1 કરિંથીઓ 8 - પવિત્ર બાઇબલ C.L.મૂર્તિઓને ચઢાવેલા નૈવેદ વિષે 1 હવે મૂર્તિઓને ચઢાવેલા નૈવેદ વિષે હું જણાવીશ. એ તો સાચું છે કે, આપણા સૌની પાસે જ્ઞાન છે. છતાં જ્ઞાન માનવીને ગર્વિષ્ઠ બનાવે છે, 2 જ્યારે પ્રેમ તેની ઉન્નતિ કરે છે. જો કોઈ એમ ધારતો હોય કે પોતે કંઈ જાણે છે, તો હજી તેણે જેટલું જાણવું જોઈએ તેટલું તે જાણતો નથી. 3 પણ જો તે ઈશ્વર પર પ્રેમ કરે છે તો ઈશ્વર તેને ઓળખે છે. 4 મૂર્તિઓને ચઢાવેલા નૈવેદ વિષે જણાવવાનું કે, મૂર્તિ તો જેની હયાતી નથી તેનું પ્રતીક છે. આપણે જાણીએ છીએ કે એક જ ઈશ્વર છે. 5 જોકે આકાશમાં કે પૃથ્વી પર કહેવાતા દેવો ઘણા છે, 6 અને એમાં અનેક “દેવો” અને “પ્રભુઓ” હોય, છતાં આપણે માટે તો એક જ ઈશ્વર છે. તે સૌના સરજનહાર ઈશ્વરપિતા છે અને તેમને માટે આપણે જીવીએ છીએ. વળી, એક જ પ્રભુ એટલે ઈસુ ખ્રિસ્ત છે; તેમની મારફતે સર્વ કંઈ સર્જવામાં આવ્યું અને તેમની મારફતે આપણે જીવીએ છીએ. 7 પણ બધા લોકોને આ સત્યની ખબર નથી. કેટલાક લોકો મૂર્તિથી એટલા ટેવાઈ ગયા હોય છે કે આજે પણ તેઓ ખોરાક ખાતાં એ તો મૂર્તિઓનું નૈવેદ છે એમ માને છે. તેમની વિવેકબુદ્ધિ નબળી છે અને આ ખોરાક ખાવાથી અશુદ્ધ થવાય એમ તેઓ માને છે. 8 આપણે કંઈ નૈવેદથી ઈશ્વરને સ્વીકાર્ય બની જતા નથી. એટલે કે, જો આપણે આવું નૈવેદ ન ખાઈએ તો કંઈ ગુમાવતા નથી, અને જો આવું નૈવેદ ખાઈએ તો કંઈ મેળવતા નથી. 9 તમારી આ સ્વતંત્રતાથી વિશ્વાસમાં જેઓ નબળા છે તેઓ પાપમાં ન પડે તે માટે સાવધ રહો. 10 ધારો કે કોઈની વિવેકબુદ્ધિ આ બાબતમાં નબળી છે, અને તારા જેવા “જ્ઞાની” મૂર્તિના મંદિરમાં ખોરાક ખાતાં જુએ છે. તો શું એ જ વાતથી મૂર્તિને ચઢાવેલું નૈવેદ ખાવા તેને ઉત્તેજન નહિ મળે? 11 આથી તમારો ભાઈ જે વિશ્વાસમાં નબળો છે અને જેને માટે ખ્રિસ્ત મરણ પામ્યા, તે તમારા “જ્ઞાન” લીધે નાશ પામશે! 12 આ રીતે તમે તમારા ભાઈની વિરુદ્ધ પાપ કરો છો. તેમ જ તેની નબળી વિવેકબુદ્ધિને હાનિ પહોંચાડીને ખ્રિસ્તની વિરુદ્ધ પણ પાપ કરો છો. 13 આથી જો મારી નૈવેદ ખાવાની બાબત મારા ભાઈની પાસે પાપ કરાવે, તો મારા ભાઈનું પતન ન થાય તે માટે હું કદી માંસ ખાઈશ નહિ. |
Gujarati Common Language Bible - પવિત્ર બાઇબલ C.L.
Copyright © 2016 by The Bible Society of India
Used by permission. All rights reserved worldwide