1 કરિંથીઓ 7 - પવિત્ર બાઇબલ C.L.લગ્ન વિષેના પ્રશ્ર્નો 1 હવે જે બાબતો વિષે તમે પુછાવ્યું હતું તે વિષે લખું છું. “પુરુષ લગ્ન ન કરે તો સારું” એમ કહેવાય છે. 2 પણ વ્યભિચારનું જોખમ હોવાથી દરેક પુરુષને પોતાની પત્ની હોવી જોઈએ અને દરેક સ્ત્રીને તેનો પતિ હોવો જોઈએ 3 પતિએ પત્નીની અને પત્નીએ પતિની જરૂરિયાત સંતોષી એકબીજા પ્રત્યેની ફરજ અદા કરવી જોઈએ. 4 પત્નીને પોતાના શરીર પર અધિકાર નથી, એ અધિકાર પતિને છે. તે જ પ્રમાણે પતિને પોતાના શરીર પર અધિકાર નથી, એ અધિકાર પત્નીને છે. 5 તેથી તમે એકબીજાને એ અધિકારથી વંચિત રાખશો નહિ. પ્રાર્થનામાં સમય ગાળવા એકબીજાની સંમતિથી અલગ રહો. પણ તે પછી, તમારી વાસનાને લીધે શેતાન તમને પ્રલોભનમાં ન નાખે માટે તમારું દંપતી તરીકેનું સાહજિક જીવન જીવો. 6 આ વાત હું આજ્ઞા તરીકે નહિ, પણ એક છૂટછાટ તરીકે કહું છું. 7 હકીક્તમાં તો બધાં માણસો મારા જેવાં હોય તેવી મારી ઇચ્છા છે. પણ ઈશ્વરે દરેકને એક યા બીજા પ્રકારનું ખાસ કૃપાદાન આપેલું હોય છે. 8 હવે હું અપરિણીતો તથા વિાુર- વિધવાઓ માટે લખું છું: જેમ હું એકલો રહું છું, તેમ તમે એકલાં રહો એ સારું છે. 9 પણ જો તમે તમારી ઇચ્છાઓને કાબૂમાં રાખી શક્તા ન હો તો લગ્ન કરો. કારણ, વાસનામાં બળવા કરતાં લગ્ન કરવું સારું છે. 10 પરિણીતોને માટે મારી પોતાની તો નહિ, પણ પ્રભુની આજ્ઞા છે: પત્નીએ પોતાના પતિથી અલગ થવું નહિ. 11 જો તે અલગ થાય તો તેણે એકલી રહેવું જોઈએ અથવા પતિની સાથે સમાધાન કરવું જોઈએ. પતિએ પણ તેની પત્નીથી લગ્નવિચ્છેદ કરવો જોઈએ નહિ. 12 બાકીનાઓને તો પ્રભુ નહિ, પણ હું જણાવું છું: જો કોઈ ખ્રિસ્તી ભાઈને અવિશ્વાસી પત્ની હોય, અને તે તેની સાથે રહેવા રાજી હોય તો તેણે તેનાથી લગ્નવિચ્છેદ કરવો નહિ. 13 તેમ જ જો કોઈ ખ્રિસ્તી બહેનને અવિશ્વાસી પતિ હોય અને તે તેની સાથે રહેવા રાજી હોય તો તેણે પણ તેનાથી લગ્નવિચ્છેદ કરવો નહિ. 14 કારણ, અવિશ્વાસી પતિ ખ્રિસ્તી પત્ની સાથે સંબંધમાં હોવાથી ઈશ્વર તેને સ્વીકારે છે. તેવી જ રીતે અવિશ્વાસી પત્ની ખ્રિસ્તી પતિ સાથે સંબંધમાં હોવાથી ઈશ્વર તેને સ્વીકારે છે. જો એમ ન હોત, તો તેમનાં બાળકો અશુદ્ધ ગણાય, પરંતુ હકીક્તમાં તો ઈશ્વર તેમને સ્વીકારે છે. 15 જો અવિશ્વાસી જીવનસાથી તેના ખ્રિસ્તી જીવનસાથી સાથે રહેવા રાજી ન હોય તો તેને છૂટો થવા દે. આવા કિસ્સાઓમાં ખ્રિસ્તી પતિ કે પત્ની યોગ્ય પગલું ભરવાને સ્વતંત્ર છે. 16 હે ખ્રિસ્તી પત્ની, તું તારા અવિશ્વાસી પતિનો ઉદ્ધાર નહિ કરી શકે એવી ખાતરી તને કયાંથી મળે? વળી, હે ખ્રિસ્તી પતિ, તું તારી અવિશ્વાસી પત્નીનો ઉદ્ધાર નહિ કરી શકે એવી તને ક્યાંથી ખબર પડી? ઈશ્વરના આમંત્રણને અનુરૂપ જીવન 17 પ્રભુએ આપેલા કૃપાદાન પ્રમાણે અને વ્યક્તિને ઈશ્વર તરફથી આમંત્રણ મળ્યું ત્યારની પોતાની સ્થિતિ પ્રમાણે દરેકે જીવન જીવવું જોઈએ. આ નિયમ હું બધી મંડળીઓમાં શીખવું છું. 18 જો કોઈ સુન્નતીએ ઈશ્વરનું આમંત્રણ સ્વીકાર્યું હોય, તો પછી તેણે સુન્નતનાં ચિહ્ન દૂર કરવા માટે યત્ન કરવો જોઈએ નહિ. જો કોઈ સુન્નત વગરના માણસે ઈશ્વરનું આમંત્રણ સ્વીકાર્યું હોય, તો તેણે સુન્નત કરાવવા યત્ન કરવો નહિ. 19 કારણ, સુન્નતી હોવું કે સુન્નત વગરના હોવું એનું કંઈ મહત્ત્વ નથી. પણ ઈશ્વરની આજ્ઞાઓનું પાલન એ જ મહત્ત્વનું છે. 20 ઈશ્વરનું આમંત્રણ સ્વીકારતી વેળાએ પોતાની જે સ્થિતિ હતી તે મુજબ બધાંએ રહેવું જોઈએ. 21 ઈશ્વરે તમને બોલાવ્યા ત્યારે તમે ગુલામ હતા? તો ગુલામ ભલે રહ્યા, પરંતુ તમને સ્વતંત્ર થવાની તક મળે તો તે ઝડપી લો. 22 કોઈ ગુલામને પ્રભુએ આમંત્રણ આપ્યું હોય તો તે પ્રભુનો સ્વતંત્ર માણસ છે. તે જ રીતે કોઈ સ્વતંત્ર માણસને ખ્રિસ્તે બોલાવ્યો હોય, તો તે ખ્રિસ્તનો ગુલામ છે. 23 ઈશ્વરે તમને કિંમત ચૂકવીને ખરીદેલા છે. 24 તેથી તમે માણસોના ગુલામ બનશો નહિ. ભાઈઓ, ઈશ્વરે દરેકને જે સ્થિતિમાં આમંત્રણ આપ્યું છે તે જ સ્થિતિ મુજબ ઈશ્વરની સાથેના સંબંધમાં ચાલુ રહો. અપરિણીતો અને વિધવાઓનો પ્રશ્ર્ન 25 હવે હું કુંવારાં વિષે જણાવું છું: મને પ્રભુ તરફથી કોઈ આજ્ઞા મળી નથી, પણ પ્રભુની દયાથી વિશ્વાસપાત્ર વ્યક્તિ તરીકે હું મારો મત જણાવું છું. 26 હાલની નાજુક પરિસ્થિતિ ધ્યાનમાં રાખીને દરેક માણસે પોતે જે સ્થિતિમાં છે તેમાં જ રહેવું. 27 શું તું પરિણીત છે? તો તું તારી પત્નીને મૂકી દેવાનો પ્રયત્ન ન કર. શું તું અપરિણીત છે? તો પછી પત્નીની આશા ન રાખ. 28 જો તું લગ્ન કરે તો તું પાપ કરતો નથી, અને જો કોઈ કુમારિકા લગ્ન કરે તો તે પણ પાપ કરતી નથી, પણ જેઓ લગ્ન કરે છે તેમને દુન્યવી મુશ્કેલીઓ વેઠવી પડે છે. હું તો તમને તેમાંથી બચાવી લેવા માગું છું. 29 ભાઈઓ, હું તમને આ વાત સમજાવવા માગું છું: હવે બહુ થોડો સમય રહ્યો છે. આથી લગ્ન કરેલાંઓએ તેમણે જાણે લગ્ન કર્યું ન હોય તે રીતે; 30 રુદન કરનારાંઓએ તેઓ જાણે કદીયે દુ:ખી હતાં જ નહિ તે રીતે; જેઓ ખરીદી કરે છે તેઓ જાણે કદી કશાના માલિક બન્યા ન હોય તે રીતે; 31 અને દુન્યવી વ્યવહારમાં પડેલાંઓએ તેમને જાણે કે દુનિયા સાથે કંઈ લાગભાગ ન હોય તે રીતે રહેવું. કારણ, આ દુનિયા તેની હાલની સ્થિતિમાં બહુ લાંબું ટકવાની નથી. 32 તમે ચિંતામુક્ત રહો એવી મારી ઇચ્છા છે. અપરિણીત વ્યક્તિ પ્રભુના કાર્યની ચિંતા રાખે છે. કારણ, તે પ્રભુને પ્રસન્ન કરવા યત્ન કરે છે. 33 પણ પરિણીત વ્યક્તિ દુન્યવી બાબતોની ચિંતા રાખે છે. કારણ, તે પોતાની પત્નીને પ્રસન્ન કરવા માગે છે. 34 આમ, તે બે દિશામાં ખેંચાય છે. અપરિણીત સ્ત્રી પ્રભુના કાર્યની ચિંતા રાખે છે. કારણ, તે શરીર તથા આત્મા બન્નેનું સમર્પણ કરવા માગે છે. પણ પરિણીત સ્ત્રી દુન્યવી વાતોની ચિંતા રાખે છે, કારણ, તે તેના પતિને પ્રસન્ન કરવા માગે છે. હું તો તમને મદદરૂપ થવાને માટે જ આ વાતો જણાવું છું. 35 હું તમારા પર કંઈ નિયંત્રણ મૂકવા માગતો નથી. પણ જે સાચું અને યોગ્ય છે તે તમે કરો અને તમે પ્રભુની સેવામાં સંપૂર્ણપણે બિનશરતી સમર્પણ કરો એટલા માટે હું કહું છું. 36 પણ કોઈને એમ લાગે કે કુંવારી અવસ્થામાં રહેવાથી તે પોતાની જાત પ્રત્યે યોગ્ય રીતે વર્તતો નથી અને તેની લગ્ન કરવાની ઉંમર ક્યારનીય થઈ ચૂકી હોવાથી તેણે લગ્ન કરી લેવું જોઈએ તો એમ કરવામાં કંઈ પાપ નથી. આવા લોકો ભલે લગ્ન કરે. 37 પણ કોઈને લગ્ન કરવાની જરૂર ન હોય અને પોતાના નિર્ણયમાં દૃઢ હોય અને પોતાની ઇચ્છા વશમાં રાખી શકે તેમ હોવાથી કુંવારી અવસ્થામાં જ રહેવાનો મનથી સંકલ્પ કર્યો હોય તો તે સારું કરે છે. 38 આમ, જે લગ્ન કરે છે તે સારું કરે છે અને જે લગ્ન નથી કરતો તે વધારે સારું કરે છે. 39 પતિ જીવંત હોય ત્યાં સુધી પરણેલી સ્ત્રી સ્વતંત્ર નથી. પણ પતિના મૃત્યુ પછી પોતાની પસંદગી મુજબના માણસ સાથે લગ્ન કરવાને તે સ્વતંત્ર છે, પણ એ માણસ વિશ્વાસી હોવો જોઈએ. 40 છતાં તે વિધવાવસ્થામાં જ રહે તો તે વધુ સુખી થશે. આ મારુ મંતવ્ય છે અને હું માનું છું કે ઈશ્વરનો પવિત્ર આત્મા મને એ વાત જણાવે છે. |
Gujarati Common Language Bible - પવિત્ર બાઇબલ C.L.
Copyright © 2016 by The Bible Society of India
Used by permission. All rights reserved worldwide