Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -

1 કરિંથીઓ 10 - પવિત્ર બાઇબલ C.L.


ઇઝરાયલીઓનું ઉદાહરણ

1 ભાઈઓ, આપણા પૂર્વજો વાદળના આચ્છાદન હેઠળ લાલ સમુદ્રમાં થઈને સલામત રીતે પસાર થયા હતા તેની હું તમને યાદ દેવડાવું છું.

2 મોશેને અનુસરતાં વાદળ અને સમુદ્રમાં તેમનું બાપ્તિસ્મા થયું હતું.

3 બધાએ એક જ આત્મિક રોટલી ખાધી હતી.

4 એક જ આત્મિક પાણી પીધું હતું. તેમની સાથે સાથે જનાર આત્મિક ખડકમાંથી તેમણે એ પાણી પીધું હતું; એ ખડક તો ખ્રિસ્ત હતા.

5 આ બધું બન્યા છતાં તેમનામાંના મોટા ભાગના લોકોની સાથે ઈશ્વર પ્રસન્‍ન ન હતા. આથી તેમનાં શબ રણપ્રદેશમાં જુદી જુદી જગ્યાએ પડયાં.

6 તેમણે દુષ્ટ બાબતોની ઇચ્છા રાખી અને

7 તેમનામાંના કેટલાકે મૂર્તિપૂજા કરી. એવું ન કરવા આપણને ચેતવણી મળી રહે એ માટે આ બધી બાબતો આપણે માટે ઉદાહરણરૂપ છે. ધર્મશાસ્ત્રમાં લખેલું છે, “લોકો ખાવાપીવા બેઠા અને ઊઠીને નાચવા લાગ્યા.”

8 તેમનામાંના કેટલાકે વ્યભિચાર કર્યો અને એક જ દિવસમાં ત્રેવીસ હજાર માર્યા ગયા; આપણે એવું વ્યભિચારનું પાપ ન કરીએ.

9 તેમનામાંના કેટલાકે પ્રભુની પરીક્ષા કરી અને સર્પોએ તેમને મારી નાખ્યા; એમ આપણે પ્રભુની પરીક્ષા ન કરીએ.

10 તેમનામાંના કેટલાકે બડબડાટ કર્યો અને મરણના દૂતે તેમનો નાશ કર્યો; આપણે એમ બડબડાટ ન કરીએ.

11 આ બધી બાબતો બીજાઓને ઉદાહરણરૂપ થવા માટે બની અને આપણે જેઓ યુગોના અંતિમ દિવસોમાં જીવીએ છીએ તેમને ચેતવણી મળે માટે લખવામાં આવી છે.

12 પોતે સ્થિર છે એવું ધારનારે પોતાનું પતન ન થાય તે માટે સાવધ રહેવું.

13 લોકોની સામાન્ય રીતે જે ક્સોટી થતી હોય છે તે કરતાં તમારી વિશેષ ક્સોટી નથી. કારણ, ઈશ્વર પોતાનું વચન પાળે છે. તે તમારી શક્તિ બહારની ક્સોટી તમારા પર આવવા દેશે નહિ. જ્યારે જ્યારે તમારી ક્સોટી થાય ત્યારે ત્યારે તેને સહન કરવાની શક્તિ ઈશ્વર તમને આપશે અને તેમાંથી બચાવનો માર્ગ પણ બતાવશે.


મૂર્તિપૂજાની મના

14 તેથી મારા પ્રિય મિત્રો, મૂર્તિપૂજાથી દૂર રહો. તમને શાણા સમજીને હું એ વાત કરું છું.

15 હું જે કહું છું તે ખરું છે કે ખોટું તેનો નિર્ણય તમે જાતે જ કરો.

16 પ્રભુભોજનના પ્યાલા માટે આપણે ઈશ્વરની આભારસ્તુતિ કરીને તેમાંથી પીએ છીએ, ત્યારે શું આપણે ખ્રિસ્તના રક્તના સહભાગી નથી? વળી, જ્યારે રોટલી ખાઈએ છીએ, ત્યારે શું આપણે ખ્રિસ્તના શરીરના સહભાગી નથી?

17 હવે રોટલી એક જ છે અને આપણે બધા ફક્ત એક જ રોટલીના સહભાગી થઈએ છીએ, અને આમ આપણે ઘણા હોવા છતાં એક શરીર છીએ.

18 જેઓ જન્મજાત ઇઝરાયલીઓ છે તેમનો વિચાર કરો. ઈશ્વરની સેવા માટે વેદી પર કરેલાં અર્પણમાંથી તેઓ ખાય છે.

19 એ પરથી હું શું કહેવા માગું છું? શું મૂર્તિ કે તેને ચઢાવેલા નૈવેદમાં કંઈ તથ્ય નથી?

20 ના, મારો કહેવાનો અર્થ એ છે કે વિધર્મીઓ વેદી પર જે કંઈ અર્પણ ચઢાવે છે તે ઈશ્વરને નહિ, પણ ભૂતોને ચઢાવે છે અને તમે ભૂતોના સહભાગી બનો એવું હું ઇચ્છતો નથી.

21 તમે પ્રભુના પ્યાલામાંથી અને ભૂતોના પ્યાલામાંથી એમ બન્‍નેમાંથી પી શકો નહિ. તેમ જ તમે પ્રભુની મેજ પરથી અને ભૂતોની મેજ પરથી એમ બન્‍ને પરથી ખાઈ શકો નહિ.

22 અથવા શું આપણે પ્રભુને ગુસ્સે કરવા માગીએ છીએ? શું આપણે તેમના કરતાં જોરાવર છીએ?

23 “આપણને બધું જ કરવાની પરવાનગી છે,” એમ તેઓ કહે છે. હા, પણ બધું જ ઉપયોગી નથી. “આપણને બધું કરવાની પરવાનગી છે,” પણ બધું લાભદાયી નથી.

24 દરેકે માત્ર પોતાનું જ નહિ, પણ બીજાનું હિત પણ જોવું જોઈએ.

25 માંસબજારમાં જે કંઈ વેચવામાં આવે છે તેને વિવેકબુદ્ધિ ખાતર કંઈ પ્રશ્ર્ન પૂછયા વગર તમે ખાઈ શકો છો.

26 કારણ, ધર્મશાસ્ત્રમાં લખેલું છે, “પૃથ્વી તથા તેમાંનું સર્વસ્વ પ્રભુનું છે.”

27 જો કોઈ અવિશ્વાસી તમને ભોજનને માટે આમંત્રણ આપે અને તે આમંત્રણ તમે સ્વીકારો તો તમને જે કંઈ પીરસવામાં આવે તે તમારી વિવેકબુદ્ધિને ખાતર કંઈપણ પ્રશ્ર્ન પૂછયા વગર ખાઓ.

28-29 પણ જો કોઈ તમને કહે કે, “આ તો મૂર્તિને ચડાવેલું નૈવેદ છે,” તો પછી જેણે તમને કહ્યું તેની ખાતર, તેમ જ તમારી નહિ, પણ સામા માણસની વિવેકબુદ્ધિની ખાતર તે ખાશો નહિ. કોઈને પ્રશ્ર્ન થાય: “બીજા માણસની વિવેકબુદ્ધિ માટે મારા વર્તનની સ્વતંત્રતાને શા માટે મર્યાદિત કરવામાં આવે છે?

30 જો હું ઈશ્વરનો આભાર માનીને ખોરાક ખાતો હોઉં, તો પછી જે ખોરાક માટે મેં આભાર માન્યો તે વિષે બીજું કોઈ શા માટે મારી ટીકા કરે?”

31 અલબત્ત, તમે ખાઓ, પીઓ કે બીજું જે કંઈ કરો તે બધું ઈશ્વરના મહિમાને માટે કરો.

32 તમારું જીવન એવું રાખો કે યહૂદીઓ, બિનયહૂદીઓ કે ઈશ્વરની મંડળીને કંઈ નુક્સાન ન થાય.

33 તમે મારું અનુકરણ કરો. હું મારાં સર્વ કાર્યથી બધાને પ્રસન્‍ન કરવા માગું છું. હું મારા સ્વાર્થનો વિચાર કરતો નથી, પણ સૌનું ભલું કરું છું; જેથી સૌનો ઉદ્ધાર થાય.

Gujarati Common Language Bible - પવિત્ર બાઇબલ C.L.

Copyright © 2016 by The Bible Society of India
Used by permission. All rights reserved worldwide

Bible Society of India
Lean sinn:



Sanasan