Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -

૧ રાજા 12 - પવિત્ર બાઇબલ C.L.


ઉત્તરનાં કુળોનો બળવો
( ૨ કાળ. 10:1-19 )

1 રહાબામ શખેમ ગયો. ત્યાં ઉત્તર ઇઝરાયલના લોકો તેને રાજા બનાવવા એકત્ર થયા હતા.

2 શલોમોન રાજાથી બચવા ઇજિપ્ત નાસી ગયેલ નબાટના પુત્ર યરોબામે એ સમાચાર સાંભળ્યા એટલે તે ઇજિપ્તથી પાછો આવ્યો.

3 ઉત્તરનાં કુળોના લોકોએ તેને બોલાવડાવ્યો, અને પછી યરોબામને સાથે લઈને તેઓ સૌએ રહાબામ પાસે જઈને તેને કહ્યું,

4 “તમારા પિતા શલોમોને અમારા પર લાદેલી રાજસેવા ભારે ઝૂંસરી સમાન હતી. તમારા પિતાએ લાદેલી વેઠ અને એ ઝૂંસરીનો બોજ તમે હળવો કરશો. તો અમે તમારી નિષ્ઠાપૂર્વક સેવા કરીશું.”

5 તેણે જવાબ આપ્યો, “તમે ત્રણ દિવસ પછી આવજો, એટલે હું તમને તેનો જવાબ આપીશ.” તેથી તેઓ ગયા.

6 રહાબામે પોતાના પિતાના વડીલ સલાહકારોનો પરામર્શ કર્યો. તેણે પૂછયું, “આ લોકોને મારે શો જવાબ આપવો? તમારી શી સલાહ છે?”

7 તેમણે જવાબ આપ્યો, “તમારે આ લોકની સારી સેવા કરવી હોય, તો તેમને તેમની વિનંતીઓ સાનુકૂળ જવાબ આપો, એટલે તે વફાદારીપૂર્વક તમારી સેવા કરશે.”

8 પણ તેણે મોટી વયના માણસોની સલાહ અવગણી અને એને બદલેે, તેની સાથે મોટા થયેલા અને હવે તેના સલાહકાર તરીકે કામ કરતાં યુવાનોને પૂછયું,

9 “પોતાના પર બોજ હળવો કરવાની માગણી કરનાર આ લોકોને હું શું કહું? એ વિષે તમારી શી સલાહ છે?”

10 તેમણે જવાબ આપ્યો, “તમે તેમને આમ કહેજો: ‘મારા પિતાની કમર કરતાં મારી ટચલી આંગળી જાડી છે!’

11 તેમને કહેજો, ‘મારા પિતાએ તમારા પર ભારે બોજ મૂક્યો; હું એના કરતાં વધારે ભારે બોજ મૂકીશ. તે તમને કોરડાથી મારતા હતા, પણ હું તેમને ચાબુકથી ફટકા મારીશ.”

12 ત્રણ દિવસ પછી યરોબામ અને બધા લોકો રહાબામે આપેલી સૂચના પ્રમાણે તેની પાસે ગયા.

13 રાજાએ મોટી ઉંમરના માણસોની સલાહ અવગણી અને લોકો સાથે કડકાઈથી વાત કરી.

14 એમ તે યુવાનોની સલાહને અનુસર્યો. તેણે કહ્યું, “મારા પિતાએ તમારા પર ભારે બોજ મૂ્ક્યો હતો, પણ હું એના કરતાં વધારે ભારે બોજ મૂકીશ. તે તમને કોરડાથી મારતા હતા. પણ હું તમને ચાબુકથી ફટકારીશ.”

15 પ્રભુએ શીલો નગરના સંદેશવાહક અહિયા મારફતે નબાટના પુત્ર યરોબામને જે કહ્યું હતું તે પૂરું કરવાનો નિર્ધાર કર્યો હતો. તેથી તો રાજાએ લોકોના કહેવા પર કંઈ ધ્યાન આપ્યું નહિ.

16 લોકોએ જોયું કે રાજા તેમનું સાંભળશે નહિ. ત્યારે તેમણે પોકાર કર્યો, “યિશાઈના પુત્ર દાવિદ અને તેના કુટુંબ સાથે અમારે શો સંબંધ છે? અમારે તેની સાથે શી લેવાદેવા છે? ઇઝરાયલના માણસો, ચાલો, પોતપોતાને ઘેર જઈએ. રહાબામ પોતાનું ફોડી લેશે.” આમ, સર્વ ઇઝરાયલીઓ પોતપોતાને ઘેર ચાલ્યા ગયા.

17 અને રહાબામ માત્ર યહૂદિયામાં વસતા ઇઝરાયલી લોકોનો જ રાજા રહ્યો.

18 પછી રહાબામ રાજાએ વેઠિયાઓના ઉપરી અદોનીરામને ઇઝરાયલીઓ પાસે મોકલ્યો, પણ તેમણે તેને પથ્થરો મારી મારી નાખ્યો. તેથી રહાબામ ઝટપટ રથમાં ચઢી બેસી યરુશાલેમ નાસી ગયો.

19 એ સમયથી ઉત્તરના ઇઝરાયલના રાજ્યના લોકો દાવિદના રાજવંશ સામે વિદ્રોહ કરતા રહ્યા છે.

20 ઇઝરાયલના લોકોએ સાંભળ્યું કે યરોબામ ઇજિપ્તથી પાછો આવ્યો છે ત્યારે તેમણે તેને લોકોની એક સભામાં આમંત્રણ આપ્યું અને તેને રાજા બનાવ્યો. માત્ર યહૂદિયાનું કુળ દાવિદના રાજવંશને વફાદાર રહ્યું.


શમાયાની ભવિષ્યવાણી
( ૨ કાળ. 11:1-4 )

21 શલોમોનના પુત્ર રહાબામે યરુશાલેમ આવીને યહૂદા અને બિન્યામીનનાં કુળોમાંથી એક લાખ એંસી હજાર ચુનંદા સૈનિકો એકઠા કર્યા. તેનો ઇરાદો યુદ્ધ કરીને ઇઝરાયલનાં ઉત્તરનાં કુળો પર અંકુશ મેળવવાનો હતો.

22-23 પણ ઈશ્વરે પોતાના સંદેશવાહક શમાયાને બિન્યામીનનાં કુળોના સર્વ લોકોને આ પ્રમાણેનો સંદેશો આપવા જણાવ્યું.

24 “તમારા ભાઈઓ ઇઝરાયલના લોકો પર ચડાઈ કરતા નહિ. તમે સૌ પોતપોતાને ઘેર જાઓ. એ બધું મારી ઇચ્છા પ્રમાણે થયું છે.” તેથી સૌ પ્રભુની આજ્ઞા માનીને પોતપોતાને ઘેર પાછા ફર્યા. યરોબામ પ્રભુથી ભટકી જાય છે.

25 ઇઝરાયલના રાજા યરોબામે એફ્રાઈમના પહાડીપ્રદેશના નગર શખેમને કિલ્લેબંધીવાળું બનાવ્યું અને ત્યાં થોડો સમય રહ્યો. પછી ત્યાંથી તે જતો રહ્યો અને પનૂએલ નગરને કિલ્લો બંધાવ્યો.

26-27 તેણે મનમાં કહ્યું, “અત્યારે જેમ છે તેમ જો લોકો યરુશાલેમ જશે અને ત્યાં મંદિરમાં પ્રભુને બલિદાનો ચઢાવશે તો તેમની નિષ્ઠા યહૂદિયાના રાજા રહાબામ તરફની થઈ જશે અને તેઓ મને મારી નાખશે. એ રીતે દાવિદના વંશજોને આખું રાજ્ય પાછું મળશે.”

28 એ અંગે વિચારણા કરીને તેણે સોનાના બે વાછરડા બનાવ્યા અને પોતાના લોકોને કહ્યું, “તમારે ભક્તિ માટે છેક યરુશાલેમ જવું પડે છે. હે ઇઝરાયલના લોકો, તમને ઇજિપ્તમાંથી મુક્ત કરનાર આ રહ્યા તમારા દેવો!”

29 તેણે એક વાછરડો બેથેલમાં અને બીજો દાનમાં મૂક્યો.

30 એમ લોકો બેથેલ અને દાનમાં ભક્તિ કરવા જઈ પાપમાં પડયા.

31 યરોબામે પહાડનાં શિખરો પર ભક્તિનાં ઉચ્ચસ્થાન બાંધ્યાં, અને લેવીના કુળનાં ન હોય એવાં કુટુંબોમાંથી યજ્ઞકારો પસંદ કરીને નીમ્યા.


બેથેલમાં ઉપાસના

32 યરોબામે યહૂદિયાના પર્વોત્સવની જેમ આઠમા મહિનાની પંદરમી તારીખે ધાર્મિક પર્વોત્સવની સ્થાપના કરી. પોતે બનાવેલા સોનાના વાછરડા આગળ તેણે બેથેલમાં વેદી પર બલિદાનો ચઢાવ્યાં. વળી, તેણે બેથેલમાં બંધાવેલાં ભક્તિનાં ઉચ્ચસ્થાનો પર સેવા કરવા યજ્ઞકારો મૂક્યા.

33 તેણે પોતે ઠરાવેલ દિવસે, એટલે આઠમા મહિનાની પંદરમી તારીખે, ઇઝરાયલના લોકો માટે પોતે સ્થાપેલ ધાર્મિક પર્વોત્સવની ઉજવણી નિમિત્તે પોતે બેથેલમાં જઈને વેદી પર બલિનું દહન કર્યું.

Gujarati Common Language Bible - પવિત્ર બાઇબલ C.L.

Copyright © 2016 by The Bible Society of India
Used by permission. All rights reserved worldwide

Bible Society of India
Lean sinn:



Sanasan