Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -

1 કરિંથીઓ 6 - પવિત્ર બાઇબલ C.L.


ભાઈની વિરુદ્ધ કોર્ટમાં ન જાઓ

1 તમારામાંથી કોઈને બીજા ભાઈની વિરુદ્ધ તકરાર થાય ત્યારે તેના નિકાલ માટે ઈશ્વરના લોક પાસે ન જતાં તમે વિધર્મી ન્યાયાધીશોની પાસે જવાની હિંમત કરો છો?

2 ઈશ્વરના લોક દુનિયાનો ન્યાય કરશે એની શું તમને ખબર નથી? જો તમારે દુનિયાનો ન્યાય કરવાનો હોય, તો તદ્દન નજીવી બાબતોનો નિકાલ કરવાને શું તમે લાયક નથી?

3 આપણે દૂતોનો ન્યાય કરીશું એની શું તમને ખબર નથી? તો આ દુનિયાની બાબતો અંગેનો ન્યાય કરવા તમે લાયક નથી?

4 તો પછી આ દુનિયાની બાબતોના વિવાદના નિકાલ માટે તમે મંડળીમાં જેમનું કંઈ સ્થાન જ નથી એવા લોકો પાસે કેમ જાઓ છો?

5 હું તમને શરમાવવા આ કહું છું. ભાઈઓ વચ્ચેના વિવાદનો નિકાલ કરી શકે એવો એકેય શાણો માણસ તમારી સંગતમાં નથી?

6 એક ભાઈ બીજા ભાઈ વિરુદ્ધ અદાલતમાં કેસ માંડે છે અને તેય અવિશ્વાસી આગળ!

7 હકીક્તમાં, તમારામાં આવા અદાલતી વિવાદ હોય એ જ તમારી સરિયામ નિષ્ફળતા છે. અદાલતમાં જવા કરતાં તમે પોતે જ કેમ અન્યાય સહન કરી લેતા નથી?

8 તમે નુક્સાન કેમ વેઠતા નથી? એને બદલે, તમે તો પોતાના ભાઈને જ અન્યાય કરો છો અને નુક્સાન પહોંચાડો છો.

9 શું તમે નથી જાણતા કે દુષ્ટોને ઈશ્વરના રાજમાં ભાગ નથી? પોતાને છેતરશો નહિ. વ્યભિચારીઓ, મૂર્તિપૂજકો, વિલાસીઓ, સજાતીય સમાગમ કરનારા,

10 ચોર, લોભી, દારૂડિયા, નિંદાખોર કે દુષ્ટો કે એવા બીજા કોઈ ઈશ્વરના રાજ્યનો વારસો પામી શકશે નહિ,

11 તમારામાંના કેટલાક તો એવા જ હતા, પણ ઈશ્વરના આત્માથી અને આપણા પ્રભુ ઈસુના નામની મારફતે તમને પાપમાંથી શુદ્ધ કરવામાં આવ્યા, અલગ કરવામાં આવ્યા અને ઈશ્વરની સાથે સુમેળભર્યા સંબંધમાં લાવવામાં આવ્યા.


ઈશ્વરના મહિમાર્થે શરીરનો ઉપયોગ

12 કોઈ એમ કહેશે, “મને બધું જ કરવાની છૂટ છે,” પણ તમારે માટે બધું લાભકારી નથી. હું આમ કહીશ, “મને બધું કરવાની છૂટ છે, પણ હું કશાનો ગુલામ બનવાનો નથી.”

13 બીજું કોઈ કહેશે, “અન્‍ન પેટ માટે છે અને પેટ અન્‍ન માટે છે.” એ સાચું તો છે, પણ ઈશ્વર એ બન્‍નેનો નાશ કરશે. માનવી શરીર વ્યભિચાર કરવા માટે નહિ, પણ પ્રભુને માટે છે; અને પ્રભુ શરીરના પાલનહાર છે.

14 ઈશ્વરે પ્રભુ ઈસુને મરણમાંથી સજીવન કર્યા છે અને તેમના એ સામર્થ્યથી તે આપણને પણ ફરી સજીવન કરશે.

15 તમે જાણો છો કે તમારાં શરીરો ખ્રિસ્તના શરીરના અવયવો છે. તો શું હું ખ્રિસ્તના શરીરના અવયવોને વેશ્યા સાથે જોડી શકું? ના, કદી નહિ!

16 શું તમને ખબર નથી કે જે વેશ્યાની સાથે જોડાય છે તે શારીરિક રીતે તેની સાથે એક થાય છે? ધર્મશાસ્ત્રમાં તો સ્પષ્ટ જણાવવામાં આવ્યું છે કે, “તેઓ બન્‍ને મળીને એક શરીર બનશે.”

17 પણ જે પ્રભુની સાથે જોડાય છે તે તેમની સાથે એક આત્મા થાય છે.

18 વ્યભિચારથી નાસો. માનવીનાં બીજાં પાપ તેના શરીરની બહારનાં છે, પણ જે વ્યભિચાર કરે છે તે પોતાના શરીરની વિરુદ્ધ જ પાપ કરે છે.

19 તમારું શરીર પવિત્ર આત્માનું મંદિર છે તેની શું તમને ખબર નથી? આ પવિત્ર આત્મા ઈશ્વર તરફથી મળેલો છે અને તે આપણામાં વસે છે.

20 ઈશ્વરે તમને કિંમત ચૂકવીને ખરીદેલા હોવાથી તમે હવે પોતાના નથી; પણ ઈશ્વરના છો. આથી તમારા શરીરનો ઉપયોગ ઈશ્વરના મહિમાર્થે કરો.

Gujarati Common Language Bible - પવિત્ર બાઇબલ C.L.

Copyright © 2016 by The Bible Society of India
Used by permission. All rights reserved worldwide

Bible Society of India
Lean sinn:



Sanasan