Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -

1 કરિંથીઓ 14 - પવિત્ર બાઇબલ C.L.


બક્ષિસો અંગે વિશેષ

1 આથી પ્રેમની ઝંખના સેવો. આત્મિક બક્ષિસો પર અને ખાસ કરીને ઈશ્વરનો સંદેશો પ્રગટ કરવાની બક્ષિસ પર તમારું મન લગાડો.

2 અન્ય ભાષાઓમાં બોલનાર વ્યક્તિ માણસોની સાથે નહિ, પણ ઈશ્વરની સાથે વાત કરે છે; કારણ, કોઈ તેની ભાષા સમજી શકતું નથી. તેવી વ્યક્તિ પવિત્ર આત્માના સામર્થ્યથી માર્મિક સત્યો વિષે બોલે છે.

3 પણ ઈશ્વરનો સંદેશો પ્રગટ કરનાર વ્યક્તિ માણસોની સાથે વાત કરે છે, અને તેમને મદદ, પ્રોત્સાહન તથા દિલાસો આપે છે.

4 અન્ય ભાષાઓમાં બોલનાર વ્યક્તિ માત્ર પોતાની જ ઉન્‍નતિ કરે છે, પણ ઈશ્વરનો સંદેશો પ્રગટ કરનાર વ્યક્તિ તો સમગ્ર મંડળીની ઉન્‍નતિ કરે છે.

5 તમ સૌ અન્ય ભાષાઓ બોલતા થાઓ એવું હું ઇચ્છું છું તો ખરો, પણ વિશેષે કરીને સૌને ઈશ્વરનો સંદેશો પ્રગટ કરવાની બક્ષિસ મળે એમ હું ઇચ્છું છું. કારણ, સમગ્ર મંડળીની ઉન્‍નતિ માટે અન્ય ભાષાઓનું ભાષાન્તર કરનાર કોઈ ન હોય તો ઈશ્વરનો સંદેશો પ્રગટ કરનારનું મૂલ્ય અન્ય ભાષાઓ બોલનારના કરતાં વિશેષ છે.

6 ભાઈઓ, જો હું તમારી મુલાકાત લઉં અને અન્ય ભાષાઓમાં બોલું તો તેથી તમને શો ફાયદો થાય? કશો જ નહિ, માત્ર હું ઈશ્વર તરફથી કંઈક પ્રગટીકરણ, જ્ઞાન, ઈશ્વરપ્રેરિત સંદેશો કે શિક્ષણ લાવું તો જ ફાયદો થાય.

7 જો સંગીતનાં બધાં સાધનોનો એક સરખો સૂર વાગે તો પછી વાંસળી વાગે છે કે વીણા વાગે છે એની કોઈને કેવી રીતે ખબર પડે?

8 વળી, રણશિંગડું વગાડનાર સ્પષ્ટ રીતે વગાડે નહિ તો લડાઈને માટે કોણ સજ્જ થાય?

9 તે જ પ્રમાણે અન્ય ભાષાઓમાં તમારો સંદેશો પ્રગટ કરવામાં આવે અને તે સ્પષ્ટ ન હોય, તો તે કોણ સમજી શકે? તમારા શબ્દો હવામાં ઊડી જશે!

10 દુનિયામાં જુદી જુદી ઘણી ભાષાઓ છે, પણ તેમાંની એકપણ અર્થ વગરની નથી.

11 પણ હું જાણતો ન હોઉં એવી ભાષામાં કોઈ બોલે તો મારે મન તે પરદેશી છે અને તેને મન હું પરદેશી છું.

12 તમે પવિત્ર આત્માની બક્ષિસો મેળવવા આતુર છો, તો મંડળીની ઉન્‍નતિ કરે તેવી બક્ષિસોનો વધુ પ્રમાણમાં ઉપયોગ કરવાનો યત્ન કરો.

13 અન્ય ભાષામાં બોલનારે તેના અર્થઘટનની બક્ષિસ માટે પણ પ્રાર્થના કરવી જોઈએ.

14 કારણ, જો હું અન્ય ભાષામાં પ્રાર્થના કરું, તો મારો આત્મા ખરેખર પ્રાર્થના કરે છે ખરો, પણ મારું મન તેમાં કંઈ જ ભાગ લઈ શકતું નથી.

15 તો પછી મારે શું કરવું? એ જ કે હું મારા આત્માથી અને મનથી પણ પ્રાર્થના કરીશ; તેમજ મારા આત્માથી અને મનથી ગાઈશ.

16 જો તમે ફક્ત આત્મામાં ઈશ્વરનો આભાર માનો, તો પછી ભક્તિસભામાં ભાગ લઈ રહેલ સામાન્ય માણસ તમારી આભાર દર્શાવતી પ્રાર્થનામાં “આમીન” શી રીતે કહી શકશે? કારણ, તમે જે કહી રહ્યા છો તે તો એ સમજી શક્તો નથી.

17 જો કે ઈશ્વરનો આભાર માનવા અંગેની તમારી પ્રાર્થના ઘણી સારી હોય, તો પણ તેથી બીજા માણસને કશો ફાયદો થતો નથી.

18 હું ઈશ્વરનો આભાર માનું છું કે તમારા બધા કરતાં હું અન્ય ભાષાઓમાં વધારે બોલું છું.

19 પણ મંડળીની ભક્તિસભામાં બીજાઓને શીખવવા માટે અન્ય ભાષાઓમાં હજારો શબ્દો બોલવા કરતાં સમજી શકાય તેવી ભાષામાં પાંચ શબ્દોમાં બોલવાનું હું વધારે પસંદ કરીશ.

20 ભાઈઓ, સમજણમાં બાળક ન થાઓ, પણ દુષ્ટતા સંબંધી બાળક થાઓ, અને સમજણમાં પ્રૌઢ થાઓ.

21 ધર્મશાસ્ત્રમાં લખેલું છું; “પ્રભુ કહે છે કે, આ લોક સાથે હું અન્ય ભાષાઓ બોલનાર માણસો મારફતે બોલીશ. વળી, પરદેશીઓના હોઠો દ્વારા પણ બોલીશ, છતાં તેઓ મારું સાંભળશે નહિ.”

22 આથી અન્ય ભાષાઓમાં બોલવાની બક્ષિસ તો વિશ્વાસીઓને માટે નહિ, પણ અવિશ્વાસીઓને માટે પુરાવારૂપ છે. જ્યારે ઈશ્વરનો સંદેશો પ્રગટ કરવાની બક્ષિસ અવિશ્વાસીઓને માટે નહિ, પણ વિશ્વાસીઓને માટે પુરાવારૂપ છે.

23 આમ, જો સમગ્ર મંડળી એકત્ર થાય અને દરેક અન્ય ભાષાઓમાં બોલવાની શરૂઆત કરે અને સામાન્ય લોકો કે અવિશ્વાસીઓ તેમાં આવે, તો શું તેઓ એમ નહિ કહે કે, આ બધા તો પાગલ છે!

24 પણ જો બધા ઈશ્વરનો સંદેશો પ્રગટ કરે અને કોઈ અવિશ્વાસી કે સામાન્ય વ્યક્તિ આવે, તો તે સાંભળવાથી તેને પોતાનાં પાપનું ભાન થશે. તે જે સાંભળશે તેથી તેનો ન્યાય થશે.

25 તેના ગુપ્ત વિચારો જાહેર થશે, અને તે નમન કરીને ઈશ્વરનું ભજન કરશે. વળી, “ખરેખર, ઈશ્વર તમારી મયે હાજર છે.” એવી કબૂલાત કરશે.


મંડળીની વ્યવસ્થા

26 મારા ભાઈઓ, તો મારા કહેવાનો શો અર્થ છે? જ્યારે તમે ભક્તિસભામાં એકત્ર થાઓ, ત્યારે કોઈ ગીત ગાય, કોઈ શિક્ષણ આપે, કોઈ ઈશ્વર તરફથી મળેલું પ્રગટીકરણ જણાવે, કોઈ અન્ય ભાષાઓમાં સંદેશો આપે અને કોઈ તેનું અર્થઘટન કરે. આમ, બધું મંડળીની ઉન્‍નતિને માટે થવું જોઈએ.

27 અન્ય ભાષાઓમાં બોલનારાઓમાંથી બે કે ત્રણ વ્યક્તિઓએ વારાફરતી બોલવું અને કોઈએ તેનું અર્થઘટન કરવું જોઈએ.

28 જો અર્થઘટન કરનાર કોઈ ન હોય, તો અન્ય ભાષાઓમાં બોલનારે શાંત રહેવું અને પોતાના મનમાં તેણે ઈશ્વરની સાથે વાત કરવી.

29 જેમને ઈશ્વરનો સંદેશો મળેલો છે તેમનામાંથી બે અથવા ત્રણ બોલે, બીજાઓએ તેની પારખ કરવી.

30 પણ સભામાં બેઠેલામાંથી બીજા કોઈને ઈશ્વર તરફથી સંદેશ મળે તો બોલનારે થોભી જવું.

31 તમે બધા ઈશ્વરનો સંદેશો વારાફરતી પ્રગટ કરો; જેથી બધાને શિક્ષણ અને પ્રોત્સાહન મળે.

32 ઈશ્વરનો સંદેશો પ્રગટ કરવાની બક્ષિસ બોલનારના કાબૂમાં રહેવી જોઈએ.

33 કારણ, આપણો ઈશ્વર અવ્યવસ્થાનો નહિ, પણ શાંતિનો ઈશ્વર છે.

34 સંતોની બધી મંડળીઓમાં ચાલે છે તેમ તમારી મંડળીની સભાઓમાં સ્ત્રીઓએ શાંત રહેવું; તેમને બોલવાની પરવાનગી નથી. યહૂદી નિયમ પ્રમાણે તેમણે પોતાની મર્યાદામાં રહેવું.

35 જો કોઈ બાબત વિષે તેમણે જાણવું હોય, તો ઘેર પોતાના પતિને પૂછવું. મંડળીની સભામાં સ્ત્રી બોલે તે શોભતું નથી.

36 શું ઈશ્વરનો સંદેશ તમારી મારફતે આવ્યો? અથવા શું ફક્ત તે તમારી પાસે જ આવ્યો?

37 જો કોઈ ધારે કે પોતે ઈશ્વરનો સંદેશવાહક છે અથવા તેની પાસે આત્મિક બક્ષિસ છે તો તેણે જાણવું જોઈએ કે હું જે લખું છું તે પ્રભુની આજ્ઞા છે.

38 પણ જો આ વાત પ્રત્યે તે ધ્યાન ન આપે, તો તેના પ્રત્યે તમે પણ ધ્યાન ન આપો.

39 આથી મારા ભાઈઓ, તમારું મન ઈશ્વરનો સંદેશો પ્રગટ કરવામાં લગાડો; પણ અન્ય ભાષાઓમાં બોલવાની મના ન કરો.

40 પણ બધું શોભતી રીતે અને વ્યવસ્થિત રીતે થવું જોઈએ.

Gujarati Common Language Bible - પવિત્ર બાઇબલ C.L.

Copyright © 2016 by The Bible Society of India
Used by permission. All rights reserved worldwide

Bible Society of India
Lean sinn:



Sanasan