Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -

1 કરિંથીઓ 2 - પવિત્ર બાઇબલ C.L.


ક્રૂસે જડાયેલા ખ્રિસ્ત વિષેનો સંદેશ

1 ભાઈઓ, મેં તમારી મુલાકાત લીધી ત્યારે ઈશ્વરનું માર્મિક સત્ય પ્રગટ કરવા માટે મેં ઉત્તમ વક્તૃત્ત્વ કે વિદ્વતાનો ઉપયોગ કર્યો ન હતો.

2 કારણ, ઈસુ ખ્રિસ્ત અને ક્રૂસ પરના તેમના મરણ સિવાય તમારી મયે બીજું કંઈ ન જાણવાનો મેં નિર્ણય કર્યો હતો.

3 તેથી મેં તમારી મુલાકાત લીધી ત્યારે હું નિર્બળતામાં, ભયમાં તથા ઘણી કંપારી સાથે રહ્યો હતો.

4 મેં મારું શિક્ષણ તથા સંદેશ માનવી જ્ઞાનની આકર્ષક ભાષામાં આપ્યાં ન હતાં, પણ પવિત્ર આત્માના સામર્થ્યના પ્રકટીકરણ દ્વારા જણાવ્યાં હતાં.

5 આમ, તમારા વિશ્વાસનો આધાર માનવી જ્ઞાન પર નહિ, પણ ઈશ્વરના સામર્થ્ય પર રહેલો છે.


ઈશ્વરનું જ્ઞાન

6 છતાં, આત્મિક રીતે પરિપકવ થયેલા માણસોની સાથે હું જ્ઞાનની વાત કરું છું. આ જ્ઞાન આ દુનિયાનું કે તેના સત્તાધારીઓનું નથી; તેમની સત્તા તો ઘટતી જાય છે.

7 પણ જે જ્ઞાન વિષે હું વાત કરું છું તે તો માણસોથી ગુપ્ત રખાયેલું ઈશ્વરનું જ્ઞાન છે. તે જ્ઞાન તો સૃષ્ટિના સર્જન અગાઉ ઈશ્વરે આપણને મહિમાવંત કરવા માટે પસંદ કર્યું છે.

8 આ યુગના કોઈ સત્તાધારીને આ જ્ઞાન વિષે ખબર નથી. એ સત્તાધારીઓ એ જાણતા હોત, તો તેઓ મહિમાવંત પ્રભુને ક્રૂસે જડત નહિ.

9 શાસ્ત્રમાં લખેલું છે, “માનવીએ જે વાનાં કદી જોયાં નથી, જેના વિષે કદી સાંભળ્યું નથી, અને જેના વિષે કલ્પનાયે કરી ન હોય, તે વાનાં ઈશ્વરે પોતાના પર પ્રેમ કરનારાઓ માટે સિદ્ધ કર્યાં છે.”

10 પણ ઈશ્વરે પોતાના પવિત્ર આત્મા દ્વારા આપણને માર્મિક સત્ય પ્રગટ કર્યું છે. પવિત્ર આત્મા ઈશ્વરના ગહન ઈરાદાઓ સહિત તેમની સર્વ વાતો જાણે છે.

11 જેમ માણસનો આત્મા તેની બધી વાતો જાણે છે તેમ ઈશ્વરનો આત્મા ઈશ્વરની બધી વાતો જાણે છે.

12 આપણને આ દુનિયાનો આત્મા નહિ, પણ ઈશ્વરની મારફતે મોકલવામાં આવેલો પવિત્ર આત્મા પ્રાપ્ત થયો છે; જેથી ઈશ્વરે આપણને જણાવેલી વાત આપણે જાણી શકીએ છીએ.

13 તેથી એ આત્મિક સત્યોની વાત અમે માનવી જ્ઞાને શીખવેલા શબ્દોમાં નહિ, પણ પવિત્ર આત્માએ શીખવેલા શબ્દોમાં જેમની પાસે પવિત્ર આત્મા છે તેમને જણાવીએ છીએ.

14 હવે જેની પાસે પવિત્ર આત્મા નથી, તે ઈશ્વરના આત્મા પાસેથી મળતી બક્ષિસો મેળવી શકતું જ નથી. હકીક્તમાં તો આ આત્મિક સત્યો તેને સમજાતાં જ નથી, પણ તે તેને મૂર્ખતારૂપ લાગે છે. કારણ, તેમનું મૂલ્ય આત્મિક રીતે અંક્ય છે.

15 જેની પાસે ઈશ્વરનો આત્મા છે તે બધી બાબતોનું મૂલ્ય આંકી શકે છે, પણ કોઈ એ વ્યક્તિનું મૂલ્યાંકન કરી શકતું નથી. ધર્મશાસ્ત્રમાં લખેલું છે,

16 “પ્રભુના મનને કોણ જાણે છે? કોણ પ્રભુને સલાહ આપવા સમર્થ છે?” જોકે અમે તો ખ્રિસ્તનું મન જાણીએ છીએ.

Gujarati Common Language Bible - પવિત્ર બાઇબલ C.L.

Copyright © 2016 by The Bible Society of India
Used by permission. All rights reserved worldwide

Bible Society of India
Lean sinn:



Sanasan