Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -

1 કરિંથીઓ 5 - પવિત્ર બાઇબલ C.L.


વ્યભિચારી સામે પગલાં

1 તમારામાં સાચે જ વ્યભિચાર છે એવું મને જાણવા મળ્યું છે, અને એવો વ્યભિચાર કે જે વિધર્મીઓમાં પણ નથી હોતો!

2 એક માણસે પોતાની સાવકી માને પત્ની તરીકે રાખી છે! તો પછી તમે કેવી રીતે ગર્વ કરી શકો? એથી ઊલટું, તમારે દુ:ખી થવું જોઈએ, અને જેણે એ કૃત્ય કર્યું છે તેને તમારી સંગતમાંથી કાઢી મૂકવો જોઈએ.

3 જો કે શારીરિક રીતે તો તમારાથી હું ઘણો દૂર છું, પણ આત્માએ કરીને તમારી પાસે જ છું. હું જાણે કે તમારી સાથે જ હોઉં તેમ એ ભયંકર કૃત્ય કરનાર માણસનો ન્યાય તો મેં પ્રભુ ઈસુના નામમાં કરી દીધો છે.

4 તેથી તમે એકત્ર થાઓ ત્યારે હું ય આત્મામાં તમારી સાથે હોઈશ.

5 તે વખતે આપણી સાથેના પ્રભુ ઈસુના સામર્થ્ય દ્વારા તમે એ માણસની સોંપણી શેતાનને કરો, જેથી તેનો દેહ નાશ પામે, પણ પ્રભુના આગમનને દિવસે તેનો આત્મા બચી જાય.

6 તમે અભિમાન કરો છો તે ઉચિત નથી. “થોડું ખમીર બાંધેલા લોટની સમગ્ર કણકને ફુલાવે છે,” એ કહેવતની તો તમને ખબર છે ને?

7 તમારે આ પાપરૂપી જૂના ખમીરને બહાર કાઢી નાખવું જોઈએ; જેથી તમે ખમીર વગરના બાંધેલા લોટના નવા જથ્થા જેવા બની જશો. ખરું જોતાં તો તમે એવા છો જ. કારણ, પાસ્ખાનું ભોજન તૈયાર છે. આપણા પાસ્ખાનું ઘેટું એટલે ખ્રિસ્તને બલિદાન તરીકે વધેરવામાં આવ્યા છે.

8 તેથી આપણે પાપ અને દુષ્ટતાના જૂના ખમીરવાળી રોટલીથી નહિ, પણ ખમીર વગરની એટલે કે શુદ્ધતા અને સત્યતાની રોટલીથી આ પર્વની ઉજવણી કરીએ.

9 મેં મારા અગાઉના પત્રમાં તમને જણાવ્યું હતું કે તમારે વ્યભિચારીઓ સાથે સંબંધ રાખવો નહિ.

10 પણ તેનો અર્થ એ નથી કે તમારે આ દુનિયાના વ્યભિચારીઓ, લોભીઓ, દુષ્ટો કે મૂર્તિપૂજકોની સાથે બિલકુલ સંબંધ રાખવો નહિ. તેમનાથી તદ્દન અલગ થવુ હોય, તો તો તમારે આ દુનિયા છોડીને ચાલ્યા જવું પડે.

11 પણ મારો લખવાનો અર્થ આ હતો: પોતાને વિશ્વાસી ભાઈ કહેવડાવવા છતાં જે વ્યભિચારી, લોભી, મૂર્તિપૂજક, નિંદાખોર, દારૂડિયો કે દુષ્ટ છે, તેની સાથે તમારે સંબંધ રાખવો નહિ. આવી વ્યક્તિની સાથે બેસીને ભોજન પણ લેશો નહિ.

12-13 જેઓ આપણી સંગતની બહાર છે તેમનો હું ન્યાય કરવા માગતો નથી. એમનો ન્યાય તો ઈશ્વર કરશે. પણ શું તમે તમારી જ સંગતના માણસોનો ન્યાય કરી શક્તા નથી? ધર્મશાસ્ત્રમાં લખેલું છે, “તમે તમારી સંગતમાંથી એ દુષ્ટને દૂર કરો.”

Gujarati Common Language Bible - પવિત્ર બાઇબલ C.L.

Copyright © 2016 by The Bible Society of India
Used by permission. All rights reserved worldwide

Bible Society of India
Lean sinn:



Sanasan