Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -

1 કરિંથીઓ 16 - પવિત્ર બાઇબલ C.L.


રાહતફાળો ઉઘરાવવા વિષે

1 હવે હું ઈશ્વરના લોકને માટે રાહતફાળો ઉઘરાવવા વિષે જણાવીશ. ગલાતિયા પ્રદેશની મંડળીઓને મેં જે સલાહ આપી છે તે જ પ્રમાણે તમારે કરવું.

2 સપ્તાહને પ્રથમ દિવસે તમારામાંના દરેકે પોતાની આવકના પ્રમાણમાં કેટલીક રકમ અલગ કરીને બચાવવી; જેથી જ્યારે હું આવું ત્યારે તમારે ફાળો ઉઘરાવવો ન પડે.

3 જ્યારે હું આવીશ ત્યારે હું તમારું દાન તમે નક્કી કરેલા માણસોને ઓળખપત્ર આપીને તેમની સાથે યરુશાલેમ મોકલાવી આપીશ.

4 જો મારે જવાની જરૂર જણાશે, તો તેઓ મારી સાથે આવશે.


પાઉલની મુસાફરીનો કાર્યક્રમ

5 મકદોનિયા ગયા પછી હું તમારી મુલાકાત લઈશ. કારણ, હું મકદોનિયામાં થઈને પસાર થવાનો છું.

6 બનતાં સુધી હું તમારી સાથે થોડો સમય, કદાચ આખો શિયાળો ગાળીશ. પછી આગળની મુસાફરી ચાલુ રાખવામાં તમે મારી સહાય કરજો.

7 તમારી ઊડતી મુલાકાત લેવાની મારી ઇચ્છા નથી. પ્રભુની ઇચ્છા હોય, તો હું તમારી સાથે થોડો વધુ સમય રોકાવા માગું છું.

8 પચાસમાના પર્વ સુધી હું અહીં એફેસસમાં જ રહીશ.

9 કારણ, ઘણા વિરોધીઓ હોવા છતાં પ્રભુએ અહીં મારે માટે મહાન અને ઉમદા કાર્ય કરવાનું દ્વાર ઉઘાડયું છે.

10 તિમોથી તમારી મુલાકાતે આવે ત્યારે તેનો સારી રીતે આદરસત્કાર કરજો. કારણ, મારી માફક તે પણ પ્રભુને માટે કાર્ય કરે છે.

11 કોઈ તેને તુચ્છકારે નહિ, પણ મારી પાસે પાછા આવતાં તેની મુસાફરી સગવડભરી નીવડે તે માટે તેને મદદ કરજો. કારણ, તે પણ ભાઈઓની સાથે પાછો આવે એવી આશા હું રાખું છે.

12 હવે ભાઈ આપોલસ વિષે હું તમને જણાવીશ. બીજા ભાઈઓની સાથે તે પણ તમારી મુલાકાત લે માટે મેં તેને ઘણીવાર પ્રોત્સાહન આપ્યું છે. પણ તે હમણાં તમારી મુલાકાત લેવા માટે સંમત નથી. તેને તક મળશે ત્યારે તે આવશે.


ઉપસંહાર

13 જાગૃત રહો, વિશ્વાસમાં દૃઢ રહો. શૌર્ય દાખવો. બળવાન થાઓ.

14 તમારું બધું કાર્ય પ્રેમપૂર્વક કરો.

15 સ્તેફાનસ અને તેના કુટુંબ વિષે તો તમે જાણો છો. ગ્રીસ દેશમાં સૌ પ્રથમ ખ્રિસ્તી થનાર તેઓ જ હતાં અને તેમણે ઈશ્વરના લોકની સેવા કરી છે.

16 મારા ભાઈઓ, તમે એવા સેવકો અને તેમની સાથે પરિશ્રમ કરનાર અન્ય સાથી કાર્યકરોને આધીન રહો એવી મારી વિનંતી છે.

17 સ્તેફાનસ, ફોર્તુનાતસ અને અખાઈક્સની મુલાકાતથી મને આનંદ થયો છે. તેમણે તમારી ગેરહાજરીની ખોટ પૂરી પાડી છે.

18 જેમ તેમણે તમને આનંદિત કર્યા, તેમ મને પણ આનંદિત કર્યો છે. એવા માણસો સન્માનપાત્ર છે.

19 આસિયા પ્રદેશની મંડળીઓ તમને શુભેચ્છા પાઠવે છે. આકુલા, પ્રિસ્કીલા અને તેમના ઘરમાં મળતી મંડળી તમને ખ્રિસ્તી શુભેચ્છા પાઠવે છે.

20 અહીંના સર્વ ભાઈઓ તમને શુભેચ્છા પાઠવે છે. પવિત્ર ચુંબન કરીને એકબીજાને શુભેચ્છા પાઠવજો.

21 મારા પોતાના હાથથી હું આ લખું છું, “પાઉલની શુભેચ્છા!”

22 જે કોઈ આપણા પ્રભુ પર પ્રેમ રાખતો નથી તે “આનાથમા” અર્થાત્ શાપિત થાઓ. “મારાન થા” અર્થાત્ હે પ્રભુ, આવો!

23 પ્રભુ ઈસુની કૃપા તમારી સાથે હો.

24 હું તમને બધાને ઈસુ ખ્રિસ્તને નામે પ્રેમ પાઠવું છું. આમીન

Gujarati Common Language Bible - પવિત્ર બાઇબલ C.L.

Copyright © 2016 by The Bible Society of India
Used by permission. All rights reserved worldwide

Bible Society of India
Lean sinn:



Sanasan