૧ કાળવૃત્તાંત 5 - પવિત્ર બાઇબલ C.L.રૂબેનના વંશજો 1 ઇઝરાયલના જયેષ્ઠપુત્ર રૂબેનના વંશજો: (તે જ સૌથી મોટો પુત્ર હતો; પણ તેણે પોતાના પિતાની ઉપપત્ની સાથે સમાગમ કર્યો તેથી પ્રથમજનિત પુત્ર તરીકેનો પોતાનો હક્ક તેણે ગુમાવ્યો, અને એ હક્ક યોસેફના પુત્રોને આપવામાં આવ્યો હતો. 2 આમ તો યહૂદાનું કુળ સૌથી બળવાન બન્યું અને બધાં કુળોનો શાસક તેમાંથી ઊભો થયો, પણ જયેષ્ઠપુત્ર તરીકેનો હક્ક તો યોસેફનો જ રહ્યો.) 3 ઇઝરાયલના સૌથી મોટા પુત્ર રૂબેનને ચાર પુત્રો હતા: હનોખ, પાલ્લુ, હેસ્રોન અને કાર્મી. 4-6 યોએલના વંશજો વંશાનુક્રમે આ પ્રમાણે છે: શમાયા, ગોગ, શિમઈ, મિખા, રાયા, બઆલ, બેરા. બેરાને આશ્શૂરનો સમ્રાટ તિગ્લાથ-પિલેસેર, બંદિવાન કરીને લઈ ગયો. તે રૂબેનીઓનો આગેવાન હતો. 7 કૌટુંબિક વંશાવળીમાં રૂબેનના કુળના નીચેના કુળનાયકોની યાદી આપી છે: શેમાનો પુત્ર આહાઝનો પુત્ર યોએલના ગોત્રના યેઈએલ, ઝખાર્યા. 8 અને શેમાનો પુત્ર આહાઝનો પુત્ર બેલા. તેઓ અરોએરમાં તેમ જ ત્યાંથી ઉત્તરમાં નબો અને બઆલમેઓન સુધીના વિસ્તારમાં રહેતા હતા. 9 તેમની પાસે ગિલ્યાદમાં પુષ્કળ ઢોરઢાંક હતાં; તેથી પૂર્વમાં યુફ્રેટિસ નદીથી રણપ્રદેશ સુધીના વિસ્તારમાં તેમણે મુકામ કર્યો હતો. 10 શાઉલ રાજાના સમયમાં રૂબેનના કુળે હાગ્રીઓ પર ચડાઈ કરીને તેમનો યુદ્ધમાં સંહાર કર્યો અને ગિલ્યાદના પૂર્વભાગના વિસ્તારમાં તેમણે વસવાટ કર્યો. ગાદના વંશજો 11 ગાદનું કુળ રૂબેનના પ્રદેશની ઉત્તરે, બાશાનના પ્રદેશમાં પૂર્વમાં છેક સાલખા લગી રહેતા હતા. 12 યોએલ અગ્રગણ્ય ગોત્રનો સ્થાપક હતો; જ્યારે શાફામ બીજા વધારે અગત્યના ગોત્રનો સ્થાપક હતો. યાનાઇ અને શાફટ બાશાનમાંના બીજાં ગોત્રોના સ્થાપક હતા. 13 કુળના બાકીના સભ્યો નીચે જણાવેલ સાત ગોત્રના હતા: મિખાયેલ, મશ્શૂલામ, શેબ્રા યોરાય, યાકાન, ઝિયા અને એબેર. 14 તેઓ હુરીના પુત્ર અબિહાઇલના વંશજો હતા. તેના પૂર્વજો આ પ્રમાણે છે. હૂરી, યારોઆ, ગિલ્યાદ, મિખાયેલ, યશીયાય, યાહદો, બૂઝ. 15 ગુનીનો પૌત્ર અને આબ્દીએલનો પુત્ર અહી આ ગોત્રોનો આગેવાન હતો. 16 તેઓ બાશાન અને ગિલ્યાદના પ્રદેશમાં, તેનાં નગરોમાં અને આખા શારોનના ઘાસચારાના મેદાનમાં રહેતા હતા. 17 યહૂદિયાના રાજા યોથામ અને ઇઝરાયલના રાજા યરોબામના દિવસોમાં આ વંશાવળીની વિગતો એકત્ર કરી નોંધવામાં આવી હતી. પૂર્વનાં કુળોનું સૈન્ય 18 રૂબેન, ગાદ અને પૂર્વ મનાશ્શાનાં કુળોના સૈન્યમાં 44,760 સૈનિકો હતા. તેઓ ઢાલ, તલવાર અને બાણ વાપરવામાં સારી રીતે કેળવાયેલા હતા. 19 તેમણે યટૂર, નાફીશ અને નોદાબના હાગ્રી કુળ પર ચઢાઈ કરી. 20 તેમણે પોતાનો ભરોસો ઈશ્વરમાં મૂકીને તેમને સહાયને માટે પ્રાર્થના કરી હતી. ઈશ્વરે તેમની પ્રાર્થના સાંભળી અને હાગ્રીઓ તથા તેમનાં મિત્ર રાજ્યો પર વિજય અપાવ્યો. 21 તેમણે તેમના શત્રુઓ પાસેથી લૂંટમાં 50,000 ઊંટ, 2,50,000 ઘેટાં અને 2,000 ગધેડાં તેમજ 1,00,000 યુદ્ધકેદીઓ મેળવ્યા. 22 યુદ્ધમાં તેમણે ઘણા શત્રુઓનો સંહાર કર્યો, કારણ, એ ઈશ્વરની ઇચ્છા પ્રમાણેનું યુદ્ધ હતું. તેઓ દેશનિકાલના સમય સુધી એ વિસ્તારમાં રહ્યા. પૂર્વનું મનાશ્શાનું અર્ધકુળ 23 પૂર્વમાં મનાશ્શાના અર્ધાકુળના લોકોએ ઉત્તરમાં બઆલ-મેઓન, સેનીર અને હેર્મોન પર્વત સુધી બાશાનના પ્રદેશમાં વસવાટ કર્યો. તેમની વસ્તી ખૂબ વધી. 24 તેમના ગોત્રના આગેવાનો નીચે મુજબ હતા: એફેર, યિશઈ, એલીએલ, આઝીએલ, યર્મિયા, હાદાવ્યા અને યાહદીએલ. તેઓ બધા પ્રખ્યાત સૈનિકો અને પોતપોતાના ગોત્રના જાણીતા આગેવાનો હતા. પૂર્વના કુળોનો દેશનિકાલ 25 પણ લોકો તેમના પૂર્વજોના ઈશ્વરને બેવફા નીવડયા અને ઈશ્વરે દેશમાંથી જે પ્રજાઓને હાંકી કાઢી હતી તેમના દેવોને ભજવા તેમણે ઈશ્વરનો ત્યાગ કર્યો. 26 તેથી ઈશ્વરે આશ્શૂરના તેમના દેશ પર રાજા પુલ (તે તિગ્લાથ-પિલેસર તરીકે પણ ઓળખાતો) પાસે ચડાઈ કરાવી. તે રૂબેન, ગાદ અને પૂર્વ મનાશ્શાના કુળના લોકોને દેશનિકાલ કરીને લઈ ગયો અને હાલા, હાબોર અને હારામમાં તેમજ ગોઝાન નદી પાસે કાયમી વસવાટ કરાવ્યો, અને આજે પણ તેઓ ત્યાં છે. |
Gujarati Common Language Bible - પવિત્ર બાઇબલ C.L.
Copyright © 2016 by The Bible Society of India
Used by permission. All rights reserved worldwide