Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -

૧ કાળવૃત્તાંત 9 - પવિત્ર બાઇબલ C.L.


દેશનિકાલમાંથી પાછા ફરેલા લોકો

1 ઇઝરાયલના બધા લોકોની કુટુંબવાર વંશાવળી ઇઝરાયલના રાજાઓના ગ્રંથમાં નોંધવામાં આવી. યહૂદાના લોકોને તેમના પાપની શિક્ષારૂપે બેબિલોનમાં દેશનિકાલ કરવામાં આવ્યા હતા.

2 પોતપોતાનાં નગરોમાં પોતાની જમીન પર પ્રથમ વસવા આવનાર કેટલાક ઇઝરાયલીઓ યજ્ઞકારો, લેવીઓ અને મંદિરના સેવકો હતા.

3 યહૂદા, બિન્યામીન, એફ્રાઈમ અને મનાશ્શાના કુળના લોકોએ યરુશાલેમમાં વસવાટ કર્યો.

4-6 યહૂદાના કુળનાં 690 કુટુંબો યરુશાલેમમાં વસ્યા. યહૂદાના પુત્ર પેરેસના વંશજોનો આગેવાન આમ્મીહુદનો પુત્ર અને ઓમ્રીનો પૌત્ર ઉથાય હતો. તેના અન્ય પૂર્વજોમાં આમ્મીહુદનો પિતા ઈમ્રી અને દાદા બાની હતા. યહૂદાના પુત્ર શેલાના વંશજોનો આગેવાન અસાયા હતો. અસાયા તેના કુટુંબનો વડો હતો. યહૂદાના પુત્ર ઝેરાના વંશજોનો આગેવાન યેઉએલ હતો.

7-8 બિન્યામીનના કુળના નીચેના સભ્યો યરુશાલેમમાં રહેતા હતા: હાસ્સેનુઆના પુત્ર હોદાવ્યાના પુત્ર મશુલ્લામનો પુત્ર સાલ્લૂ; યરોહામનો પુત્ર યિબ્નિયા; ઉઝઝીનો પુત્ર અને મિખ્રીનો પૌત્ર એલા; યિબ્નિયાના પુત્ર રેઉએલના પુત્ર શફાટયાનો પુત્ર મશુલ્લામ.

9 ત્યાં એ કુળનાં 956 કુટુંબો વસ્યાં હતાં. ઉપર જણાવેલ બધા પુરુષો તેમના કુટુંબના વડા હતા.


યરુશાલેમમાં વસેલા યજ્ઞકારો

10-12 યરુશાલેમમાં નીચેના યજ્ઞકારો વસ્યા: યદાયા, યહોયારિબ, યાખીન, હિલકિયાનો પુત્ર અઝાર્યા (મંદિરનો મુખ્ય અધિકારી). તેના પૂર્વજો મશુલ્લામ, સાદોક, મરાયોથ અને અહિટૂબ હતા. યહોરામનો પુત્ર અદાયા. તેના પૂર્વજો પાશ્હૂર અને માલકિયા હતા. અદિયેલનો પુત્ર માસાય. તેના પૂર્વજો યાહઝેરા, મશુલ્લામ, મશિલ્લેમીથ અને ઈમ્મેર હતા.

13 કુટુંબના વડા હોય એવા યજ્ઞકારોની સંખ્યા 1,760 હતી. તેઓ મંદિરના સેવાકાર્યમાં પ્રવીણ હતા.


યરુશાલેમમાં વસેલા લેવીઓ

14-16 યરુશાલેમમાં નીચેના લેવીઓ રહ્યા: હાશ્શૂબનો પુત્ર શમાયા, જેના પૂર્વજો મરારી ગોત્રના આઝીકામ અને હશાબ્યા હતા. બાકબાક્કાર, હેરેશ અને ગાલાલ. મિખાનો પુત્ર માત્તાન્યા હતો. મિખાના પિતા ઝિખ્રી અને દાદા આસાફ હતા. શમાયાનો પુત્ર ઓબાદ્યા હતો; શમાયાનો પિતા ગાલાલ અને દાદા યદૂથુન હતા. આસાનો પુત્ર અને એલ્કાનાનો પૌત્ર બેરેખ્યા હતો. તેઓ નટોફા નગરનાં પરાંઓમાં રહેતા હતા.


યરુશાલેમમાં વસેલા મંદિરના રક્ષકો

17 યરુશાલેમમાં રહેતા મંદિરના સંરક્ષકો આ પ્રમાણે હતા: શાલ્લૂમ, આક્કુબ, તાલ્મોન અને અહિમાન. શાલ્લૂમ તેમનો આગેવાન હતો.

18 એ સમય સુધી તેમના ગોત્રના સભ્યો પૂર્વમાં આવેલા રાજાના દરવાજાના પ્રવેશદ્વારે ચોકીપહેરા પર રહેતા હતા. અગાઉ તેઓ લેવીઓની છાવણીના સંરક્ષકો હતા.

19 કોરેનો પુત્ર અને અબિયાસાફનો પૌત્ર શાલૂમ કોરા ગોત્રના તેના જાતભાઈઓ સાથે પ્રભુના મુલાકાતમંડપના પ્રવેશદ્વારે ચોકીપહેરો ભરતા હતા. તેમના પૂર્વજો પણ પ્રભુની છાવણીમાં દરવાજો સાચવનાર હતા.

20 એક સમયે એલાઝારનો પુત્ર ફિનહાસ તેમનો આગેવાન હતો; પ્રભુ તેની સાથે હતા.

21 ઝખાર્યાનો પુત્ર મેશેલેમ્યા પણ મુલાકાતમંડપના પ્રવેશદ્વારનો દરવાન હતો.

22 એકંદરે 212 માણસોને પ્રવેશદ્વારો અને દરવાજાના સંરક્ષક તરીકે પસંદ કર્યા હતા. તેમના વસવાટના ગામ પ્રમાણે તેમની નોંધણી કરવામાં આવી હતી. રાજા દાવિદ અને સંદેશવાહક શમુએલે તેમના પૂર્વજોને આ મહત્ત્વની જવાબદારી સોંપી હતી.

23 તેઓ અને તેમના વંશજો મંદિરના દરવાજાઓના સંરક્ષક તરીકે ચાલુ રહ્યા.

24 પ્રત્યેક દિશામાં એકએક દરવાજો હતો: ઉત્તરમાં, દક્ષિણમાં, પૂર્વમાં અને પશ્ર્વિમમાં. દરેક દરવાજે એક મુખ્ય સંરક્ષક રહેતો.

25 આ સંરક્ષકોને ગામોમાં રહેતા તેમના સંબંધીઓ સહાય કરતા અને તેમણે દરેક વખતે સાત દિવસ સુધી સંરક્ષકની ફરજ વારા પ્રમાણે બજાવવાની થતી હતી.

26 ચાર મુખ્ય સંરક્ષકો લેવીઓ હતા અને આખરી જવાબદારી તેમની હતી. તેઓ મંદિરના ઓરડાઓ અને તેમાં રાખેલા પૂરવઠા માટે જવાબદાર હતા.

27 તેઓ મંદિરની પાસે રહેતા; કારણ, મંદિરના રક્ષણની અને રોજ સવારે દરવાજા ખોલવાની જવાબદારી તેમની હતી.


અન્ય લેવીઓ

28 અન્ય લેવીઓ ભજનસેવામાં વપરાતાં વાસણો માટે જવાબદાર હતા. તેઓ પાત્રોને ઉપયોગ માટે બહાર લઈ જતા ત્યારે અને તેમને પાછાં અંદર લાવતી વખતે તેમની ગણતરી કરતા.

29 બીજા કેટલાક બીજી પવિત્ર સાધનસામગ્રી તથા લોટ, દ્રાક્ષાસવ, ઓલિવતેલ, ધૂપદ્રવ્યો અને સુગંધીદ્રવ્યોના હવાલામાં હતા.

30 પણ સુગંધીદ્રવ્યોની મેળવણી કરવાની જવાબદારી યજ્ઞકારોની હતી.

31 શેકીને ચડાવવાના ધાન્ય અર્પણ માટે કોરાના ગોત્રનો શાલ્લૂમનો જયેષ્ઠ પુત્ર માત્તિથ્યા નામે લેવી જવાબદાર હતો.

32 દર સાબ્બાથદિને મંદિર માટે પવિત્ર રોટલી તૈયાર કરવાની જવાબદારી કહાથના ગોત્રના સભ્યોની હતી.

33 મંદિરમાં સંગીત માટે લેવીઓનાં કેટલાંક કુટુંબો જવાબદાર હતાં. આ કુટુંબોના વડાઓ મંદિરનાં જ મકાનોમાં રહેતા. કારણ, તેમણે રાત્રે કે દિવસે પોતાની ફરજ બજાવવા ઉપલબ્ધ રહેવાનું હતું.

34 એ બધા માણસો વંશાવળી પ્રમાણે લેવી કુટુંબોના વડા હતા અને યરુશાલેમમાં રહેતા હતા.


શાઉલના પૂર્વજો અને વંશજો
( 8:29-38 )

35 યેઈએલે ગિબ્યોન વસાવ્યું હતું અને તે ત્યાં જ ઠરીઠામ થયો. તેની પત્નીનું નામ માખા હતું.

36 તેનો સૌથી મોટો પુત્ર આબ્દોન હતો, અને તેના બીજા પુત્રો આ પ્રમાણે હતા: સુર, કીશ, બઆલ, નેર, નાદાબ,

37 ગેદોર, અહિયો, ઝખાર્યા

38 અને શિમયાનો પિતા મિકલોથ. તેમના વંશજો યરુશાલેમમાં તેમના ગોત્રના અન્ય કુટુંબો પાસે રહેતા હતા.

39 નેર કીશનો પિતા હતો અને કીશ શાઉલનો પિતા હતો. શાઉલને ચાર પુત્રો હતા: યોનાથાન, માલ્ખીશૂઆ, અબિનાદાબ અને એશબઆલ.

40 યોનાથાન મરીબઆલનો પિતા હતો અને મરીબઆલ મિખાનો પિતા હતો.

41 મિખાને ચાર પુત્રો હતા: પિથોન, મેલેખ, તારેયા અને આહાઝ.

42 આહાઝ યારાનો પિતા હતો. યારાને ત્રણ પુત્રો હતા: આલેમેથ, આઝમાવેથ અને ઝિમ્રી. ઝિમ્રી મોસાનો પિતા હતો.

43 મોસા બિનિયાનો પિતા, બિનિયા રફાયાનો પિતા, રફાયા એલ્યાસાનો પિતા અને એલ્યાસા આસેલનો પિતા હતો.

44 આસેલને છ પુત્રો હતા: આઝીકામ, બોખરું, ઇશ્માએલ, શાર્યા, ઓબાદ્યા અને હાનાન.

Gujarati Common Language Bible - પવિત્ર બાઇબલ C.L.

Copyright © 2016 by The Bible Society of India
Used by permission. All rights reserved worldwide

Bible Society of India
Lean sinn:



Sanasan