Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -

૧ રાજા 1 - પવિત્ર બાઇબલ C.L.


દાવિદ રાજાની વૃદ્ધાવસ્થા

1 દાવિદ રાજા હવે ઘણો વૃદ્ધ થયો હતો, અને તેના નોકરોએ તેને કામળા ઓઢાડયા, તોપણ તેનામાં ગરમી આવી નહિ.

2 તેથી તેના અધિકારીઓએ તેને કહ્યું, “હે રાજા, મારા માલિક, તમારી સાથે રહેવા અને તમારી સેવાચાકરી કરવા અમને એક યુવતી શોધી કાઢવા દો. તે તમારી ગોદમાં સૂઈ જશે અને તેનાથી તમારા શરીરને હૂંફ વળશે.”

3 સમગ્ર ઇઝરાયલમાં સુંદર યુવતીની શોધ કરવામાં આવી અને તેમને શૂનેમમાંથી અબિશાગ નામની એવી યુવતી મળી આવી. તેઓ તેને રાજા પાસે લઈ આવ્યા.

4 તે ખૂબસૂરત હતી. તે રાજાની સેવા કરતી અને તેમની સંભાળ લેતી, પણ રાજાએ તેની સાથે સમાગમ કર્યો નહિ.


રાજગાદી માટે અદોનિયાનો દાવો.

5-6 હવે આબ્શાલોમ મરણ પામ્યો હોવાથી દાવિદ અને રાણી હાગ્ગીથનો પુત્ર અદોનિયા તેમના બાકીના પુત્રોમાં જ્યેષ્ઠ પુત્ર હતો. તે ઘણો સુંદર હતો. દાવિદે તેને કયારેય કોઈ બાબતમાં ઠપકો આપ્યો નહોતો. તેને રાજા બનવાની મહત્વાકાંક્ષા હતી. તેણે પોતાને માટે રથો, ઘોડાઓ અને પચાસ માણસોના રસાલાની વ્યવસ્થા કરી.

7 તેણે યોઆબ (જેની માતાનું નામ સરુયા હતું) અને યજ્ઞકાર અબ્યાથાર સાથે મસલત કરી અને તેઓ તેને ટેકો આપવા સંમત થયા.

8 પણ યજ્ઞકાર સાદોક, યહોયાદાનો પુત્ર બનાયા, સંદેશવાહક નાથાન, શિમઈ, રેઇ અને દાવિદના અંગરક્ષકો અદોનિયાના પક્ષમાં નહોતા.

9 એક દિવસે અદોનિયાએ એન-રોગેલના ઝરણા નજીક ઘેટાં, બળદો અને માતેલા વાછરડાનું અર્પણ કર્યું. તેણે દાવિદ રાજાના અન્ય પુત્રો અને યહૂદિયામાં વસતા રાજાના સર્વ અમલદારોને એ યજ્ઞની મિજબાનીમાં નિમંત્રણ આપ્યું હતું.

10 પણ તેણે તેના સાવકા ભાઈ શલોમોનને, સંદેશવાહક નાથાનને, બનાયાને કે રાજાના અંગરક્ષકોને આમંત્રણ આપ્યું નહિ.


શલોમોન રાજા બનાવાયો

11 પછી નાથાને શલોમોનની માતા બાથશેબા પાસે જઈને તેને કહ્યું, “હાગ્ગીથનો પુત્ર રાજા બની બેઠો છે એ શું તમે સાંભળ્યું નથી? વળી, દાવિદ રાજાને તો એની ખબર પણ નથી!

12 તમારે તમારી અને તમારા પુત્ર શલોમોનની જિંદગી બચાવવી હોય તો મારી સલાહ માનો.

13 તાત્કાલિક દાવિદ રાજા પાસે જઈને તેમને કહો કે, ‘હે રાજા, મારા માલિક, તમારા પછી મારો પુત્ર શલોમોન રાજા બનશે એવું શપથપૂર્વક વચન તમે નહોતું આપ્યું? તો પછી અદોનિયા રાજા કેમ થઈ બેઠો છે?”

14 વળી, નાથાને તેને કહ્યું, “તમે રાજા સાથે બોલતાં હશો એવામાં જ હું અંદર આવીને એ વાતને અનુમોદન આપીશ.”

15 તેથી બાથશેબા રાજાને મળવા તેના શયનખંડમાં ગઈ. તે ઘણો વૃદ્ધ થઈ ગયો હતો અને શૂનેમમાંથી આવેલી યુવતી અબિશાગ તેની સેવાચાકરી કરતી હતી.

16 બાથશેબાએ રાજાને નમન કર્યું. રાજાએ પૂછયું, “તારી શી ઇચ્છા છે?”

17 તેણે જવાબ આપ્યો, “હે રાજા, મારા માલિક, તમારા ઈશ્વર પ્રભુને નામે તમે મને શપથપૂર્વક વચન આપ્યું હતું કે તમારા પછી મારો પુત્ર શલોમોન રાજા થશે અને તમારા રાજ્યાસન પર બિરાજશે.

18 પણ હવે તો અદોનિયા રાજા બની બેઠો છે અને તમને તેની કંઈ ખબર નથી.

19 તેણે ઘણાં બળદો, ઘેટાં અને માતેલા વાછરડાઓનું અર્પણ કર્યું છે. તેણે તમારા પુત્રો, યજ્ઞકાર અબ્યાથાર અને તમારા સેનાપતિ યોઆબને મિજબાનીમાં આમંત્રણ આપ્યું છે, પણ તમારા પુત્ર શલોમોનને આમંત્રણ આપ્યું નથી.

20 હે રાજા, મારા માલિક, તમારા પછી કોણ રાજા બનશે તે અંગે તમે સ્પષ્ટતા કરો એવી સમગ્ર ઇઝરાયલ રાહ જુએ છે.

21 જો તમે નહિ કરો, તો તમારુ મૃત્યુ થતાં જ હું અને મારો પુત્ર શલોમોન રાજદ્રોહીઓમાં ખપી જઈશું.”

22 તે બોલી રહી એવામાં જ નાથાન રાજમહેલમાં આવી પહોંચ્યો.

23 રાજાને નાથાન સંદેશવાહકના આગમનની જાણ કરવામાં આવી અને નાથાને અંદર જઈને રાજા આગળ નમીને તેમને પ્રણામ કર્યા.

24 પછી તેણે કહ્યું, “હે રાજા, મારા માલિક, તમારા પછી અદોનિયા રાજા બને અને તમારા રાજ્યાસન પર બિરાજે એવું તમે જાહેર કર્યું છે?

25 તેણે આજે બળદો, ઘેટાંઓ અને માતેલા વાછરડાઓનો યજ્ઞ કર્યો છે. તેણે તમારા પુત્રોને, તમારા સેનાપતિ યોઆબને અને અબ્યાથાર યજ્ઞકારને આમંત્રણ આપ્યું છે, અને અત્યારે તેઓ તેની સાથે મિજબાની માણી રહ્યા છે અને ‘અદોનિયા રાજા અમર રહો,’ એવો સૂત્રોચ્ચાર કરે છે.

26 પણ તેણે મને, સાદોક યજ્ઞકારને, બનાયાને કે તમારા પુત્ર શલોમોનને આમંત્રણ આપ્યું નથી.

27 શું નામદાર રાજાએ એ અંગે સંમતિ આપી છે? તમારા પછી કોણ રાજા બનશે એ પોતાના અમલદારોને પણ તમે જણાવ્યું નથી?”

28 દાવિદ રાજાએ કહ્યું, “બાથશેબાને અંદર આવવા કહો.” તેથી તે આવીને રાજા આગળ ઊભી રહી.

29 પછી રાજાએ તેને કહ્યું, “મને મારા સર્વ સંકટોમાંથી બચાવનાર જીવંત પ્રભુને નામે તને વચન આપું છું કે

30 મારા પછી તારો પુત્ર શલોમોન રાજા થશે એવું જે વચન મેં તને ઇઝરાયલના ઈશ્વર પ્રભુને નામે આપ્યું હતું તે હું આજે પાળીશ.”

31 બાથશેબાએ રાજાને સાષ્ટાંગ દંડવત્ પ્રણામ કરતાં કહ્યું, “હે મારા સ્વામી, મારા રાજા અમર રહો!”

32 પછી રાજાએ સાદોક, નાથાન અને બનાયાને બોલાવ્યા. તેથી તેઓ રાજાની હજૂરમાં આવ્યા.

33 રાજાએ તેમને કહ્યું, “મારા રાજદરબારીઓને તમારી સાથે લઈ જાઓ; મારા પુત્ર શલોમોનને મારા ખચ્ચર પર સવારી કરાવીને ગિહોનના ઝરણાએ લઈ જાઓ.

34 ત્યાં સાદોક અને નાથાન ઇઝરાયલના રાજા તરીકે તેનો અભિષેક કરે. પછી તમે રણશિંગડું વગાડીને “શલોમોન રાજા અમર રહો,” એવો પોકાર કરજો.

35 તે અહીં મારા રાજ્યાસન પર બેસવા આવે ત્યારે તમે તેની પાછળ પાછળ આવજો. તે મારા પછી રાજા બનશે; કારણ, ઇઝરાયલ અને યહૂદિયા પર અમલ કરવાને મેં તેને જ પસંદ કર્યો છે.”

36 બનાયાએ કહ્યું, “આમીન! તમારા ઈશ્વર પ્રભુ એ વાતને સમર્થન આપો.

37 હે રાજા, મારા માલિક, પ્રભુ જેમ તમારી સાથે રહ્યા તેમને શલોમોનની સાથે પણ રહો, અને તમારા રાજ્ય કરતાં ય તેનું રાજ્ય મહાન બનાવો.”

38 તેથી સાદોક, નાથાન, બનાયા અને રાજાના અંગરક્ષકોએ શલોમોનને દાવિદ રાજાના ખચ્ચર પર બેસાડયો અને તેને ગિહોનના ઝરણાએ લઈ ગયા.

39 સાદોક મુલાકાતમંડપમાંથી તેલનું શિંગડું લાવ્યો હતો; તેણે તે લઈને શલોમોનનો અભિષેક કર્યો. તેમણે રણશિંગડું વગાડયું અને સર્વ લોકોએ પોકાર કર્યો, “શલોમોન રાજા અમર રહો!”

40 પછી ધરતી ધ્રૂજી ઊઠે એવા અવાજે તેઓ સૌ આનંદથી પોકારતા અને વાંસળીઓ વગાડતા તેની પાછળ પાછળ ગયા.

41 અદોનિયા અને તેના મહેમાનો મિજબાની પૂરી કરી રહ્યા હતા તેવામાં તેમણે પેલો અવાજ સાંભળ્યો. યોઆબે રણશિંગડું સાંભળીને પૂછયું, “નગરમાં આ શાનો કોલાહલ થાય છે?”

42 હજુ તો તે બોલતો હતો એવામાં યજ્ઞકાર અલ્યાથારનો પુત્ર યોનાથાન આવી પહોંચ્યો. અદોનિયાએ કહ્યું, “અંદર આવ; તું સારો માણસ છે. તારી પાસે શુભ સમાચાર હોવા જોઈએ.”

43 યોનાથાને કહ્યું, “ના જી, એવું નથી, કારણ, નામદાર રાજા દાવિદે શલોમોનને રાજા બનાવ્યો છે.

44 તેમણે સાદોક, નાથાન, બનાયા અને રાજાના અંગરક્ષકોને શલોમોનની સાથે મોકલ્યા હતા. તેમણે તેને રાજાના ખચ્ચર પર બેસાડયો હતો;

45 અને સાદોક તથા નાથાને તેનો ગિહોનના ઝરણા પાસે રાજા તરીકે અભિષેક કર્યો છે. પછી તેઓ આનંદનો પોકાર કરતાં કરતાં નગરમાં ગયા અને લોકો અત્યારે કોલાહલ કરી રહ્યા છે. તમે હમણાં જે અવાજ સાંભળ્યો તે તેનો જ છે.

46 હવે શલોમોન રાજગાદી પર બિરાજ્યો છે.

47 વળી, રાજદરબારીઓએ દાવિદ રાજા પાસે જઈને તેમને અભિવંદન કરીને આવું કહ્યું, “ઈશ્વર તમારા કરતાં શલોમોનને વિશેષ ખ્યાતનામ કરો અને તમારા અમલ કરતાં યે શલોમોનના અમલને વિશેષ સમૃદ્ધિવાન કરો.’ દાવિદ રાજાએ પણ પોતાની પથારીમાં માથું નમાવીને આ પ્રમાણે આરાધના કરી:

48 ‘ઇઝરાયલના ઈશ્વર પ્રભુની સ્તુતિ થાઓ. કારણ, તેમણે મારા પછી મારા વંશજને રાજા બનાવ્યો છે, અને એ જોવાને મને જીવતો રાખ્યો છે.”

49 ત્યારે અદોનિયાના મહેમાનો ગભરાયા અને સૌ ઊઠીને પોતપોતાને રસ્તે પડ્યા.

50 શલોમોનથી ખૂબ ભયભીત થઈને અદોનિયા મુલાકાતમંડપે નાસી ગયો અને ત્યાં જઈને તેણે વેદીનાં શિંગ પકડયાં.

51 શલોમોન રાજાએ સાંભળ્યું કે અદોનિયા તેનાથી ગભરાઈને નાસી ગયો છે અને વેદીનાં શિંગ પકડીને કહે છે, “શલોમોન રાજા પ્રથમ સમ ખાય કે તે મને મારી નાખશે નહિ.”

52 શલોમોને જવાબ આપ્યો, “જો તે વફાદાર માલૂમ પડશે, તો તેનો એક વાળ પણ વાંકો થશે નહિ; પણ જો તેનામાં દુષ્ટતા માલૂમ પડશે તો તે માર્યો જશે.”

53 પછી શલોમોન રાજાએ અદોનિયા પાસે માણસો મોકલ્યા અને તેઓ તેને વેદી પરથી ઉતારી લાવ્યા. અદોનિયાએ રાજા પાસે આવીને તેને સાષ્ટાંગ દંડવત્ પ્રણામ કર્યાં. રાજાએ તેને કહ્યું, “તારે ઘેર જા.”

Gujarati Common Language Bible - પવિત્ર બાઇબલ C.L.

Copyright © 2016 by The Bible Society of India
Used by permission. All rights reserved worldwide

Bible Society of India
Lean sinn:



Sanasan