના શબને રસ્તામાં પડેલું અને હજુ સિંહ તથા ગધેડાને પાસે ઊભેલા જોયાં. સિંહે ન તો શબ ખાધું હતું, ન તો ગધેડા પર હુમલો કર્યો હતો. 29 વૃદ્ધ સંદેશવાહકે શબ ઉપાડી તેને ગધેડા પર મૂકાયું અને તેને માટે શોક પાળવા તેમ જ તેને દફનાવવા બેથેલ લાવ્યો. 30 તેણે તેને પોતાના કુટુંબની કબરમાં દફનાવ્યો અને તેણે તથા તેના પુત્રોેએ “મારા ભાઈ, ઓ મારા ભાઈ!” એમ કહેતાં તેનો શોક પાળ્યો. 31 તેના દફન પછી સંદેશવાહકે પોતાના પુત્રને કહ્યું, “હું મરણ પામું ત્યારે મને આ કબરમાં દાટજો અને તેની પાસે મારું શબ મૂકજો. 32 બેથેલમાંની વેદી અને સમરૂનનાં નગરોનાં સર્વ ઉચ્ચ ભક્તિસ્થાનો વિરુદ્ધ પ્રભુની આજ્ઞાથી તેણે જે સંદેશા પોકાર્યા હતા તે જરૂર સાચાં પડશે.” યરોબામનું અઘોર પાપ 33 હજી પણ ઇઝરાયલનો રાજા યરોબામ તેના ભૂંડા માર્ગોથી પાછો ફર્યો નહિ, પણ પોતે બાંધેલાં ભક્તિનાં ઉચ્ચસ્થાનો પર સેવા કરવા લેવીકુળનાં ન હોય તેવાં કુટુંબોમાંથી યજ્ઞકારો નીમવાનું તેણે ચાલુ રાખ્યું. જેને યજ્ઞકાર થવું હોય તેને તે બનાવતો. 34 તેના આ પાપને લીધે તેનો નાશ થયો અને પૃથ્વીના પટ પરથી તેના રાજવંશનો પણ પૂરો નાશ થયો. |
Gujarati Common Language Bible - પવિત્ર બાઇબલ C.L.
Copyright © 2016 by The Bible Society of India
Used by permission. All rights reserved worldwide