૧ કાળવૃત્તાંત 27 - પવિત્ર બાઇબલ C.L.લશ્કરી અને વહીવટીતંત્ર 1 ઇઝરાયલીઓનાં કુટુંબોના વડા, ગોત્રના આગેવાનો અને સહાધિપતિઓ અને શતાધિપતિઓ તથા અન્ય અધિકારીઓની આ યાદી છે; તેઓ રાજયવહીવટની કામગીરી સંભાળતા. વર્ષના પ્રત્યેક મહિને તે માસના મુખ્ય અધિકારી હેઠળની ટુકડી વારા પ્રમાણે ફરજ પર રહેતી. પ્રત્યેક ટુકડી ચોવીસ હજારની હતી. 2-15 પ્રત્યેક માસના મુખ્ય અધિકારી આ પ્રમાણે હતા: પ્રથમ માસ: ઝાબ્દીએલનો પુત્ર યાશોબ્યામ (તે યહૂદાના કુળના પેરેસના ગોત્રનો હતો). બીજો માસ: અહોહીનો વંશજ દોદાઈ (મિકલોથ તેના પછીનો અધિકારી હતો). ત્રીજો માસ: યહોયાદા યજ્ઞકારનો પુત્ર બનાયા; તે “ત્રીસ શૂરવીરો” આગેવાન હતો. (તેના પછી તેનો પુત્ર આમ્મીનાદાબ આ ટુકડીનો મુખ્ય અધિકારી થયો.) ચોથો માસ: યોઆબનો ભાઈ અસાહેલ (તેના પછી તેનો પુત્ર ઝબાદ્યા આવ્યો) પાંચમો માસ: યિસ્હારનો વંશજ શામ્હૂથ. છઠ્ઠો માસ: તકોઆ ગામના ઈક્કેશનો પુત્ર ઈરા. સાતમો માસ: પલોન ગામનો એફ્રાઈમના કુળનો હેલેશ. આઠમો માસ: હુશામાંનો સિબ્બખાય (તે યહૂદાના કુળના ઝેરાના ગોત્રનો હતો). નવમો માસ: બિન્યામીનના કુળ પ્રદેશમાં આવેલ અનાથોથ નગરનો અબિએઝેર. દસમો માસ: નટોફાનો મહારાય (તે ઝેરાના ગોત્રનો હતો). અગિયારમો માસ: એફ્રાઈમના મુલકમાંના પીરાથોનનો બનાયા. બારમો માસ: નટોફાનો હેલ્દાય (તે ઓથ્નીએલનો વંશજ હતો). ઇઝરાયલી કુળોનો વહીવટ 16-22 ઇઝરાયલી કુળો પરના વહીવટદારોની યાદી આ પ્રમાણે છે: રૂબેનના કુળનો વહીવટદાર ઝિખ્રીનો પુત્ર એલિએઝેર હતો. શિમયોનના કુળનો વહીવટદાર માખાનો પુત્ર શફાટયા હતો. લેવીના કુળનો વહીવટદાર કમૂએલનો પુત્ર હશાબ્યાહ હતો. આરોનના કુળનો સાદોક હતો. યહૂદાના કુળનો વહીવટદાર દાવિદ રાજાનો ભાઈ એલીહૂ હતો. ઇસ્સાખારના કુળનો વહીવટદાર મિખાયેલનો પુત્ર ઓમ્રી હતો. ઝબુલૂનના કુળનો વહીવટદાર ઓબાદ્યાનો પુત્ર ઈશ્માયા હતો. નાફતાલીના કુળનો વહીવટદાર આઝિયેલનો પુત્ર યરીમોથ હતો. એફ્રાઈમના કુળનો વહીવટદાર અઝાઝિયાનો પુત્ર હોશિયા હતો. પશ્ર્વિમ મનાશ્શાના કુળનો વહીવટદાર પદાયાનો પુત્ર યોએલ હતો. ગિલ્યાદમાં પૂર્વ મનાશ્શાના કુળનો વહીવટદાર ઝખાર્યાનો પુત્ર ઈદ્દો હતો. બિન્યામીનના કુળનો વહીવટદાર આબ્નેરનો પુત્ર યાસીએલ હતો. દાનના કુળનો વહીવટદાર યરોહામનો પુત્ર અઝારેલ હતો. 23 દાવિદ રાજાએ વીસ વર્ષથી ઓછી વયના લોકોની ગણતરી કરી નહિ; કારણ, પ્રભુએ ઇઝરાયલ લોકોની સંખ્યા આકાશના તારાઓ જેટલી વધારવાનું વચન આપ્યું હતું. 24 યોઆબ, જેની માતા સરૂયા હતી, તેણે વસ્તીગણતરી તો શરૂ કરી. પણ પૂરી કરી નહિ. એ વસ્તીગણતરીને કારણે ઈશ્વર ઇઝરાયલ પર શિક્ષા લાવ્યા. તેથી દાવિદ રાજાના ઇતિહાસમાં એ ગણતરીનો આખરી આંકડો દર્શાવવામાં આવ્યો નથી. રાજદ્વારી મિલક્તના વહીવટદારો 25-31 રાજ્યની મિલક્ત પર નિમાયેલા વહીવટદારોની યાદી આ પ્રમાણે છે: રાજ્યના ભંડારો પર અદિયેલનો પુત્ર અઝમાવેથ વહીવટદાર હતો. સીમ, ગામ અને કિલ્લાના સ્થાનિક ભંડારો પર ઉઝિયાનો પુત્ર યોનાથાન હતો. ખેતમજૂરો પર કલુબનો પુત્ર એઝરી હતો. દ્રાક્ષાવાડીઓ પર સમા નગરનો શિમઈ હતો. દ્રાક્ષારસ અને દ્રાક્ષપેદાશના કોઠારો પર શેફામનો ઝાલ્દી હતો. પશ્ર્વિમની ટેકરીઓ પર ઓલિવ અને ગુલ્લરનાં વૃક્ષો માટે ગેદેર નગરનો બાલ-હનાન હતો. ઓલિવ તેલ ભંડારો પર યોઆશ હતો. શારોનના મેદાનનાં પશુધન માટે શારોનનો શિર્ના હતો. ખીણપ્રદેશના પશુધન માટે આદલાઈનો પુત્ર શાફાટ હતો. ઊંટો માટે ઓબિલ ઈશ્માએલી હતો. ગધેડાં માટે મહેનોથનો યહેદિયા હતો. ઘેટાંબકરાં માટે યાઝીઝ હાગ્રી હતો. દાવિદના અંગત સલાહકારો 32 દાવિદ રાજાનો ક્કો યોનાથાન સમજુ સલાહકાર અને વિદ્વાન હતો. તે તથા હાખમોનીનો પુત્ર યહિયેલ રાજાના પુત્રોની તાલીમ માટે હતા. 33 અહિથોફેલ રાજાનો સલાહકાર અને હુશાય આર્કી રાજાનો મિત્ર અને સલાહકાર હતો. 34 અહિથોફેલના મરણ પછી બનાયાના પુત્ર અબ્યાથાર અને યહોયાદા રાજાના સલાહકાર બન્યા. યોઆબ રાજાનો સેનાપતિ હતો. |
Gujarati Common Language Bible - પવિત્ર બાઇબલ C.L.
Copyright © 2016 by The Bible Society of India
Used by permission. All rights reserved worldwide