Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -

1 કરિંથીઓ 15 - પવિત્ર બાઇબલ C.L.


ખ્રિસ્તનું સજીવન થવું

1 ભાઈઓ, જે શુભસંદેશ મેં તમને પ્રગટ કર્યો, જેનો તમે સ્વીકાર કર્યો તથા જેના પર તમારો દૃઢ વિશ્વાસ છે, તેની હું તમને યાદ અપાવવા માગું છું.

2 જે સ્વરુપમાં મેં તમને શુભસંદેશ જણાવ્યો તે જ સ્વરૂપમાં તમે તેને દૃઢતાથી વળગી રહો તો જ તમારો ઉદ્ધાર થાય; નહિ તો તમારો વિશ્વાસ નિરર્થક છે.

3 મને પરંપરાથી પ્રાપ્ત થયેલો અને જે મેં તમને પણ જણાવ્યો એ સંદેશ સૌથી મહત્ત્વનો છે: ધર્મશાસ્ત્રમાં લખેલું છે તે જ મુજબ ખ્રિસ્ત આપણાં પાપને માટે મરણ પામ્યા,

4 તેમને દફનાવવામાં આવ્યા અને ત્રીજે દિવસે તે સજીવન થયા.

5 તેમણે પિતરને દર્શન દીધું. ત્યાર પછી બાર પ્રેષિતોને દર્શન દીધું.

6 એ પછી તેમના પાંચસો કરતાં વધારે અનુયાયીઓને એકીસાથે દર્શન દીધું.

7 તેમનામાંના ઘણા હજી જીવંત છે; તો કેટલાક મૃત્યુ પામ્યા છે. ત્યાર પછી તેમણે યાકોબને દર્શન દીધું.

8 હું જાણે અકાળે જન્મ્યો હોઉં તેમ છેવટે મને પણ તેમનું દર્શન થયું.

9 સાચે જ હું તો પ્રેષિતોમાં સૌથી નાનામાં નાનો છું. હું પ્રેષિત કહેવડાવવાને લાયક પણ નથી. કારણ, મેં ઈશ્વરની મંડળીની સતાવણી કરી હતી.

10 પણ હું જે કંઈ છું તે ઈશ્વરની કૃપાથી છું, અને તેમણે મારા પર કરેલી કૃપા નિરર્થક ગઈ નથી. એનાથી તો બીજા બધા પ્રેષિતો કરતાં મેં સખત પરિશ્રમ કર્યો છે. જોકે હકીક્તમાં તો એ ક્મ મેં નથી કર્યું, પણ મારી સાથે કાર્ય કરનાર ઈશ્વરની કૃપાથી એ બન્યું છે.

11 આથી શુભસંદેશ મારી મારફતે આવ્યો હોય કે તેમની મારફતે, પણ અમે બધા આ જ ઉપદેશ કરીએ છીએ, અને તમે તેના પર વિશ્વાસ કરેલો છે.


આપણા સજીવન થવા વિષે શિક્ષણ

12 ખ્રિસ્ત મરણમાંથી સજીવન થયા છે, એ અમારો સંદેશો છે. તો પછી તમારામાંના કેટલાક એવું કેમ કહે છે કે મૂએલાં સજીવન થનાર નથી?

13 જો એ સાચું હોય, તો એનો અર્થ એ થયો કે ખ્રિસ્ત સજીવન થયા નથી;

14 અને જો ખ્રિસ્ત સજીવન થયા જ નથી તો અમારો ઉપદેશ વ્યર્થ છે.

15 વળી, અમે ઈશ્વરની વિરુદ્ધ અસત્ય બોલનારા જાહેર થયેલા પણ ગણાઈએ; કારણ, અમે એવું કહ્યું છે કે ઈશ્વરે ખ્રિસ્તને મરણમાંથી સજીવન કર્યા છે. જો મૂએલાં સજીવન થવાના નથી એ સાચું હોય તો પછી ઈશ્વરે ખ્રિસ્તને સજીવન કર્યા નથી.

16 જો મૂએલાં સજીવન થતા નથી, તો ખ્રિસ્ત પણ સજીવન થયા નથી.

17 જો ખ્રિસ્ત સજીવન થયા નથી, તો પછી તમારો વિશ્વાસ નિરર્થક છે અને તમે હજી તમારાં પાપમાં ખોવાયેલા છો.

18 એનો અર્થ એ પણ થાય કે જેઓ ખ્રિસ્ત પર વિશ્વાસ કર્યા પછી મરણ પામ્યા છે, તેઓ પણ નાશ પામ્યા છે.

19 આપણે ખ્રિસ્ત પર જે આશા રાખી છે તે ફક્ત આ જીવન પૂરતી જ હોય, અને તે પછી કંઈ જ આશા ન હોય, તો પછી દુનિયાના સર્વ લોક કરતાં આપણી સ્થિતિ વધુ દયાજનક છે.

20 પણ સત્ય હકીક્ત એ છે કે ખ્રિસ્ત મરણમાંથી સજીવન થયા છે, અને એ તો મરણમાં ઊંઘી જનારા સજીવન થશે એની ખાતરી છે.

21 જેમ એક માણસ દ્વારા લોકો મરણ પામે છે તેમ એક માણસ દ્વારા જીવન મળે છે.

22 કારણ, જેમ સર્વ માણસો આદમની સાથેના સંબંધને લીધે મરણ પામ્યા તેમ જ તેઓ ખ્રિસ્તની સાથેના સંબંધને લીધે સજીવન થશે;

23 પણ દરેક પોતાના ઉચિત ક્રમ પ્રમાણે: સૌથી પ્રથમ ખ્રિસ્ત, પછી ખ્રિસ્તના આગમન વખતે સજીવન થનાર તેમના લોકો.

24 ત્યાર પછી અંત આવશે, અને ખ્રિસ્ત સર્વ આધિપત્ય, અધિકાર અને સત્તા પર વિજય મેળવશે અને ઈશ્વરપિતાને રાજ સોંપી દેશે.

25 કારણ, ઈશ્વર તેમના સર્વ શત્રુઓને હરાવીને ખ્રિસ્તના પગ નીચે લાવે, ત્યાં સુધી ખ્રિસ્તે રાજ કરવું જોઈએ.

26 જે છેલ્લો શત્રુ નાશ પામશે તે તો મરણ છે.

27 ધર્મશાસ્ત્રમાં લખેલું છે, “ઈશ્વરે સર્વ બાબતો તેમના પગ નીચે મૂકી છે.” આમ, સર્વ બાબતોને ખ્રિસ્તના નિયંત્રણ હેઠળ લાવનાર ઈશ્વરનો સમાવેશ એ “સર્વ બાબતો” થતો નથી એ સ્પષ્ટ છે.

28 પણ જ્યારે સર્વ બાબતોને ખ્રિસ્તના રાજયાધિકાર નીચે લાવવામાં આવશે, ત્યારે સર્વ બાબતોને આધીનતામાં લાવનાર પુત્ર પોતે પણ ઈશ્વરને આધીન થઈ જશે. પછી ઈશ્વર સર્વ પર સંપૂર્ણ રાજ કરશે.

29 તો હવે મૂએલાંને બદલે જેઓ બાપ્તિસ્મા પામ્યાં છે તેમનું શું? તેઓ શું મેળવવાની આશા રાખે છે? મૂએલાં સજીવન થવાનાં નથી એવો તેમનો દાવો સાચો હોય, તો પછી તેઓ મૂએલાંને બદલે શા માટે બાપ્તિસ્મા પામે છે?

30 વળી, અમારા સંબંધી કહું તો, અમે શા માટે હરહંમેશ જોખમ ખેડીએ છીએ?

31 ભાઈઓ, આપણે માટે ખ્રિસ્ત ઈસુ આપણા પ્રભુમાં હું જે ગર્વ ધરાવું છું તેને લીધે હું દરરોજ મરણને ભેટું છું!

32 અહીં એફેસસમાં મેં “જંગલી પશુઓ” સાથે યુદ્ધ કર્યું છે! દુન્યવી ધોરણો મુજબ મને એનાથી શો લાભ થવાનો છે? જો મૂએલાં સજીવન થતાં જ નથી, તો કહેવતમાં કહ્યું છે તેમ, “ચાલો, આપણે ખાઈએ અને પીએ; કારણ, આવતી કાલે તો મરી જવાના છીએ.”

33 છેતરાશો નહિ! દુષ્ટ સોબત સારા ચારિયને બગાડે છે.

34 માટે જાગૃત થાઓ અને તમારા પાપી માર્ગોને ત્યજી દો. તમારામાંના કેટલાક તો ઈશ્વરને જાણતા નથી! એ કેવી શરમજનક બાબત છે?


સજીવન થયેલું શરીર

35 પણ કોઈ પૂછશે, “મૂએલાં કેવી રીતે સજીવન થશે? તેમનાં શરીર કેવા પ્રકારનાં હશે?”

36 હે મૂર્ખ, જો તું જમીનમાં બીજ વાવે અને તે મરે નહિ, તો તેમાંથી જીવન કેવી રીતે ઉદ્ભવે?

37 તું જે વાવે છે, અને જેની પાછળથી વૃદ્ધિ થાય છે - પછી તે ઘઉંનો દાણો હોય કે બીજા કશાનો - તે તો માત્ર બીજ જ છે, સંપૂર્ણ વિકસિત છોડ નહિ.

38 ઈશ્વર પોતાની ઇચ્છા મુજબ દરેક બીજને દળ આપે છે. તે દરેક બીજને તેનું ઘટતું સ્વરૂપ આપે છે.

39 જીવંત પ્રાણીઓનાં શરીર એક્સરખાં હોતાં નથી. માનવીનું શરીર એક પ્રકારનું, પ્રાણીઓનું શરીર બીજા પ્રકારનું, તો વળી માછલીઓનું શરીર તેથી પણ જુદા જ પ્રકારનું હોય છે.

40 આકાશી પદાર્થો અને પૃથ્વીના પદાર્થોનું પણ એવું જ છે. આકાશી પદાર્થો અને પૃથ્વીના પદાર્થોનું ગૌરવ જુદું હોય છે.

41 સૂર્યને તેનું પોતાનું તેજ છે; ચંદ્રને બીજી જાતનું તેજ છે; આકાશના તારાઓનું તેજ પણ જુદું હોય છે; અને એક તારાથી બીજા તારાનું તેજ પણ જુદું હોય છે.

42 મૂએલાંનું સજીવન થવું એ પણ એવું જ છે: દફનાવવામાં આવતું શરીર વિનાશી હોય છે; પણ તે સજીવન થશે, ત્યારે તે અવિનાશી બનશે.

43 શરીરને દફનાવવામાં આવે છે, ત્યારે તે કદરૂપું અને નબળું હોય છે; પણ તે સજીવન થશે, ત્યારે તે સુંદર અને સબળ બનશે.

44 જ્યારે દફનાવવામાં આવે છે ત્યારે તે ભૌતિક શરીર હોય છે પણ જ્યારે સજીવન થશે, ત્યારે તે આત્મિક શરીર બનશે. જેમ ભૌતિક શરીર છે, તેમ આત્મિક શરીર પણ છે.

45 કારણ, ધર્મશાસ્ત્રમાં લખેલું છે, “પ્રથમ માનવી આદમને જીવંત પ્રાણી તરીકે સર્જવામાં આવ્યો હતો,” પણ છેલ્લો આદમ તો જીવન આપનાર આત્મા છે.

46 આત્મિક પ્રથમ આવતું નથી, પણ શારીરિક પ્રથમ આવે છે અને પછી જ આત્મિક છે.

47 પ્રથમ આદમને પૃથ્વીની માટીમાંથી બનાવવામાં આવ્યો હતો, પણ બીજો આદમ આકાશમાંથી આવ્યો.

48 જેઓ પૃથ્વીના છે, તેઓ જેને પૃથ્વીમાંથી બનાવવામાં આવ્યો તેના જેવા છે. જેઓ આકાશના છે, તેઓ જે આકાશમાંથી આવ્યો તેના જેવા છે.

49 જેમ આપણે પૃથ્વીની માટીમાંથી બનાવેલા માનવના જેવા છીએ, તેમ જ આપણે આકાશમાંથી આવેલા માનવ જેવા પણ થઈશું.

50 ભાઈઓ, મારા કહેવાનો અર્થ એ છે કે ભૌતિક શરીર ઈશ્વરના રાજમાં ભાગીદાર બની શકતું નથી; જે વિનાશી છે તે અવિનાશી વારસો ભોગવી શકતું નથી.

51 આ સત્ય જાણી લો કે આપણે સૌ મરી જ જઈશું તેવું નથી.

52 પણ જ્યારે છેલ્લું રણશિંગડું વાગશે ત્યારે એક જ ક્ષણમાં, આંખના પલકારામાં આપણા બધાનું રૂપાંતર થઈ જશે.

53 વિનાશીને અવિનાશીપણું ધારણ કરવું પડશે, અને મર્ત્યને અમરત્વ ધારણ કરવું પડશે.

54 આમ, જ્યારે વિનાશી અવિનાશીપણું ધારણ કરશે અને મર્ત્ય અમરત્વ ધારણ કરશે, ત્યારે ધર્મશાસ્ત્રમાં લખેલું સાચું ઠરશે, “મરણ પર પૂરેપૂરો વિજય પ્રાપ્ત કરવામાં આવ્યો છે.

55 હે મરણ, તારો વિજય ક્યાં? હે મરણ, તારા ડંખની તાક્ત ક્યાં?”

56 પાપ એ મરણનો ડંખ છે અને તેની તાક્ત નિયમશાસ્ત્રને લીધે છે.

57 માટે આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તની મારફતે આપણને વિજય અપાવનાર ઈશ્વરનો આભાર માનો.

58 આથી મારા પ્રિય ભાઈઓ, સ્થિર અને દૃઢ થાઓ અને પ્રભુના કાર્યમાં સતત લાગુ રહો, કારણ, તમને ખબર છે કે પ્રભુની સેવા માટે તમે જે કંઈ કરો છો તે નિરર્થક નથી.

Gujarati Common Language Bible - પવિત્ર બાઇબલ C.L.

Copyright © 2016 by The Bible Society of India
Used by permission. All rights reserved worldwide

Bible Society of India
Lean sinn:



Sanasan