Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -

૧ રાજા 10 - પવિત્ર બાઇબલ C.L.


શેબાની રાણીની મુલાકાત
( ૨ કાળ. 9:1-12 )

1 શેબાની રાણીએ યાહવેના નામ સંબંધી શલોમોનની કીર્તિ સાંભળી, ત્યારે તે તેની ક્સોટી કરવા અટપટા પ્રશ્ર્નો પૂછવા યરુશાલેમ આવી.

2 તે પોતાની સાથે અનુચરોના મોટા રસાલા સાથે ઊંટો પર સુગંધીદ્રવ્યો, ઝવેરાત અને પુષ્કળ સોનું લાદીને આવી. તે શલોમોનને મળી ત્યારે તેના મનમાં હતા તે બધા સવાલો તેને પૂછયા.

3 શલોમોને તેના બધા પ્રશ્ર્નોના જવાબ આપ્યા અને તે તેની આગળ ખુલાસો ન કરી શકે એવો એકેય પ્રશ્ર્ન નહોતો.

4 શેબાની રાણીએ શલોમોનનું જ્ઞાન સાંભળ્યું અને તેણે બાંધેલો રાજમહેલ જોયો.

5 તેણે જમણમાં પીરસાતો ખોરાક, તેના અમલદારોની વસાહતો, રાજમહેલના કર્મચારીઓની વ્યવસ્થા અને તેમનો ગણવેશ, મિજબાની વખતે તહેનાતમાં રહેતા અનુચરો અને પ્રભુના મંદિરમાં તે જે બલિદાનો ચડાવતો એ બધુ જોયું. એ જોઈને તે આશ્ર્વર્યથી સ્તબ્ધ થઈ ગઈ.

6 તેણે શલોમોનને કહ્યું, “તમારાં કાર્યો અને તમારા જ્ઞાન સંબંધી મેં મારા દેશમાં જે સાંભળ્યું હતું તે સાચું છે.

7 પણ મેં અહીં આવીને મારી જાતે જોયું ત્યાં સુધી એ મારા માન્યામાં આવતું નહોતું. પણ મેં તો અડધુંય સાંભળ્યું નહોતું. મને કહેવામાં આવ્યું હતું તે કરતાં તમારાં જ્ઞાન અને સમૃદ્ધિ વિશેષ છે.

8 તમારા માણસો કેવા ભાગ્યશાળી છે! વળી, તમારી તહેનાતમાં સતત રહેતા તમારા સેવકો પણ કેવા ભાગ્યશાળી છે કે તેમને તમારી જ્ઞાનવાણી સાંભળવાનો લહાવો મળે છે.

9 તમારા ઈશ્વર પ્રભુની સ્તુતિ થાઓ! તમને ઇઝરાયલના રાજા બનાવી પ્રભુ તમારા પર કેવા પ્રસન્‍ન છે તે તેમણે બતાવ્યું છે. ઇઝરાયલ પ્રત્યેના તેમના અવિરત પ્રેમને કારણે ન્યાય અને નેકી પ્રવર્તાવાને માટે તેમણે તમને તેમના રાજા બનાવ્યા છે.”

10 પછી તેણે શલોમોન રાજાને બક્ષિસમાં ચાર હજાર કિલો કરતાં વધારે સોનું અને પુષ્કળ પ્રમાણમાં સુગંધીદ્રવ્યો અને ઝવેરાત આપ્યાં. શેબાની રાણીએ તેને જેટલાં સુગંધીદ્રવ્યો આપ્યાં તેટલાં ક્યારેય કોઈના તરફથી મળ્યાં નહોતાં.

11 (હિરામનો નૌકાકાફલો ઓફિરના પ્રદેશમાંથી સોનું લાવ્યો ત્યારે ત્યાંથી સાથે પુષ્કળ પ્રમાણમાં સુખડનું લાકડું અને ઝવેરાત લાવ્યો હતો.

12 શલોમોને તે લાકડાનો ઉપયોગ પ્રભુના મંદિરમાં અને રાજમહેલમાં કઠેરા બાંધવામાં તેમ જ સંગીતકારો માટે વીણા અને સિતાર બનાવવામાં કર્યો. ઇઝરાયલમાં આયાત થયેલું એ સર્વશ્રેષ્ઠ સુખડ હતું; એના જેવું ફરી ક્યારે જોવા મળ્યું નથી.)

13 શલોમોન રાજાએ રાજપ્રણાલી મુજબની ઉદારતાથી આપેલી બક્ષિસો ઉપરાંત શેબાની રાણીએ જે જે માગ્યું તે બધું તેને આપ્યું. પછી તે પોતાના રસાલા સાથે શેબા દેશમાં પાછી ફરી.


શલોમોનની સમૃદ્ધિ
( ૨ કાળ. 9:13-29 )

14 શલોમોન રાજાને દર વર્ષે લગભગ ત્રેવીસ હજાર કિલો સોનું મળતું.

15 તે ઉપરાંત વેપારીઓ તરફથી મળતા વેરા, વેપારમાં થતો નફો અને અરબી રાજાઓ અને ઇઝરાયલી પ્રાંતના સૂબાઓ પાસેથી ખંડણી મળતી.

16 શલોમોને બસો મોટી ઢાલો બનાવડાવી. પ્રત્યેક ઢાલ લગભગ સાત કિલો સોનાથી મઢેલી હતી.

17 તેણે ત્રણસો નાની ઢાલો પણ બનાવડાવી. પ્રત્યેક ઢાલ લગભગ બે કિલો સોનાથી મઢેલી હતી. તેણે એ બધી ઢાલો “લબાનોન વનખંડ” મૂકાવી.

18 તેણે હાથીદાંતનું મોટું સિંહાસન બનાવડાવ્યું, અને તેને ચોખ્ખા સોનાથી મઢયું.

19-20 સિંહાસન પર ચઢવા માટે છ પગથિયાં હતાં. પ્રત્યેક પગથિયે બન્‍ને તરફ એકએક એમ કુલ બાર સિંહ હતા. સિંહાસનના પાછળના ભાગમાં આખલાના માથાની પ્રતિમા હતી. સિંહાસનના બે હાથા પર એકએક સિંહ હતો. બીજા કોઈ રાજ્યમાં આવું સિંહાસન નહોતું.

21 શલોમોનના પીવાના સર્વ પ્યાલાઓ અને “લબાનોન વનખંડ” સર્વ પાત્રો સોનાનાં હતાં. ચાંદી તો વાપરી જ નહોતી, કારણ, શલોમોનના સમયમાં તેનું કોઈ મૂલ્ય નહોતું.

22 હિરામના નૌકાકાફલા સાથે વહાણવટું કરનાર તેનો પોતાનો નૌકાકાફલો પણ હતો. દર ત્રણ વર્ષે તેનાં વહાણો સોનું, ચાંદી, હાથીદાંત, વાંદરા અને માંકડાં લાવતા.

23 બીજા કોઈ રાજા કરતાં શલોમોન રાજા વધારે ધનવાન અને જ્ઞાની હતો.

24 અને ઈશ્વરે તેને આપેલું જ્ઞાન સાંભળવા આખી દુનિયામાંથી લોકો તેની પાસે આવતા.

25 તેની પાસે જે કોઈ આવે તે સોનાચાંદીની ચીજવસ્તુઓ, ઝભ્ભા, હથિયારો, સુગંધીદ્રવ્યો, ઘોડાઓ અને ખચ્ચરો જેવી કોઈને કોઈ ભેટ લાવતા. આવું વરસોવરસ ચાલ્યા કર્યું.

26 શલોમોને ચૌદસો રથોનું અને બાર હજાર ઘોડેસ્વારોનું સૈન્ય ઊભું કર્યું. કેટલાકને તેણે યરૂશાલેમમાં રાખ્યા, જ્યારે બીજા બધાને અન્ય નગરોમાં રાખ્યા.

27 તેના અમલ દરમ્યાન યરુશાલેમમાં ચાંદી પથ્થરના જેટલી સસ્તી અને ગંધતરુ ખીણપ્રદેશના ગુલ્લરવૃક્ષના લાકડા સમાન થઈ પડ્યાં હતાં.

28-29 મૂસરી અને કીલિકિયામાંથી ઘોડાની અને ઇજિપ્તમાંથી રથોની આયાત રાજાના આડતિયાઓ હસ્તક હતી. તેઓ હિત્તીઓ અને અરામના રાજાઓને ઘોડા અને રથો પૂરા પાડતા. ચાંદીના છસો સિકાકાઓ લેખે એક રથ અને દોઢસો સિકાકાઓ લેખે એક ઘોડો એમ તેઓ વેચતા.

Gujarati Common Language Bible - પવિત્ર બાઇબલ C.L.

Copyright © 2016 by The Bible Society of India
Used by permission. All rights reserved worldwide

Bible Society of India
Lean sinn:



Sanasan