Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -

૧ કાળવૃત્તાંત 28 - પવિત્ર બાઇબલ C.L.


મંદિર વિષે દાવિદની સૂચના

1 દાવિદ રાજાએ ઇઝરાયલના સર્વ આગેવાનોને યરુશાલેમમાં એકઠા કર્યા. એમાં કુળોના આગેવાનો, રાજવહીવટ સંભાળનાર ટુકડીઓના અધિકારીઓ, સહસ્રાધિપતિઓ, શતાધિપતિઓ, રાજા અને તેના પુત્રોની માલમિલક્ત અને પશુધન પર દેખરેખ રાખનાર, રાજમહેલના સર્વ અધિકારીઓ, શૂરવીર સૈનિકો અને અગ્રગણ્ય પુરુષો હતા.

2 દાવિદે તેમની સમક્ષ ઊભા રહીને કહ્યું, “મારા ભાઈઓ અને પ્રજાજનો, મારું સાંભળો. પ્રભુની કરારપેટી માટે કાયમી વિરામસ્થાન એટલે, ઈશ્વરના પાયાસન માટે નિવાસસ્થાન બાંધવાનું મારા મનમાં હતું. એ બાંધવાની તૈયારી પણ મેં કરી હતી.

3 પણ ઈશ્વરે મને કહ્યું, ‘તારે મારા નામના સન્માર્થે મંદિર બાંધવાનું નથી; કારણ, તું યોદ્ધો છે અને તેં ઘણું લોહી વહેવડાવ્યું છે.’

4 ઇઝરાયલના ઈશ્વર પ્રભુએ મને અને મારા વંશજોને ઇઝરાયલ પર સદા રાજ કરવાને પસંદ કર્યા છે. તેમણે રાજસત્તા આપવા માટે યહૂદાના કુળને પસંદ કર્યું, અને યહૂદાના કુળમાંથી તેમણે મારા પિતાના કુટુંબને પસંદ કર્યું. એ આખા કુટુંબમાંથી મને પસંદ કરીને સમગ્ર ઇઝરાયલ પર રાજા બનાવવાનું તેમને પસંદ પડયું.

5 તેમણે મને ઘણા પુત્રો આપ્યા છે, અને તેમણે એ બધામાંથી શલોમોનને પ્રભુના રાજ્ય ઇઝરાયલ પર રાજય કરવા પસંદ કર્યો છે.

6 પ્રભુએ મને કહ્યું, ‘તારો પુત્ર શલોમોન જ મારું મંદિર અને તેનાં પ્રાંગણ બાંધશે. મેં તેને મારો પુત્ર થવા પસંદ કર્યો છે; હું તેનો પિતા થઈશ.

7 તે જેમ હાલમાં પાળે છે તેમ મારા સર્વ નિયમો અને આજ્ઞાઓ કાળજીપૂર્વક પાળવાનું ચાલુ રાખશે તો હું તેનું રાજ્ય કાયમનું કરીશ.’

8 “તેથી હે મારા પ્રજાજનો, આપણા ઈશ્વરનાં સાંભળતાં પ્રભુના લોક એટલે ઇઝરાયલના સમસ્ત જનસમુદાયની સમક્ષ ફરમાવું છું કે આપણા ઈશ્વર પ્રભુની સર્વ આજ્ઞાઓ ખંતથી પાળો; જેથી આ ફળદ્રુપ દેશનો કબજો તમારા હસ્તક રહે અને આવનાર પેઢીઓ માટે તે વારસામાં મૂક્તા જાઓ.”

9 તેણે શલોમોનને કહ્યું, “મારા દીકરા, તું મારા પિતાના ઈશ્વરનો સ્વીકાર કર અને સંપૂર્ણ દિલથી અને રાજીખુશીથી તેમની સેવા કર. તે આપણા સૌના વિચારો અને ઈરાદાઓ જાણે છે. જો તું તેમને શોધશે, તો તે તને મળશે; પણ જો તું તેમનો ત્યાગ કરીશ તો તે તને સદાને માટે તજી દેશે.

10 યાદ રાખ કે પ્રભુએ તને તેમનું મંદિર બાંધવા પસંદ કર્યો છે; તેથી દૃઢ બન અને તે કાર્ય પાર પાડ.”

11 પછી દાવિદે શલોમોનને મંદિરનો, એટલે તેની પરસાળનો, તેનાં મકાનોનો, તેના ભંડારોનો, તેના ઉપલા માળનો, તેની અંદરની ઓરડીઓનો અને દયાસન રાખવાના પરમપવિત્રસ્થાનનો નકશો આપ્યો.

12 વળી, તેણે પોતાના મનમાં હતું તે પ્રમાણે પ્રભુના મંદિરના ચોક, તેની ચારે બાજુના ખંડો અને મંદિરની સાધનસામગ્રી અને પ્રભુને અર્પિત ભેટોના ભંડારો વિષે બધું જણાવ્યું.

13 તેણે યજ્ઞકારો અને લેવીઓની ટુકડીઓની વ્યવસ્થા, પ્રભુના મંદિરમાંનું સર્વ સેવાકાર્ય તેમજ સેવામાં વપરાતાં સર્વ પાત્રો વિષે સૂચનાઓ આપી.

14 વળી, જુદી જુદી સેવામાં વપરાતાં પાત્રોમાં કેટલું સોનું કે રૂપું વાપરવું તે પણ તેણે ઠરાવી આપ્યું.

15 દીવીઓમાં અને તેનાં કોડિયાંમાં કેટલું સોનું વાપરવું.

16 ચાંદીની બાજઠોમાં કેટલી ચાંદી અને ઈશ્વરને અર્પિત રોટલી માટેની સોનાની મેજમાં કેટલું સોનું વાપરવું,

17 ચીપિયા, કટોરા, અને વાટકાઓમાં કેટલું ચોખ્ખું સોનું વાપરવું અને થાળીઓમાં કેટલું સોનું અને કેટલી ચાંદી વાપરવાં,

18 ધૂપવેદી બનાવવામાં અને પ્રભુની કરારપેટી પર પાંખો પ્રસારી આચ્છાદાન કરનાર વાહકો એટલે કરૂબોમાં કેટલું ચોખ્ખું સોનું વાપરવું તે તેણે જણાવ્યું.

19 દાવિદ રાજાએ કહ્યું, “પ્રભુએ પોતે આપેલી સૂચનાઓ પ્રમાણે લખવામાં આવેલ લેખમાં એ બધું જણાવેલ છે.”

20 દાવિદ રાજાએ પોતાના પુત્ર શલોમોનને કહ્યું, હિંમત રાખ અને કૃતનિશ્ર્વયી બન. કામનો આરંભ કર અને કશાથી એ અટકે નહિ. હું જેમની સેવા કરું છું તે મારા ઈશ્વર પ્રભુ તારી સાથે રહેશે. તે તને તજી દેશે નહિ, પણ મંદિરનું બાંધકામ સંપૂર્ણ કરવામાં તે તારી સાથે રહેશે.

21 યજ્ઞકારો અને લેવીઓએ પ્રભુના મંદિરમાં વારા પ્રમાણે ફરજ બજાવવા ટુકડીઓની વ્યવસ્થા કરેલી છે. માટે પ્રવીણ કારીગરો તને મદદ કરવા તત્પર છે અને સર્વ લોકો અને તેમના આગેવાનો તને આધીન છે.

Gujarati Common Language Bible - પવિત્ર બાઇબલ C.L.

Copyright © 2016 by The Bible Society of India
Used by permission. All rights reserved worldwide

Bible Society of India
Lean sinn:



Sanasan