1 કરિંથીઓ 13 - પવિત્ર બાઇબલ C.L.પ્રેમનો સર્વોત્તમ માર્ગ 1 જો કે હું માણસોની અને દૂતોની ભાષામાં બોલું, પણ મારામાં પ્રેમ ન હોય, તો પછી મારી બોલી ખાલી બડબડાટ કરનાર જેવી એટલે કે રણકાર કરનાર ઘંટ અને ઘોંઘાટ કરનાર થાળી જેવી છે. 2 જો મારી પાસે ઈશ્વરપ્રેરિત સંદેશ આપવાની બક્ષિસ હોય, સર્વ જ્ઞાન અને સર્વ રહસ્યો સમજવાની શક્તિ હોય, પર્વતોને ખસેડી નાખવા જેટલો વિશ્વાસ હોય, પણ મારામાં પ્રેમ ન હોય તો પછી હું કંઈ જ નથી. 3 હું મારું સર્વસ્વ દાનમાં આપી દઉં અને હું મારું શરીર આગમાં અર્પી દઉં, પણ મારામાં પ્રેમ ન હોય તો એ બધું નિરર્થક છે. 4 પ્રેમ ધીરજવાન અને માયાળુ છે, પ્રેમ ઈર્ષાળુ, બડાઈખોર કે અભિમાની નથી. 5 પ્રેમ ઉદ્ધત કે સ્વાર્થી નથી. પ્રેમ ખીજાતો નથી, કે કોઈએ ખોટું કર્યું હોય તો પ્રેમ તેની નોંધ રાખતો નથી. 6 કોઈનું ભૂંડું થતું હોય તો તેમાં નહિ, પણ કોઈનું સારું થતું હોય તો તેમાં પ્રેમને આનંદ થાય છે. 7 પ્રેમ અંત સુધી સહન કરે છે. પ્રેમ બધા પર વિશ્વાસ રાખે છે; બધાની આશા રાખે છે; બધા માટે ધીરજ રાખે છે. 8 પ્રેમ સનાતન છે. આગાહી કરવાનું દાન હોય તો તે કાયમ રહેવાનું નથી. અન્ય ભાષાઓમાં બોલવાની બક્ષિસ હોય, તો તે ધીમે ધીમે અટકી જશે. જ્ઞાન હોય, તો તે ચાલ્યું જશે. 9 કારણ, આપણું જ્ઞાન અને ભવિષ્ય ભાખવાની આપણી બક્ષિસો અપૂર્ણ છે. 10 પણ જ્યારે સંપૂર્ણતા આવશે, ત્યારે અપૂર્ણતા જતી રહેશે. 11 જ્યારે હું બાળક હતો, ત્યારે મારી બોલી, લાગણીઓ અને વિચારો બાળકના જેવાં જ હતા. પણ હવે હું પુખ્ત વયનો થયો છું. 12 અને એ બાળપણના માર્ગો મેં મૂકી દીધા છે. અત્યારે તો આપણે અરીસામાં ઝાંખું પ્રતિબિંબ જોઈએ છીએ, પણ પછીથી નજરોનજર જોઈશું. મારું હાલનું જ્ઞાન અપૂર્ણ છે. પણ જેમ ઈશ્વરને મારા વિષે પૂર્ણ જ્ઞાન છે, તેમ મારું જ્ઞાન પણ સંપૂર્ણ થશે. 13 હવે, વિશ્વાસ, આશા અને પ્રેમ આ ત્રણે ટકી રહે છે, પણ એમાંથી પ્રેમ સર્વશ્રેષ્ઠ છે. |
Gujarati Common Language Bible - પવિત્ર બાઇબલ C.L.
Copyright © 2016 by The Bible Society of India
Used by permission. All rights reserved worldwide