Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -

૧ રાજા 11 - પવિત્ર બાઇબલ C.L.


શલોમોનનું અધ:પતન

1 શલોમોન ઘણી વિદેશી સ્ત્રીઓના મોહમાં પડયો. ઇજિપ્તના રાજાની પુત્રી ઉપરાંત મોઆબી, આમ્મોની, અદોમી અને હિત્તી સ્ત્રીઓ સાથે તેણે લગ્ન કર્યાં.

2 એ પ્રજાઓ તેમના દેવો તરફ ઇઝરાયલીઓની નિષ્ઠા વાળી દે એ કારણથી પ્રભુએ ઇઝરાયલીઓને તેમની સાથે આંતરલગ્નની મના કરી હતી; તો પણ શલોમોને તેમની સાથે લગ્ન કર્યાં.

3 શલોમોને સાતસો રાજકુંવરીઓ સાથે લગ્ન કર્યાં હતાં અને તેને ત્રણસો ઉપપત્નીઓ હતી. તેમણે ઈશ્વર પ્રત્યેથી તેનું મન ભટકાવી દીધું,

4 અને તે વૃદ્ધ થયો તેટલા સમયમાં તો તેઓ તેને વિદેશી દેવતાઓની ભક્તિ તરફ વાળી ગઈ. તેના પિતા દાવિદની જેમ તે તેના ઈશ્વર પ્રભુ પ્રત્યે સંપૂર્ણ નિષ્ઠાવાન રહ્યો નહિ.

5 તેણે સિદોનની દેવી આશ્તારોથ અને આમ્મોનના ઘૃણાસ્પદ દેવ મિલ્કોમની પૂજા કરી.

6 તેણે પ્રભુની દૃષ્ટિએ ઘૃણાસ્પદ એવું આચરણ કર્યું અને તેના પિતા દાવિદની જેમ તે તેમને પૂરી નિષ્ઠાથી અનુસર્યો નહિ.

7 યરુશાલેમની પૂર્વમાં આવેલા પર્વત પર તેણે મોઆબના ધિક્કારપાત્ર દેવ કમોશ અને આમ્મોનના તિરસ્કારપાત્ર દેવ મિલ્કોમની ભક્તિ માટે ઉચ્ચસ્થાન બંધાવ્યાં.

8 આમ તેણે તેને તેની સઘળી વિદેશી પત્નીઓ પોતાના દેવો આગળ ધૂપ ચડાવી શકે અને બલિદાનો ચડાવી શકે અને તે માટે પણ તેણે ભક્તિસ્થાનો બંધાવ્યા.

9-10 જો કે ઇઝરાયલના ઈશ્વર પ્રભુએ શલોમોનને બે વાર દર્શન આપ્યું હતું અને તેને વિધર્મી દેવોની પૂજા નહિ કરવા આજ્ઞા કરી હતી, તોપણ શલોમોને પ્રભુનું માન્યું નહિ, પણ તેમનાથી વિમુખ થઈ ગયો. તેથી પ્રભુ શલોમોન પર રોષે ભરાયા.

11 તેમણે તેને કહ્યું, “તેં જાણીબૂઝીને મારી સાથેનો તારો કરાર તોડ્યો છે અને મારી આજ્ઞાઓ પાળી નથી. તેથી હું તારી પાસેથી રાજ્ય ઝૂંટવી લઈશ. અને તારા અધિકારીઓમાંથી એકને આપીશ.

12 તેમ છતાં, તારા પિતા દાવિદને લીધે તે હું તારા જીવતાં નહિ કરું, પણ તારા પુત્રના અમલ દરમ્યાન કરીશ.

13 વળી, હું તેની પાસેથી આખુંય રાજ્ય નહિ લઈ લઉં; પણ મારા સેવક દાવિદને લીધે અને યરુશાલેમ કે જેને મેં મારું નગર થવા પસંદ કર્યું છે તેને લીધે હું તેની પાસે એક કુળ રહેવા દઈશ.


શલોમોનના શત્રુઓ

14 તેથી પ્રભુએ અદોમના રાજકુટુંબના હદાદને શલોમોનની વિરુદ્ધ ઉશ્કેર્યો.

15-16 અગાઉ ઘણા સમય પહેલાં, દાવિદે અદોમ જીતી લીધું હતું, ત્યારે તેનો સેનાપતિ યોઆબ ત્યાં મરેલાંને દફનાવવા ગયો હતો. તે અને તેના માણસો અદોમમાં છ માસ રહ્યા હતા અને એ સમય દરમ્યાન તેમણે અદોમના બધા પુરુષોને મારી નાખ્યા હતા.

17 માત્ર હદાદ અને તેના પિતાના કેટલાક સેવકો બચી ગયા અને છટકીને ઇજિપ્ત નાસી છૂટયા. (તે વખતે હદાદ માત્ર નાનો બાળક હતો)

18 તેઓ મિદ્યાન છોડીને પારાન ગયા, જ્યાં તેમની સાથે થોડાક માણસો જોડાયા હતા. પછી તેઓ મુસાફરી કરતાં કરતાં ઇજિપ્તમાં ફેરો પાસે ગયા. ફેરોએ તેમને થોડી જમીન રહેવાને મકાન અને ખોરાક આપ્યાં.

19 હદાદે રાજાની સદ્ભાવના સંપાદન કરી લીધી અને રાજાએ પોતાની સાળી, એટલે રાણી તાહ્પનેસની બહેનને હદાદ સાથે પરણાવી. તેને હદાદથી પુત્ર થયો જેનું નામ ગેનુબાથ હતું.

20 રાણીએ તેને રાજ્યમહેલમાં ઉછેર્યો અને તે ત્યાં રાજાના પુત્રો સાથે રહ્યો.

21 હદાદને ઇજિપ્તમાં સમાચાર મળ્યા કે દાવિદ મૃત્યુ પામ્યો છે અને તેનો સેનાપતિ યોઆબ પણ મરી ગયો છે, ત્યારે હદાદે રાજાને કહ્યું, “મને મારા દેશમાં જવા દો.”

22 રાજાએ પૂછયું, “તું તારા દેશમાં કેમ પાછો જવા માગે છે? મારે ત્યાં તને કશાની ખોટ પડી છે?” હદાદે રાજાને જવાબ આપ્યો, “ના જી, પણ કૃપા કરીને મને જવા દો.” એમ તે પોતાના દેશમાં પાછો ગયો. હદાદ અદોમનો રાજા બન્યો અને ઇઝરાયલ પ્રત્યે દુશ્મનાવટ રાખતો હતો.

23 ઈશ્વરે એલ્યાદાના પુત્ર રઝોનને શલોમોનની વિરુદ્ધ કરી દીધો. રઝોન તેના માલિક સોબાના રાજા હદાદેઝેરથી નાસી છૂટયો હતો,

24 અને બંડખોરોની ટોળીનો આગેવાન બની બેઠો હતો. (દાવિદે હદાદેઝેરનો પરાભવ કર્યો ને તેના મિત્ર રાજ્ય અરામીઓનો સંહાર કર્યો તે પછી એ બન્યું હતું.) રઝોન અને તેના માણસો દમાસ્ક્સમાં જઈ વસ્યા, જ્યાં તેના માણસોએ તેને અરામનો રાજા બનાવ્યો.

25 શલોમોનના જીવનકાળ દરમ્યાન તે ઇઝરાયલનો શત્રુ હતો.


યરોબામને ઈશ્વરનું વચન

26 શલોમોનની વિરુદ્ધ થઈ જનાર બીજો એક માણસ તો તેનો પોતાનો એક અધિકારી એટલે, એફ્રાઈમ પ્રદેશના સરેદાહ નગરના નાબાટનો પુત્ર યરોબામ હતો. તેની માતા સરુયા વિધવા હતી.

27 તેના બંડની વાત આવી છે: શલોમોન યરુશાલેમની પૂર્વગમની જમીનમાં પુરાણ કરાવતો હતો અને નગરના કોટની મરામત કરાવતો હતો.

28 યરોબામ સશક્ત જુવાન હતો અને તેને ખંતથી કામ કરતો જોઈને શલોમોને તેને યોસેફના પુત્રો મનાશ્શા અને એફાઈમનાં કુળોના પ્રદેશમાં વેઠના સર્વ કામ પર ઉપરી તરીકે નીમ્યો.

29 એક દિવસે યરોબામ યરુશાલેમથી મુસાફરીએ જઈ રહ્યો હતો ત્યારે શીલોમાંથી ઈશ્વરનો સંદેશવાહક અહિયા તેને રસ્તામાં એકલો મળ્યો.

30 અહિયાએ પોતે પહેરેલો નવો ઝભ્ભો ઉતાર્યો અને તેના બાર કટકા કર્યા.

31 તેણે યરોબામને કહ્યું, “તારે માટે દસ કટકા લઈ લે, કારણ, ઇઝરાયલના ઈશ્વર પ્રભુ તરફથી તારે માટે આ સંદેશ છે, ‘હું શલોમોન પાસેથી રાજ્ય લઈ લઈશ અને તને દસ કુળો આપીશ.

32 મારા સેવક દાવિદને લીધે અને સમસ્ત ઇઝરાયલ દેશમાંથી મારા પોતાના નગર તરીકે પસંદ કરેલ નગર યરુશાલેમને લીધે શલોમોન પાસે એક કુળ રહેશે.

33 કારણ, શલોમોને મારો ત્યાગ કર્યો હોઈ અને સિદોનની દેવી આશ્તારોથ, મોઆબનો દેવ કમોશ અને આમ્મોનનો દેવ મિલ્કોમ એ વિદેશી દેવોની પૂજા કરી છે. શલોમોન મારી ઇચ્છાને અનુસર્યો નથી; પણ તેણે મારી વિરુદ્ધ પાપ કર્યું છે. તેના પિતા દાવિદની જેમ તેણે મારા નિયમો અને ફરમાનો પાળ્યા નથી.

34 છતા હું શલોમોન પાસેથી આખું રાજ્ય લઈ લઈશ નહિ, અને તે જીવશે ત્યાં લગી હું તેને સત્તા પર રાખીશ. મારો પસંદ કરેલો સેવક દાવિદ, જેણે મારા નિયમો અને ફરમાનો પાળ્યાં હતાં તેને લીધે હું એમ કરીશ.

35 હું શલોમોનના પુત્ર પાસેથી રાજ્ય લઈ લઈશ અને તને દસ કુળ આપીશ;

36 પણ શલોમોનના પુત્ર પાસે એક કુળ રહેશે, જેથી મારે નામે મારી ભક્તિ કરવાના સ્થાન તરીકે મેં પસંદ કરેલા નગર યરુશાલેમમાં રાજ કરવા મારા સેવક દાવિદનો જ વંશજ રાજ કરે.

37 યરોબામ, હું તને ઈઝરાયલનો રાજા બનાવીશ અને તું ઇચ્છે છે તે પ્રદેશ પર હું તને રાજ કરાવીશ.

38 જો તું મારી બધી આજ્ઞાઓ પ્રમાણે વર્તીશ, મારી ઇચ્છાને અનુસરીશ, મારી દૃષ્ટિએ યથાયોગ્ય આચરણ કરીશ અને મારા નિયમો અને ફરમાનોનું પાલન કરીશ તો જેમ મેં દાવિદના હક્કમાં કર્યું છે તેમ તારા વંશજો કાયમને માટે રાજ કરે એવું હું થવા દઈશ.

39 શલોમોનના પાપને લીધે હું દાવિદના વંશજોને સજા કરીશ, પણ એ સજા કાયમની નહિ હોય.”

40 અને તેથી શલોમોને યરોબામને મારી નાખવા પ્રયાસ કર્યો, પણ તે ઇજિપ્તના રાજા શીશાક પાસે જતો રહ્યો અને શલોમોનના મરણ સુધી ત્યાં જ રહ્યો.


શલોમોનનું મરણ
( ૨ કાળ. 9:29-31 )

41 શલોમોનના અમલના બાકીના બનાવો, તેનાં કાર્યો અને તેનું જ્ઞાન એ બધું શલોમોનના ઇતિહાસમાં લખેલું છે.

42 તેણે યરુશાલેમમાં ઇઝરાયલ પર ચાલીસ વર્ષ રાજ કર્યું.

43 તે મરણ પામ્યો અને તેને તેના પિતા દાવિદના નગરમાં દફનાવવામાં આવ્યો અને તેના પછી તેનો પુત્ર રહાબામ રાજા બન્યો.

Gujarati Common Language Bible - પવિત્ર બાઇબલ C.L.

Copyright © 2016 by The Bible Society of India
Used by permission. All rights reserved worldwide

Bible Society of India
Lean sinn:



Sanasan