1 યોહાન 4 - પવિત્ર બાઇબલ C.L.સાચો અને જૂઠો આત્મા 1 મારા પ્રિયજનો, પોતાની પાસે પવિત્ર આત્મા હોવાનો દાવો કરનાર બધા માણસો પર વિશ્વાસ ન કરો, પણ તેમની પાસે આવેલો આત્મા ઈશ્વર પાસેથી છે કે નહિ તેની પરીક્ષા કરો. કારણ, દુનિયામાં ઘણા જૂઠા સંદેશવાહકો ઊભા થયા છે. 2 ઈશ્વરના પવિત્ર આત્માની ખબર આ રીતે પડશે: ઈસુ ખ્રિસ્ત માનવદેહમાં આવ્યા હતા તેવું કબૂલ કરનાર પાસે ઈશ્વરનો આત્મા છે. 3 પણ જે કોઈ ઈસુ વિષેની આ વાતનો ઇનકાર કરે છે તેની પાસે ઈશ્વર તરફથી આવેલો પવિત્ર આત્મા નથી. આ પ્રકારનો આત્મા તો “ખ્રિસ્તના શત્રુ” પાસેથી આવેલો છે. તમે સાંભળ્યું છે કે તે આવશે, ને તે હાલ પણ આ દુનિયામાં છે. 4 પણ મારાં બાળકો, તમે તો ઈશ્વરના છો અને જૂઠા સંદેશવાહકોને તમે હરાવ્યા છે. કારણ, તમારામાં રહેતો પવિત્ર આત્મા દુનિયામાં રહેલા આત્મા કરતાં વધુ શક્તિશાળી છે. 5 તેઓ દુન્યવી બાબતો વિષે બોલે છે અને દુનિયા તેમનું સાંભળે છે કારણ, તેઓ દુનિયાના છે. 6 પણ આપણે તો ઈશ્વરના છીએ. જે કોઈ ઈશ્વરનો છે તે આપણું સાંભળે છે. જે કોઈ ઈશ્વરના પક્ષનો નથી તે આપણું સાંભળતો નથી. આ રીતે સત્યનો પવિત્ર આત્મા અને અસત્યના આત્મા વચ્ચેનો તફાવત આપણે પારખી શકીએ છીએ. ઈશ્વર પ્રેમ છે 7 પ્રિયજનો, આપણે એકબીજા પર પ્રેમ કરીએ, કારણ, પ્રેમ ઈશ્વર પાસેથી આવે છે. જે કોઈ પ્રેમ કરે છે તે ઈશ્વરનું બાળક છે અને ઈશ્વરને ઓળખે છે. 8 જે પ્રેમ કરતો નથી તે ઈશ્વરને ઓળખતો નથી. કારણ, ઈશ્વર પ્રેમ છે. 9 આ રીતે ઈશ્વરે આપણા પ્રત્યે પોતાનો પ્રેમ દર્શાવ્યો: તેમણે પોતાના એકના એક પુત્રને આ દુનિયામાં મોકલ્યા જેથી તેમની મારફતે આપણને જીવન મળે. 10 આપણે ઈશ્વર પર પ્રેમ કર્યો તેમાં નહિ, પણ તેમણે આપણા પર પ્રેમ કર્યો અને તેમના પુત્રને મોકલ્યા કે જેથી આપણાં પાપની માફી મળે, એમાં પ્રેમ છે. 11 પ્રિયજનો, ઈશ્વરે આપણા પર એવો પ્રેમ કર્યો હોવાથી આપણે પણ એકબીજા પર પ્રેમ કરવો જોઈએ. 12 ઈશ્વરને કોઈએ કદી જોયા નથી. જો આપણે એકબીજા પર પ્રેમ કરીએ તો ઈશ્વર આપણામાં રહે છે અને આપણામાં તેમનો પ્રેમ સંપૂર્ણ થાય છે. 13 આપણે ઈશ્વરમાં રહીએ છીએ અને તે આપણામાં રહે છે તેનો પુરાવો એ છે કે, તેમણે આપણને પોતાનો પવિત્ર આત્મા આપ્યો છે. 14 આપણે જોયું છે તથા બીજાઓને જણાવીએ છીએ કે, ઈશ્વરપિતાએ તેમના પુત્રને દુનિયાના ઉદ્ધારક થવા મોકલ્યા છે. 15 ઈસુ ઈશ્વરના પુત્ર છે એવું જે કોઈ કબૂલ કરે છે તેનામાં ઈશ્વર રહે છે અને તે ઈશ્વરમાં રહે છે. 16 આપણા પ્રત્યે ઈશ્વરનો જે પ્રેમ છે તે આપણે જાણીએ છીએ અને તે પર ભરોસો મૂકીએ છીએ. ઈશ્વર પ્રેમ છે અને જે કોઈ પ્રેમમાં રહે છે તે ઈશ્વરમાં રહે છે અને ઈશ્વર તેનામાં રહે છે. 17 ન્યાયને દિવસે આપણને હિંમત રહે તે માટે આપણા જીવનમાં પ્રેમ સંપૂર્ણ કરાતો જાય છે. કારણ, આ દુનિયામાં જેવું ખ્રિસ્તનું જીવન હતું તેવું આપણું પણ છે. 18 પ્રેમમાં કંઈ ભય નથી. પૂર્ણ પ્રેમ ભયને દૂર કરે છે. જેઓ બીકણ છે તેમના જીવનમાં પ્રેમ સંપૂર્ણ થયેલો નથી. કારણ, બીકને સજા સાથે સંબંધ છે. 19 પ્રથમ ઈશ્વરે આપણા પર પ્રેમ કર્યો અને તેથી આપણે પ્રેમ કરીએ છીએ. 20 જો કોઈ કહે, “હું ઈશ્વર પર પ્રેમ કરું છું.” પણ જો તે તેના ભાઈ પર દ્વેષ રાખતો હોય તો તે જૂઠો છે. કારણ, પોતાનો ભાઈ જેને તેણે જોયો છે તેના પર તે પ્રેમ કરી શક્તો નથી તો પછી ઈશ્વર જેમને તેણે જોયા નથી તેમના પર તે કેવી રીતે પ્રેમ કરી શકે? 21 ખ્રિસ્તે તો આપણને આ આજ્ઞા આપી છે: જે કોઈ ઈશ્વર પર પ્રેમ કરે છે તેણે પોતાના ભાઈ પર પણ પ્રેમ કરવો જોઈએ. |
Gujarati Common Language Bible - પવિત્ર બાઇબલ C.L.
Copyright © 2016 by The Bible Society of India
Used by permission. All rights reserved worldwide