Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -

1 કરિંથીઓ 4 - પવિત્ર બાઇબલ C.L.


પ્રેષિતોની સેવા

1 અમારી ગણના ખ્રિસ્તના સેવકો તરીકે અને ઈશ્વરનાં માર્મિક સત્યોના કારભારી તરીકે થવી જોઈએ.

2 કારભારી પોતાના શેઠને વિશ્વાસુ રહે તેવી અપેક્ષા રાખવામાં આવે છે.

3 પણ મને તો મારો ન્યાય તમે કરો કે બીજાં કોઈ માનવી ધોરણો પ્રમાણે કરવામાં આવે તેની કંઈ પરવા નથી. અરે, હું પોતે પણ મારી જાતનો ન્યાય કરતો નથી.

4 મારી વિરુદ્ધ કંઈ હોય તો તેની મને ખબર નથી. પણ એનો અર્થ એ નથી કે હું નિર્દોષ છું. મારો ન્યાય કરનાર તો પ્રભુ છે.

5 આથી તમારે કોઈનો ન્યાય કરવો નહિ, પણ યોગ્ય સમયની એટલે કે પ્રભુના આગમન વખતે થનાર આખરી ન્યાય માટે રાહ જોવી. અંધકારમાં છુપાયેલી વાતોને પ્રભુ પ્રકાશમાં લાવશે અને માણસોના દયના છૂપા ઇરાદાઓ જાહેર કરશે. પછી તો દરેક માણસ ઈશ્વર તરફથી ઘટતી પ્રશંસા પામશે.

6 ભાઈઓ, તમારે લીધે જ આ બધી વાતો મેં આપોલસને તથા મને લાગુ પાડી છે. “ધર્મશાસ્ત્ર પ્રમાણે ચાલો,” એ વિધાનનો અર્થ તમે સમજી શકો, માટે મેં માત્ર અમારું ઉદાહરણ આપ્યું છે. એક વ્યક્તિ વિષે અભિમાન કરીને તમારે બીજી વ્યક્તિનો ધિક્કાર કરવો જોઈએ નહિ.

7 તમને બીજાઓના ઉપરી કોણે બનાવ્યા? તમારી પાસે જે કંઈ છે તે શું ઈશ્વર તરફથી નથી? તો પછી તમને જે મળ્યું છે તે જાણે કે બક્ષિસ નથી એવી બડાઈ કેમ મારો છો?

8 તમને તો સર્વ જરૂરિયાતો પૂરી પડેલી છે! તમે તો હવે ધનવાન બની ગયા છો! તમે રાજાઓ બની ગયા છો, અમે તો નથી. હું એવું ઇચ્છું છું કે તમે સાચા અર્થમાં રાજા બનો, જેથી અમે પણ તમારી સાથે રાજ કરી શકીએ.

9 મને તો એમ લાગે છે કે ઈશ્વરે અમ પ્રેષિતોને જાહેરમાં મરણ પામવા દોષિત ઠરેલા માણસોની જેમ દૂતો અને માણસો સમક્ષ તમાશા જેવા બનાવીને સૌથી છેલ્લે સ્થાને મૂક્યા છે.

10 ખ્રિસ્તને લીધે અમે મૂર્ખ, પણ તમે બુદ્ધિમાન; અમે નિર્બળ, પણ તમે બળવાન છો. અમને તુચ્છકારવામાં આવે છે, પણ તમને માન આપવામાં આવે છે.

11 છેક આ ઘડી સુધી અમે ભૂખ્યા, તરસ્યા અને ચીંથરેહાલ છીએ; અમે ધક્કા ખાઈએ છીએ; અમે ઘરબાર વગરના અહીંતહીં ભટકીએ છીએ.

12 પોતાનું ભરણપોષણ કરવા માટે અમે સખત ક્મ કરીએ છીએ. નિંદાયેલા છતાં અમે આશિષ દઈએ છીએ. અમારી સતાવણી થાય છે, ત્યારે અમે સહન કરીએ છીએ.

13 અમારું અપમાન કરવામાં આવે છે, ત્યારે અમે માયાળુ શબ્દોથી પ્રત્યુતર આપીએ છીએ. અમે આ દુનિયાના કચરા જેવા થયા છીએ. છેક આ સમય સુધી અમે દુનિયાના ઉતાર જેવા મનાયા છીએ.

14 આ વાતો તમને શરમાવવા નહિ, પણ તમને મારાં પ્રિય બાળકો ગણીને હું તમને શિક્ષણ આપવા માટે લખું છું.

15 ખ્રિસ્તમાં તમારું જે જીવન છે, તેમાં જો કે તમારે દસ હજાર વાલીઓ હોય, પણ તમારે પિતા તો એક જ છે. મેં તમને શુભસંદેશ જણાવ્યો હોવાથી, ખ્રિસ્તમાં તમારું જે જીવન છે તેમાં હું તમારો પિતા બન્યો છું.

16 આથી તમે મારા નમૂના પ્રમાણે ચાલો એવો મારો આગ્રહ છે.

17 આ જ કારણથી હું તમારી પાસે તિમોથીને મોકલું છુ. પ્રભુમાં તે મારો પ્રિય અને વિશ્વાસુ પુત્ર છે. ખ્રિસ્ત ઈસુમાંના નવા જીવનમાં હું જે સિદ્ધાંતો અનુસરું છું અને બધી જગ્યાએ સર્વ મંડળીઓમાં જેનું શિક્ષણ આપું છું તેની તે તમને યાદ અપાવશે.

18 હું તમારી મુલાકાત લેવાનો નથી એમ માનીને તમારામાંના કેટલાક ગર્વિષ્ઠ થયા છે.

19 પ્રભુની ઇચ્છા હશે, તો હું તમારી મુલાકાત જલદી લઈશ. તે વખતે એ ગર્વિષ્ઠો શું કહે છે તે જ નહિ, પણ તેઓ શું કરી શકે છે તેની પણ હું જાતે જ તપાસ કરીશ.

20 કારણ, ઈશ્વરનું રાજ શબ્દોમાં નહિ, પણ સામર્થ્યમાં છે.

21 તમારી પાસે હું શું લઈને આવું? સોટી કે પ્રેમી અને માયાળુ હૃદય? તમારી શી પસંદગી છે?

Gujarati Common Language Bible - પવિત્ર બાઇબલ C.L.

Copyright © 2016 by The Bible Society of India
Used by permission. All rights reserved worldwide

Bible Society of India
Lean sinn:



Sanasan