1 કરિંથીઓ 1 - પવિત્ર બાઇબલ C.L.પ્રસ્તાવના 1 ઈશ્વરની ઇચ્છાથી ખ્રિસ્ત ઈસુનો પ્રેષિત થવાને આમંત્રણ પામેલો હું પાઉલ તથા આપણા ભાઈ સોસ્થેનસ તરફથી કોરીંથમાંની ઈશ્વરની મંડળીને શુભેચ્છા. 2 તમે ઈશ્વરના લોક થવાને અલગ કરાયા છો. વળી, તમે તેમ જ આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તને નામે પ્રાર્થના કરનાર સમસ્ત દુનિયાના લોકો તેમના તથા આપણા પ્રભુ એટલે ખ્રિસ્ત ઈસુમાં મેળવાયા હોવાથી ઈશ્વરના બનેલા છે. 3 આપણા ઈશ્વરપિતા અને પ્રભુ ઈસુ ખ્રિસ્ત તમને કૃપા તથા શાંતિ બક્ષો. 4 મારા ઈશ્વરે તમને ખ્રિસ્ત ઈસુ દ્વારા કૃપા બક્ષી હોવાથી તમારે માટે હું હંમેશાં તેમનો આભાર માનું છું. 5 કારણ, ઈસુ ખ્રિસ્તની સાથેના સંબંધને લીધે તમે જ્ઞાન અને વાણીની સર્વ પ્રકારની સમજમાં સમૃદ્ધ થયા છો. 6 અમે ખ્રિસ્ત વિશે આપેલી સાક્ષીનો સંદેશ સાચો છે એની તમને પ્રતીતિ થવાથી એ બન્યું છે. 7 આમ, તમારામાં એક પણ આત્મિક બક્ષિસની ઊણપ નથી અને હવે તમે આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તના પ્રગટ થવાની ઝંખના સેવી રહ્યા છો. 8 આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તના આગમનને દિવસે તમે નિર્દોષ માલૂમ પડો તે માટે ઈશ્વર તમને આખર સુધી નિભાવી રાખશે. 9 પોતાના પુત્ર, ઈસુ ખ્રિસ્ત આપણા પ્રભુના સહભાગી થવાને તમને આમંત્રણ આપનાર ઈશ્વર ભરોસાપાત્ર છે. સ્થાનિક મંડળીમાં પક્ષાપક્ષી 10 ભાઈઓ, આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તને નામે હું તમને વિનંતી કરું છું કે તમે સૌ એકબીજા સાથે સંમત થાઓ; અને તમારામાં પક્ષાપક્ષી થવા ન દો. તમે એક વિચારના થઈને અને એક ઉદ્દેશ રાખીને પૂરેપૂરું ઐક્ય પ્રાપ્ત કરો. 11 કારણ, ભાઈઓ, કલોએના કુટુંબના કેટલાક સભ્યોએ મને સ્પષ્ટપણે જણાવ્યું છે કે તમારામાં ઝઘડા થાય છે. 12 મારા કહેવાનો અર્થ એ છે કે, તમે દરેક જુદી જુદી વાત કરો છો: કોઈ કહે છે, “હું પાઉલના પક્ષનો છું;” કોઈ કહે છે, “હું આપોલસના પક્ષનો છું;” કોઈ કહે છે, “હું તો કેફાસ(પિતર)ના પક્ષનો છું;” અને વળી કોઈ કહે છે, “હું તો ખ્રિસ્તના જ પક્ષનો છું!” 13 તો શું ખ્રિસ્તનું વિભાજન થઈ ગયું છે? શું પાઉલ તમારે માટે ક્રૂસ પર મરણ પામ્યો હતો? શું તમને પાઉલના અનુયાયીઓ તરીકે બાપ્તિસ્મા આપવામાં આવ્યું હતું? 14 હું ઈશ્વરનો આભાર માનું છું કે ક્રિસ્પસ તથા ગાયસ સિવાય તમારામાંથી બીજા કોઈને મેં બાપ્તિસ્મા આપ્યું નથી. 15 તેથી મારા અનુયાયીઓ તરીકે તમને બાપ્તિસ્મા આપવામાં આવ્યું હતું એવું કોઈ કહી શકે નહિ. 16 મેં સ્તેફાનસ અને તેના કુટુંબને પણ બાપ્તિસ્મા આપ્યું હતું. તે સિવાય બીજા કોઈને મેં બાપ્તિસ્મા આપ્યું હોય એવું મને યાદ નથી. 17 કારણ, ખ્રિસ્તે મને બાપ્તિસ્મા આપવા નહિ, પણ શુભસંદેશનો પ્રચાર કરવા મોકલ્યો છે; એ પ્રચાર માનવી જ્ઞાનની ભાષા વાપરીને કરવાનો નથી, રખેને ક્રૂસ પર ખ્રિસ્તે સહેલા મૃત્યુના સામર્થ્યની અસર નિરર્થક થાય. ખ્રિસ્ત-ઈશ્વરનું જ્ઞાન અને સામર્થ્ય 18 ક્રૂસ પરના ખ્રિસ્તના મરણનો આ સંદેશો નાશમાં જઈ રહેલાઓ માટે મૂર્ખતારૂપ છે; પણ આપણે જેઓ ઉદ્ધાર પામતા જઈએ છીએ તેમને માટે તો તે ખ્રિસ્તનું સામર્થ્ય છે. 19 ધર્મશાસ્ત્રમાં લખેલું છે, “હું જ્ઞાનીઓના જ્ઞાનનો નાશ કરીશ અને ચતુરોનું ચાતુર્ય ફગાવી દઈશ.” 20 ત્યારે તત્ત્વચિંતક ક્યાં ગયા? નિયમશાસ્ત્રના વિદ્વાન કયાં ગયા? આ યુગના દલીલબાજોનું શું થયું? શું ઈશ્વરે દુન્યવી જ્ઞાનને મૂર્ખતારૂપ કર્યું નથી? 21 કારણ, માણસો પોતાના જ્ઞાનથી ઈશ્વરને પામી શકે નહિ એવો પ્રબંધ ઈશ્વરે પોતાના જ્ઞાનથી કર્યો. એને બદલે, જે સંદેશો અમે પ્રગટ કરીએ છીએ તેની “મૂર્ખતા” દ્વારા ઈશ્વરે વિશ્વાસ કરનારાઓનો ઉદ્ધાર કરવાનું ઠરાવ્યું. 22 યહૂદીઓ પુરાવારૂપે અદ્ભુત કાર્યો જોવા માગે છે અને ગ્રીકો જ્ઞાન શોધે છે, 23 પણ અમે તો ક્રૂસ પર મરણ પામેલા ખ્રિસ્તને પ્રગટ કરીએ છીએ. આ સંદેશો યહૂદીઓ માટે વિધ્નરૂપ અને બિનયહૂદીઓ માટે મૂર્ખતારૂપ લાગે છે. 24 પણ ઈશ્વરે જેમને આમંત્રણ આપ્યું છે-પછી તે યહૂદી હોય કે ગ્રીક હોય-તેમને તો ખ્રિસ્ત ઈશ્વરનું જ્ઞાન અને સામર્થ્ય છે. 25 કારણ, ઈશ્વરના જ્ઞાન અને સામર્થ્યની નીચામાં નીચી કક્ષા સુધી પણ માનવીનું ઊંચામાં ઊંચું જ્ઞાન અને તેનું સામર્થ્ય પહોંચી શક્તાં નથી. 26 ભાઈઓ, ઈશ્વરે તમને આપેલા આમંત્રણને ધ્યાનમાં રાખો. માનવી ધોરણો પ્રમાણે તમારામાંના ઘણા જ્ઞાની, શક્તિશાળી કે ઉચ્ચ સામાજિક સ્થાન ધરાવતા નહોતા. 27 દુનિયા જેમને મૂર્ખ ગણે છે તેમને ઈશ્વરે ઇરાદાપૂર્વક જ પસંદ કર્યા છે, જેથી જ્ઞાનીઓ શરમાઈ જાય; દુનિયા જેમને નિર્બળ ગણે છે તેમને તેમણે પસંદ કર્યા છે; જેથી શક્તિશાળીઓ શરમાઈ જાય. 28 વળી, દુનિયા જેમને ઊતરતા ગણે છે, ધિક્કારે છે અને તુચ્છકારે છે, તેમને ઈશ્વરે પસંદ કર્યા છે, જેથી દુનિયા જેમને મહત્ત્વના ગણે છે, તેઓ તેમનું સ્થાન ગુમાવે. 29 જેથી ઈશ્વરની સમક્ષ કોઈ માનવી ગર્વ કરી શકે નહિ. 30 પણ ઈશ્વરની કૃપાથી તમે ઈસુ ખ્રિસ્તમાં મેળવાયા છો. ઈશ્વરે ખ્રિસ્તને આપણું જ્ઞાન બનાવ્યા છે. તેમની મારફતે આપણે ઈશ્વરની સાથે સુમેળભર્યા સંબંધમાં આવ્યા છીએ, ઈશ્વરના અલગ કરાયેલા લોક બન્યા છીએ અને પાપથી મુક્ત થયા છીએ. 31 આથી ધર્મશાસ્ત્રમાં લખેલું છે, “જે કોઈ ગર્વ કરે તેણે પ્રભુ સંબંધી ગર્વ કરવો.” |
Gujarati Common Language Bible - પવિત્ર બાઇબલ C.L.
Copyright © 2016 by The Bible Society of India
Used by permission. All rights reserved worldwide