1 કરિંથીઓ 3 - પવિત્ર બાઇબલ C.L.ઈશ્વરના સહકાર્યકરો 1 ભાઈઓ, જેમની પાસે પવિત્ર આત્મા હોય, તેમની સાથે જે રીતે વાત કરી શકાય, તે રીતે હું તમારી સાથે વાત કરી શકયો નહિ. તમે જાણે કે દુન્યવી માણસો હો અને ખ્રિસ્ત પરના વિશ્વાસમાં બાળકો હો તે રીતે મારે તમારી સાથે વાત કરવી પડી હતી. 2 મેં તો તમને દૂધ પાયું હતું, ભારે ખોરાક નહિ; કારણ, તમે ભારે ખોરાક પચાવવા સમર્થ નહોતા; હજુ પણ તમે તેને માટે યોગ્ય નથી. 3 કારણ, હજુ તમે દુન્યવી માણસોની જેમ જીવો છો. તમારામાં ઈર્ષા છે, અને તમે એકબીજા સાથે ઝઘડો છો. શું એ નથી બતાવતું કે તમે દુન્યવી ધોરણ પ્રમાણે ચાલો છો? 4 તમારામાંનો એક કહે છે, “હું પાઉલના પક્ષનો છું;” અને બીજો કહે છે, “હું આપોલસના પક્ષનો છું.” તો શું તમારી વર્તણૂક દુન્યવી માણસોના જેવી નથી? 5 આપોલસ કોણ છે? વળી, પાઉલ કોણ છે? અમે તો માત્ર ઈશ્વરના સેવકો જ છીએ કે જેમની મારફતે તમે વિશ્વાસ કર્યો છે. અમારામાંનો દરેક પ્રભુએ તેને સોંપેલું કાર્ય કરે છે. 6 મેં રોપ્યું, આપોલસે પાણી પાયું, પણ વૃદ્ધિ તો ઈશ્વરે આપી છે. 7 હકીક્તમાં તો રોપનાર કે પાનારનું કંઈ મહત્ત્વ નથી. મહત્ત્વ તો ઈશ્વરનું છે. કારણ, તે જ વૃદ્ધિ આપે છે. રોપનાર અને પાનાર વચ્ચે કંઈ તફાવત નથી. 8 દરેક વ્યક્તિ ઈશ્વરે તેને સોંપેલું કાર્ય જે રીતે કરશે તે પ્રમાણે તેને બદલો મળશે. 9 અમે ઈશ્વરના કાર્યમાં સહકાર્યકરો છીએ. તમે ઈશ્વરનું ખેતર છો. 10 તમે ઈશ્વરની ઇમારત પણ છો. ઈશ્વરે મને આપેલી કૃપા પ્રમાણે મેં એક કુશળ ઇજનેરની જેમ પાયો નાખ્યો છે. હવે બીજો માણસ તે પર બાંધક્મ કરી શકે છે, પણ પોતે કેવી રીતે બાંધે છે તે વિષે દરેકે સાવધ રહેવું, 11 કારણ, પાયો તો ઈશ્વરે નાખ્યો છે, અને તે પાયો તો ઈસુ ખ્રિસ્ત છે. તેથી બીજો પાયો નાખી શકાય નહિ. 12 તે પાયા ઉપર બાંધક્મ કરતાં કોઈ સોનું, રૂપું કે કીમતી પથ્થરોનો ઉપયોગ કરે, અથવા લાકડું, ઘાસ કે ખડ વાપરે; 13 પણ દરેક વ્યક્તિના કાર્યનું મૂલ્યાંકન ખ્રિસ્તના આગમનના દિવસે જાહેર કરવામાં આવશે. તે દિવસે દરેકના કાર્યની પરીક્ષા અગ્નિથી કરાશે, અને કોનું બાંધક્મ સાચું છે તે બતાવી અપાશે. 14 જે માણસનું બાંધક્મ અગ્નિમાં ટકી રહેશે તેને ઇનામ મળશે. 15 પણ જેનું ક્મ બળી જશે, તેને ખોટ જશે. જોકે તે પોતે તો બચી જશે, પણ તે જાણે કે આગમાંથી બચાવી લીધેલા ખોયણા જેવો હશે. 16 તમે ઈશ્વરનું મંદિર છો અને ઈશ્વરનો આત્મા તમારામાં વસે છે એ વાતની શું તમને ખબર નથી? 17 જો કોઈ ઈશ્વરના મંદિરનો નાશ કરે, તો ઈશ્વર પણ તેનો નાશ કરશે. કારણ, ઈશ્વરનું મંદિર પવિત્ર છે, અને એ મંદિર તમે પોતે જ છો. 18 કોઈ પોતાની જાતને છેતરે નહિ. તમારામાંથી કોઈ એમ ધારે કે દુન્યવી ધોરણ પ્રમાણે પોતે જ્ઞાની છે, તો ખરેખર જ્ઞાની બનવા માટે તેણે મૂર્ખ બનવું. 19 કારણ, દુન્યવી જ્ઞાન ઈશ્વરની દૃષ્ટિમાં મૂર્ખાઈ છે. ધર્મશાસ્ત્રમાં લખેલું છે, “ઈશ્વર જ્ઞાનીઓને તેમની હોશિયારીમાં પકડી પાડે છે.” 20 અને બીજી જગ્યાએ ધર્મશાસ્ત્રમાં લખેલું છે, “ઈશ્વર જાણે છે કે જ્ઞાનીઓના વિચારો નિરર્થક છે.” 21 તેથી કોઈએ માણસોના કાર્ય વિષે બડાશ મારવી નહિ. કારણ, બધું તમારું છે. 22 પાઉલ, આપોલસ અને પિતર; આ દુનિયા, જીવન અને મરણ; વર્તમાન અને ભવિષ્ય આ બધું તમારું છે. 23 તમે ખ્રિસ્તના છો, અને ખ્રિસ્ત ઈશ્વરના છે. |
Gujarati Common Language Bible - પવિત્ર બાઇબલ C.L.
Copyright © 2016 by The Bible Society of India
Used by permission. All rights reserved worldwide