Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -

1 કરિંથીઓ 12 - પવિત્ર બાઇબલ C.L.


પવિત્ર આત્મા દ્વારા મળતી બક્ષિસો

1 મારા ભાઈઓ, પવિત્ર આત્મા દ્વારા મળતી બક્ષિસો વિષે તમે અજાણ્યા રહો એવી મારી ઇચ્છા નથી.

2 તમે જાણો છો કે તમે જ્યારે વિધર્મી હતા, ત્યારે નિર્જીવ મૂર્તિઓ તમને કાબૂમાં રાખતી હતી અને તમને આડે માર્ગે દોરી જતી હતી.

3 જે કોઈ ઈશ્વરના આત્માથી દોરાય છે તે “ઈસુ શાપિત થાઓ,” એવું કહી શક્તો જ નથી. તેમ જ પવિત્ર આત્માની દોરવણી વિના “ઈસુ પ્રભુ છે,” એવી કબૂલાત પણ કોઈ કરી શકતું નથી.

4 હવે આત્મિક બક્ષિસો વિવિધ પ્રકારની છે. પણ એ સર્વ આપનાર પવિત્ર આત્મા તો એનો એ જ છે.

5 સેવા કરવાની રીતો જુદી જુદી હોય છે, પણ સેવા તો એક જ પ્રભુની થાય છે.

6 કાર્ય કરવાની આવડત જુદી જુદી હોય છે, પણ એ જ ઈશ્વર દરેકને કાર્ય કરવા માટે આવડત આપે છે.

7 સૌનું ભલું થાય માટે દરેક બાબતમાં કોઈને કોઈ રીતે આત્માની દોરવણી મળે છે.

8 પવિત્ર આત્મા કોઈને વિદ્યાનો, તો કોઈને જ્ઞાનનો સંદેશો આપે છે.

9 એનો એ જ આત્મા કોઈને વિશ્વાસનું, અને કોઈને સાજા કરવાનું સામર્થ્ય આપે છે.

10 આત્મા કોઈને ચમત્કાર કરવાનું સામર્થ્ય આપે છે, તો કોઈને ઈશ્વરનો સંદેશો પ્રગટ કરવાની બક્ષિસ આપે છે; તો વળી કોઈને આત્મા પારખવાની શક્તિ આપે છે. તે જ આત્મા અન્ય ભાષાઓ બોલવાનું સામર્થ્ય આપે છે, અને તે ભાષાનું અર્થઘટન કરવાની શક્તિ આપે છે.

11 પણ આ સર્વ બાબતો એ જ પવિત્ર આત્મા કરે છે. તે પોતાની ઇચ્છા પ્રમાણે દરેકને જુદી જુદી બક્ષિસો આપે છે.


એક શરીર, અનેક અવયવો

12 ખ્રિસ્ત તો અનેક અવયવવાળા એક શરીર સમાન છે. અનેક અવયવનું બનેલું હોવા છતાં શરીર તો એક જ છે.

13 તે જ પ્રમાણે યહૂદીઓ કે બિનયહૂદીઓ, ગુલામ કે સ્વતંત્ર - આપણે સૌ એ જ પવિત્ર આત્માથી બાપ્તિસ્મા પામીને એક શરીર બન્યા છીએ, અને આપણ સૌને એક જ આત્મા પીવડાવવામાં આવ્યો છે.

14 શરીર એક જ અવયવનું નહિ, પણ અનેક અવયવનું બનેલું છે.

15 જો પગ કહે, “હું હાથ નથી, તેથી હું શરીરનો અવયવ નથી;” તો તેથી તે શરીરનો અવયવ મટી જતો નથી.

16 જો કાન કહે, “હું આંખ નથી, તેથી હું શરીરનો અવયવ નથી,” તો તેથી તે શરીરનો ભાગ મટી જતો નથી.

17 જો આખું શરીર માત્ર આંખ જ હોત, તો પછી તે કેવી રીતે સાંભળત? વળી જો આખું શરીર માત્ર કાન જ હોત, તો તે કેવી રીતે સૂંઘત?

18 પણ શરીરના જુદા જુદા અવયવોને ઈશ્વરે પોતાની ઇચ્છા પ્રમાણે ગોઠવેલા છે.

19 જો આખું શરીર એક જ અવયવ હોત, તો શરીર હોત જ નહિ.

20 પણ શરીર એક છે અને અવયવો અનેક છે.

21 આમ, આંખ કાનને કહી શક્તી નથી કે, “મને તારી જરૂર નથી,” અથવા માથું પગને કહી શકતું નથી કે, “મને તારી જરૂર નથી.”

22 વળી, શરીરના કેટલાક નાજુક અવયવો સિવાય તો આપણે ચલાવી શક્તા જ નથી.

23 અને જે અવયવો વિષે આપણને એમ લાગે છે કે તેઓ ખાસ ઉપયોગી નથી, તેમની જ આપણે વધુ કાળજી રાખીએ છીએ.

24 શરીરના જે અવયવો સુંદર દેખાય છે તેનાં કરતાં જે અવયવો સુંદર દેખાતા નથી તેમના પ્રત્યે આપણે ખાસ ધ્યાન આપીએ છીએ. ઈશ્વરે શરીરની રચના જ એવી કરી છે કે જેથી નાજુક અવયવો પ્રત્યે વધુ લક્ષ અપાય છે.

25 આમ શરીરમાં પક્ષાપક્ષી નથી, પણ શરીરના જુદા જુદા અવયવોને એકબીજા પ્રત્યે સરખી સહાનુભૂતિ હોય છે.

26 જો શરીરના એક અવયવને નુક્સાન થાય, તો તેની સાથે બીજા બધા અવયવોને દુ:ખ થાય છે. જો શરીરના એક અવયવની પ્રશંસા થાય, તો તેનો સુખાનુભવ બધા અવયવો કરે છે.

27 આમ, તમે સૌ ખ્રિસ્તનું શરીર છો અને તમે દરેક એક એક અવયવ છો.

28 ઈશ્વરે બધાને મંડળીમાં જુદા જુદા સ્થાને મૂકેલા છે: પ્રથમ પ્રેષિતો, બીજી હરોળમાં સંદેશવાહકો, ત્રીજી હરોળમાં શિક્ષકો, ત્યાર પછી ચમત્કાર કરનારાઓ, પછી સાજા કરનારાઓ, મદદનીશો, વહીવટર્ક્તાઓ અને અન્ય ભાષાઓ બોલનારાઓ.

29 શું બધા પ્રેષિતો છે? શું બધા સંદેશવાહકો છે? શું બધા શિક્ષકો છે?

30 શું બધા ચમત્કાર કરે છે? શું બધા માંદાને સાજા કરે છે? શું બધા અન્ય ભાષા બોલે છે? શું બધા અર્થઘટન કરનારા છે?

31 તેથી તમારે સૌથી શ્રેષ્ઠ બક્ષિસો મેળવવાની ઝંખના રાખવી જોઈએ; પણ હવે હું તમને સર્વોત્તમ માર્ગ બતાવું છું.

Gujarati Common Language Bible - પવિત્ર બાઇબલ C.L.

Copyright © 2016 by The Bible Society of India
Used by permission. All rights reserved worldwide

Bible Society of India
Lean sinn:



Sanasan