૧ કાળવૃત્તાંત 29 - પવિત્ર બાઇબલ C.L.મંદિર માટે ભેટ 1 દાવિદ રાજાએ આખી સભાને કહ્યું, “ઈશ્વરે મારા પુત્ર શલોમોનને જ પસંદ કર્યો છે, પણ તે હજુ જુવાન અને બિનઅનુભવી છે અને કામ મોટું છે. કારણ, આ તો માણસ માટેનો મહેલ નહિ, પણ પ્રભુનું મંદિર બાંધવાનું છે. 2 મંદિર માટે જે જે વસ્તુઓની જરૂર છે તે પ્રમાણે મેં સોનું, ચાંદી, તાંબુ, લોખંડ, ઈમારતી લાકડું, બેસાડવા માટે ગોમેદમણિ, પીરોજમણિ અને રંગબેરંગી કિંમતી પથ્થરો અને પુષ્કળ આરસપહાણ વગેરે સર્વ સાધનસામગ્રી પુષ્કળ જહેમત ઉઠાવીને તૈયાર રાખેલ છે. 3 વળી, એ સર્વ ઉપરાંત મારા ઈશ્વરના મંદિર પ્રત્યેના મારા પ્રેમને લીધે મેં મારી અંગત સંપત્તિમાંથી સોનુંચાંદી આપ્યાં છે. 4-5 મંદિરની ભીંતોને મઢવા માટે અને કારીગરો જે સર્વ ચીજવસ્તુઓ બનાવશે તેને માટે મેં સો ટન જેટલું ઓફિરનું સોનું અને લગભગ બસો ચાલીસ ટન જેટલી ચાંદી આપ્યાં છે. હવે પ્રભુને રાજીખુશીથી અર્પણ કરવા બીજું કોણ તૈયાર છે?” 6 ત્યારે ગોત્રના વડાઓ, કુળોના અધિકારીઓ, સહાધિપતિઓ અને શતાધિપતિઓ અને રાજ્યની સંપત્તિના વહીવટદારો રાજીખુશીથી આપવા તૈયાર થયા. 7 તેમણે મંદિરના કામને માટે આ પ્રમાણે આપ્યું: એક્સો સિત્તેર ટન સોનું, ત્રણસો ચાલીસ ટન કરતાં પણ વધારે ચાંદી, લગભગ છસો વીસ ટન તાંબુ, અને ત્રણ હજાર ચારસો ટન કરતાં વધારે લોખંડ. 8 જેમની પાસે કિંમતી હીરામાણેક હતાં તેમણે તે લેવીના ગેર્શોની ગોત્રના યહિયેલના વહીવટ હસ્તકના મંદિરના ખજાનામાં આપ્યાં. 9 લોકોએ રાજીખુશીથી પ્રભુને આપ્યું અને એટલું બધું અપાયું તેથી તેમને આનંદ થયો. દાવિદ રાજાને પણ ખૂબ આનંદ થયો. દાવિદનું ઈશ્વર સ્તવન 10 તેથી આખી જમાતની સમક્ષ પ્રભુની સ્તુતિ કરતાં દાવિદે કહ્યું, “હે યાહવે, અમારા પૂર્વજ ઇઝરાયલના ઈશ્વર, સદા તમારી સ્તુતિ થાઓ! 11 તમે મહાન, સામર્થ્યવાન, મહિમાવંત, ભવ્ય અને પ્રતાપી છો. આકાશ અને પૃથ્વી પર જે કંઈ છે તે તમારું છે; તમે રાજા છો, સર્વ સત્તાધીશ છો. 12 તમારા તરફથી જ સર્વ ધન અને માન પ્રાપ્ત થાય છે અને તમે તમારાં સામર્થ્ય અને સત્તાથી સર્વ પર રાજ કરો છો, અને સૌને મોટા અને બળવાન બનાવવા એ તમારા હાથમાં છે. 13 તેથી હવે હે ઈશ્વર, અમે તમારો આભાર માનીએ છીએ અને તમારા ગૌરવી નામની સ્તુતિ કરીએ છીએ.” 14 “છતાં હું અને મારા લોક હકીક્તમાં તમને કંઈ આપી શકીએ તેમ છીએ જ નહિ; કારણ, અમારું જે કંઈ છે તે તમારા તરફથી જ મળેલું છે અને જે તમારું પોતાનું છે તે જ અમે તમને આપ્યું છે. 15 હે પ્રભુ, અમે અમારા સર્વ પૂર્વજોની માફક તમારી દૃષ્ટિમાં આ જીવનમાં પરદેશી અને પ્રવાસી જેવા છીએ. પૃથ્વી પરના અમારા દિવસો છાયા જેવા અને આશા વગરના છે. 16 હે યાહવે, અમારા ઈશ્વર, તમારા પવિત્ર નામના સન્માનાર્થે મંદિર બાંધવા માટે અમે આ બધી સંપત્તિ એકત્ર કરી છે, પણ એ બધી સંપત્તિ તમારા તરફથી જ પ્રાપ્ત થયેલી છે, અને સર્વ તમારું જ છે. 17 હે મારા ઈશ્વર, હું જાણું છું કે તમે અંત:કરણને પારખો છો, અને નિખાલસ લોકો પર પ્રસન્ન થાઓ છો. મેં તો નિખાલસ અંત:કરણથી તમને આ બધું રાજીખુશીથી આપ્યું છે. અત્રે હાજર થયેલા તમારા લોકો રાજીખુશીથી તમારી પાસે અર્પણ લાવ્યા છે. તે જોઈને મને આનંદ થયો છે. 18 હે પ્રભુ, અમારા પૂર્વજો અબ્રાહામ, ઇસ્હાક અને યાકોબના ઈશ્વર, તમારા લોકના હૃદયમાં સદાયે એવી ઉત્કટ ભક્તિભાવના રાખો અને તેમને તમારા પ્રત્યે વિશ્વાસુ રાખો. 19 મારા પુત્ર શલોમોનને પણ પૂરા દિલની એવી નિષ્ઠા આપો કે તે તમારી આજ્ઞાઓ, આદેશો અને વિધિઓનું પાલન કરે અને જે મંદિર બાંધવા મેં આ તૈયારીઓ કરી છે તે બાંધે.” 20 પછી દાવિદે લોકોને કહ્યું, “તમારા ઈશ્વર પ્રભુની સ્તુતિ કરો!” આખી સભાએ તેમના પૂર્વજોના ઈશ્વર પ્રભુની સ્તુતિ કરી અને પ્રભુને તેમજ રાજાને માન આપવા નતમસ્તકે પ્રણામ કર્યા. 21 બીજે દિવસે તેમણે પ્રભુના માનમાં પશુઓનાં બલિદાન કર્યાં અને પછી લોકોને ખાવા આપ્યાં. વળી, તેમણે એક હજાર આખલા, એક હજાર ઘેટાં, એક હજાર હલવાનનું બલિદાન કર્યું અને વેદી પર તેમનો સંપૂર્ણ દહનબલિ કર્યો. તેઓ દ્રાક્ષાસવનાં પેયાર્પણ પણ લાવ્યા. 22 એમ એ દિવસે તેમણે પ્રભુની સમક્ષ ખાધુંપીધું અને આનંદ કર્યો. તેમણે શલોમોનને બીજીવાર રાજા તરીકે જાહેર કર્યો. ઈશ્વર યાહવેને નામે તેમણે તેનો રાજા તરીકે અને સાદોકનો યજ્ઞકાર તરીકે અભિષેક કર્યો. 23 આમ, શલોમોન પોતાના પિતા દાવિદ પછી પ્રભુના રાજ્યની ગાદી પર આવ્યો. તે રાજા તરીકે સફળ થયો અને સમગ્ર ઇઝરાયલે તેની આણ સ્વીકારી. 24 સર્વ અધિકારીઓ અને સૈનિકો અને દાવિદના બીજા પુત્રો પણ શલોમોનને રાજા ગણી વફાદાર રહ્યા. 25 પ્રભુએ સર્વ ઇઝરાયલી લોકોની દૃષ્ટિમાં શલોમોનને મહાન કર્યો અને ઇઝરાયલમાં થઈ ગયેલા બીજા કોઈ રાજા કરતાં તેને વધારે રાજવૈભવ આપ્યો. દાવિદનો રાજ્યકાળ 26-27 યિશાઈના પુત્ર દાવિદે ઇઝરાયલ પર ચાલીસ વર્ષ રાજ કર્યું. તેણે હેબ્રોનમાં સાત વર્ષ અને યરુશાલેમમાં તેત્રીસ વર્ષ રાજ કર્યું. 28 તે સંપત્તિવાન અને સન્માનનીય બની ઘણી પાકટ ઉંમરે મરણ પામ્યો, અને તેની જગ્યાએ તેનો પુત્ર શલોમોન રાજા બન્યો. 29 આરંભથી અંત સુધી દાવિદ રાજાનો ઇતિહાસ શમુએલ, નાથાન અને ગાદ એ ત્રણ સંદેશવાહકોના ગ્રંથોમાં નોંધેલો છે. 30 તેણે કેવી રીતે રાજ કર્યું, તે કેવો પરાક્રમી હતો, તેના પર, ઇઝરાયલીઓ પર અને આસપાસનાં રાજ્યો પર શું શું વીત્યું એ બધું એમાં લખેલું છે. |
Gujarati Common Language Bible - પવિત્ર બાઇબલ C.L.
Copyright © 2016 by The Bible Society of India
Used by permission. All rights reserved worldwide