Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -

1 કરિંથીઓ 11 - પવિત્ર બાઇબલ C.L.

1 જેમ હું ખ્રિસ્તનું અનુકરણ કરું છું તેમ તમે મારું અનુકરણ કરો.


ભક્તિસભામાં માથું ઢાંકવા વિષે

2 તમે મને હંમેશા યાદ કરો છો અને જે પ્રણાલિકાઓ મેં તમને સોંપી છે તેને તમે ચુસ્તપણે અનુસરો છો માટે હું તમારી પ્રશંસા કરું છું.

3 હું તે માટે તમારો આભાર માનું છું, પણ આટલું સમજી લો: ખ્રિસ્ત સર્વ માણસોના અધિપતિ છે; પતિ તેની પત્નીનો અધિપતિ છે; અને ઈશ્વર ખ્રિસ્તના પણ અધિપતિ છે.

4 આથી જો કોઈ પુરુષ જાહેર ભક્તિસભામાં પ્રાર્થના કરતી વખતે અથવા ઈશ્વરનો સંદેશો આપતી વખતે પોતાનું માથું ઢાંકેલું રાખે તો તે ખ્રિસ્તનું અપમાન કરે છે.

5 વળી, જો કોઈ સ્ત્રી જાહેર ભક્તિસભામાં પ્રાર્થના કરતી વખતે અથવા ઈશ્વરનો સંદેશો આપતી વખતે પોતાનું માથું ન ઢાંકે, તો તે તેના પતિનું અપમાન કરે છે. તે સ્ત્રીમાં અને જે સ્ત્રીનું માથું મૂંડાવેલું હોય તેનામાં કંઈ ફરક નથી.

6 જો સ્ત્રી પોતાનું માથું ઢાંકે નહિ, તો તેણે પોતાના વાળ પણ કાપી નાખવા જોઈએ. પણ સ્ત્રી પોતાનું માથું મૂંડાવે કે વાળ કપાવે તે શરમજનક બાબત છે; તેથી સ્ત્રીએ પોતાનું માથું ઢાંકવું.

7 પુરુષે પોતાનું માથું ઢાંકવાની કોઈ જરૂર નથી. કારણ, તે ઈશ્વરના સ્વરૂપ અને મહિમાનું પ્રતિબિંબ છે. પણ સ્ત્રી તો પુરુષનો મહિમા પ્રગટ કરે છે.

8 કારણ, પુરુષનું સર્જન સ્ત્રીમાંથી કરવામાં આવ્યું ન હતું; પણ પુરુષમાંથી સ્ત્રી બનાવવામાં આવી હતી.

9 પુરુષ સ્ત્રીને માટે સર્જવામાં આવ્યો ન હતો, પણ સ્ત્રી પુરુષને માટે સર્જવામાં આવી હતી.

10 દૂતોને લીધે પણ સ્ત્રીએ પોતાનું માથું ઢાંકવું જોઈએ. કારણ, તેમ કરવાથી તે પતિના આધિપત્ય નીચે છે, એવું જાહેર થાય છે.

11 પ્રભુમાં આપણું જે જીવન છે તેમાં સ્ત્રી પુરુષથી સ્વતંત્ર નથી અને પુરુષ સ્ત્રીથી સ્વતંત્ર નથી.

12 કારણ, પુરુષમાંથી સ્ત્રીને બનાવવામાં આવી હતી, તો પુરુષ પણ સ્ત્રીથી જન્મ લે છે. જોકે સર્વ વસ્તુઓ તો ઈશ્વર પાસેથી જ આવી છે.

13 તમે પોતે જ નક્કી કરો. જાહેર ભક્તિસભામાં સ્ત્રી માથું ઢાંક્યા વગર ઈશ્વરને પ્રાર્થના કરે તે શોભતું છે?

14 કુદરત પોતે પણ શીખવે છે કે લાંબા વાળ પુરુષને માટે શરમજનક છે.

15 છતાં સ્ત્રીને માટે તો તે શોભારૂપ છે. લાંબા વાળ સ્ત્રીને માથું ઢાંકવા માટે આપવામાં આવ્યા છે.

16 જો કોઈ આ વિષે વધુ દલીલ કરવા માગે તો મારે કહેવું પડશે કે અમારી મયે કે ઈશ્વરની મંડળીઓમાં એવો રિવાજ નથી.


પ્રભુભોજન
( માથ. 26:26-29 ; માર્ક. 14:22-25 ; લૂક. 22:14-20 )

17 હવે પછી જે સૂચનાઓ હું આપવાનો છું તેમાં હું તમારી પ્રશંસા કરી શક્તો નથી. કારણ, તમારી સંગતસભાઓ ઉન્‍નતિ કરવાને બદલે વધુ નુક્સાન કરે છે.

18 પ્રથમ તો મારા જાણવામાં આવ્યું છે કે, મંડળીની સભાઓમાં પક્ષાપક્ષી છે. તેમાં થોડુંઘણું ખરું પણ છે એમ હું માનું છું.

19 તમારામાં જેઓ સાચા છે તેઓ જાહેર થાય તે માટે તમારામાં પક્ષ પડવાની જરૂર છે.

20 જ્યારે તમે સંગતમાં એકત્ર થાઓ છો, ત્યારે પ્રભુભોજન કરવું અશક્ય થઈ પડે છે.

21 કારણ, જમતી વખતે દરેક પોતપોતાનું ભોજન કરી લે છે.

22 આથી કેટલાક ભૂખ્યા રહે છે, જ્યારે બીજા કેટલાક પીને મસ્ત બને છે. શું ખાવાપીવા માટે તમારે પોતાનાં ઘર નથી? કે પછી તમે ઈશ્વરની મંડળીને ધિક્કારો છો અને તંગી વેઠતા લોકોને શરમમાં નાખવા માગો છો? આ વિષે તમે મારી પાસે શી અપેક્ષા રાખો છો? હું શું કહું? અલબત્ત, આ બાબતમાં હું તમારી પ્રશંસા કરી શકું તેમ નથી.

23 કારણ, પ્રભુ પાસેથી પરંપરાગત પ્રાપ્ત થયેલી વાત મેં તમને ય પહોંચાડી છે; એટલે કે, પ્રભુ ઈસુની ધરપકડ થઈ તે રાત્રે તેમણે રોટલી લીધી,

24 અને ઈશ્વરની આભારસ્તુતિ કરીને ભાંગતાં કહ્યું, “આ મારું શરીર છે જે તમારે માટે ભાંગવામાં આવ્યું છે; મારી યાદગીરીને માટે એ કરો.”

25 એ જ રીતે ભોજન કર્યા પછી તેમણે પ્યાલો લઈને કહ્યું, “આ પ્યાલો મારા રક્તથી મંજૂર કરાયેલો ઈશ્વરનો નવો કરાર છે. જ્યારે જ્યારે તમે તેમાંથી પીઓ, ત્યારે ત્યારે મારી યાદગીરીને માટે એ કરો.

26 કારણ, જેટલી વાર તમે આ રોટલી ખાઓ છો અને આ પ્યાલામાંથી પીઓ છો તેટલી વાર પ્રભુના આગમન સુધી તમે તેમનું મરણ પ્રગટ કરો છો.

27 તેથી જો કોઈ અયોગ્ય રીતે પ્રભુની રોટલી ખાય અથવા તેમના પ્યાલામાંથી પીએ, તો તેમ કરનાર વ્યક્તિ પ્રભુના શરીર અને રક્ત સંબંધી દોષિત ઠરે છે.

28 આથી રોટલી ખાતાં પહેલાં તેમ જ પ્યાલામાંથી પીતાં પહેલાં દરેકે આત્મપરીક્ષા કરવી જોઈએ.

29 કારણ, પ્રભુના શરીરનો મર્મ સમજ્યા વગર જો કોઈ આ રોટલી ખાય અને પ્યાલામાંથી પીએ તો તે ખાવાથી અને પીવાથી પોતાને સજાપાત્ર ઠરાવે છે.

30 આથી જ તમારામાંના કેટલાક બીમાર અને નિર્બળ છે અને કેટલાક તો મરી ગયા છે.

31 જો આપણે પ્રથમ આત્મપરીક્ષા કરીએ, તો આપણે ઈશ્વરના ન્યાયશાસન નીચે આવતા નથી;

32 પણ જયારે પ્રભુ આપણો ન્યાય કરે છે ત્યારે તે આપણને શિક્ષા કરે છે, જેથી દુનિયાની સાથે આપણને સજાપાત્ર ઠરાવવામાં ન આવે.

33 આથી મારા ભાઈઓ, જ્યારે તમે પ્રભુભોજન માટે એકત્ર થાઓ, ત્યારે એકબીજાની રાહ જુઓ.

34 જો કોઈ ભૂખ્યો હોય તો તેણે પોતાને ઘેર ખાવું; જેથી તમે એકત્ર થાઓ ત્યારે પોતાને ઈશ્વરના ન્યાયશાસન નીચે લાવો નહિ. બીજી બાબતોનો નિકાલ હું તમારી મુલાકાત લઈશ ત્યારે કરીશ.

Gujarati Common Language Bible - પવિત્ર બાઇબલ C.L.

Copyright © 2016 by The Bible Society of India
Used by permission. All rights reserved worldwide

Bible Society of India
Lean sinn:



Sanasan