Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -

1 કરિંથીઓ 9 - પવિત્ર બાઇબલ C.L.


પ્રેષિતના હક્કો અને ફરજો

1 શું હું સ્વતંત્ર નથી? શું હું પ્રેષિત થી? શું મને આપણા પ્રભુ ઈસુનું દર્શન થયું નથી? તમે તો પ્રભુને માટે કરેલા મારા કાર્યનું પરિણામ નથી?

2 બીજાઓ પ્રેષિત તરીકે મારો સ્વીકાર કરે કે ન કરે, તો પણ તમે તો કરશો જ! કારણ, પ્રભુમાંનું તમારું જીવન હું પ્રેષિત છું તેની સાક્ષી પૂરે છે.

3 લોકો મારી ટીકા કરે છે, ત્યારે હું આ રીતે મારો બચાવ કરું છું.

4 શું મારા સેવા કાર્યને લીધે મને ખાવાપીવાનું મેળવવાનો હક્ક નથી?

5 બીજા પ્રેષિતો, પિતર કે પ્રભુના ભાઈઓની માફક મને પણ ખ્રિસ્તી પત્ની સાથે લઈને ફરવાનો હકક નથી?

6 શું ફક્ત બાર્નાબાસ અને મારે જ અમારા ભરણપોષણ માટે ધંધો કરવો પડે?

7 શું લશ્કરમાં કોઈ સૈનિક પોતાનો ખર્ચ ઉઠાવે છે? શું કોઈ ખેડૂત પોતાની દ્રાક્ષવાડીમાંથી દ્રાક્ષ નહિ ખાય? ભરવાડ પોતાનાં ઘેટાંનું દૂધ નહિ પીએ?

8 આ તો રોજિંદા જીવનનાં ઉદાહરણો છે અને નિયમશાસ્ત્રમાં પણ આ જ વાત લખવામાં આવી છે.

9 મોશેના નિયમશાસ્ત્રમાં આપણે વાંચીએ છીએ કે, “બળદને અનાજ છૂટું પાડવાના ક્મે લગાડેલો હોય ત્યારે તેના મોં પર જાળી બાંધવી નહિ.”

10 શું ઈશ્વર બળદની ચિંતા રાખીને આ કહે છે? શું ઈશ્વર ફક્ત આપણે વિષે જ ચિંતા રાખીને આ વાત નથી કહેતા? હકીક્તમાં એ તો આપણે માટે જ લખવામાં આવ્યું છે. કારણ, થનાર પાકમાંથી પોતાને હિસ્સો મળશે એવી આશાથી ખેડનારે અને કાપણી કરનારે કાર્ય કરવું જોઈએ.

11 અમે તમારામાં આત્મિક શિક્ષણ વાવ્યું છે. તેથી જો અમે તમારી પાસેથી ભૌતિક લાભની અપેક્ષા રાખીએ તો શું એ વધારે પડતું છે?

12 જો બીજાઓ તમારી પાસેથી એ બાબતોની આશા રાખે તો અમને તેથી વિશેષ મેળવવાનો હકક નથી? પણ અમે અમારા એ હક્કનો ઉપયોગ કર્યો નથી. ખ્રિસ્ત વિષેના શુભસંદેશના માર્ગમાં કંઈ અવરોધ આવે નહિ માટે અમે સઘળું સહન કર્યું છે.

13 તમને ખબર છે કે મંદિરમાં ક્મ કરનાર માણસોને મંદિરમાંથી ખોરાક મળે છે અને વેદી પર બલિદાન ચઢાવનારને અર્પણમાંથી ભાગ મળે છે.

14 એ જ પ્રમાણે શુભસંદેશ પ્રગટ કરનારાઓ પણ તેમાંથી જ જીવનનિર્વાહ ચલાવે એવું પ્રભુએ ઠરાવ્યું છે.

15 મેં એવા કોઈ હક્કનો હજી ઉપયોગ કર્યો નથી. અથવા પોતાને માટે આવા હક્કનો દાવો કરવા માટે હું આ લખતો નથી.

16 મારે લેવા યોગ્ય ગૌરવને કોઈ મિથ્યા કરે એ કરતાં તો હું મરવાનું પસંદ કરીશ. હું શુભસંદેશ પ્રગટ કરું છું તો તેમાં મને બડાઈ કરવાનું કંઈ કારણ નથી. કારણ, શુભસંદેશ પ્રગટ કરવો એ તો મારી ફરજ છે. જો હું શુભસંદેશ પ્રગટ ન કરું તો મને અફસોસ!

17 જો હું મારું કાર્ય સ્વેચ્છાએ કરતો હોઉં, તો હું વેતનની આશા રાખું. પણ હું તો આ કાર્ય એક ફરજ સમજીને કરું છું. કારણ, મને આ કાર્ય ઈશ્વરે સોંપ્યું છે.

18 તો પછી મને શો બદલો મળે છે? એ જ કે શુભસંદેશના કાર્યથી મને મળતા હક જતા કરીને હું કોઈપણ જાતના વેતન વગર શુભસંદેશ પ્રગટ કરું.

19 હું સ્વતંત્ર છું, કોઈનો ગુલામ નથી. છતાં ઘણા બધાને મેળવી લેવા માટે હું બધાનો ગુલામ બનું છું.

20 યહૂદીઓ સાથે કાર્ય કરતાં હું યહૂદીની જેમ રહું છું; જેથી હું તેમને ખ્રિસ્ત માટે જીતી શકું. નિયમશાસ્ત્રને આધીન ન હોવા છતાં જેઓ નિયમશાસ્ત્રને આધીન છે તેમની સાથે ક્મ કરતાં હું નિયમશાસ્ત્રને આધીન હોઉં તે રીતે રહું છું; જેથી હું તેમને ખ્રિસ્ત માટે જીતી શકું.

21 એ જ પ્રમાણે જે બિનયહૂદીઓ નિયમશાસ્ત્ર વગરના છે તેમની સાથે હું નિયમશાસ્ત્ર વગરનો હોઉં તેમ રહું છું; જેથી હું બિનયહૂદીઓને જીતી શકું. આનો અર્થ એવો નથી કે હું ઈશ્વરના નિયમનું પાલન કરતો નથી. હકીક્તમાં તો હું ખ્રિસ્તના નિયમના આધિપત્ય નીચે જ છું.

22 વિશ્વાસમાં જેઓ નિર્બળ છે તેમની સાથે હું તેમના જેવો જ નિર્બળ બનું છું; જેથી હું તેમને જીતી શકું. આમ હું બધાંની સાથે બધાંનાં જેવો બનીને ગમે તે રીતે કેટલાકને બચાવી શકું તે માટે હું સર્વના જેવો બનું છું.

23 આ બધું હું શુભસંદેશને ખાતર કરું છું; જેથી તેની આશિષમાં મને ભાગ મળે.

24 શું તમે નથી જાણતા કે દોડવાની શરતમાં બધા દોડનારા જ ભાગ લે છે, પણ ઇનામ ફક્ત એકને જ મળે છે? તમે પણ એવું દોડો કે તમને ઇનામ મળે.

25 બધા ખેલાડી કડક શિસ્તમાં રહીને તાલીમ લે છે. તેઓ તો વિનાશી મુગટ મેળવવા માટે તેમ કરે છે; પણ આપણે તો અવિનાશી મુગટ મેળવવા તેમ કરીએ છીએ.

26 આથી હું લક્ષ્ય વગર દોડતો નથી. એટલે, હું મુક્કાબાજી કરનારા જેવો છું, પણ મુક્કાબાજી કરનાર પોતાની મુક્કીઓ હવામાં મારશે નહિ.

27 હું મારી જાતને સંપૂર્ણ રીતે કાબૂમાં રાખું છું, રખેને બીજાઓને શુભસંદેશ પ્રગટ કર્યા છતાં મને જ નાપસંદ કરવામાં આવે.

Gujarati Common Language Bible - પવિત્ર બાઇબલ C.L.

Copyright © 2016 by The Bible Society of India
Used by permission. All rights reserved worldwide

Bible Society of India
Lean sinn:



Sanasan